Sunday, 20 November 2022

લગ્ન સૌથી અંગત સંબંધ, પણ સૌથી વધુ દખલગીરી પામતો સંબંધ!!!

 

લગ્ન સૌથી અંગત સંબંધ, પણ સૌથી વધુ દખલગીરી પામતો સંબંધ!!!

Family interference is one of the reasons why marriages fail - Mufti Menk -  Quotes

 

    હમણાં એક સગાઈમાં જવાનું થયું. બધા ભેગા થાય એટલે ગોસીપ તો થાય જ. એમાં કોઈ પાસેથી જાણવા મળ્યું કે છોકરાને સગાઈ નહોતી કરવી, પણ તેના કુટુંબમાં પ્રભુત્વ ધરાવતા એક મહાનુભાવના કહેવાથી સગાઈ કરવી પડી! લગ્ન જેવા આખી જિંદગીને અસર કરતાં નિર્યણમાં કોઇની આટલી બધી દખલગીરી આજની જનરેશન કેવી રીતે સહન કરી શકે? સાથે સાથે એ પ્રશ્ન પણ થયો.

આપણાં સમાજમાં કેટલાક લોકો એટલા સાર્વજનિક હોય છે, કે જે ગમે તે લોકોના અંગત જીવનમાં ઘૂંસીને તેઓને હેરાન કરતાં રહે છે. આપણાં સમાજમાં અમુક વ્યક્તિઓને કોઈના અંગત ઝોનમાં પ્રવેશવાની ગંદી આદત હોય છે. અને એ આદત ઘણાને હેરાન પરેશાન કરી દેતી હોય છે. દરેક કોલોનીમાં, દરેક કુટુંબમાં, કે દરેક ઘરમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે, જેઓનું કામ જ કોઈના આવા કજોડા બનાવવાનું હોય છે. તેઓ પોતાના સંબંધો અને સ્ટેટસ મજબૂત બનાવવા આવા સંબંધો કોઈ પણ પર ઠોકી બેસાડતા હોય છે. આવા લોકો પોતાની વાત મનાવવા સંબંધો પર ગજબનું દબાણ ઊભું કરતાં રહે છે. જો કોઈ લગ્ન માટે ના પડે તો આખી જિંદગી તેઓ સાથે સંબંધ પણ તોડી નાખતા હોય છે.ગરીબ કુટુંબોના લગ્નો આવા ધનિક સગાઓ દ્વારા જ નક્કી થતાં હોય છે!  

  જીવનસાથીની પસંદગીથી લઈને તેઓનું લગ્ન-જીવન કેવી રીતે ચલાવવું ત્યાં સુધી સતત સલાહોનો મારો ચાલુ જ રહે છે. ઘણીવાર તો યુવાન અને યુવતીને એકબીજાને ગમતું ના હોવા છતાં સગાઓના દબાણને લીધે એકબીજા સાથે લગ્ન કરી લેવા પડે છે. લગ્ન પછી બધુ સરખું થઈ જશે, સાથે રહેવાથી પ્રેમ થઈ જશે, એવી સલાહો દ્વારા સંબંધને બાંધી દેવામાં આવે છે, અને પછી એ લગ્નો હાંફતા હાંફતા પૂરા થાય છે.

  ઘરમાં કોઈ કપલને જોઈતું અંગત વાતાવરણ આપણે પૂરું પાડી શકતા નથી. તેઓ સાથે સંકળાયેલી બાબતોને આપણે શ્વાસ લેવા દેતાં નથી! ને પરિણામે સંબંધો હાંફવા લાગે છે. આવી દખલગિરિને લીધે જ સંબંધોમાં સ્ટ્રેસ વધી જતું હોય છે. સંબંધોમાં હળવાશ આવતી નથી ને પરિણામે વ્યક્તિઓ મૂંઝવણ અનુભવતી રહે છે. મહાન વિચારક જોન સેલ્ડન એવું કહેતા કે લગ્ન એક એવી પ્રવૃતિ છે, જેમાં લોકોની દાખલ સૌથી ઓછી હોવી જોઈએ. પણ તેમાં જ સૌથી વધુ લોકો હસ્તક્ષેપ કરે છે!

