Friday, 29 March 2024

ભારતીય લોકશાહી, બેલેટ પેપર્સથી લઈને ઇ.વી.એમ. સુધી......


ભારતીય લોકશાહી, બેલેટ પેપર્સથી લઈને ઇ.વી.એમ. સુધી......

EVM मशीन कैसे करती है काम, क्या इसे किया जा सकता हैक? | vidhansabha  assembly elections 2023 evm tampering hacking electronic voting machine  news in hindi | TV9 Bharatvarsh


     વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણાં દેશમાં 18મી લોકસભાની ચૂંટણીઓના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યા છે. તારીખ 16/03/2024 થી 04/06/2024 સુધી આખા દેશમાં ચૂંટણી અને ચૂંટણીને લગતા સમાચારો સૌથી વધુ વાઇરલ રહેશે. લગભગ દોઢ-પોણા બે મહિના આખો દેશ ચૂંટણીનાં રંગે રંગાયેલો રહેશે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચૂંટણી યોજવી અને સફળતાપૂર્વક પાર પાડવી એ આપણાં ચૂંટણી કમિશન માટે અઘરું કામ છે, પણ તેઓ આ કામ પૂરેપુરી તટસ્થતાથી પાર પાડશે એવી સૌને આશા પણ છે. 

  આપણે 1947માં આઝાદ થયા, પણ પ્રથમ ચૂંટણીઓ ઇ.સ. 1951/52માં થયેલી! આ જ વર્ષે શ્યામા પ્રસાદ મુખરજીએ બી.જે.એસ. પક્ષની સ્થાપના કરી, જે અત્યારની ભારતીય જનતા પાર્ટી બની! ચાર વર્ષો દરમિયાન ભારત કિંગ જ્યોર્જ-6 ના શાસન નીચે બંધારણીય રાજાશાહી હતું, જેમાં ગવર્નર-જનરલ તરીકે લૂઈસ માઉન્ટબેટન હતા!  આ વર્ષો દરમિયાન ડો. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષ સ્થાને ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું, જે ઇ.સ. 1950ની 26મી જાન્યુઆરીએ અમલમાં આવ્યું. ચૂંટણી કમિશનની રચના થઈ અને સૌથી પ્રથમ ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન ચૂંટાયા. 

  ઇ.સ. 1951/52માં સૌથી પ્રથમ ચૂંટણી થયેલી, જે ચાર મહિના સુધી ચાલેલી. તે સમયે વોટિંગ કરવાની ઉંમર 21 વર્ષની નક્કી થયેલી. આશરે 173મિલિયન જેટલા મતદારો હતા, જેઓ અભણ, ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના હતા. ચુંટણીમાં મત આપવાનો તેમના માટે એ પ્રથમ અવસર હતો. તેઓ મત આપવા આવશે કે કેમ? એ પણ એક મોટો સવાલ હતો. મોટા ભાગના લોકો એવું માનતા હતા કે ભારત જેવા અભણ, જ્ઞાતિઓમાં વહેંચાયેલા, વધુ પડતાં ધાર્મિક દેશમા લોકશાહી સફળ નહી થાય. 

 લોકોએ 1951/52માં થયેલી એ ચૂંટણીને અંધારામાં મારેલા કુદકા સાથે સરખાવી હતી. તો કેટલાકને એવું પણ હતું કે, ચૂંટણી એ અદભૂત અને વિશ્વાસની ક્રિયા' બની રહેશે અને એવું જ થયું. ચૂંટણીનું આયોજન એક અદભૂત કાર્ય બની રહ્યું. મતદારોની નોંધણી માટે ઘરે-ઘરે સર્વે કરવામાં આવ્યો હતો. 70 ટકાથી વધુ મતદારો અભણ હોવાને કારણે, ઉમેદવારોને પ્રતીકો દ્વારા ઓળખવાના હતા, જે દરેક મુખ્ય પક્ષ અને અપક્ષ ઉમેદવારોને સોંપવામાં આવ્યા હતા, જે મતપેટીઓ પર દોરવામાં આવ્યા હતા. મતદારોએ ચોક્કસ ઉમેદવારને સોંપેલ બોક્સમાં બેલેટ પેપર મૂકવાના હતા, અને મતપત્ર ગુપ્ત હતો. 

