
હેડિંગ :
માતા-પિતાની આ અપેક્ષાઓ, સંતાનો પર ભાવનાત્મક દબાણ ઊભું કરે છે, અને દીકરીઓ હત્યા, જેલ કે વિનાશની વાસ્તવિકતાને સમજ્યા વિના આવી મર્યાદાઓને ઓળંગી જતી હોય છે. આવી ઘટનાઓ એ વાતની ચેતવણી આપે છે કે આપણો સમાજ આવા સંબંધોમાં પરાણે દીકરીઓને ધકેલી દે છે, પણ બહાર નીકળવાના રસ્તાઓ નથી આપતો એટલે માનસિક હતાશા અને નિરાશાને લીધે સ્ત્રીઓ ક્રૂર બની રહી છે.
છોકરીને છોકરો ના ગમે તો પરાણે સગાઈ કરવાનો અર્થ શું? તને ભલે કોઈ છોકરા સાથે પ્રેમ હોય પણ તારી હજી ઉંમર જ શું છે? તને દુનિયાદારીમાં શું ખબર પડે? છોકરો દેખાવમાં સારો ના હોય તો શું થયું? માથે ટાલ હોય તો શું થયું? એ તો થોડા દિવસો એની સાથે રહીશ એટલે પ્રેમ થઈ જશે? ( ખરેખર સાથે રહેવાથી પ્રેમ થઈ જાય છે?) અમુક ઉંમર બાદ દેખાવ નહી છોકરાનો સારો સ્વભાવ જ કામમાં આવે છે. તને ખબર છે છોકરાના માતા-પિતા પાસે અઢળક સંપતિ છે, તેનો માસિક પગાર 6 આંકડામાં છે. એકનો એક દીકરો છે... બેન તો કાલે સવારે પરણીને જતી રહેશે, પછી બધુ તારું જ છે ને! તું અમારા કહેલાં કુટુંબમાં લગ્ન નહી કરે, તો અમે ઝેર પી લઈશું. વગેરે વગેરે. તારે જો એ છોકરા સાથે લગ્ન કરવા હોય તો આજથી તારો અને અમારા વચ્ચેનો સંબંધ પૂરો! ધડામ દઈને વહાલી દીકરી માટે તેણીના જ ઘરના દરવાજા બંધ થઈ જતાં હોય છે.
કોઈના પ્રેમમાં કે આકર્ષણમાં મગ્ન થઈ ગયેલી દીકરીને 98% માતા-પિતા આ રીતે સમજાવતા હોય છે. કઈ દીકરી આ પ્રકારની સમજણને અવગણી શકે? એ ના ગમતા છોકરા સાથે લગ્ન કરવાની હા તો પાડી દે, પણ પછી? એ છોકરાને ભૂલી શકતી નથી ને કા તો પેલો છોકરો તેણીને આવું કરવા દેતો નથી, ને અંતે સોનમ કે સિયા બનીને એ છોકરી કેતન કે રાજાનું ખૂન કરી નાખે છે! એકે લગ્ન કર્યા પછી હનીમુનમાં આવો પ્લાન બનાવ્યો અને એકે પ્રી-વેડિંગનો સહારો લઈ છોકરાને પહાડ પરથી ફેંકી દીધો!
પરંપરાગત રીતે, સ્ત્રીઓને પાલનપોષણ કરનાર અને શાંતિ બનાવનાર તરીકે જોવામાં આવે છે. જો કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં, એક ચિંતાજનક પેટર્ન હેડલાઇન્સમાં ચમકી રહી છે - સ્ત્રીઓ તેમના પતિઓની હત્યામાં ઠંડા કાવતરાખોરમાં ફેરવાઈ રહી છે. સામાન્ય મુદ્દો શું છે? લગ્નેત્તર સંબંધ અને હત્યા કરવા તૈયાર પ્રેમી. તે એક સમયે દુર્લભ ઘટના હતી પરંતુ હવે તે અસ્વસ્થતાપૂર્વક વારંવાર બની રહી છે. આ વર્ષે, સ્ત્રીઓ દ્વારા તેમના પતિઓની હત્યા કરવાના ઓછામાં ઓછા છ કિસ્સા નોંધાયા છે. આ આવેગના ગુનાઓ નથી, પરંતુ ગણતરીપૂર્વકના કૃત્યો છે, જે ઘણીવાર ઠંડા કલેજે કરવામાં આવે છે, જે પતિ વિનાનું નવું જીવન શરૂ કરવાની ભયાવહ ઇચ્છાથી જન્મે છે.
નહોતું ગમતું એ માતા-પિતાએ ફરજિયાત કરાવ્યુ, હવે પ્રશ્ન એ છે કે આમાથી નીકળવું કેમ? નીકળવાના માર્ગ રૂપે સ્ત્રીઓ હવે ના ગમતા સાથીઓને કે પછી જરૂરિયાતો પૂરી ના કરી શકનાર સાથીદારને મોતના ઘાટ ઉતારી રહી છે. આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મર્ચન્ટ નેવી ઓફિસરની હત્યા કરીને તેના ટુકડા કરવામાં આવ્યા હતા અને તેના શરીરના 15 ટુકડા ડ્રમમાં નાખીને સિમેન્ટથી સીલ કરવામાં આવ્યા હતા. આવા અનેક કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે. અને સ્ત્રીઓની શશક્તિકરણની દિશાને ગલત રસ્તે લઈ જઇ રહ્યા છે.
છોકરાના પિતાએ કહ્યું પણ, ‘મારો દીકરો ગમતો નહોતો તો કહી દેવું જોઈએ ને? મારી શા માટે નાખ્યો?’ દીકરીએ તો કદાચ કહ્યું હશે, પણ માતા-પિતા નહી માન્યા હોય! ને કા તો પ્રેમીએ દેખાડેલા રંગીન સપનાઓમાં એ એવી રંગાઈ ગઈ કે કોઈને મારી નાખવા તૈયાર થઈ ગઈ. માથે ટાલ હતી, છોકરો તોતડો હતો, એવું રીમાન્ડ સમયે સિયાએ કહ્યું... આ કારણો છે, કોઈને મારી નાખવાના? ભારતમાં લગ્ન હજુ પણ ભારે દબાણ સાથે આવે છે, ખાસ કરીને પરંપરાગત ઘરોમાં. માતા –પિતા એવું જ સમજે છે કે સંતાનો પોતાની જાતે સારો જીવનસાથી શોધી જ શકે નહી! એમાં પણ જો સંતાનો જ્ઞાતિ બહાર જાય એ તો ચાલે જ નહી....
માતા-પિતાની આ અપેક્ષાઓ, સંતાનો પર ભાવનાત્મક દબાણ ઊભું કરે છે, અને દીકરીઓ હત્યા, જેલ કે વિનાશની વાસ્તવિકતાને સમજ્યા વિના આવી મર્યાદાઓને ઓળંગી જતી હોય છે. આવી ઘટનાઓ એ વાતની ચેતવણી આપે છે કે આપણો સમાજ આવા સંબંધોમાં પરાણે દીકરીઓને ધકેલી દે છે, પણ બહાર નીકળવાના રસ્તાઓ નથી આપતો એટલે માનસિક હતાશા અને નિરાશાને લીધે સ્ત્રીઓ ક્રૂર બની રહી છે.

No comments:
Post a Comment