આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું?

‘આજની પેઢી’ આ શબ્દોથી વધુ ચર્ચાસ્પદ આજકાલ કઈ જ નથી. જો દેશમાં કઈ નવા-જૂની થઈ હોય, તો લોકો તેના વિષે વાતો કરતાં હોય છે, પણ જો ચર્ચા કરવા માટે બીજું કઈ ના હોય તો આજની પેઢી એ સૌથી હોટ ટોપીક હોય છે. લોકોની વાતોમાં આજની પેઢી વિશે ચિંતાઓ દેખાય છે. તેઓની વાતોમાં વારંવાર પોતે આજની પેઢી જેવડા હતા ત્યારે શું શું કરતાં હતા? તેનું એક લાંબુ લિસ્ટ છે. અને એ લિસ્ટ કોઈ રીતે આજની જનરેશનની પ્રવૃતિઓ સાથે મેચ થતું નથી. ને પરિણામે જે ગેપ ઊભો થાય છે, તેને પૂરવાના પ્રયાસો દરેક ઘરમાં થતાં રહે છે, પણ એ પુરાય છે, ખરા....
માનવજાત અસ્તિત્વમાં આવ્યાને લગભગ 200,000 વર્ષ થઈ ગયા છે. માનવજાતની ઘણી પેઢીઓ આવી અને ઘણા વિકાસ થયા. હવે માનવજાત 21મી સદીમાં છે. અત્યારે જે પેઢી અસ્તિત્વમાં છે, યુવાનોની દુનિયામાં તેને "જનરેશન z" તરીકે ઓળખવામાં આવે છે. જનરેશન z એ 1997-2012 ની વચ્ચે જન્મેલા બાળકો છે, નામમાં Z એ ઝૂમર્સ માટે વપરાય છે જેમણે તેમના જીવનના ખૂબ જ શરૂઆતના તબક્કાથી ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.
આપણે આજની પેઢીને આપણી પાસે જે કઈ સારું હતું, ( આપણો શ્રેસ્ઠ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો) તે આપવા અધીરા થઈ રહ્યા છીએ. પણ લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના પ્રવાહમાં આજની પેઢી એવી વહી રહી છે કે તેઓને એ પ્રવાહમાથી બહાર લઈ આવવાના આપણા મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. આપણે આપણી આ નિષ્ફળતાના કારણો ધ્યાનથી તપાસવાની જરૂર છે. અને નવેસરથી નવા પ્રયાસો કરવાની જરૂર છે.
પેલા તો એ વિચારી લઈએ કે ખરેખર આપણે તેઓને આપવા શું માંગીએ છીએ? આપણે એ પૂર્વગ્રહમાથી બહાર આવી જઈએ કે આ પેઢી કોઈનું સાંભળતી નથી કે કોઈને સીરિયસ લેતી નથી. જો આપણી રજૂઆત આકર્ષક હોય તો તેઓ ઘણું બધુ સાંભળે છે અને તેઓને સાચું લાગે એ જીવનમાં પણ ઉતારે છે. પણ મુશ્કેલી એ છે કે આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની જેમ આકર્ષક રજૂઆત થકી કશું સમજાવી નથી શકતા. ને વળી આપણે તેઓને જે રસ્તે વાળવા માંગીએ છીએ, આપણે ખુદ એ રસ્તે ચાલીએ છીએ ખરા? આ પ્રશ્ન તો આજે મોટા ભાગના લોકો જે આજની પેઢી વિશે ચિંતા પાળીને બેઠા છે, તેમણે ખુદને પુંછી લેવો જોઈએ.
આપણે તેઓને પુસ્તક વાચન સાથે જોડવા માંગીએ છીએ, પણ શું આપણે પુસ્તક સાથે મિત્રતા કરી છે? આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર કરવા માંગીએ છીએ, પણ શું આપણે પોતે તેનાથી દૂર રહી શકીએ છીએ? આપણે ઈચ્છીએ છીએ કે તેઓ પ્રકૃતિ સાથે જીવે, પણ શું આપણે પ્રકૃતિ સાથે જીવંત રહીએ છીએ? આપણે તેઓની પાસે સમય માંગીએ છીએ, પણ શું આપણે તેઓને સમય આપીએ છીએ ખરા? આપણે તેઓને ખુલ્લા મેદાનમાં રમતા જોવા ઈચ્છીએ છીએ, પણ એ માટે આપણે કોઈ ખાસ પ્રયાસો કરીએ છીએ? યોગા,મેડિટેશન કે કોઈપણ પ્રકારના ધાર્મિક સંસ્કારો તરફ આપણે આજની પેઢીને લઈ જવા માંગીએ છીએ, પણ શું આપણે એ રસ્તે વળ્યા છીએ?
હકીકત તો એ છે કે આપણે એવું માની લીધું છે કે આજની પેઢી માટે લાગણીઓ કરતાં પણ વધુ જરૂરી છે, તેઓની જરૂરિયાતોની પૂર્તિ! આપણે નાના હતા ત્યારે આપણી જે જરૂરિયાતો પૈસાના અભાવે પૂરી ના થઈ શકી એ હવે આપણાં બાળકોની થઈ જ જવી જોઈએ. આજની પેઢીનું જરૂરિયાતોનું લિસ્ટ આપણે જ લાંબુ કર્યું છે. આપણે જ તેઓને બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખવા દીધું છે. આજની જનરેશન બહુ સ્માર્ટ છે, એવું કહેનારા દરેક લોકોએ તેઓની સ્માર્ટનેસને સમજવી પડશે.
આપણે આપણી સગવડતા મુજબ તેઓનો ઉછેર કરી રહ્યા છીએ, એટલે આજની જનરેશન ‘લોસ્ટ જનરેશન’શા માટે કહેવાય છે? એ આપણે જ સમજવું પડશે. ખરેખર તો આપણે જ તેઓને પાછા શોધી આપવા પડશે. આપણા વિચારો તેમના પર થોપવાથી કશું નહી થાય, તેઓને આપણે હુંફ અને પ્રેમ થકી પાછા વાળવા પડશે.


