જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સૌ જે કઈ વેઠવું પડયું, એનું જ લિસ્ટ લઈને બેઠા રહીએ છીએ. ઘણા તો એટલા બધા નકારાત્મક હોય છે કે જે નથી મળ્યું, એની લ્હાયમાં જે મળ્યું છે. તેની મોજને પણ માણી શકતા નથી. હજી થોડું હજી થોડું.... એમ જરૂરિયાતો અને ઇચ્છાઓનો પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે. અને એ વહેણમાં વ્યક્તિ એટલો ડૂબી જતો હોય છે કે કોઈ તરણું પણ તેને બચાવી શકતું નથી.
કારણકે વ્યક્તિ એ તરણું જ પકડવા તૈયાર નથી હોતો! આવી વ્યક્તિઓને બધુ મોટું મોટું જ જોઈતું હોય છે. નાની નાની બાબતો તેને આનંદ આપી જ શકતી નથી. આ નકારાત્મક વ્યક્તિઓ ગમે તેવી સુખની પરિસ્થિતિમાં પણ દૂ:ખને શોધી જ લે છે. જિંદગી કાયમ સુખ જ આપતી રહે, એવી અપેક્ષાઓ સાથે તેઓ દૂ:ખી જ થતાં રહે છે.
જિંદગીમાં સમય આવ્યે સૌને સૌની ક્ષમતા મુજબનું મળી જવાનું છે. બસ આપણે જે મેળવવું છે, એને વળગી રહેવાનું છે. પણ આપણે તો એટલા અધીરા થઈ જતાં હોઈએ છીએ કે એ અધીરાઇ જ આપણને ગલત રસ્તે લઈ જતી હોય છે. લોકો જે મેળવવું છે, એના માટે એટલા બધા ઉતાવળીયા થઈ જતાં હોય છે કે એ ઉતાવળ તેઓને સાચા ખોટાનો વિવેક ભુલાવી દેતી હોય છે.
આપણે સાચે જ એવું માની લીધું છે કે જીવન એક એવી રેસ છે, જેની કોઈ ફિનિશિંગ લાઇન જ નથી! દોડી દોડીને થાકી જઈએ છીએ, અરે હાંફી જઈએ છીએ, પણ આપણે શાંતિથી જે મેળવવું છે, એના વિષે કશું વિચારતા નથી. તમે માર્ક કરજો આપણે જેટલા લોકોને મળીએ છીએ, એમાથી મોટા ભાગના લોકોને એવું જ લાગતું રહે છે કે મને મારી ક્ષમતા કરતાં ઓછું જ મળે છે. કારણકે આપણે આખી જિંદગી ખુદની બીજા સાથે સરખામણી જ કરતાં રહીએ છીએ. બીજાને મળ્યું એ મને કેમ ના મળ્યું? બસ આ બાબત જ આપણને સતત સતાવતી રહે છે.
અને આ સરખામણી જ આપણને આપણી ક્ષમતાને સમજવા કે ઓળખાવા દેતી નથી. ધીરજ નામની લાગણી જ જાણે કે આપણે ગુમાવી દીધી છે. બધાને ફૂડની જેમ સફળતા પણ ઇંસ્ટંટ જ જોઈએ છીએ. અને એ બાબત જ સૌને ભગાવી રહી છે. શું કરીશું? અંધ બનીને દોડ્યા કરીશું તો સતત ભટકાતાં રહીશું. અને ભટકાતાં રહીશું તો આપણે આપણી મંઝિલ સુધી ક્યારેય નહી પહોંચી શકીએ.
જે કઈ આપણે મેળવવું છે, તેના માટે રાહ જોવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. જો આપણે સતત મળશે કે નહી મળે એ સવાલોમાં ઘૂંચવાયેલા રહીશું તો જે કઈ મેળવવું છે તેના પર પૂરેપૂરા એકાગ્ર નહી થઈ શકીએ. હકીકત તો એ છે કે આપણને નાનપણથી ગણિત ગણતાં સમયે પેલાથી જવાબ જોઈ લેવાની આદત પડી ગઈ હોય છે. જવાબ જોઈને અધીરા થઈ ગયેલા આપણે એ જવાબ મેળવવા ગમે તેવા ખોટા સ્ટેપ મૂકીને દાખલો ગણવા લાગતાં હોઈએ છીએ.
બસ આવું જિંદગીના દાખલાઓ સાથે નથી કરવાનું. જીંદગીની ગાડીને માત્ર એક્સિલેટર જ નહી પણ બ્રેકની પણ જરૂર હોય છે. સમયે સમયે બ્રેક નહીં મારીએ તો ગાડી ભટકાઈ જવાની! આપણા સૌનું જીવન નિરાંત અને નવરાશ ઇચ્છતું હોય છે. આપણે શ્વાસ લઈ શકીએ અને એ શ્વાસને ફીલ કરી શકીએ બસ એવું જીવવાનું છે. જિંદગીમાં હાશ! બહુ જરૂરી ફીલિંગ છે.
જે કઈ મેળવ્યું છે, કે પછી નથી મેળવી શકાયું એનો આનંદ પામતા શીખી જઈએ. ઈશ્વરે આ પૃથ્વી પર આપણને સંઘર્ષ કરવા પણ મોકલ્યા છે. તેણે આપણને આપણું જીવન ઘડવાની છૂટ આપી છે. તો ઘડતા જઈએ અને ઈશ્વરને પ્રમથી કહીએ કે તું સુખ આપે કે દૂ:ખ અમે તો જીવવા તૈયાર જ છીએ.
જીવંત રહેતા શિખનારને તે હમેંશા અદ્રશ્ય સ્વરૂપે મદદ કરતો રહે છે. માંગવાથી કશું મળે કે ના મળે પણ જો આપણે એ મેળવતા રહેવા પ્રયાસો કરતાં રહીશું તો એકવાર સ્વયં ઈશ્વર આપણને એ આપવા આવશે! ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે.
તો આવજો અને જીવજો
Happy લિવિંગ !!!
No comments:
Post a Comment