Tuesday 9 April 2024

કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે ‘જિંદગી’

 કુદરતે લાગણીઓના રંગો થકી સજાવેલી રંગોળી એટલે જિંદગી

 

Holi 2024 Date, History and Significance in India

જિંદગીમાં નવા રંગો ઉમેરતા રહેવા જરૂરી છે. હકીકત તો એ છે કે વિવિધતા અને નવીનતા એ જિંદગીના એ રંગો છે, જેના થકી જિંદગીનું ચિત્ર એકદમ કલરફૂલ બની જતું હોય છે. આપણાં સૌના જીવનમાં રંગોનું મહત્વ અનેરું હોય છે. દરેકનો એક ફેવરિટ રંગ હોય છે. અને મનોવિજ્ઞાન એમ કહે છે કે એ ફેવરિટ રંગને આધારે લોકોનું વ્યક્તિત્વ જાણી શકાય છે. વ્યક્તિને ઓળખી શકાય છે! અને સાથે સાથે મનોવિજ્ઞાન એમ પણ કે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ રંગોની પસંદગી બાબતે વધુ પર્ટીક્યુલર હોય છે!

  નાના હતા ત્યારે વિજ્ઞાનમા પ્રાથમિક અને ગૌણ રંગો ભણવામાં આવતા. પ્રાથમિક રંગોને ભેગા કરીએ એટલે ગૌણ રંગો બને! સફેદ રંગ પર પ્રકાશ રીફલેક્ટ કરીએ એટલે અનેક રંગોમાં તેનું વિભાજન થાય અને એ બધા રંગોને ભેગા કરીએ એટલે સફેદ રંગ પાછો મળે! (જિંદગીમાં જેઓ સુખ અને દૂ:ખ બંનેના રંગોને સ્વીકારે છે, તેઓની જિંદગી પણ અનેક રંગોમાં વિભાજિત થઈને મેઘધનુષ જેવી બની રહે છે.) તો વળી  મેઘધનુષના રંગોને જાનીવાલીપીનારા સૂત્ર બનાવી યાદ રાખતા. અને વર્ષાઋતુમાં જ્યારે મેઘધનુષ જોવા મળી જતું, તો ઉત્સવ જેવો આનંદ મનમાં છવાઇ જતો!

  પ્રેમનો રંગ સૌથી પાકો હોય છે, એના વગર જિંદગીનું ચિત્ર સાવ ફિક્કું લાગવાનુ. સંબંધો છે, તો હ્રદય ધબકતું રહેવાનુ! કાર્ડિયોગ્રામની લાઈનો સીધી ના થઈ જાય એ માટે, મિત્રતાના રંગો જિંદગીમાં ઉમેરતા રહીએ. એક એવો રંગ જેના થકી જિંદગી કાયમ વિસ્તરતી રહે છે, વિકસતી રહે છે, એ લાગણીઓનો રંગ! આ રંગો જિંદગીના પ્રાથમિક રંગો છે. જેના થકી જિંદગીમાં બીજા રંગો ઉમેરાતા રહે છે. માટે બીજા કોઈ બિનજરૂરી, આંખો આંજી નાખે તેવા રંગોની પાછળ દોડીને આ રંગોને અવગણવા નહી.....

  સફેદ અને કાળો બંને રંગહીન કલર છે. આપણે ત્યાં તો દરેક પ્રસંગ માટે, દરેક ધર્મ માટે, દરેકના ભગવાન માટે અલગ અલગ રંગ નક્કી થયેલો છે. શુભ પ્રસંગોના રંગ અલગ, અશુભ પ્રસંગોના રંગ અલગ!. અને એ રંગ પસંદગી પાછળ વૈજ્ઞાનિક સત્ય પણ છે! જો કે કાળા રંગને આપણે બિચારાને ખરાબ પ્રસંગો સાથે જોડી દીધો છે, પણ યાદ રહે ભૂતકાળમાં જિંદગી ‘white & black’ જ હતી, એ તો હવે એ રંગીન બની છે. જિંદગીમાં કાળા રંગ રૂપી અંધકાર છે, તો આપણે પ્રકાશના મહત્વને સમજી શકીએ છીએ.

