સ્ત્રીઓ ............આઝાદી
સ્ત્રીઓ નાની નાની બાબતોમાં આઝાદી માટે લડી રહી છે. છોકરીઓ જ્યારે કુંવારી હોય, ત્યારે પોતાનામાં રહેલી પ્રતિભા માટે તેઓને યોગ્ય વાતાવરણ મળી રહે છે. એ પણ અનેક સંઘર્ષો બાદ! જો કુટુંબ પ્રગતિશીલ વિચારોવાળું મળેતો, નહી તો જન્મથી જ દીકરીઓનો સંઘર્ષ ચાલુ થઈ જતો હોય છે. હકીકત તો એ છે કે દીકરીઓએ જન્મ લેવા પણ સંઘર્ષ કરવો પડે છે. પેટમાં દીકરી છે, તો તેને જન્મવા દેવી કે નહી? એ પ્રશ્નનો જવાબ હજી મોટા ભાગના કુટુંબોમા પૂંછાતો જ રહે છે. ભ્રૂણ-હત્યાઓના આંકડાઓ કઈ બહુ બદલાયા નથી.
કાયદાઓ બને છે, તો જે પહેલા ખુલ્લેઆમ થતું હતું, તે હવે છાના માના થતું રહે છે. પણ થાય છે, ખરું! વૈચારિક રીતે આપણે માણસને બહુ બદલી શક્યા નથી. પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતામાં બહુ જાજો ફેરફાર નથી થયો. ને સાથે સાથે સ્ત્રીઓની પણ સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા બહુ બદલાઈ નથી. મૂળ પ્રશ્નો જ ત્યાથી ઊભા થઈ રહ્યા છે.
એમાં પણ લગ્ન બાદ તો સ્ત્રીઓની જાણે કે આખી દુનિયા જ યુ-ટર્ન લઈ લેતી હોય છે. લગ્ન બાદ મોટા ભાગની સ્ત્રીઓને પોતાના શોખ, આવડત, જ્ઞાનને અભેરાઈએ કે માળિયામાં ચડાવી દેવા પડે છે. ઘણીવાર એ અભેરાઈએ કે માળીએથી એ શોખોને કે આવડતોને નીચે ઉતારવાની કોશીશો કરે છે, પણ ધૂળ ખંખેરીને વસ્તુઓ જેમ પાછી ગોઠવાઈ જાય, શોખોનું પણ એવું જ થાય છે.
કારણકે લગ્ન પછી તો કેટકેટલાની મંજૂરી લેવાની? જે ઘરમાં લગ્ન થયા, તે ઘરની પરંપરા મુજબ જાતને ઢાળતા રહેવાની! જેમ કુંભાર માટલાને આકાર આપે એમ ઘરમાં સ્ત્રીઓને આકાર આપતા જવાનો! જે સ્ત્રીઓ ઢળી જાય એને બહુ વાંધો નથી આવતો, પણ જેની આંખોમાં સપનાઓ રમે છે, એ સ્ત્રીઓના સૌથી મોટા દુશ્મન તેઓના સપના જ બની જાય છે.
રોજ સવારે ઉઠવાનું, ઘરના કામ કર્યે જવાના, અને રાત પડ્યે સૂઈ જવાનું! એકનું એક રૂટિન. રવિવારે કે જાહેર રજાના દિવસે પણ રજા નહી..... ઘરના લોકો જેમ કે એમ જીવ્યે જવાનું. ગામના લોકો કહે એમ ચોક્કસ રીત-રિવાજોમાં બંધ થઈને રહેવાનુ. ઘણા ગામડાઓમાં હજી સ્ત્રીઓ લાજમાથી બહાર નથી આવી. હજી આજની તારીખે પુરુષો ઉપર બેઠા હોય ત્યાં સુધી સ્ત્રીઓ ખાટલા પર બેસી શકતી નથી. ને પુરુષો માનતા રહે છે કે સ્ત્રીઓને ખાવા-પીવાનું મળી રહે છે, અમે આપેલા પૈસે સારામાં સારા કપડાં અને ઘરેણાં તેઓ પહેરીને આંટા મારી શકે છે, તેઓને વાંધો શું છે?