    લગ્ન-જીવન બેડરૂમમાં અંગત જીવાવું જોઈએ. પણ જ્યારે એ ડ્રોઈંગરૂમમાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે, તો જીવંત રહેતું નથી. સાથે રહીને પ્રેમ જાળવી રાખવો સૌથી અઘરો હોય છે, અને એમાં પણ આસપાસના લોકોની બિનજરૂરી દખલગિરિથી કોઈપણ વ્યક્તિના જીવનના સૌથી અગત્યના સંબંધો મૂંઝાયેલા મૂંઝાયેલા રહે છે. સગા-વહાલાઓ જાણે દંપતિઓના જીવનમાં દબાણ ઊભા કરવામાં જ પોતાનું સુખ માનતા હોય છે. એમાં પણ જે દંપતિઓને મુક્ત જીવવા ના મળ્યું હોય તેઓ સૌથી વધુ કોઈના લગ્ન-જીવનમાં દખલગિરિ કરતાં હોય છે.

   કોઈના જીવનમાં અંગત બાબતોમાં પડવું, એવું શા માટે કરવું જોઈએ? કોઈ બીજાની જિંદગીમાં એન્ટર થવાની આપણી કુટેવો સામેની વ્યક્તિના જીવનમાથી આપણાં માટેનું સન્માન લઈ જતી હોય છે! આપણે મોટાભાગે અંગત સંબંધોને સ્પેસ આપવાનું ભૂલી જતાં હોઈએ છીએ. બે નજીકની વ્યક્તિઓએ પોતાના જીવનમાં શું કરવું કે શું ના કરવું? એ આપણો પ્રશ્ન જ નથી, પણ આપણે તો પતિ-પત્ની પર સમાજની અપેક્ષાઓનો મારો ચલાવ્યે જ કરીએ છીએ.

હવે બાળક ક્યારે? એ પ્રશ્ન આપણાં કુટુંબના દંપતીને પુંછાતો સૌથી સામાન્ય પ્રશ્ન છે. કોઈપણ પતિ-પત્નીના લગ્ન-જીવન સાથે આ પ્રશ્ન સૌથી ફેવિકોલની જેમ ચોંટેલો રહે છે. લગ્નનું એકમાત્ર ધ્યેય જાણે કે આ ગૂડ-ન્યૂઝ હોય એવું લાગતું રહે છે. આપણી કુટુંબ વ્યવસ્થામાં પતિ અને પત્ની આ બંને પાત્રોને જાણે કે પોતાની કોઈ અંગત જિંદગી જ ના હોય એવું આપણાં સમાજમાં જોવા મળે છે. બાળક ક્યારે કરવું?, કેટલા બાળકો કરવા? દીકરી થાય તો શું કરવું? વગેરે વગેરે પ્રશ્નો પતિ-પત્નીના અંગત જીવનનો એક ભાગ હોય છે, પણ તેમાં પણ કુટુંબના લોકોનું દબાણ જોવા મળે છે. માતા-પિતા ના બની શકવું એ જાણે કોઈ ગુનો હોય એવું વાતાવરણ આપણાં સમાજમાં જોવા મળે છે.

 લગ્ન બે કુટુંબોને જોડે છે, એ સાચું પણ એ બે વ્યક્તિઓને બાંધી દેતી વ્યવસ્થા હોય એવું લાગતું રહે છે. પતિ-પત્નીની અંગત જિંદગીને આપણું કુટુંબ જરાપણ અંગત નથી રહેવા દેતું! લગ્નના અમુક વર્ષો બાદ બાળક ના થાય તો તો પતિપત્ની પર જાણે કે પહાડ તૂટી પડે છે. કુટુંબની અપેક્ષાઓ જ મોટાભાગના લગ્ન-જીવનોમાં વિસંવાદ ઊભો કરે છે. પતિ-પત્નીને માતા-પિતા બનવું છે કે નહી? એ તેમણે જ નક્કી કરવા દેવું જોઈએ. અમુક બાબતો જે પતિ-પત્નીના અંગત દાયરામાં આવે છે, તેમાં કોઈએ પ્રવેશ ના કરવો જોઈએ.

  ના તો જીવનસાથી પસંદ કરવામાં કે ના તો લગ્ન-જીવન ચલાવવામાં, સગાવહાલાઓ એ આ રસ્તે ખરેખર એન્ટર થવાની જરૂર નથી ને નથી જ.

Thursday, 10 November 2022

ચુંટણીમાં મત આપવા જઈએ ત્યારે.........સાથે શું લઈ જવું?

