Thursday, 20 June 2024

નીટ-2024 ......... રી-નીટ પણ આ જ વર્ષે લેવાશે કે કેમ?

નીટ-2024 ......... રી-નીટ પણ આ જ વર્ષે લેવાશે કે કેમ? 

 NEET-UG 2024 controversy: Bihar engineer confesses 'paper leak', 'Mantri  Ji' connect comes to fore - BusinessToday

   નીટ-2024, જરાપણ નીટ નથી રહી. અનેક વિવાદોથી ઘેરાયેલી આ પરીક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહ્યું છે. નીટ આપવી અને નીટમાં સારા માર્ક્સ આવે એ માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતાં હોય છે. પોતાના બધા જ શોખોને બે વર્ષ માટે અભેરાઈએ ચડાવીને વિદ્યાર્થીઓ રાત-દિવસ જોયા વિના આ પરીક્ષાની તૈયારી કરતાં હોય છે. માતા-પિતા પણ પોતાનું સંતાન આ પરીક્ષામાં સારા માર્ક્સ આવે, એ માટે પોતાનાથી બનતું કરી છુટતા હોય છે. અગાઉ નીટ ઓલ-ઇન્ડિયા પ્રી-મેડિકલ ટેસ્ટ (AIPMT) તરીકે ઓળખાતી. તે સમગ્ર દેશમાં તમામ તબીબી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યોજાતી એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( NTA) દ્વારા લગભગ દરેક પ્રાદેશિક ભાષામાં આ પરીક્ષા દર વર્ષે લેવાય છે.

 

  સારામાં સારી શાળાઓમાં, સારામાં સારા ક્લાસીઝમાં પોતાના સંતાનોને માતા-પિતા મોકલતા હોય છે. એના માટે માતા-પિતા ઘણીવાર પોતાની આખી જિંદગીભરની કમાણી દાવ પર લગાવી દેતાં હોય છે. કોઈ એક વર્ષે નીટની પરીક્ષામાં સારા માર્ક્સ ના આવે તો વિદ્યાર્થીઓ રી-નીટ માટે પણ તનતોડ મહેનત કરતાં હોય છે. આંખોમાં ડોક્ટર બનવાના સપના લઈને હજારો હોશિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે પોતાનું સઘળું દાવ પર લગાવી દેતાં હોય છે. અને એ પરીક્ષામાં આ વર્ષે અનેક છબરડા અને ગેરરીતિઓ થઈ હતી. જે હવે ધીમે ધીમે બહાર આવી રહી છે.

  ગયા મહિને 5મી મેના રોજ લેવાયેલી આ પરીક્ષા આશરે 24 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. અને હવે આ પરીક્ષા સાથે જોડાયેલા વિવાદો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા.. નીટની પરીક્ષા ચાલુ હતી, ત્યારે જ આ પરીક્ષા રદ કરવાની માંગણીઑ થઈ હતી, કારણકે રાજસ્થાન અને બિહારમાં આ પેપર લીક થયાના સમાચારો લીક થઈ ગયા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા આપી નીટની પરીક્ષા પાસ કરી લેવાની ગેરંટી લઈ લીધી હતી. તો ઘણા પરીક્ષા કેન્દ્રો પર નીટનું પેપર વિદ્યાર્થીઓને આપવામાં મોડુ થઈ ગયું હતું, તો કેટલાયે કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તેઓના માધ્યમ કરતાં અલગ જ માધ્યમનું પેપર આપી દેવાયું હતું! વળી કેટલાક પ્રશ્નોનાં એક કરતાં વધુ સાચા જવાબો વિકલ્પોમાં અપાયેલા હતા. નીટ-2024ની પ્રોવિઝનલ આન્સર કી બાબતે પણ વિવાદો થયેલા.

  10 દિવસ વહેલા અપાયેલા નીટના પરિણામે દેશભરમાં વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાવી દીધો છે. નીટનું પરિણામ લોકસભાના પરિણામોની જેમ ઘણાને અનપેક્ષિત લાગી રહ્યું છે.  પૂરા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યાએ બધાને ચોંકાવી દીધા છે. 2023માં પૂરા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર બે હતી, જે આ વર્ષે વધીને 67 ની થઈ ગઈ! એક જ સેન્ટરના ઘણા બધા વિદ્યાર્થીઓને પૂરા માર્ક્સ આવ્યા છે!  જે કેન્દ્રો પર પેપર મોડુ  દેવાયું હતું, તે કેન્દ્રોના વિદ્યાર્થીઓને 70/80 ગ્રેસિંગ માર્ક્સ આપી દેવાયા. ત્યારબાદ તો વિવાદો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપ્યા તો તેઓના માર્ક્સ 718/719 સુધી પહોંચી ગયા, જે નીટની નેગેટિવ માર્કિંગ સિસ્ટમ મુજબ શક્ય નથી!

  કેટલાયે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ દ્વારા આ પરિણામનો વિરોધ થયો. જેને લઈને જે તે કેન્દ્ર્ના એ 1563 વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મેડિકલમાં પ્રવેશ-કાર્ય નહી અટકે એવું ફરમાન કરી દીધું છે. હવે એ વિદ્યાર્થીઓની પરીક્ષા 23મી જૂને લેવાશે. અને 30મી જૂને પરિણામ આવશે. કોઈ સસ્પેન્સ થ્રીલર મુવીની જેમ નીટ-2024માં રોજ નવા નવા સસ્પેન્સ ખૂલી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં દિન-પ્રતિદિન અસંતોષ વધી રહ્યો છે. નીટની પરીક્ષા આ વર્ષે ફરીથી લેવાય એવી પણ માંગણીઓ થઈ રહી છે.

  જો લોકસભાની ચૂંટણીને લીધે વ્યવસ્થા નહોતી થઈ શકે એમ તો નીટની પરીક્ષા થોડી મોડી લેવાની જરૂર હતી. 10દિવસ વહેલું પરીણામ શા માટે આપી દેવાયું? દેશના હોનહાર વિદ્યાર્થીઓ માટે સૌથી જરૂરી પરીક્ષામાં જો આટલા બધા ગોટાળા થઈ શકે, તો સામાન્ય પરીક્ષાઓમાં કોઈ શું ધ્યાન આપતું હશે? વળી દરેક પ્રવેશ પરીક્ષાના પેપર કઠિનતા મૂલ્યને ધ્યાનમાં લઈને કાઢવાના હોય છે. તો પછી એક વર્ષ પેપર સહેલું અને એક વર્ષ એકદમ અઘરું એવું શા માટે? આમ વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન કેમ થઈ શકે? એક વર્ષે 570 માર્કસ લાવનારને એમ.બી.બી.એસ. માં પ્રવેશ મળી જાય અને બીજા વર્ષે એટલાજ માર્ક્સ મેળવનારને પ્રવેશ ના મળે!

  છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં મોટા ભાગની મહત્વની પરીક્ષાઓના પેપર્સ ફૂટી રહ્યા છે, એમાથી કેટલાને સજા થઈ? દેશના ભાવી નાગરીકોના ઉજ્જવળ ભાવી સાથે રમત કરનાર આ લોકોને સજા કોણ આપશે? દેશની સૌથી મહત્વની પરીક્ષાના સંચાલનમાં પડેલા આ ગાબડાં કોણ પુરશે? વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે કેમ?

  

  

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...