  કુદરત તો આપણી પાસે અનેક રંગો લઈને આવે છે, બસ આપણને એ રંગો જિંદગીના કેનવાસ પર પાથરતા આવડવા જોઈએ. અને સૌથી અગત્યનું એ રંગોને માણવા માટેનો સમય આપણી પાસે હોવો જોઈએ. એ રોજ સવારે ઊગતા સૂર્ય સાથે રંગોની ગરિમા લઈને આવે છે, પક્ષીઓના કલરવનો રંગ એમાં ઉમેરાતો રહે છે, વૃક્ષોનો રંગ, ફૂલોના રંગ, ફળોના રંગ, વગેરે વગેરે રંગો સાથે એ આપણાં કેનવાસને રંગીન બનાવવાની તકો આપે છે. અને જ્યારે સાંજે ઢળતો સુરજ તેના આછા આછા રંગો થકી આપણને નવી સવાર માટે આવજો કહે છે, ત્યારે આપણને આખા દિવસના થાકના રંગો સમજાવે છે, કે જિંદગીમાં શાંતિના રંગો પણ જરૂરી છે!

   સાંજે  ઘરની અગાશી પરથી આકાશ સામે નજર મંડાય જાય, તો ખબર પડે કે આકાશ કેટલા કેટલા રંગો લઈને આપણને મળવા આવે છે. આકાશ જેટલું રંગીન કોઈ નથી. આપણે માણસો પણ ગઝબ છીએ, ઘરની અગાશી પરથી દેખાતા આવા અનુપમ સૌંદર્યને છોડીને આપણે પૈસા ખર્ચીને એ જ રંગો જોવા દૂર જતાં હોઈએ છીએ. એમાં પણ જો કોઈ સાંજે સંધ્યા ખીલી હોય તો એ રંગો થકી જીંદગીની એ ક્ષણો અનલિમિટેડ આનંદથી ભરાઈ જતી હોય છે.

  નાના હોય ત્યારે નિખાલસતાનો રંગ, તરુણ હોઈએ ત્યારે હોર્મોન્સના રંગો, યુવાનીમાં જોશના રંગો અને વૃદ્ધત્વ આવે ત્યારે સમજણના રંગો આપણી પર ચડતા રહે છે. અને એટલે જ કદાચ માણસ ઉંમરના દરેક તબક્કે અલગ અલગ રંગનો લાગતો રહે છે!  અને ઘણા લોકો તો રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ રાખી દેતા હોય છે. સામેવાળાનું સ્ટેટસ જોઈને તેઓ રંગ બદલી નાખતા હોય છે. જ્યારે કેટલાક લોકો કાયમ રંગહીન જ રહેતા હોય છે.  ગુલઝાર સાહેબે સરસ લખ્યું છે, “ માના કી ઇતને બહેતરીન નહી હૈ હમ, લેકિન બાત બાત પર રંગ બદલે, ઇતને ભી રંગીન નહી હે હમ.

  જો કે નાનપણનો પારદર્શક રંગ આપણી આસપાસ જળવાય રહે, તો જિંદગીમાં ખુશીના રંગોની રંગોળી કાયમ હ્રદયના આંગણે રચાતી રહે છે. જેની પાસેથી જે શીખવા મળે એ શીખવાનો રંગ જિંદગીમાં ટૂ બી કંટીન્યુ રાખવા જેવો ખરો. અમુક ઉંમર બાદ અમુક રંગો સારા ના લાગે કે નવા રંગો ઉમેરી ના શકાય એ માન્યતાને નવા વિચારોના રંગો થકી છેકી નાખવી. બંધ રહેતી બારીઓને ખોલી નાખવી, જેથી દીવાલો સિવાયના રંગોને પણ માણી શકાય.

 

 




  •  or 

  • No comments:

    Post a Comment

    તમારા મન અને મગજમાં કોણ રહે છે?

      તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...