Tuesday, 5 December 2017

બાળકો,મુલ્યો અને આપણે







 આ વખતે અમારી સ્કૂલમાં ૧૧માં ધોરણમાં એક નવો વિદ્યાર્થી આવેલ છે, જે ડોક્ટરની ભૂલને લીધે જોઈ શકતો નથી. એના માતા-પિતાએ અલગ સ્કૂલમાં ભણાવવાને બદલે નિયમિત સ્કૂલમાં ભણાવવા મુક્યો. છોકરો હોશીયાર છે, બધું સમજે છે. શિક્ષકો જે ભણાવે, તે શીખે પણ છે.પણ મારે તમને વાત કરવી છે,ક્લાસના એવા વિદ્યાર્થીઓની જે તેને દરેક કામમાં પુરેપુરી મદદ કરે છે.હમણાં તેના ક્લાસમાં મારે પ્રોક્ષી હતો,બધા છોકરા ટેસ્ટ લખતા હતા,આ છોકરો બોલતો હતો અને તેની બાજુમાં બેઠેલો છોકરો તે જવાબ આપે તેમ લખતો હતો.એ છોકરો હમેંશા તેને સ્કૂલના દરેક કાર્યમાં મદદ કરે છે.રીસેસમાં પણ તેની સાથે રહે છે,ને ક્યારેક પ્રાર્થના હોલમાં કોઈ કાર્યક્રમ હોય તો તેનો હાથ પકડીને લઇ આવે. એ છોકરો તેનો સાચો મિત્ર બની રહે છે. આવી જ રીતે હું જયારે આ પેલા બીજી સ્કૂલમાં ભણાવતી ત્યારે પણ નવમાં ધોરણમાં એક છોકરો, તેના દિવ્યાંગ મિત્રને આવી જ રીતે મદદ કરતો.તે ચાલી ના શકતો,તો હમેંશા એની સાથે રહી તેને પગથીયા ચડવામાં મદદ કરતો, જ્યાં સુધી એને ક્લાસમાં પહોચાડી ના દે એની સાથે ને સાથે જ રહેતો.હમણાં સ્કૂલમાં ઉપરા-ઉપરી બે દિવસ બે છોકરાઓએ તેમણે મળેલા પાકીટ પરત કર્યા,જેમાં મોટી રકમ હતી. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ એકદમ ગરીબ કુટુંબમાંથી આવે છે,જેઓના માતા-પિતા કાળી મજુરી કરી પોતાના બાળકોને ભણાવે છે.છતાં પ્રામાણિકતા તેઓમાં સચવાય રહી છે. ઉપરના બધા દાખલા સૂચવે છે,કે જો બાળકોને આપણે સારા કામ સોપીએ તો તેઓ હોશે-હોશે કરે છે. તો પછી એવી કઈ ઉમર છે, જયારે બાળકો ગલત રસ્તે વળી જાય છે?
હકીકત તો એ છે કે બાળકો કોરી સ્લેટ જેવા હોય છે,જેવું આપણે લખીશું એવું લખાશે. કોઈપણ નાના બાળકને અસત્ય કોને કહેવાય? ચોરી એટલે શું? અપ્રમાણિકતા એટલે શું? વગેરે બાબતોની ક્યાં ખબર હોય છે,એ તો આ સમાજમાંથી જ શીખે છે,ને આમપણ કોઈપણ નાનું બાળક નિરીક્ષણ સૌથી વધુ કરી અનુકરણ પણ સૌથી વધુ કરે છે. હવે એ કોનું અને કેવું અનુકરણ કરે એ આપણે જાણવાનું અને સમજવાનું હોય છે.કોઈપણ બાળક તેના ઘરના સંસ્કારનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ કરતો હોય છે.સારું શીખવીએ તો સારું અને ખરાબ શીખવીએ તો ખરાબ! હવે એને શીખવવું શું એ આપણે નક્કી કરવાનું હોય છે.આપણે બાળકને ના પાડીએ કે તારે ખોટું નહિ બોલવાનું, ને પછી બે જ મીનીટમાં કોઈક નો કોલ આવે તો આપણે ખોટું બોલીને સામેવાળાને ટાળતા હોઈએ છીએ. એ બાળક જુએ છે ને ખોટું બોલતા શીખે છે. આવી નાની નાની બાબતો આપણે ઇગ્નોર કરીએ છીએ,પણ બાળક એને ઈમીટેટ કરતુ રહે છે.અને ધીમે ધમેં ખોટું બોલતા શીખી જાય છે. અને અંતે એ ટેવમાં બદલાઈ જાય છે.સ્કૂલે પરીક્ષા હોય ત્યારે ચોરી કરીને પાસ થવાનું શું બાળકો ટ્રેનીંગ લઇ શીખે છે,નહે આપણે જ શીખવીએ છીએ. કે ના આવડે તો બાજુમાં જોઈ લેવાનું કે ચોરી કરી લખી લેવાનું. એ જ બાબત આગળ જતા એને “ ભ્રષ્ટાચાર” કરતા શીખવે છે, જીંદગીમાં જે ના મળે ગલત રસ્તે મેળવી લેવું એવી ગ્રંથી બાળકોના મગજમાં ભરાઈ જાય છે.આવી જ રીતે તે બાકીના તમામ ખોટા રસ્તા પર ચાલતા શીખી જાય છે.
