પ્રેમ, પ્રકૃતિ, શ્રદ્ધા, ખુશીઓના રંગોને પિચકારીમાં ભરી નીકળી પડીએ.... જીવી લઈએ!

આપણે સૌ રંગ વગરના જીવનની કલ્પના જ કરી શકીએ એમ નથી. આમ તો પ્રકૃતિ આપણી પાસે રોજ નવા રંગો લઈને આવે છે. સૂર્યોદયનો કેસરી અને પીળો રંગ, સંધ્યાના આકાશના રંગોની તો ફીલિંગ જ કઈક અલગ હોય છે. સૂર્યાસ્ત સમયે હાશનો રંગ, ઢળતા સૂરજની ગરિમા જ કઈક અલગ હોય છે. જેને આમ તો આપણા ઘરની અગાશીએથી કે પછી ફળિયામાથી કે વાડી ખેતરના શેઢેથી પણ ફીલ કરી શકાય છે, પણ આપણે એ ફીલિંગ લેવા લાખો રૂપિયા ખર્ચી નાખતા હોઈએ છીએ. પક્ષીઓના કલરવનો રંગ હોય કે પછી ગોધૂલી સમયે પાછી ફરતી ગાયોના પગની ઠેસથી ઊડતી ધૂળનો રંગ હોય!
કે પછી વાડી ખેતરમાં લહેરતા અનાજ, કઠોળ કે શાકભાજીના રંગોની રંગોળી તો આપણા સૌના જીવનમાં પથરાતી જ રહે છે. માણસ થાકે એટલે કુદરતના રંગો તેને આરામ આપે છે. થાકેલો માણસ આજે ફાર્મ હાઉસ કે વી-કેંડ વીલામાં એટલે જ તો શાંતિના રંગો શોધવા નીકળી પડે છે. ભારતીય પરંપરા મુજબ દરેક પ્રસંગનો એક અલગ રંગ છે. કાળો રંગ ભલે આપણને અશુભ લાગે છે, પણ અંધકારનો એ રંગ છે, એટલે જ આપણને આવતીકાલે નવી સવાર લઈને જિંદગી આવશે એવી શ્રદ્ધા છે!
આપણી આસ્થા પણ રંગીન છે, અને આપણો ઈશ્વર પણ! ઈશ્વરને શરણે ચડાવાતા ફૂલોના રંગો પણ એટલા કે આપણને એ રોજ તાજગી અને નવીનતાના રંગથી ભીંજવતા જ રહે છે. પ્રકૃતિ પાસે રંગોની એટલી વિવિધતા છે કે આપણે ખુશીના રંગે પણ રંગાઈએ છીએ અને દૂ:ખનાં રંગે પણ. બ્લેક એન્ડ વાઇટ જિંદગીને કલરફૂલ બનાવવા આપણે ભલે જરૂરિયાતો પાછળ દોડતા રહીએ છીએ, પણ આપણને એક વાર તો જિંદગી સમજાવે જ છે કે પેલી રંગેલી જે લાઇન દેખાય છે ને, એ આપણા સૌની ફિનિશિંગ લાઇન છે, એને અડીને પાછા ફરી જઈએ અને જીવી લઈએ.
આપણા દરેક તહેવારનો પણ એક રંગ છે, દુનિયા આખી ભલે ગોરા રંગ તરફ દોડે, પણ આપણો ઈશ્વર એવો મેઘવર્ણ છે, કે રંગભેદનો, અમીર-ગરીબનો તફાવત ત્યાં કાયમ ભૂંસાય જાય છે. ત્યાં સુધી પહોંચવા કોઇની જિંદગીમાં ખુશીના રંગો ઉમેરવા સિવાય બીજું કશું જ જરૂરી નથી! આપણી પ્રાર્થના મેઘધનુષના સાત રંગો જેવી છે, સત્ય અને પ્રામાણિક્તાના સફેદ પારદર્શક રંગ પર જ્યારે જ્ઞાનના પ્રકાશનો રંગ આપાત થાય છે, તો જે મેઘધનુષ રચાય છે, એનો રંગ એટલો પાક્કો થઈ જાય છે કે લોકોને એ રંગે રંગાવું જ પડે છે.
હોળીના રંગો સાથે જોડાયેલી વાર્તાઓનો રંગ પણ સત્ય અને અસત્યના રંગો સાથે જોડાયેલી છે. અસત્ય ગમે તેટલું બળવાન હોય તેનું દહન થઈને જ રહે છે. ધર્મને ભલે આપણે અલગ અલગ રંગો સાથે બાંધી દીધો, પણ માનવતાનો રંગ એટલો અદભૂત છે કે એ દરેક ધર્મસ્થાનોમાથી બહાર નીકળીને આપણા સુધી પહોંચી જ જાય છે. હોળીના રંગો રાધા-કૃષ્ણના પ્રેમના ગુલાલ સાથે ઉડતા રહે છે. પ્રેમથી વધુ ક્રિયા કરનાર કોઈ બીજું કેમિકલ જ નથી. સતત લડી રહેલી આ દુનિયાને પ્રેમના રંગો થકી રંગી શકીશું તો જ દારૂગોળાના ધુમાડાના રંગોથી આપણે મુક્ત થઈ શકીશું.
પ્રેમની પિચકારી લઈને નીકળી પડવાનું છે, આપણે વિકાસની આંધળી ગલીઓમાં ફસાઈ ગયા છીએ, પણ હવે ત્યાથી યુ-ટર્ન લઈ લેવાનો છે. ઉજ્જડ બનતી જતી ધરતીને આપણે ફરીથી લીલી ચુંદડી ઓઢાડવાની છે. ઘરના બારી-બારણાં ખોલી દઈને પ્રકૃતિના રંગોને આપણા ઘરોમાં એન્ટ્રી આપવાનો સમય આવી ગયો છે. માત્ર સમૃદ્ધિ નહી પણ ખુશીના રંગો થકી ઘરના આંગણાને અને આ પૃથ્વીને આપણે રંગવાની છે. આવનારી પેઢીને આપણે સ્વચ્છતા અને સ્વસ્થતાના રંગોથી રંગેલું પર્યાવરણ આપવાનું છે. જેના માટે જીંદગીની સ્ક્રીનમાથી પ્રદૂષણ ફેલાવતા રંગોને આપણે ડિલીટ કરી દેવાના છે.
હોળી આપણે એટલે પણ ઉજવીએ છીએ કે દિવસ-રાત પરિશ્રમ કરતાં ખેડૂતોના ખેતરે નવા ધાનનું આગમન થાય છે. અને એ આગમનને વધાવવા આપણે એકબીજા પ્રત્યે રહેલા રાગ-દ્વેષ અને ઈર્ષ્યાને ભૂલી જઈને એકબીજાને પ્રેમના રંગો વડે રંગી દઈએ. બુરા ના માનો હોલી હે....
