શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી સંભાવનાને શોધી નથી રહ્યા અને માતા-પિતા પોતાના સંતાનોની ક્ષમતાઓને સમજી નથી રહ્યા. અત્યારની શિક્ષણપદ્ધતિના આ સૌથી મોટા સત્યો છે. પણ આ સત્યો કોઈને સ્વીકારવાં નથી. કારણકે સત્યથી દૂર ભાગવાની આપણાં સૌની જૂની આદત છે. આપણી શિક્ષણપદ્ધતી દરેક વિદ્યાર્થીઓને એક જ લાકડીથી હાંકી રહી છે. આજકાલના વર્ગ-ખંડોની સૌથી મોટી સમસ્યા છે, જે બાળકોને ભણવું નથી. તેઓને જ્ઞાન સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓને મન શાળા કે કોલેજ એટલે ટાઇમપાસ કરવાનું શ્રેસ્ઠ સ્થળ... અને આવા વિદ્યાર્થીઑ સાથે માથાકૂટ વધુ થવાને લીધે વર્ગ-શિક્ષણ વધુ ને વધુ ડિસ્ટર્બ થઈ રહ્યું છે. વળી આવા વિદ્યાર્થીઓ પણ જાજા છે.
દરજીના દીકરાને દરજી નથી થવું, ખેડૂતના સંતાનો ખેતીથી ભાગી રહ્યા છે, મજૂરી કરવી એ તો જાણે અપરાધ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. બધાને એવું લાગી રહ્યું છે કે ભણીને માત્ર ‘વાઇટ કોલર’ જોબ જ મેળવી શકાય છે. ભણીને પણ ખેડૂત કે દરજી કે પ્લંબર બની શકાય છે. એવી વિચારધારા તો જાણે કે આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. બધા એક જ દીશા તરફ દોડી રહ્યા છે, જેને લીધે આજે આપણને અમુક ક્ષેત્રોમાં કામ કરનારા લોકો જ નથી મળી રહ્યા. નથી સારા કલાકારો મળી રહ્યા કે નથી સારા રમતવીરો મળી રહ્યા!
શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા 40/45 બાળકો હોય છે. એટલે કે એક વર્ગમાં 40/45 વ્યક્તિત્વો હોય છે. અને વળી બધા જ એકબીજાથી અલગ અલગ! કોઈને રમતમાં રસ છે, તો કોઈને કળામાં તો વળી કોઈને સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાવું ગમે છે. કોઈને પ્રયોગો કરવા ગમે છે, તો કોઈને કવિતાઓ વાંચવી અને લખવી ગમતી હોય છે. દરેક બાળકના રસનો વિષય અલગ અલગ હોય છે, પણ આપણી શિક્ષણ-પ્રથા તો બધા માટે એક જ સરખી રહે છે.
આજે બાળકો બહુ નાની ઉંમરે સ્કૂલના પગથિયાં ચડતાં થઈ ગયા છે. સાત વર્ષ સુધી તે પેહલા આસપાસના પર્યાવરણમાથી જે કઈ નેચરલી શીખતું હતું, એ ઉંમર તેની ફરજિયાત શિક્ષણમાં ખર્ચાઈ જાય છે. મનોવિજ્ઞાન મુજબ 0થી4 વર્ષ દરમિયાન બાળક સૌથી વધુ ગ્રાસપિંગ કરતું હોય છે, અને એ તેની એ ઉંમર જ શાળાની ચાર દિવાલો વચ્ચે ભીંસાઈ જાય છે. તેઓને ગમે છે, કઈક બીજું અને તેઓ કરી રહ્યા છે કઈક બીજું! નાના બાળકોની પતંગિયા જેવી કલરફૂલ દુનિયાને આપણે યુનિફોર્મ પહેરાવીને રંગહીન કરી દિધી છે. તેઓને આપણે ખીલવાનો મોકો જ નથી આપી રહ્યા. એક રૂટિન મુજબ જે કઈ શીખવાનું હોય તે બધુ તેઓ પર થોપી રહ્યા છીએ. સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન વચ્ચે તેઓની દુનિયા ભુલભુલામણીમાં ખોવાઈ ગઈ છે.
જે રીતે એક માળી પોતાના બાગના દરેક ફૂલને, દરેક છોડને સિંચે છે, એમ જ આપણે પણ બાળકોને સિંચવાના હોય છે, પણ આપણે તો તેઓને વહેલી તકે સ્કૂલોને સોંપીને એ જવાબદારીમાથી છટકવા માંગીએ છીએ. નહી ભણે તો શું કરીશ? એવું કહીને જે માતા-પિતા પોતાના બાળકોને જીંદગીની રેસમાં દોડાવી રહ્યા છે, તેઓને ખબર નથી કે તેઓ બાળકોમાં રહેલી નિર્દોષતા અને નિખાલસતાને ખતમ કરી રહ્યા છે. તે એક ખીલવા મથતા ફૂલને ફરજિયાત ‘શો-પીસ’ બનાવીને દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. તેઓ પોતાના જ સંતાનોમાં રહેલી સંભાવનાઓને ખતમ કરી રહ્યા છે. તેઓમાં રહેલી મૌલિકતા અને સર્જનાત્મકતાને કેદ કરી રહ્યા છે.
મોટા ભાગના માતા-પિતા પોતાના બાળકોને એક એવા બજારને હવાલે સોંપી રહ્યા છે, જ્યાં માત્ર ખણખણતા સિક્કાઓ જ ચાલતા હોય છે. આજે કોઈ સારી સંસ્થાની ફી જાણીશું તો ખ્યાલ આવશે કે આપણાં સૌની આવકનો એક બહુ મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચાઈ રહ્યો છે. અને એ પણ બિનજરૂરી રીતે! શિક્ષણ વાસ્તવિકતાથી પ્રકાશવર્ષ જેટલું દૂર થઈ ગયું છે. જે કાઇપણ આપણે પુસ્તકોમાથી બાળકોને શીખવાડી રહ્યા છીએ, તે એટલું બધુ આઉટડેટેડ થઈ ગયું છે કે એમાં બાળકોને આગળના શિક્ષણ પ્રત્યે પ્રેરણા આપી શકાય એવું કશું છે જ નહી. નથી પુસ્તકો અપડેટ થતાં કે નથી અપડેટ થતાં શિક્ષકો! સરકારને આંકડાઓ સાથે અને ખાનગી શાળાઓને ફી સાથે જ માત્ર લેવાદેવા છે.
મોટા ભાગની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન કરતી જ નથી. ઢગલો માર્કસ આપી દેવા અને દસમા ધોરણ સુધી પાસ કરી દેવા. પછી એ બાળક જ્યારે દસમામાં આવે, ત્યારે ખબર પડે કે આને તો વાંચતાં પણ નથી આવડતું! અને એથી પણ વધુ એ જ વિદ્યાર્થી જ્યારે વાસ્તવિક જીવનમાં પગ મૂકે છે, તો તેને ખુદને એવું લાગે છે કે હું ભણ્યો હતો, એવું તો અહી કશું છે જ નહી!
ભણીશું એટલે તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જશે. એવું આપણને લાગતું હતું, પણ હવે શિક્ષણ જ સૌથી મોટી સમસ્યા બની રહી ગયું છે.
No comments:
Post a Comment