અને મેં ઘણીવાર જોયું છે,સાધન-સંપન ઘરના બાળકો પણ ચોરી કરતા હોય છે. જેઓના ઘરમાં સઘળું હોય,છતાં તેઓ નાની નાની વસ્તુઓની ચોરી કરતા હોય છે.બધું હોવા છતાં શા માટે તેઓ આવું કરતા હશે? કારણ માતા-પિતા તેઓની તમામ જરૂરિયાતો પૂરી કરતા હોય છે, એથી જયારે જરૂરિયાતો પૂરી ના થાય ત્યારે તેઓ ચોરી અને અપ્રામાણિકતા શીખી જાય છે.બહુ નાની નાની વાતો હોય છે, જેને કારણે બાળકો દુર્ગુણો તરફ વળી જાય છે,પણ આપણે ધ્યાન આપતા હોતા નથી.આપણે એ સમજવું પડશે કે બાળકોની અમુક જરૂરિયાતો પૂરી ના થાય તો કઈ નઈ,પણ સંસ્કારોની જરૂરિયાતો ચૂકાવી જોઈએ નહિ.માતા-પિતા સંતાનોને મોંઘી વસ્તુઓ નહિ આપે તો ચાલશે,પણ મોંઘા સંસ્કારો આપવા પડશે.હકીકત તો એ છે કે બાળકોમાં મૂલ્યોનું ઘડતર “ઘરશાળા” માં જ સૌથી વધુ થઇ શકે તેમ છે.જો કુટુંબમાં બાળકોને સારા મૂલ્યોનું શિક્ષણ મળી રહેશે તો એ બાળક એક સુઘડ અને સંસ્કારી નાગરિક બની દેશના ઉજવવળ ભવિષ્ય માં પોતાનો ફાળો આપી શકશે. જો આપણે બાળકોને પ્રામાણિકતાના રસ્તે ચાલતા શીખવવું હશે તો પહેલા આપણે એ રસ્તે ચાલવું પડશે.આપણે એ રસ્તે તેઓના પથદર્શક બનવું પડશે. આપણે ખુદ આપણા ઉદાહરણો સેટ કરી તેઓને સમજાવવું પડશે.બાકી બાળકો તો સાચું શીખવા તૈયાર જ હોય છે,માત્ર આપણે શીખવવાનું હોય છે.એ કોરી સ્લેટ પર મૂલ્યોનું લખાણ કેવી રીતે લખવું એ આપણે શીખવાનું છે.કુટુંબે શીખવેલા મુલ્યો બાળક આગળ શાળામાં કેરી ફોરવર્ડ કરી વધુ સારો જિંદગીનો દાખલો ગણી શકશે.બાળકોને તમે કયો ધર્મ પાળવો એ નહિ શીખવો તો ચાલશે પણ ‘મુલ્યો’ તો શીખવવા જ રહ્યા.
એને એ નહિ શીખવો તો ચાલશે, કે ભગવાનને દૂધ,ભોગ,કે અન્ય વસ્તુઓ ધરવી જોઈએ, પણ ભૂખ્યા અને ગરીબને ભોજન આપતા શીખવવું રહ્યું. એને કોઈ ધર્મગુરુના ચરણ-સ્પર્શ નહિ કરતા શીખવો તો ચાલશે,પણ એને વડીલોને આદર આપતા ખાસ શીખવજો. એને કોઈ ધર્મ-સ્થાનોની મુલાકાત કરતા પણ વધુ અગત્યનું વડીલો અને માતા-પિતા ની સેવા છે,એમ સમજાવજો.યાદ છે ને ગણેશના અડસઠ તીર્થો વાળી વાર્તા. એને સ્વચ્છતા,સત્ય,સ્નેહ,માનવતા જેવા ગુણોને અપનાવતા શીખવજો. કોઈને મદદ કરવી એ ઈશ્વર સુધી પહોચવાનો સૌથી નજીકનો રસ્તો છે,એવું શીખવજો. એને શેરીંગ ખાસ શીખવજો, કારણ એકલું ખાઈ લેવું એ આપણી સંસ્કૃતિ નથી.અને એક બાબત તો કહેવાની રહી જ ગઈ, ‘દેશપ્રેમ’ એની ગળથુથીમાં નાખજો,જેથી એ સૌથી ઉપર રાષ્ટ્રને રાખતા શીખે. આનાથી પણ આપણા દેશની ઘણી બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે. સમાજમાં અત્યારે મૂલ્યોનો ક્રાઈસીસ સૌથી વધુ અનુભવાય છે, ત્યારે આપણે એવા કુટુંબો અને શાળાઓ બનાવવી પડશે જે બાળકોને સદગુણો શીખવી સકે.એક પ્રયાસ તો કરી જોઈએ મુલ્ય-ઘડતર દ્વારા દેશ-ઘડતરનો!

                                                                                                                            

                                                                                                                             

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...