તમારું આકાશ કેવા રંગનું છે?
મૂવી ધ સ્કાય ઈઝ પિન્કમાં પ્રિયંકા ચોપરાનો દીકરો તેને કહે છે કે મે પિન્ક સ્કાય દોર્યું એટલે ટીચર મને ખીજાયા. શું સ્કાય પિન્ક ના હોય? અને મોમ જવાબ આપે છે. જે આપણે સૌએ યાદ રાખવા જેવો છે. ‘દરેકને પોતાનું આકાશ હોય છે.’ હા સાચે જ આપણા સૌ પાસે સૌ સૌનું એક આકાશ હોય છે, જેમાં આપણે આપણી રીતે ઉડાન ભરવાની હોય છે. પણ આપણે એ જ તો નથી કરી શકતા. અને પરિણામે આપણે સીમિત થઈ જતાં હોઈએ છીએ.
એટલું જ નહી, દરેકના પોતાના આકાશનો રંગ પણ અલગ અલગ હોય છે. બસ આપણને એ રંગો ઓળખતા આવડવું જોઈએ. હકીકત તો એ છે કે આકાશ આપણા સૌના જીવનનો એક મહત્વનો હિસ્સો છે, જેના ભાગે આકાશનો જેટલો હિસ્સો આવે તેમાં તેણે ઉડાન ભરી લેવી જોઈએ. અને વળી કલ્પનાઑ પણ આકાશ જેવી જ હોય છે, જેનો કોઈ છેડો નથી હોતો.
માટે કલ્પનાઓ મનને જેમ રંગીન ફીલ કરાવતી રહે આપણે એ ફીલિંગ કરી લેવી જોઈએ. એમાં પણ સર્જનાત્મકતાનો કોઈ અંત નથી હોતો. સતત નવા નવા વિચારો એ આકાશમાં વિહરતા રહેવા જોઈએ. મારુ આકાશ જે મારા ભાગે આવ્યું છે. તેમાં રંગો પૂરવાનો અને ઊડવાનો મોકો મને મળવો જ જોઈએ.
એ આકાશમાં આશા અને ઉત્સાહના કાળા વાદળો કાયમ બંધાતા રહેવા જોઈએ. જો એમ નહી થાય તો આપણે બંધાઈ જઈશું અને ગંધાઈ પણ જઈશું. શા માટે જિંદગીને કોઈ ચોક્કસ દાયરામાં બાંધી દેવી જોઈએ? જિંદગીને તો આપણે કાયમ ઊઘડતી અને ખીલતી જ રાખવાની છે.
જિંદગીના આકાશના જે કોઈ રંગો છે, તેનો ઉપયોગ કરીને આપણે આપણી રંગોળી બનાવવાની છે. પછી ભલે થોડા રંગો અણગમતા જ કેમ ના હોય! આપણે આ આકાશને કોઈપણ અભ્યાસક્રમમાં બાંધી નથી શકવાના. માટે તેને સીમિત કરવાની કોશિશ ક્યારેય ના કરવી. એમાં પણ બાળકોના નિર્દોષ અને નિખાલસ મનને તો તેઓના આકાશમાં ઉડવા જ દેવું.
આપણે જિંદગીને dos અને dontsમાં બહુ વહેંચી દેતાં હોઈએ છીએ. જિંદગી એ કોઈ આપત્તિ વ્યવસ્થાપન નથી કે આપણે આમ કરવું અને આમ ના કરવું એમાં તેને ગોઠવી દઈએ. એમાં પણ બાળકોને તો આપણે એટલા બાંધી દેતાં હોઈએ છીએ કે તેઓ કોઈ તોફાન કે ધિંગામસ્તી પણ કરી શકતા નથી. જાણે કે તેઓને કોઈ બાબતે મૌલિક થવાની છૂટ જ આપણે નથી આપતા.
આપણે આપણા વિચારોના આકાશમાં તેઓને ઉગાડવાની કોશીશો કરતાં રહીએ છીએ, ને પરિણામે તેઓ ખીલી શકતા નથી. તેઓ પોતે પણ એક એવી ઘરેડમાં ગોઠવાઈ જાય છે કે બહુ જલ્દીથી તેઓ પોતાની મૌલિકતા ગુમાવી બેસે છે.
અરે આપણે તેઓને બારીમાથી દેખાતું આકાશ પણ નથી જોવા દેતાં. આપણે તેઓને ઠંડી, ગરમી અને વરસાદના અહેસાસોની બહાર કરી દીધા છે. ક્યારેક આપણે તેઓની બાબતમાં એટલા પ્રોટેક્ટિવ થઈ જતાં હોઈએ છીએ કે તેઓને ઊડવાનો કોઈ મોકો જ નથી મળતો. ને પરિણામે તેઓ આપણે જ દોરેલા વર્તુળમાં સંકુચિત થઇ જતાં હોય છે.
તેઓ માને નહી, ત્યારે આપણે ડરનો પણ આશરો લઈ લેતા હોઈએ છીએ, જે ડર તેઓના વિકાસને એકદમ રૂંધી નાખતો હોય છે. ક્યારેક તો એ ડર આખી જિંદગી તેને આગળ વધવા નથી દેતો. તને આમ થઈ જશે અને તેમ થઈ જશે, એ ડર રાખ્યા વિના તેઓને તેઓના આકાશમાં ઉડવા દઈએ.
તેઓની કલ્પનાને આપણે પાંખ આપવાની હોય છે. તેઓ માત્ર ચાલતા શીખે ત્યારે જ નહી પણ તેઓ ભૂલ કરે ત્યારે પણ તેઓને આપણા સપોર્ટની જરૂર હોય છે. અને એ સપોર્ટ એટલે જ તેઓનું આકાશ! આપણે માત્ર તેઓ પર આપણી અપેક્ષાઓ નથી થોપવાની હોતી, પણ તેઓમાં રહેલી સંભાવનાઓને પણ બહાર લાવવાની હોય છે. અને જે કોઈએ આ રસ્તે તેઓને જવા દીધા છે, તેઓએ દુનિયાના આકાશમાં પોતાનો રંગ છોડયો છે.
બાળકોને તેઓના આકાશનો રંગ જાતે પસંદ કરવા દેવો...........
No comments:
Post a Comment