અરે વાંધો નહી, પણ કેટલાક અધૂરા સપનાઓ સાથે એ ઘરમાં આવે છે, એટલિસ્ટ તેઓને એ સપના તો પૂરા કરવા દઈએ. ભારતની સ્ત્રીઓ શહેરોની સ્ત્રીઓ અને ગામડાઓની સ્ત્રીઓ એમ વહેંચાઈ ગઈ છે. શહેરોની સ્ત્રીઓ ઘરની બહાર ડગ માંડતી થઈ ગઈ છે, પણ નગરો અને ગામડાઓમાં સ્ત્રીઓની સ્થિતિ હજી બહુ બદલાઈ નથી. આજે કોઈપણ કુંવારી છોકરી ગામડાઓમાં કે નગરોમાં લગ્ન માટે ના પાડે છે, તે માટે ગામડાઓ અને નગરોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા જ જવાબદાર છે.
કોલેજની છોકરીઓ રવિવારે કે રજાના દિવસે કોલેજે કોઈ કાર્યક્રમની પ્રેક્ટિસ કરવા નથી આવી શકતી. કારણકે ગામડાઓમાં કે નગરોમાં બેઠેલા હાલતા ચાલતા કેમેરાઓ તેઓને સતત સ્કેન કરતાં રહે છે. કોઈ એક ગામમાં કોલેજમાં ભણતી છોકરી ભાગી જાય તો એ ગામની બીજી 20 છોકરીઓનું ભણવાનું બંધ થઈ જતું હોય છે. પણ છોકરી એકલી થોડી ભાગે છે, તેની સાથે એક છોકરો પણ ભાગે છે, એ છોકરાના ભાગી જવાથી ગામના બીજા છોકરાઓને કોઈ જ ફેર પડતો નથી!
દીકરા દીકરી બંનેમાથી જો દીકરો ભણવામાં નબળો હોય, અને દીકરી હોશિયાર હોય તો પણ ભણવાની પ્રથમ તક તો દીકરાને જ મળે છે. દીકરીઓને બહુ ભણાવાય નહી, એ માનસિકતા હજી ગામડાઓમાથી દૂર થઈ નથી! દીકરીઓએ ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ઘરનું બધુ કામ કરીને દીકરીઓ ભણે છે, આગળ વધવાની કોશીશો કરતી રહે છે, પણ જો લગ્ન પછી સાસરિયાં વાળા ના પાડે તો ત્યાથી જ એ આગળ વધવાના સપનાનું અકાળે અવસાન થઈ જતું હોય છે.
સ્ત્રીઓને ઘરની બહાર પગ માંડવાથી લઈને દરેક બાબતે જુદા જુદા લોકોને પૂંછવું પડતું હોય છે. અને એટલે જ સ્ત્રીઓનો સંઘર્ષ પુરુષો કરતાં અઘરો હોય છે. પોતાના અસ્તિત્વ માટે તેણે જેટલું લડવું પડે છે, એટલું આ પૃથ્વી પરના કોઈ સજીવને લડવું પડતું નથી.
થોડીક સ્ત્રીઓને મળેલી આઝાદીનો અર્થ એ નથી કે બાકીની બધી સ્ત્રીઓને આઝાદી મળી ગઈ છે. હજી આજે પણ અમુક વિસ્તારોમાં સ્ત્રીઓને વિધવા તરીકે જીવવાની ફરજ પાડવામાં આવે છે, બાળલગ્નો આજે પણ થાય છે. એક દીકરો જણવો હજી આજે પણ અમુક જ્ઞાતી કે વર્ગની સ્ત્રીઓ માટે ફરજિયાત છે!
પુરુષોમાં ખામી હોય અને તેને લીધે સંતાન ના થતું હોય તો સ્ત્રીઓને બીજા પુરુષો થકી પણ સંતાન કરવું પડે છે, જો સ્ત્રીમાં ખામી હોય તો પુરુષો તેને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. મોબાઇલના ઉપયોગથી માત્ર દીકરીઓ જ બગડે છે, એવું માનવા વાળી જ્ઞાતિઓ પણ છે.
સ્ત્રીઓના આગળ વધતાં દરેક કદમને ખેંચવા વાળા ગલીએ ગલીએ શેરીએ શેરીએ બેઠા જ હોય છે. અને ઘરમાં હોય છે, એ અલગ! લગ્ન બાદ ઘણા ઘરોમાં સ્ત્રીઓ ગરબા પણ નથી રમી શકતી કે પછી નૃત્ય પણ શીખી શકતી નથી! તારે કામ કરવાની શી જરૂર છે? આ પ્રશ્ન મોટા ભાગના મકાનોમાં ગુંજતો રહે છે.
સ્ત્રીઓના ટૂંકા કપડાં સામે બધાને વિરોધ છે, પણ પોતાની ટૂંકી નજર અને વિચારો સામે કોઈને વાંધો નથી.
No comments:
Post a Comment