બળાત્કારને પાશવી કહેવામા આવે છે, પણ એ પશુઓનું અપમાન છે. પશુ બળાત્કાર નથી કરતાં, મનુષ્યો જ કરે છે.
ફરી એકવાર બળાત્કાર થયો, ફરી પાછી એની એ જ તપાસો થશે, આપણે સૌ તે દીકરીને ન્યાય મળે એ માટે સ્ટેટસ મુકીશું કે પછી ઇનસ્ટા કે ફેસબૂક પર સ્ટોરી મૂકીશું. ચાર-પાંચ જે પ્રસિદ્ધ વાક્યો છે, તેને સજાવી-ધજાવીને જુદા જુદા સોસિયલ મીડિયા પર પોસ્ટ મૂકીશું. સવારે સવારે ચા પીતી વખતે કોઈપણ વ્યક્તિને ધ્રુજાવી દે, એવા બળાત્કારના સમાચારો પ્રત્યે રહેલી આપણી સંવેદનાઓ ચાની વરાળ સાથે ઊડી જતી હોય છે. પણ હવે એ વરાળ લીટરલી ધૂંધવાય રહી છે. આવા સમાચારો સોસિયલ મીડિયા પર વાંચીને, સાંભળીને કે જોઈને નિશાળે ભણવા ગયેલી, બહાર શેરીમાં રમતી, કોઈક સગા-સંબંધીને ત્યાં ગયેલી, હોસ્ટેલમાં ભણવા મૂકેલી કે પછી કોલકાતાની એ હોસ્પિટલ કે બીજા કોઈપણ સ્થાન પર રહીને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના સાચા કરવા ગયેલી છોકરીઓની ચિંતા થવા લાગે છે. અને સાથે સાથે સૌથી મોટો સવાલ પણ! કે ‘ આરોપીઓને સજા થશે કે કેમ? અને જો થશે તો ક્યારે અને કેટલી?”
છેલ્લા કેટલાક વર્ષોથી બળાત્કારીઓ બળાત્કાર કર્યા બાદ દીકરીઓને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દેતાં હોય છે. બળાત્કારના આંકડાઓ આપવાથી કે આ દેશમાં કેટલી મિનિટમાં કેટલા બળાત્કાર થાય છે? એવી માહિતીઓનો કોઈ અર્થ જ રહ્યો નથી. શું કરીશું આવા સર્વે કરીને કે પછી આંકડાઓ ભેગા કરીને? જ્યારે છાશવારે આ દેશમાં આવી ઘટનાઓ બની રહી છે. ક્યારેક સ્ત્રીઓને નગ્ન ફેરવવામાં આવે છે તો ક્યારેક ઘરની કોઈ નજીકની વ્યક્તિઓ દ્વારા તેઓનું જાતીય શોષણ થતું રહે છે અને હવે તો નાની નાની દીકરીઓ પર પણ બળાત્કાર થઈ રહ્યા છે. સ્ત્રીઓ સાથે ઘરની અંદર, ઘરની બહાર, કામના સ્થળે, વાડીઓમા, ખેતરોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, વગેરે વગેરે સ્થળોએ ગમે તે ઉંમરના, ગમે તે જ્ઞાતીના પુરુષો દ્વારા બળાત્કારો થવા કોમન નહી રૂટિન થઈ ગયા છે. બીજાને જીવન આપવા નાઈટ-ડ્યૂટી કરી રહી હતી, એવી દીકરી પર થયેલા આ દુષ્કર્મે આપણને સૌને ફરી એકવાર હલબલાવી નાખ્યા છે. કામના સ્થળે જો સ્ત્રીઓ સલામત નહી રહી શકે તો વળી પાછી તેઓ મકાનની ચાર દીવાલો પાછળ ધકેલાઇ જવાની!
એક સર્વે મુજબ જ્યાં બળાત્કારીઓને સખત સજા નથી થતી કે સજા થવામાં વિલંબ થાય છે, તે દેશોમાં બળાત્કાર વધુ થતાં હોય છે. આવા બળાત્કારીઓને તકવાદી બળાત્કારીઓ કહેવાય છે. આપણા દેશમાં આવા બળાત્કારીઓ દિન-પ્રતિદિન વધતાં જ જઈ રહ્યા છે.... ભારતમાં બળાત્કાર કરનારને વધુમાં વધુ દસ વર્ષની જેલની સજા જ કરવામાં આવે છે. (IPC 376). મને ગમતી સ્ત્રી મને ના કેમ પાડી શકે? પુરુષોના એ અહમને લીધે પણ આ દેશમાં બળાત્કારો વધી રહ્યા છે. સદીઓથી પુરુષો સ્ત્રીઓને એક 'વસ્તુ' જ સમજતા આવ્યા છે અને આ પૂર્વગ્રહમાં હજી બહુ જાજો ફેરફાર નથી થયો. સ્ત્રીઑ જ્યારે બીજા કોઈ માધ્યમથી વશ ના થાય ત્યારે પુરુષો તેઓના અસ્તિત્વને પીંખી નાખવા બળાત્કારનો સહારો લેતા હોય છે. અને આપણી અદાલત આ નરાધમોને સજા આપવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. જ્યારે બળાત્કારીઓને સજા નથી મળતી ત્યારે તે જ સમયે બીજી સ્ત્રીઓની સલામતી ભયમાં મુકાઇ જતી હોય છે.
આપણી ન્યાય-પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી છે. વળી અદાલતો સબુત માંગે અને કોઈ સ્ત્રી પોતાના પર થયેલા બળાત્કારના સબુતો કેવી રીતે આપી શકે? એમાં પણ જો બળાત્કાર કરનાર કોઈ ધનિક કુટુંબનો કે પછી ઊંચી વગ ધરાવતો પુરુષ હોય તો ન્યાય મળવો અશક્ય બની જતો હોય છે. આપણા દેશમાં થતાં બળાત્કારો પૈકી 60 થી 70% બળાત્કારોની કોઈ ફરિયાદ જ થતી નથી. જેના પર રેપ થયો હોય છે, તે દીકરીને કે તેના કુટુંબીજનોને ધાક-ધમકીથી આવા વગદાર લોકો ડરાવી દઈને કેસ ચોપડે ફાઇલ જ થવા દેતાં નથી. અને માતા-પિતા પણ દીકરીઓની સમાજમાં બદનામી થશે તે બીકે એફ.આર.ઈ. જ લખાવતા નથી. આવા કેસમાં પોલીસ-સ્ટેશને જતાં પણ માતા-પિતા થર થર ધ્રૂજતા હોય છે! જે સ્ત્રીઓના અસ્તિત્વ પર આ વજ્રઘાત થયો હોય છે, તેઓના આત્મા પર લાગેલા ઘા ને ત્યારે જ શાંતિ મળતી હોય છે, જ્યારે આવા બળાત્કારીઓને સજા મળે, પણ એવું આપણા દેશમાં બહુ ઓછું બને છે. ને પરિણામે આત્મા પર લાગેલા એ ઘાવ સાથે સ્ત્રીઓ કા તો આત્મ-હત્યા કરી લેતી હોય છે અને કા તો માનસિક આઘાત સાથે ડરી ડરીને આખી જિંદગી ક્ષણે ક્ષણ મરતી રહે છે.
No comments:
Post a Comment