 

ચુંટણીમાં મત આપવા જઈએ ત્યારે.........સાથે શું લઈ જવું?

 election-commission-of-india - Focus on poll panel's role on election  rallies during pandemic - Telegraph India

  ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ પોતાના દેશની પ્રજા પર પૂરેપુરું નિયંત્રણ ધરાવે છે. આ દેશમાં બહુ વિચિત્ર બાબતો માટે લોકોને સજા આપવામાં આવે છે. જો કોઈ વિદેશી ફિલ્મો જુએ કે વિદેશોમાં કોલ કરે તો તેઓને જેલની સજા આપવામાં આવે છે, એટલું જ નહી કોઈપણ ગુના માટે ત્યાં આખા કુટુંબને સજા કરવામાં આવે છે. અરે લોકો પોતાને ગમતી હેર-સ્ટાઈલ પણ રાખી શકતા નથી! પોતાના જ દેશમાં રહેવા ત્યાનાં લોકોએ વારંવાર પરમીશન લેવી પડે છે!

ચીનમાં ત્યાના ccp લીડર અને જીન પિંગે દેશના લોકો પર અને લોકોની સ્વતંત્રતા પર અનેક નિયંત્રણો લાદેલા છે. હમણાં જ ત્યાની એક મહિલાનો વિડીયો વાઇરલ થયો હતો, જેમાં તે પોતાની જાતને પ્લાષ્ટિક વડે ઢાંકીને છાનામાના કેળું ખાઈ રહી છે! કારણકે ત્યાની સરકારે ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત લોકો માટે મુસાફરી સમયે કશું ખાવા પર પ્રતિબંધ મૂકેલો છે! ત્યાની સરકારે લોકોની જિંદગીના દરેક પાસા પર નિયંત્રણો મૂકેલા છે! ત્યાં લોકો જાહેરમાં સરકારની કોઈપણ ના ગમતી નીતિઓ વિષે પણ કશું બોલી શકતા નથી. ત્યાં મીડિયા પર પણ પ્રતિબંધ છે! જીન પિંગે પોતે જીવે ત્યાં સુધી ખુદને ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરી દીધેલ છે!

     અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ સ્ત્રીઓ પર અને ત્યાની પ્રજા પર કેવા કેવા અત્યાચારો કરી રહ્યા છે કે કર્યા હતા? એ આપણે સૌ વારંવાર જુદા જુદા મીડિયાઝ દ્વારા જોઈએ, વાંચીએ કે સાંભળીએ જ છીએ. પ્રેમ કરવાની પણ ત્યાં સજા આપવામાં આવે છે! સ્ત્રીઓના ભણવા પર, મેક-અપ કરવા પર, ઘરની બહાર નિકળવા પર, અરે હસવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે! આ દેશોમાં લોકોને ચૂંટણીઓ થકી પોતાની સરકાર નકકી કરવાનો અધિકાર નથી! પણ આપણને આ હક મળેલો છે.

   આ બધુ તમને એટલા માટે જણાવી રહી છુ કે હમણાં જ આપણાં ચૂંટણી પંચે  કેટલાક રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આપણાં ગુજરાતનો પણ આમાં સમાવેશ થાય છે. લોકશાહી દેશની જનતા માટે ચૂંટણી એક એવું પર્વ છે, જેના થકી તેઓ દેશ અને પોતાના માટે વિકાસનો રોડમેપ તૈયાર કરી શકે છે. કહો ને કે ચૂંટણી થકી જ લોકો પોતાના માટે સાચું કે ખોટું શું છે? તે જાતે નકકી કરી શકે છે. ચૂંટણી જ લોકોને પોતાનું ભાવી નક્કી કરવાની છૂટ આપે છે. પણ આપણે આપણાં મતનો એક મજબૂત હથિયાર તરીકે ઉપયોગ કરીએ છીએ ખરા? આ સવાલનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.

  ભારત એક લોકશાહી દેશ છે, જેમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે છે, લોકો માટે કામ કરે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા આપણને સૌને એક એવી સરકાર ચૂંટવાની છૂટ મળે છે, જે આપણાં હિત માટે અને દેશના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કામ કરતી હોય. એક એવી સરકાર જે લોકોના કદમ થી કદમ મિલાવીને કામ કરતી હોય. જેના માટે લોકોનું આરોગ્ય, શિક્ષણ, જીવનધોરણ, તેઓની પ્રાથમિક જરૂરિયાતો સૌથી અગત્યની હોય. એવી સરકાર જેના માટે દેશનો વિકાસ જ સૌથી મોટી પ્રાથમિકતા હોય. સ્થાનિક સ્વરાજથી માંડીને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી.... દરેકની ચુંટણીમાં આ બાબતો મહત્વની હોય છે. જીવંત રહેવા માટે જેમ લાગણીઓ જરૂરી છે, તેમ જ દેશને ધબકતો રાખવા આ દરેક ચૂંટણીઓમાં આપણો મત જરૂરી છે. અને છે જ.

