Monday, 21 February 2022

માત્રુભાષા 365 દિવસ* 24 કલાક

માત્રુભાષા 365 દિવસ* 24 કલાક

 

   એકવાર અકબરના દરબારમાં એક પંડિત આવ્યો જે બધી ભાષાઓ જાણતો હતો. તેને આવીને પડકાર ફેંક્યો કે કોણ એવું છે? જે મારી માત્રુ-ભાષા ઓળખી શકે? બિરબલે જવાબ આપવા થોડો સમય માંગ્યો. તે રાત્રે તે પંડિતના ઓરડામાં ગયો અને ઊંઘતા પંડિતના કાનમાં ઘાસ વડે સળી કરી. ઊંઘને ખલેલ પહોંચતા તે જાગી ગયો અને બોલી ગયા, યેવવુરા આદિ? બીજે દિવસે બિરબલે દરબારમાં કહ્યું, પંડીતની માતૃભાષા તેલુગુ છે. પંડિત હાર માનીને ચાલ્યા ગયા. બિરબલે અકબરને કહ્યું કે માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે જે ભાષા બોલે એ તેની માતૃભાષા હોય છે.

  ગુજરાતી  ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે. ગુજરાતીનો ઉદવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નરેન્દ્ર મોદી અને મહમદ અલી ઝીણાનો સમાવેશ થાય છે.

  હમણાં હમણાં ગુજરાત સરકારે ગુજરાતમાં તમામ જાહેર સ્થળોએ ગુજરાતીમાં દિશાનિર્દેશ મૂકવાનું ફરજિયાત કર્યું એટલે આ વાર્તા યાદ આવી. જો કે આપણે સૌ ભેગા મળીને ગુજરાતમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરાવી! આપણને આપણી માતૃભાષા પ્રત્યે જે કઈ પૂર્વગ્રહ છે, તેને દૂર કરવાની ખાસ જરૂર છે. જો આપણે આપણાં સંતાનોને ભાર વગરનું ભણતર અને જીવન-ઘડતર આપવા માંગતા હોઈએ તો...

 મારુ સંતાન ‘English medium’ માં ભણે છે, તેને ગુજરાતી નથી આવડતું.’ ટ્રેન્ડ અને ફેશન મુજબ ચાલવું પડે એટલે સંતાનોને અંગ્રેજી-મીડિયમની સ્કૂલમાં ભણાવવા પડે છે. જીવવું છે, ગુજરાતમાં પણ ગુજરાતી સાથે નહી! ભણવું છે ગુજરાતમાં પણ ગુજરાતીમાં નહી! આ આપણા ગુજરાતીઓની સરેરાશ મેંટાલીટી છે, જેને આપણે આપણા બાળકને અંગ્રેજી મિડિયમમાં ભણતા અને વિકસતા નથી ફાવતું છતાં છોડતા નથી! વિદેશી ભાષામાં શિક્ષણ આપણાં બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા અગત્યના વિષયોમાં કાચા રાખી દેતા હોય છે. આ એક સંશોધન દ્વારા સાબિત થયેલું છે.

  જે બાળકોનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી મિડિયમમાં થયેલું છે, તેઓ આગળ જતાં ઉચ્ચ અભ્યાસક્રમમાં અંગ્રેજી મીડિયમ સરળતાથી અપનાવી શકે છે. તેઓનો પાયો એકદમ મજબૂત હોય છે. જેના આધારે તેઓ પોતાના શૈક્ષણિક કેરિયરની મજબૂત ઇમારત ઊભી કરી શકે છે. અગાઉની શિક્ષણ-પદ્ધતિમાં પાંચમા ધોરણ સુધી અંગ્રેજી ભણવામાં નહોતું આવતું. છતાં પાંચમા ધોરણ પછી વિદ્યાર્થીઓ સરળતાથી અંગ્રેજી શીખી શકતા. હવે તો હાયર કે.જી. લોઅર કે.જી. ના વિધાર્થીઓ એકસાથે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ ત્રણ ભાષાઓ ભણે છે. પરિણામે તેઓનું એકપણ ભાષા અંગેનું જ્ઞાન પૂરું થતું નથી.

