"જિંદગી એટલે ઈશ્વરે આપણાં પર મૂકેલી શ્રદ્ધા" એ સમજાવતો ગ્રંથ એટલે 'ગીતા'
વિશ્વમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, પ્રાણીઑ, પક્ષીઓ, વિવિધ વિષયો, મહિલાઓ, પુરુષો, વગેરે વગેરે બાબતો અંગે જાગૃતિ લાવવા લગભગ રોજ આપણે કોઈને કોઈ દિવસ ઉજવીએ છીએ. ઇનફેક્ટ આપણે આપણી આસપાસની સૃષ્ટિને એટલી બધી ડિસ્ટર્બ કરી દીધી છે કે હવે તો એ સૃષ્ટિને નવજીવન આપવા આપણે રોજ પ્રયાસો કરવા પડે એમ છે.
અને આ પ્રયાસો આપણે માત્ર ને માત્ર સ્વાભાવિક જીવન જીવીને જ કરી શકીએ એમ છીએ. અને એ સ્વાભાવિક જીવન જીવવાની પ્રેરણા આપણને માત્ર ને માત્ર એક ગ્રંથ આપી શકે એમ છે, અને એ છે, ભગવદગીતા! જેની આજે આપણે સૌ જન્મજયંતી ઉજવી રહ્યા છીએ. વિશ્વનો એકમાત્ર ગ્રંથ, જેની જન્મજયંતી ઉજવવામાં આવે છે.
જે ગ્રંથને આખી દુનિયા દરેક સમસ્યાનો ઉકેલ માને છે, એ જ ગ્રંથ પાસે આપણી જીવનલક્ષી દરેક સમસ્યાઓનો ઉકેલ છે. માટે આ પુસ્તકનું વાંચન માત્ર કોઈના મૃત્યુ પાછળ નહી, પણ આપણાં સૌના જીવતા જ થવું જોઈએ. જેના ઘરમાં ગીતાજી નથી, તે ઘર આત્મા વિનાના શરીર જેવુ છે. એટલું જ નહી, આ જ્ઞાનને આપણે આપણી ભાવી પેઢી સુધી પણ પહોંચાડવાનું છે.
આ કામ ઘણા લોકો થકી થઈ રહ્યું છે, પણ આપણે સમજી નથી રહ્યા. યાદ રહે સૌએ પોતાના જીવનસંગ્રામની લડાઈ અંગત લોકો સામે જ લડવાની હોય છે, કા પછી અંગત વિચારો સામે... ખુદ માટે, ખુદ સામે લડવાની તાકાત આપણને માત્ર આ જ ગ્રંથ આપી શકે એમ છે.
નિરાશ અને હતાશ થઈ ગયેલા અર્જુનને તેના વર્તમાનના કર્તવ્ય વિષે સમજાવવા, કૃષ્ણે જ્ઞાનનો જે ધોધ વહાવ્યો, એમાં આપણે સૌએ ભીંજાવવું જરૂરી છે. જેથી આપણે સમજી શકીએ કે જીવન ના તો ભૂતકાળમાં છે, ના તો ભવિષ્યમાં આપણી પાસે અત્યારે જે કઈ છે, તેમાં જ જીવન છે. જેઓ અત્યારે આપણી સાથે છે, આપણી પાસે છે, તેઓ જ આપણી માટે સૌથી અગત્યના છે. માટે આજમાં જીવીએ અને મોજથી જીવીએ.
જ્ઞાન મેળવવા પ્રશ્નો ઉદભવવા અને પ્રશ્નો પુંછવા જરૂરી છે. અર્જુનને જ્યાં સુધી ના સમજાયું કે મારુ લડવું શા માટે જરૂરી છે? તેમણે કૃષ્ણને પ્રશ્નો પૂંછયા જ કર્યા... ને સવાલો કર્યા બાદ જ્યારે જ્ઞાન થયું કે ‘ધર્મની સ્થાપના’ માટે લડવું જરૂરી છે, ત્યારે અર્જુને ગાંડીવ ઉપાડયું.... આપણે પણ આજે સમાજમાં ચાલતા અન્યાય, અધર્મ, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા,સ્ત્રીઓ સાથે થતાં અત્યાચાર સામે લડવા કોઈ ને કોઈ શસ્ત્ર ઉઠાવવું જરૂરી છે.
જ્ઞાન કર્મથી શ્રેસ્ઠ છે, તો પછી મને આજે જ્ઞાન થયું છે કે સગાસંબંધીઓને મારીને મારે જીતનું સુખ નથી જોતું, તો હવે મારે શા માટે લડવું જોઈએ? એના જવાબમાં કૃષ્ણે જે કહ્યું એ આપણે સૌએ યાદ રાખવા જેવુ છે. જ્ઞાન કરતાં પણ કર્મ શ્રેસ્ઠ છે, કારણ કે કર્મ એ યજ્ઞ છે, જેમાં સઘળું જ હોમીને આપણે જીવનને મસ્ત બનાવી શકીએ છીએ. બસ એ કર્મ આપણે જ્ઞાનના પ્રકાશમાં કરવાનું છે, નહી કે અજ્ઞાનના અંધકારમાં!