   પણ મત આપવા જતી વખતે કેટલાક સવાલો ખુદને કરી લઈએ.

હું જેને મત આપવા જઇ રહ્યો કે રહી છુ એ વ્યક્તિ મારા મતનું મૂલ્ય સમજે છે ખરો?

હું ધર્મ કે જ્ઞાતીના આધારે મતદાન કરવા જઇ રહ્યો છુ કે રહી છું?

હું કોઈપણ પ્રકારની લાલચમાં આવીને મારા અગત્યના પાંચ વર્ષો ગુમાવી રહી/રહ્યો છુ?

હું પૈસા કે શરાબ માટે કોઈને મત આપી રહી/રહ્યો છુ?

હું કોઈ વ્યક્તિ કે સંગઠનના દબાણમાં આવીને મત આપી રહી/રહ્યો છું? 

હું માત્ર કોઈની વોટબેંકનો હિસ્સો જ તો નથી બની રહી/રહ્યો ને? વગેરે વગેરે ...

      આપણી લોકશાહી હવે શિક્ષિત બની રહી છે, ત્યારે આપણે સૌ માત્રને માત્ર જ્ઞાતીવાદને આધારે જ કે પછી ધર્મના આધારે જ મતદાન ના કરીએ એ ખાસ જરૂરી છે. આપણાં દેશમાં મોટા ભાગની ચૂંટણીઓનો આધાર આ બંને બાબતો જ હોય છે. ચૂંટણીઓને આ જ્ઞાતિવાદ અને ધર્મના વાડામાં સંકુચિત કરી દઇશું તો તેના વિપરીત પરિણામો આપણે અત્યાર સુધી તો ભોગવતા આવ્યા છીએ, હજી પણ ભોગવતા રહીશું.

 જો આપણે તટસ્થ સરકાર ઇચ્છતા હોઈએ તો આપણે પણ તટસ્થ બની મત આપવો પડશે. કોઈપણ પ્રકારની લાલચને ધ્યાનમાં લીધા વિના મતદાન કરવું પડશે. જે દેશોના લોકોને ચુંટણીમાં મત આપવાનો અધિકાર નથી મળ્યો, એવા દેશોમાં જનતાની હાલત કેવી છે? એ આપણે ઉપરના ઉદાહરણો દ્વારા જોયું. આપણને આપણાં બંધારણે આ હક આપ્યો છે, તો તેનો ઉપયોગ દેશના વિકાસ માટે કરીએ નહી કે પોતાના અંગત સ્વાર્થની સફળતા માટે. કોઈ નેતા આપણી જ્ઞાતીનો હોય એટલે મત તેને જ આપીએ એ સંકુચિતતામાથી આપણે આપણાં દેશની ચૂંટણીઓને બહાર લઈ આવવાનો સમય આવી ગયો છે.

  જે હક દુનિયાની વિકસિત જનતાને નથી મળી રહ્યો એ આપણને મળી રહ્યો છે, તો તેનો આપણાં ખુદના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીએ અને લોકશાહીને જીતાડીએ. મત આપવા જઈએ ત્યારે જરૂરી ડોક્યુમેન્ટની સાથે આ વિચારને પણ સાથે લઈને જઈએ.

  

 



Sunday, 6 November 2022

ગૃહિણી’................કુટુંબ...ઘર.............વર્કિંગવૂમન,આ રસ્તો વધુ સરળ છે......

 ગૃહિણી’................કુટુંબ...ઘર.............વર્કિંગવૂમન,આ રસ્તો વધુ સરળ છે......