  આપણે બાળકોને ભણાવી દેવા છે, પણ શું ભણાવવું? અને કેવી રીતે ભણાવવું એ નક્કી કરવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. લોકો પોતાના સંતાનોને  સમજ્યા, વિચાર્યા વિના ગાડરિયા પ્રવાહમાં તણાઇ જઈ અંગ્રેજી મીડિયમમાં ભણવા મૂકી દેતાં હોય છે. પછી બાળકોને ના આવડે એટલે બહુ નાની ઉંમરમાં ટ્યુશનમાં મૂકી દે છે, ઘણા લોકો તો માત્ર હોમ-વર્ક કરાવવા ટ્યુશનમા બાળકોને મોકલતા હોય છે. બીજી ભાષામાં ભણતા બાળકો ઘરમાં અને આજુબાજુમાં બોલાતી માત્રુ-ભાષા અને સ્કૂલમાં બોલાતી બીજી ભાષાઓના વમળમાં એવા ફસાઈ જતાં હોય છે કે તેઓ કંફ્યૂઝ જ રહે છે અને તેઓનો સર્વાંગી વિકાસ અટકી જતો હોય છે.

 માતૃભાષા એ તો માણસના વિકાસનું પ્રથમ પગથિયું છે, જો બાળક તેમાં ગોથા ખાશે, તો બાકીના પગથિયાં ક્યારેય વ્યવસ્થિત નહી ચડી શકે. હજી પણ સમય છે, આપણી માત્રુ-ભાષા અવશેષ બની જાય એ પહેલા તેને વિશેષ બનાવી લઈએ. ગુજરાતીમાં જોડકણા બોલતા બોલતા, ઉખાણાં ઉકેલતા ઉકેલતા, હાલરડાં સાંભળતા સાંભળતા શબ્દોને સથવારે જે બાળકો ઉછરતાં હોય છે. તેઓ માત્રુ-ભાષાના વટ-વૃક્ષ નીચે વિસામો ખાતા ખાતા જિંદગીમાં આગળ વધતાં રહેતા હોય છે. તેઓ માટે માત્રુ-ભાષા એ માં સમાન છે, જે ગમે તેવી મુશ્કેલીમાં તેઓનો સાથ છોડતી નથી. બાળકોને માત્રુ-ભાષાની છાયામાં વિકસવા દઈએ.

   વિશ્વના મોટા ભાગના શિક્ષણ-શાસ્ત્રીઓએ બાળકોને માત્રુ-ભાષામાં શિક્ષણ આપવાની વાત કહી છે. તેઓ ખુદ માત્રુ-ભાષામાં ભણેલા છે. અરે ખુદ આપણને પણ બાળકોને અંગ્રેજી મીડિયમમાં મૂક્યા બાદ સમજાય છે, જ્યારે બાળક ડચકાં ખાવાનું ચાલુ કરી દે છે, પણ દેખાડામાં આવી જઈ આપણે તેને ત્યાથી અટકાવી શકતા નથી. ઘણા માતા-પિતાને મે એવું ગર્વથી કહેતા સાંભળ્યા છે કે મારા સંતાનને ગુજરાતી નથી આવડતું! જેઓને પોતાની માત્રુ-ભાષા બોલવામાં શરમ આવતી હોય તેને શું કહેવું?  ફાંકડું અંગ્રેજી બોલનારને આપણે ફાંકડું ગુજરાતી બોલનાર કરતાં ઊંચું સ્થાન અને સ્ટેટસ આપી દેતાં હોઈએ છીએ.

   ગુજરાતી હમેંશા આપણી પ્રથમ ભાષા જ હોવી જોઈએ. દરેક રાજ્યો પોતાની પ્રાદેશિક ભાષાને અદકેરું મહત્વ આપતા હોય છે. આપણે વેપાર ભલે ગમે તે ભાષામાં કરીએ પણ શ્વાસ તો ગુજરાતી ભાષામાં જ લેવા જોઈએ. આપણી ભાષા આપણો ભવ્ય વારસો છે. તેને જાળવી રાખવો એ આપણા સૌની ફરજ છે. ફેશન ભલે આપણે અંગ્રેજી ભાષામાં કરીએ, પણ વ્યસન આપણને ગુજરાતી ભાષાનું જ હોવું જોઈએ. ગુજરાતીને પાયામાં રાખીશું તો બીજી કોઈપણ ભાષા આપણે સરળતાથી શીખી શકીશું. માત્રુ-ભાષા આપણને માતૃભૂમિ સાથે જોડી રાખે છે.

  સરકારને માત્રુ-ભાષા ફરજિયાત કરવી પડે એ આપણા સૌ માટે શરમની વાત છે.

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...