શું વિરોધ અને વિવાદ છે? ‘મહારાજ’
ધર્મ એવો રસ્તો છે, જે આપણને ઈશ્વર કે ખુદા સુધી પહોંચાડે છે. આપણને સાચું જીવન જીવતા શીખવે છે. પ્રામાણિકતાના રસ્તે ચાલતા શીખવે છે. જીવનમાં મૂલ્યોની શિક્ષણ આપણે ધર્મ થકી જ મેળવી શકીએ છીએ. આપણે ભારતના લોકો આપણાં ધર્મ પ્રત્યે કે પછી સંપ્રદાયો પ્રત્યે એટલા બધા લાગણીશીલ છીએ કે આપણી એ લાગણીઓનો ગમે તે લોકો ગલત ફાયદો ઉઠાવી જાય છે. આપણે ધર્મ પ્રત્યેની લાગણીઓને એરા-ગેરા એવા ગમે તેવા લોકો છંછેડી જાય છે અને આપણે છંછેડાઈ પણ જઈએ છીએ. અને આપણાં જ દેશની મહત્વની સંપતિને નુકસાન પહોંચાડીએ છીએ.
એના કરતાં પણ અગત્યનું એ છે કે આપણે એ લોકોના પબ્લિસિટી સ્ટંટના શિકાર બની જતાં હોઈએ છીએ. હમણાં હમણાં આમિરખાનના દીકરા જૂનેદખાનને ઇનટ્રોડ્યુસ કરવા બનાવેલી ફિલ્મ મહારાજ સામે અમુક સંપ્રદાયના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. આ ફિલ્મ લેખક સૌરભ શાહના પુસ્તક ‘મહારાજ’ પરથી બનાવેલી છે. જે પુસ્તક ઇ.સ. 1860માં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.
ઇ.સ. 1860માં કરસનસદાસ મૂળજી નામના એક ગુજરાતીએ ‘સત્ય પ્રકાશ’ નામે એક ગુજરાતી સમાચાર પત્રમાં જદુનાથજી બ્રીજરતનજી મહારાજ કે જેઓ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના અગ્રણી ધર્મગુરુ જદુનાથજી બ્રીજરતનજી મહારાજ પર કથિત જાતીય ગેરવર્તણૂકને ખુલ્લી પાડતો લેખ લખ્યો હતો. એ લેખમાં કરસનદાસ મુળજીએ ધર્મગુરુના ધાર્મિક પ્રથાઓના ઓઠા હેઠળ મહિલાઓના શોષણ વિષે માહિતી આપી હતી.
જદુનાથજી મહારાજે 14 મે 1861ના રોજ બોમ્બે સુપ્રીમ કોર્ટમાં કરસનદાસ મુલજી અને તેના પ્રકાશક નાનાભાઈ રૂસ્તમજી રાનીના સામે 21 ઓક્ટોબર 1860ના રોજ પ્રકાશિત થયેલા એ લેખ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરેલો. જેનો ચુકાદો ઇ.સ. 1862માં આવેલો. કોર્ટમાં જદુનાથજી મહારાજને પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિષે કેટલીક અગત્યની બાબતો પૂંછવામાં આવેલ, જેનો તેઓની પાસે કોઈ જવાબ નહોતો! એટલું જ નહી વૈષ્ણવોનું સૌથી પ્રખ્યાત યાત્રાધામ શ્રીનાથજી ક્યાં આવેલું છે? તે પણ તેઓને નહોતી ખબર! જે સંપ્રદાયના તેઓ ધર્મગુરુ હતા, તેના વિષેની પાયાની માહિતી જ તેઓ પાસે નહોતી.
