હમ લોગો કો સમજ શકો તો સમજો દિલભર જાની, જીતના ભી તુમ સમજોગે ઉતની હોગી હેરાની! ફીર ભી દિલ હે હિન્દુસ્તાની!!!
15મી ઓગષ્ટ,1947 આપણે આઝાદ થયા અને ભારતદેશને લોકશાહી દેશ તરીકેનું બિરુદ મળ્યું ત્યારે ઘણા દેશોને એવું હતું કે ભારત જેવા વિવિધરંગી દેશમાં લોકશાહી સફળ થશે કે કેમ? પણ આપણાં દેશની પ્રજાએ પોતાની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા થકી એ શંકાને હરાવી દીધી. આજે જ્યારે આપણે આપણા પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ કે બર્માની આર્થિક અને સામાજિક પરિસ્થિતી જોઈએ છીએ, લશ્કરરાજ જોઈએ છીએ, ત્યારે આપણને આપણી આ 76વર્ષની લોકશાહી પર ગર્વની લાગણી થયા વિના નથી રહેતી. આઝાદી સમયે આપણી લોકશાહી નિરક્ષર હતી, પણ હવે તે શિક્ષિત અને સમજુ થઈ રહી છે. પ્રજા જેમ જેમ વધુને વધુ શિક્ષિત થઈ રહી છે, લોકશાહીનો તિરંગો વધુને વધુ રંગીન બની રહ્યો છે!
આઝાદી સમયે આપણે 34 કરોડ ભારતીયો હતા અને આજે 142.86% ભારતીયો આ દેશમાં વિકસી રહ્યા છે. આપણો દેશ આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ ગણાય છે. દેશની કુલ વસ્તીના 65% લોકો 35 વર્ષથી નીચેની ઉંમરના છે. અને એ યંગ જનરેશન ભારતને મોટા ભાગના ક્ષેત્રોમાં આગળ ને આગળ લઈ જઇ રહી છે. આજે દુનિયાના દરેક ખૂણાને ભારતીય યુવા પ્રતિભાઓ પોતાની પ્રતિભા વડે પ્રકાશિત કરી રહી છે. રમત-ગમતથી લઈને કળા અને વિજ્ઞાન એમ દરેક ક્ષેત્રમાં આ પેઢી હરણ-ફાળ ભરી રહી છે. દેશને આઝાદી અપાવવા જેમ અનેક યુવાનોએ પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું, તેમજ દેશના આ યુવાન સૈનિકો તન,મન અને ધનથી દેશના વિકાશમાં ફાળો આપી રહ્યા છે. પણ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ થકી તેઓ સમય વેડફી રહ્યા છે. થોડા ભટકી રહ્યા છે, શરાબ અને ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, ત્યાથી તેઓને પાછા વાળવા પડે એમ છે. દેશની રાજનીતીમાં બહુ ઓછા યુવાનો સક્રિય ભાગ લઈ રહ્યા છે, એ પણ થોડું ખટકે છે. તો સાથે સાથે દેશમાં પોતાની પ્રતિભાને યોગ્ય તક ના મળતા આ સૌથી ઉપયોગી ધન વિદેશોમાં ઠલવાઈ રહ્યું છે.
આઝાદીની લડાઈમાં સ્ત્રીઓ પણ જોડાઈ હતી, તો આઝાદી બાદ તેઓ પણ ઘણી સ્વતંત્રતાનો અનુભવ કરી રહી છે. હકીકત તો એ છે કે છેલ્લા 76વર્ષોમાં આ દેશમાં ( અમુક રાજ્યોને બાદ કરતા) સ્ત્રીઓની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં ઘણા બધા હકારાત્મક ફેરફારો થયા છે. દીકરીઓની સંખ્યા ભલે ઘટી રહી છે, પણ દીકરીઓ પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. આજે દેશનું કોઈપણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રીઓએ પોતાનું અસ્તિત્વ સાબિત ના કર્યું હોય. ઘર સંભાળનાર દેશને પણ સંભાળી રહી છે. મહિલા ઉદ્યોગસાહસિકની સંખ્યા પણ વધતી જાય છે. આંકડા દર્શાવે છે કે 2025 સુધીમાં અંદાજે 10 મિલિયન સાહસિકોને ભંડોળ પૂરું પાડવામાં આવશે, જેમાંથી 50% મહિલાઓ હશે.