 224,000 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ. 10.5 મિલિયનથી વધુ સ્ટીલની મતપેટીઓ તૈયાર કરવામાં આવી હતી. દરેક ઉમેદવાર માટે એક બોક્સ! લગભગ 620,000,000 બેલેટ પેપર છાપવામાં આવ્યા હતા. લગભગ 10 લાખ અધિકારીઓએ મતદાનની દેખરેખ રાખી હતી. ઘણા ઉમેદવારોમાંથી, જેને બહુમતી મળે, અથવા સૌથી વધુ મત મળે તે ચૂંટાશે. 85% જેટલી વસ્તી અભણ હતી, છતાં 45.7% લોકોએ મતદાન કર્યું. આ ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફે1952 સુધી લગભગ ચાર મહિનાઓ સુધી ચાલી હતી! 

  1957માં સૌપ્રથમવાર બુથકેપચરિંગની ઘટનાઓ બની. ગમે તે ભોગે ચૂંટણી જીતવા માટે જે તે પક્ષના કાર્યકરો દ્વારા કોઈ એક મતદાનમથક કબજે કરી, બેલેટ પેપર્સ પર જાતે જ સિક્કો લગાવી મતદાન થવા લાગ્યું! પ્રજાના મતદાન વિના નેતાઓ ચૂંટાવા લાગ્યા! આ પ્રવૃતિઓ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં કાયમી બની ગઈ. આંધ્ર પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ફેલાઈ અને ચૂંટણીના દિવસે હિંસા થઈ. 

 1950 થી 1990 દરમિયાન આ પ્રવૃતિઓ વધતી જ ગઈ, જેને રોકવા ઈલેક્ટ્રોનિક મશીન્સ વિકસાવવાની  શરૂઆત  ઇ.સ. 1979માં ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ દ્વારા થઈ હતી. પ્રથમ વખત કેરાલામાં ઇ.સ. 1982માં આ મશીનનો ઉપયોગ થયેલો. ઇ.સ. 1998 થી 2001 દરમિયાન તબક્કાવાર ઇ.વી.એમ. મશીન્સ દ્વારા ચૂંટણી લડવાની શરૂઆત થઈ. મુંબઈ IIT ના બે પ્રોફેસર્સ એ.જી. રાવ અને રવિ પૂવૈયા દ્વારા અત્યારના ઇ.વી.એમ. મશીન્સ તૈયાર કરવામાં આવ્યા હતા. એકવાર આ યુનિટ બન્યા બાદ ખુદ બનાવનાર પોતે પણ તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી! આ મશીન્સ બીજી કોઈપણ સિસ્ટમ સાથે જોડાય શકતા નથી. તેમાં બે મશીન્સ હોય છે, એક મતપેટી અને બીજું કંટ્રોલ યુનિટ.

 કેટલીક જગ્યાએ હારનાર પક્ષો દ્વારા ઇ.વી.એમ. માં ગેરરીતિ થઈ રહી છે, એવી ફરિયાદ થતાં ઇ.સ. 2011માં ભારતની સર્વોચ્ચ અદાલતે ઈ.વી.એમ.ની વિશ્વસનીય કામગીરીની ચકાસણી કરવા માટે પેપર ટ્રેલનો પણ સમાવેશ કરવા ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો અને એ સાથે જ વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ સિસ્ટમની શરૂઆત થઈ. ઇ.સ. 2014માં તેની પ્રાયોગિક ધોરણે શરૂઆત કરવામાં આવી. જેમાં મત આપનાર ઇ.વી.એમ. ની સ્વિચ ઓન કર્યા બાદ એક કાપલીમાં તેને ક્યાં પક્ષને મત આપ્યો? એ પણ જોઈ શકે છે. જેને આપણે આજે vvpat તરીકે ઓળખીએ છીએ. 

 આપણી ચૂંટણી પ્રક્રિયા અપડેટ થઈ ગઈ છે, હવે આપણે ધર્મ, જ્ઞાતિ, જાતિવાદ, કે પ્રદેશવાદથી પર થઈને અપડેટ થઈને મત આપવાની જરૂર છે, જેથી લાયક ઉમેદવારો પસંદ થઈ શકે.

       

 

 

 

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...