 Housewife vs Corporate Woman Which is Better ? - Sadhguru on Woman  Leadership | Mystics of In… | Working woman quotes, Women in leadership,  Life coach certification

 

  મે દસ વર્ષો સુધી મારા સંતાનના ઉછેર માટે બીજું કશું જ ના કર્યું.” હમણાં કાજલબેનના એક ઇન્ટરવ્યુમાં આ વાક્ય સાંભળ્યુ. વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે આ હીરોઈને પોતાના સંતાનોને ઉછેરવા આટલા વર્ષો સુધી ફિલ્મો કરવાનું છોડી દીધું, આમાથી ઘણી હીરોઈનો તો પોતાની ફિલ્મ કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેઓએ આ નિર્યણ લીધેલો હતો! પેપ્સિકોની સી.ઈ.ઓ. ઇન્દ્રા નૂયીએ 2019માં પોતાના સંતાનો માટે એ પદ પરથી રાજીનામું આપ્યું.

 આજની સ્ત્રીઓ વર્કિંગ વીમેન v/s હાઉસ વાઈફ આ બંને લાગણીઓ વચ્ચે પોતાના અસ્તિત્વને શોધી રહી છે. તે ઘર અને ઓફિસ વચ્ચે એવી રીતે દોડી રહી છે, જેવી રીતે કોઈ દોડવીર રેસમાં દોડી રહ્યો હોય. સંપૂર્ણ રીતે ઘરની થઈને રહેતી સ્ત્રીઓને આજકાલ વર્કિંગ વીમેન શબ્દ ખૂંચી રહ્યો છે. જે સ્ત્રીઓ ઘરની પૂરેપુરી વ્યવસ્થા કરી રહી છે, તેઓને એવું લાગી રહ્યું છે કે તેઓ કશું જ નથી કરી રહી! અને આ નકારાત્મક લાગણી સ્ત્રીઓને ઘરથી દૂર લઈ જઇ રહી છે.

   કારકિર્દી માટે જાગૃત થવું એ સારી બાબત છે, અને આજની જરૂરિયાત પણ છે, પણ તેના માટે વગર વિચાર્યે ખોટા નિર્યણો લઈ લેવા કે કુટુંબની જરૂરિયાતોને ના સમજવી એ સાચો કે સારો રસ્તો તો નથી જ.  સ્ત્રી વગરના મકાનમાં જીવંતતા હોતી નથી. એક સ્ત્રી ઘરને શું આપી શકે? આ પ્રશ્નનો જવાબ આપણાં દરેક શાશ્ત્રોંએ શ્રેસ્ઠ રીતે આપ્યો છે. અને આપણે સૌ પણ  જાણીએ જ છીએ કે સ્ત્રી એ ઘરનો શ્વાસ પ્રાણ હોય છે. સ્ત્રીઓના કામને મહત્વ ના મળ્યું એટલે જ આ સ્ત્રી-પુરુષ સમાનતા નું આંદોલન ઊભું થયું છે. સ્ત્રીઓને ઘરકામ કરીને જે દરજ્જો મળવો જોઈએ, એ દરજ્જો આપવામાં આપણો સમાજ પાછળ રહી ગયો છે. અને એટલે જ સ્ત્રીઓ આજે કારકિર્દી પાછળ દોડી રહી છે. માટે સમાજે પણ તેઓને અને તેઓના દરજ્જાને સમજવાની જરૂર છે. તેઓને પણ પોતાની કારકિર્દી ઘડવાનો મોકો મળી રહેશે એવું ફીલ કરાવવાની જરૂર છે.

   સ્ત્રીઓના કામને ક્રેડિટ નથી મળતું એવું મોટા ભાગની સ્ત્રીઓને લાગતું હોય છે અને ઘણા ઘરોમાં આપણે જોતાં પણ હોઈએ છીએ કે લોકો બોલતા હોય છે કે સ્ત્રીઓને ઘરમાં કામ જ શું હોય છે? પુરૂષોએ કમાયેલા પૈસાનું વ્યવસ્થિત જગ્યાએ રોકાણ અને વપરાશ કરવાનું સૌથી અગત્યનું કામ સ્ત્રીઓ દ્વ્રારા થતું હોય છે. સ્ત્રી ઘરની માઇક્રો-પ્લાનર હોય છે. ઘરના ખૂણે ખૂણાને પ્રકાશિત કરવાનું કામ સ્ત્રીઓ જ કરી શકે છે. સ્ત્રી ઘરને પોતાનું સઘળું આપી દેતી હોય છે.

