‘ધર્મ’ અંગે વધી રહેલા વિવાદો, આપણે વળી પાછા ‘વહેંચાઈ’ રહ્યા છીએ!!!
જ્યોર્જ માઈક્સ નામના મહાન લેખકે એકવાર કહેલું, “ઈશ્વરે માણસને ઘડ્યો છે કે નહી? એ આપણે જાણતા નથી પરંતુ માણસે ( પોતાના માટે) ઈશ્વરનું સર્જન કર્યું છે, એ હકીકત છે.” છેલ્લા કેટલાક સમયથી ‘ધર્મ’ અંગેના ઝઘડાએ ઊથલો માર્યો છે. ધર્મ અંગે વિવાદો વધી રહ્યા છે, અને આપણે વળી પાછા ‘વહેંચાઈ’ રહ્યા છીએ! એવું સતત ફીલ થઈ રહ્યું છે કે ‘ જો આ સંપ્રદાયો ના હોત, તો આપણે સૌ સુખેથી અને સંપીને જીવતા હોત!
છેલ્લા એકાદ અઠવાડિયાથી સાળંગપુર જેને આપણે હનુમાનજીના મંદિરને લીધે જાણતા હતા, એ ધામ એક વિવાદને લઈને ચર્ચાઇ રહ્યું છે, અને માત્ર ચર્ચાઇ નથી રહ્યું, પોલીસોની છાવણીમાં પણ ફેરવાઇ રહ્યું છે. હનુમાનજીને રામને બદલે કોઈ સંપ્રદાયના સેવક બતાવતી તકતીઓને લઈને આ વિવાદ શરૂ થયો છે. હનુમાનજી આપણાં સૌની આસ્થાનું સૌથી મજબુત ભક્તિપાત્ર છે. તેઓ જેઓની સાથે હ્રદયથી જોડાયેલા છે, તેને બદલે ભક્તોની સંખ્યા વધારવા કે પોતાના સંપ્રદાયનું મહત્વ વધારવા આ રસ્તો પસંદ કરવો કેટલો યોગ્ય છે?
આજથી હજારો વર્ષો પહેલા સમ્રાટ અશોકના સમયમાં પણ બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધને જૈનધર્મના તીર્થંકર નિર્ગ્રંથ જનતિપુત્રને ચરણસ્પર્શ કરતા હોય એવું ચિત્ર એક વ્યક્તિએ દોરતાં, બૌદ્ધ ધર્મના એક અનુયાયીએ સમ્રાટ અશોકને ફરિયાદ કરેલી! સમ્રાટ અશોકે એવું કરનાર વ્યક્તિ અને તે ધર્મ સાથે સંકળાયેલ અનેક લોકોને આકરી સજા કરેલી! ખરેખર આપણે ઇતિહાસ બહુ ખોટી રીતે ફરીથી જીવી રહ્યા છીએ.
ધર્મ પ્રજાને જોડવાનું કામ કરે છે નહી કે વહેંચવાનું. આવા વિવાદો ઊભા થાય એવું કરીને શા માટે આપણે સમાજને અશાંતિના રસ્તે લઈ જઇ રહ્યા છીએ? ભારતીય પ્રજા પોતાના ધર્મ પ્રત્યે સૌથી વધુ સેન્સિટિવ પ્રજા ગણાય છે. ( જો કે એટલી સેન્સિટિવિટી ધર્મ જેના આધારે ટકે છે, એ પ્રામાણિક્તા કે સત્ય પ્રત્યે નથી! હો) તો એ સેન્સિટિવિટી ઝઘડાઓમાં ફેરવાઇ જાય એવું આપણે શા માટે કરી રહ્યા છીએ?
બે ધર્મો કે સંપ્રદાયો વચ્ચેના ઝઘડાઓ સેંકડો નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય છે. એ રક્તપાતો આપણે ભૂતકાળમાં અનુભવી ચૂક્યા છીએ. આવા વિવાદો સમાજના બે વર્ગો વચ્ચે ક્યારેય ભૂલી ના શકાય કે ભૂંસી ના શકાય તેવા વેરઝેર ઊભા કરી દેતાં હોય છે. આપણે ધર્મ મારફત પ્રેમના બીજ વાવવાને બદલે નફરતના બીજ વાવી રહ્યા છીએ, એ બીજ ઉગીને વટવૃક્ષ બનશે ત્યારે આપણે શું કરીશું?
વિવિધ સંપ્રદાયોમાં વહેંચાઈને ધર્મ આજે માત્ર ‘વોટબેંક’ બનીને રહી ગયો છે. કોઈ ધર્મ ધર્માન્તરણમાં વ્યસ્ત છે તો કોઈ ધર્મના નામે આંતકવાદ ફેલાવવામાં વ્યસ્ત છે, તો કોઈ ધર્મના નામે અંદરોઅંદર લડવામાં વ્યસ્ત છે. ને પરિણામે ધર્મને સમજાવવા કેટલા બધા ઈશ્વરો, અલ્લાહો, ઈશુઓ એ પ્રયાસો કરી જોયા પણ છતાં આપણે ધર્મ એટલે માનવતા એ સમજી નથી શક્યા! ધર્મના નામે એટલા બધા ગૂંચવાડા વધી રહ્યા છે કે આપણે ધર્મને નાના નાના ટુકડાઓમાં વહેંચીને તેનો ઢગલો કરી નાખ્યો છે અને એ ઢગલા નીચે ધર્મ દટાઈને પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યો છે!
બિનસાંપ્રદાયિક ભારતનો પાયો જ જાણે કે સંપ્રદાયો બની ગયા છે! દરેક ધર્મની પોતાની અલગ ગરિમા હોય છે, જેને જે ધર્મ સાથે જોડાવું હોય તે જોડાય, દેશમાં દરેક ધર્મો સમાંતર એક થઈને આગળ વધવા જોઈએ પણ આપણે વારંવાર બીજાના ધર્મની ગાડીઓને ઓવરટેક કરવાના ચક્કરમાં અથડાઇ રહ્યા છીએ. આ ધર્મ પાછળ રહી જશે અને આ ધર્મ આગળ વધી જશે, જાણે કે સંપ્રદાયો અનુયાયીઓ વધારવાની સ્પર્ધામાં ફસાય ગયા છે અને પોતાનું મુખ્ય ધ્યેય ભૂલી રહ્યા છે!
અરે આપણે ઈતિહાસમાથી પણ ધર્મ ખોદવાને બદલે વિવાદો જ ખોદી રહ્યા છીએ! યાદ કરો, હજી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ તાજો જ છે. ભૂતકાળમાં આજથી હજારો વર્ષો પહેલા જે થયું હતું, તેને આજે લોકોના મગજમાં એન્ટર કરવાનો કે ખોટી રીતે લોકોના મગજમાં કોઇની છબી બેસાડી દેવાની આ રમત બંધ કરી દેવાની જરૂર છે.
આપણે વિકાસના નવા માર્ગો તરફ જવું છે કે જૂનું જૂનું ખોદીને કે આવા વિવાદો ઊભા કરીને એ માર્ગોમાં અવરોધો જ ઊભા કરવા છે? આ પ્રશ્નનો જવાબ બને તેટલી વહેલી તકે આપણે સૌએ શોધી લેવાની જરૂર છે.