જ્ઞાન એ નથી કે આપણે આપણું આજનું કર્મ ભૂલી જઈએ.... લડવાનું છોડી દઈ, સંસારને છોડી દઈ, પ્રવૃતિને બદલે નિવૃતિનો રસ્તો પસંદ કરી લઈએ. સાચું જ્ઞાન સંસારમાં કર્મો કરતાં રહીને જ મળી શકે એમ છે. ભાગવાથી કશું નથી મળતું, જે કઈ મળે છે, એ લડતા રહેવાથી જ મળે છે. માટે લડતા રહીએ. સંસારમાં રહીને પણ જે સંસારને છોડી શકે છે, કર્મ કરવા છતા જે કર્મથી પર રહી શકે છે, એટલે કે જેને પોતાના કર્મ કે જ્ઞાનનું અભિમાન નથી તે જ મસ્ત જીવન જીવી શકે છે. જીંદગીનો કોઈ બોજ તેઓને કચડી શકતો નથી. હળવા થઈને કેમ જીવવું? એ આપણને કૃષ્ણ સિવાય કોણ શીખવી શકે?
જિંદગીમાં શાશ્વત કશું જ નથી, જેમ નદીમાં વહેતું પાણી રોજ બદલાતું રહે છે, જે પાણી આપણે ગઇકાલે જોયું હતું એ તો વહી ગયું આજે તો નવો પ્રવાહ છે, એમ જ આપણે પણ સતત બદલાતા રહેવું જરૂરી છે, બસ એ પરીવર્તન આપણને સાચા રસ્તે લઈ જાય એ ધ્યાન રાખવામા આપણને માર્ગદર્શક તરીકે આ પુસ્તકની જરૂર છે.
આખા પુસ્તકને શ્લોક અને અધ્યાય સહિત યાદ કરી લેવું એ ગીતા જ્ઞાન નથી, પણ એમાથી જે કઈ પણ આપણે આપણાં જીવનમાં ઉતારી શકીએ, બીજા સુધી પહોંચાડી શકીએ એ જ સાચું ગીતા જ્ઞાન છે. ગીતા આપણને બહારના તોફાનો સામે અંદરથી સ્ટ્રોંગ બનાવે છે.
જિંદગીમાં ગમે તે પરિસ્થિતિમાં એકસરખી લાગણી અનુભવી શકે તે વ્યક્તિ જ સુખને સમજી શકે છે, તે જ દૂ:ખનો દ્રઢતાપૂર્વક સામનો કરી શકે છે. માટે દૂ:ખમાં ગભરાય ના જવું અને સુખમાં છકી ના જવું... જે કાઇપણ કરીએ એ પૂરેપુરી શ્રદ્ધા સાથે કરીએ, જ્યાં શંકા છે, ત્યાં વિનાશ છે. અને જો આપણે આપણાં કાર્યો પ્રત્યે શ્રદ્ધા નહી રાખીએ તો કાર્યો ક્યારેય પૂરા નહી થાય. વળી જે કામ કરીએ એમાં ફળની અપેક્ષા ના રાખીએ, કારણકે અપેક્ષા જ આપણાં મોટા ભાગના દૂ:ખોનું કારણ છે.
કામ કરતાં રહીશું, તો એક દિવસ જે મેળવવું છે, એ મળી જ જશે. ભલે મોડુ મળે પણ એવું મળશે કે આખી જિંદગી મસ્ત રહીને જીવી શકીશું. નિજાનંદમાં જીવવું એ જ જીવન છે. અને એ આનંદ આપણને નિષ્કામ કર્મથી જ મળી શકે એમ છે. ફીલ કરજો જે દિવસે આપણે કોઈ બીજા માટે કશું સારું કર્યું હોય, એ દિવસે આપણે સૌથી વધુ ખુશ હોઈએ છીએ. આવા કાર્યો આપણને જે ‘આત્મસંતોષ’ આપે છે, એવી ફીલિંગ બીજું કોઈ આપી શકતું નથી....
પોતાના ધર્મ ( કરવાના કામ)થી કોઈ ભાગી શકતું નથી.... આપણે જ આપણાં મિત્ર છીએ, અને આપણે જ આપણાં દુશ્મન.... જેનો પોતાના મન પર કાબૂ હોય, એ પોતાનો મિત્ર અને કાબૂ ના હોય, એ પોતાનો જ દુશ્મન! જીવન જીવવાનો એકમાત્ર હેતુ મોક્ષ નથી, કામ, અર્થ અને ધર્મ પણ છે.
અને જેઓ આ બધુ જ પોતાનું કર્તવ્ય સમજીને કરે છે, તેને મોક્ષ આપોઆપ મળી જતો હોય છે. ટૂંકમાં આપણને સોંપવામાં આવેલું કાર્ય આપણે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીએ એટલે મોક્ષ આપોઆપ મળી જતો હોય છે. ભલે પછી આખી જિંદગી આપણે કોઈ ધર્મસ્થાને માથું ના નમાવ્યું હોય! કોઈ કર્મકાંડ ના કર્યા હોય...
આવું તો ઘણું બધુ છે, આ ગ્રંથમાં બધુ હું જ કહી દઇશ, તો તમે શું કરશો? આમ પણ કૃષ્ણએ કહ્યું છે. ખુદને જાણવા માટે ખુદ જ બળવું પડે.... તો ચાલો ગીતા જ્ઞાનને મેળવીએ અને એ પ્રકાશ થકી ખુદને પ્રકાશિત કરી લઈએ....

No comments:
Post a Comment