  આપણે જુદા જુદા ક્ષેત્રોમાં સફળ થનાર સ્ત્રીઓની ચર્ચાઓ અને મુલાકાતો કરતાં હોઈએ છીએ, પણ પોતાના સંતાનો અને ઘર માટે કારકિર્દી છોડી દેનાર કે પોતાના સપનાઓને અધૂરા છોડી દેનાર સ્ત્રીઓની કોઈ જ ચર્ચા થતી હોતી નથી. સ્ત્રીઓ એ સપોર્ટ છે, જેના આધારે પુરુષોને ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો આધાર મળી રહે છે. જે થશે જોઈ લઈશું એવું જ્યારે કોઈ સ્ત્રી મૂંઝાયેલા પુરુષને કહે છે, પુરુષનું અડધું દર્દ ત્યાં જ ખતમ થઇ જતું હોય છે. ઇન્ફોસિસના માલિક નારાયણ મુર્તિને નોકરી છોડીને નવો ધંધો શરૂ કરવા માટેનું મૂડીરોકાણ તેઓની પત્ની સુધામુર્તિએ જ પૂરું પાડ્યું હતું. સ્ત્રી જ આખા ઘરની સૌથી મજબૂત સપોર્ટ સિસ્ટમ હોય છે.

  કોઈ ક્ષેત્રમાં સફળ સ્ત્રીઓને જોઈને છોકરીઓ પ્રેરણા લે એ સારું છે, પણ સાથે સાથે એ પણ જાણી લેવું જરૂરી છે કે એ સફળતા માટે તેઓએ સૌથી પહેલા પોતાના ઘર અને કામના ક્ષેત્ર વચ્ચે સંતુલન સાધતાં શીખી લીધું હોય છે. સ્ત્રીઓ એ સમજી લેવાની જરૂર છે, કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા કુટુંબ નો સાથ-સહકાર પણ જરૂરી છે અને તે મેળવા પોતે પણ સપોર્ટિવ થવું પડે છે. નવા ઘરને થોડો સમય આપવો પડે છે.

  લગ્ન, બાળકો, વડીલો, એ બધુ પણ સ્ત્રીના વિકાસ માટે જરૂરી છે. જે સ્ત્રીઓ ફિગર જાળવી રાખવા ફીડિંગ નથી કરાવતી, તેઓનું વ્યક્તિવ પણ તેઓના ફિગરની જેમ જીરો થઈ જતું હોય છે. ડે-કેરનો દરવાજો સીધો જ ઓલ્ડ-એજ હોમમાં જઈને ખૂલે છે. બાળકોના ઉછેર માટે સ્ત્રી-પુરુષ બંનેનો સાથ જરૂરી છે જ, પણ જે બાબતોમાં ઈશ્વરે સ્ત્રીઓને બાળ-ઉછેરની મોનોપોલી આપી છે, એ બાબતમાં શા માટે સંવાદ ને બદલે  વિવાદ કરવો?

સ્ત્રીઓ આજે ઘરની ચાર દિવાલોમાં સમેટાઈને નથી રહેવા માંગતી અને એ સારું છે, પણ સાથે સાથે જે રીતે સ્ત્રીઓ કારકિર્દી માટે પોતાના વ્યક્તિત્વને હોડમાં મૂકી રહી છે, એ હોડને સાઇડમાં રાખીને, થોભીને વિચારવાની જરૂર છે કે ક્યાંક આપણે આપણાં અસ્તિત્વની શોધમાં ભૂલા તો નથી પડી ગયા ને? ગૃહિણી થઈને સમાજને સારા વ્યક્તિઓની ભેટ આપવી, સંતાનોને સારા સંસ્કારોની ભેટ આપવી, ઘરના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું, વડીલોના આરોગ્યનું ધ્યાન રાખવું કે પછી ઘરને શુશોભિત કરવું, ઘરને સતત પોતાની હાજરી કે ગેરહાજરીનો અનુભવ કરાવતા રહેવું, એ પણ સ્ત્રીઓના અસ્તિત્વ અને વ્યક્તિવનો એક અભિન્ન હિસ્સો છે જ.

  સ્ત્રીઓ પોતાનું અસ્તિત્વ અમુક ઉંમર બાદ પણ શોધી શકે છે. એના માટે ઘર અને કુટુંબને કારકિર્દી સાથે હોડમાં મૂકવાની જરૂર છે? આ પ્રશ્નનો જવાબ સ્ત્રીઓએ જલ્દીથી મેળવી લેવાની જરૂર છે.

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...