શિક્ષિત નાગરિકો એ લોકશાહીની સફળતાનું પ્રથમ પગલું છે. જો કે એ દિશામાં આપણે હજી ઘણું કરવાનું બાકી છે. અંગ્રેજો મેકોલની જે શિક્ષણ-પદ્ધતિ આપણને આપી ગયા હતા, એમાં બહુ ઝાઝો ફેરફાર આપણે કરી શક્યા નથી. સાક્ષરતાના આંકડા વધ્યા છે, પણ શિક્ષણને લીધે પ્રજામાં જે વૈચારિક પરિવર્તન આવવું જોઈએ, તે આપણે નથી લાવી શક્યા! નિરક્ષરતાને લીધે ( ક્યારેક શિક્ષિત નાગરિકો દ્વારા પણ!) જ્ઞાતિવાદ, કોમવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, ભ્રૂણ-હત્યા, બળાત્કાર, બાળલગ્ન વગેરે વગેરે દૂષણો સામે આપણે જેટલું લડવું જોઈએ, એટલું લડી શક્યા નથી. ખેતી-પ્રધાન દેશમાં શિક્ષણમાથી ખેતીની બાદબાકી બહુ ખૂંચે છે.
આપણાં સાંસ્કૃતિક વારસાનું સત્વ કે જેને આજે દુનિયાએ પણ સ્વીકાર્યું છે, તેને આપણાં જ દેશમાં પુન:સ્થાપિત કરવાના પ્રયાસો આપણે કરી રહયા છીએ. જો કે આરોગ્ય ક્ષેત્રે વિશ્વને યોગા અને મેડિટેશન તરફ વાળી આપણે તેઓને શાંતિનું મહત્વ સમજાવી રહ્યા છીએ. પણ પર્યાવરણ સાથેનો આપણો સદીઓ જૂનો સંબંધ તૂટી રહ્યો છે. આઝાદી બાદ વિકાસની આંધળી દોડમાં આપણે જંગલોને બેફામ રીતે કાપી નાખ્યા છે. ઘણા પશુઓ અને પક્ષીઓ રેડલિસ્ટમાં નોંધાઈ ચૂક્યા છે. પ્રજા તરીકે ધર્મ સિવાય એકપણ બાબતમાં આપણે આપણી સંવેદનશીલતા જાળવી શક્યા નથી. અને એ સંવેદનશીલતાનો લાભ હજી પણ ઘણા ઉઠાવી જાય છે! વળી આપણે એ ધાર્મિકતાને ‘નૈતિકતામાં’ ફેરવી શક્યા નથી! જાહેર શિસ્ત બાબતે આપણે હજી જોઈએ એટલા જાગૃત નથી થયા. દેશમાં કાયદાના પાલન બાબતે આપણે હજી પણ નફ્ફટ બનીને જીવી રહ્યા છીએ. સમસ્યા એ છે કે આપણે આપણી પાસે જે કઈ સારું હતું તે છોડીને જે કઈ બીજા દેશો પાસેથી લેવા જેવુ નથી તે જલ્દીથી લઈ લીધું. અને જે ખરેખર લેવા જેવુ હતું તે નથી લઈ શક્યા!
પ્રજા તરીકે આપણે ઘણા તબક્કે સફળ થયા છીએ અને ઘણા ક્ષેત્રોમાં હજી આપણે ઘણું કરવાનું બાકી છે. આપણે બહારથી તો એટલા બધા બદલાઈ ગયા છીએ કે ખુદને પણ જો અરીસામાં જોઈશું તો આશ્ચર્ય થશે, અને અંદરથી? એ પ્રશ્નનો જવાબ આ દેશની પ્રજા પર છોડું છુ.
No comments:
Post a Comment