કોર્ટે એવું કહીને ચુકાદો કરસનદાસજીની તરફેણમાં આપેલો કે આ લેખ કોઈ સંપ્રદાય વિરુદ્ધ નહી, પણ એક વ્યક્તિ જે પોતાના પદનો ગલત ફાયદો ઉઠાવી રહ્યા હતા, તેઓની વિરુદ્ધમાં લખાયો હતો. કોર્ટે જદુનાથજી મહારાજને કરસનદાસજીને 11500નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપેલો. આ કેસને આધાર તરીકે લઈને ‘મહારાજ’ ફિલ્મ બનાવવામાં આવી છે. જેનો વિરોધ વૈષ્ણવ સંપ્રદાયના લોકો દ્વારા ઠેર ઠેર થઈ રહ્યો છે. આ મામલો કોર્ટમાં ગયો છે અને કોર્ટે ફિલ્મની રીલીઝ અટકાવી દીધી છે. સોસિયલ મીડિયા પર આ મૂવી ના જોવા બાબતે પોસ્ટ વાઇરલ થઇ રહી છે.
વળી એક વખત રામલીલા અને પદમાવતની રીલીઝ વખતે જે થયુ હતું તે થઈ રહ્યું છે. આ બંને મુવીમાં અસાધારણ કશું નહોતું, પણ પબ્લિસિટી સ્ટંટને લીધે ફિલ્મો ચાલી ગઈ. આપણે જ્યારે પણ વિરોધ કરીએ, પેલા સમજી લઈએ કે સાચી હકીકત શું છે? હકીકત જાણ્યા-સમજ્યા વિના જો આવી જ રીતે આપણે વિરોધ કરતાં રહીશું તો દરેક વખતે આપણી લાગણીઓનો કોઈને કોઈ ગલત ફાયદો ઉઠાવતા રહેશે. આ એક ઐતિહાસિક કેસ છે, એનાથી વિશેષ બીજું કશું નહી.
જેટલો વિરોધ કરીશું, એટલી જ કુતુકુલતાથી લોકો મૂવી જોવા જશે. અને એ જ મૂવી બનાવનારા લોકોને જોઈએ છે. અગાઉના હિટ થયેલા મુવીઝની જેમ આ મુવીમાં પણ કઈ નહી હોય તોપણ તે ચાલી જશે. આનો સાચો વિરોધ છે, એનો વિરોધ ના કરવો તે! આપણા સંપ્રદાયોમાં જે કઈ સડો પેસી ગયો છે, એનાથી કોઈ અજાણ્યું નથી. હકીકતમાં તો આપણે સૌએ આપણી આંધળી અંધશ્રદ્ધાનો વિરોધ કરવાની જરૂર છે. જે કામ કરસનદાસ મૂળજીએ કર્યું હતું તે આપણે પણ કરવાની જરૂર છે.
કોઈ એક મૂવીથી આવા સુંદર સંપ્રદાય કે જેનો પાયો ખુદ શ્રીકૃષ્ણ ભગવાન છે, તેને કશું થઈ જવાનું નથી. આ મૂવી બનાવનાર ભવિષ્યમાં બીજા કોઈ ધર્મમાં રહેલી આવી ખામીઓને દર્શાવતી ફિલ્મ બનાવશે તેવી તેઓ પાસે અપેક્ષા.. મૂળ વિવાદ જ ત્યાં છે. સનાતન કે હિન્દુ ધર્મ વિષે તમે ગમે ત્યારે ગમે તે લખી શકો છો કે મૂવી બનાવી શકો છો, અમુક ધર્મ કે સંપ્રદાયો વિષે આવું સાચું લખી કે બોલી શકાતું નથી. યાદ કરો નુપુર શર્મા વાળો કિસ્સો, હજી તેઓ જાહેરમાં ક્યાય દેખાતા નથી! છાશવારે આ ધર્મને નિશાન બનાવવામાં આવે છે.
તમે સત્ય જ દેખાડવા માંગો છો, તો દરેક સંપ્રદાયનું બતાવો. કોઈને ચીતરવાનો નહી, તેનું સાચું ચિત્ર દેખાડવાનો પ્રયત્ન કરો.
No comments:
Post a Comment