Saturday, 14 October 2023

યુદ્ધ સમયે સ્ત્રીઓ પર થતાં અત્યાચારો........ ને પુરુષો માનસિક જીત સમજે છે????

 

યુદ્ધ સમયે સ્ત્રીઓ પર થતાં અત્યાચારો........ ને પુરુષો માનસિક જીત સમજે છે???? 

Indian women set fire to house of suspect as Manipur sex assault case  triggers outrage | Reuters

 

    પેલેસ્ટાઇને ઇઝરાયલ પર હુમલો કર્યો. આજે દરેક છાપાના પ્રથમ પાનાનાં સમાચાર છે. બંને રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ઝઘડાઓ ચાલી રહ્યા છે. મહાત્વાકાંક્ષાઓ ટકરાય છે, ધર્મો ટકરાય છે, ત્યારે યુદ્ધો થતાં હોય છે. યુદ્ધો હવે ના ટાળી શકાય એવી બાબતોના લીસ્ટમાં આવતા જાય છે. વિશ્વ છેલ્લા દોઢ વર્ષોથી રશિયા-યુક્રેન યુદ્ધની વિનાશકતા અનુભવી રહ્યું છે. કેટલાયે નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. માતા-પિતા સંતાનો વગરના અને સંતાનો અનાથ થઈ રહ્યા છે. ઘરોમાં ધબકી રહેલી લાગણીઓ પર દારૂગોળો વરસી રહ્યો છે. અને ધડાકાઓને લીધે લાગણીઓ જાણે કે વધુ ને વધુ બહેરી બની રહી છે!

   છાપાના પ્રથમ પાનાં પર છવાયેલા ધુમાડામાં એક સમાચાર સ્પષ્ટ વંચાયા, હુમલો કરનાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી રગદોળી, બંધક બનાવી સાથે લઈ ગયા. આપણે ભલે એ-આઇ ટેક્નોલોજીના યુગમાં પ્રવેશી ગયા હોઈએ, પણ પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા હજી આદિકાળ જેવી અકબંધ છે!

   આપણાં દેશમાં મણિપુરમાં બે કોમો વચ્ચેના ઝઘડાઓમાં પણ સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાના વિડીયો વાઇરલ થયેલા. દ્રૌપદી હોય કે આજની મણિપુર કે ઇઝરાયલની સ્ત્રીઓ હોય પુરુષો એકબીજા પ્રત્યેના રાગ-દ્વેષનું ઝેર ઓકવા સ્ત્રીઓ સાથે બર્બરતા આચરતા રહે છે. પ્રાચીન ગ્રીકમાં યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કારોને વેલીડ ગણવામાં આવતા! યોદ્ધાઓ જીતેલી મહિલાઓને "કાયદેસરની લૂંટ,પત્નીઓ,ઉપપત્નીઓ,ગુલામ મજૂરી અથવા યુદ્ધ-શિબિર ટ્રોફી" તરીકે ગણતા હતા! પાછળનો તર્ક આપવામાં આવતો કે પત્ની પતિની ગુલામ છે કે પછી તેની મિલકત છે.

    આપણે ભારતના યુદ્ધોનો ઇતિહાસ વાંચીશું તો એમાં પણ આવા અનેક કિસ્સાઓ મળી આવશે. જીતી ગયેલા દુશ્મન રાજાઓની નજરથી બચવા રાજઘરાનાની સ્ત્રીઓ જોહર કરતી. જોહર કરવાના ખાસ સ્થળો રાજમહેલમાં બનાવવામાં આવતા! રાણી પદ્માવતીએ 1600 સ્ત્રીઓ સાથે જોહર કરેલું. દુનિયાના મોટા ભાગના લશ્કરના સૈનિકોએ યુદ્ધ દરમિયાન અને યુદ્ધ બાદ જીતાયેલા પ્રદેશોની સ્ત્રીઓ સાથે બર્બરતા આચરવામાં કશું બાકી નથી રાખ્યું.

     પુરુષ જ્યારે સ્ત્રીને પોતાનાથી આગળ વધતી જુએ છે, અને તેને એવું લાગે છે કે હવે તે સ્ત્રીને પહોંચી નહી શકાય, તો સ્ત્રીના ચારિત્ર્ય પર સીધો હુમલો કરતો હોય છે. એમ યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષ સમયે દુશ્મનને અપમાનિત કરવા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કારો થતાં રહે છે. બર્બરતાનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક યુદ્ધના સાધન તરીકે થાય છે. સ્ત્રીઓ સાથે આવા અત્યાચારો કરીને તેઓ અત્યાચારોને પોતાની માનસિક જીત માનતા હોય છે.

જ્યારે કોઈ સ્ત્રી કોઈપણ સ્વરૂપમાં જાતીય હિંસાનો ભોગ બને છે, ત્યારે તેણીને માત્ર શારીરિક અથવા માનસિક નુકસાન જ નહીં,પણ કલંકનો પણ સામનો કરવો પડે છે. અપમાનના વધારાના આઘાતથી ઘેરાયેલા પરિવારો આ મહિલાઓને તેમના ઘરની બહાર કાઢી મૂકે છે. જ્યારે મહિલાઓને તેમના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે સમાજની કમર તૂટી જાય છે. પુરુષો જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે છે. પરિણીત પુરૂષો આ સ્ત્રીઓને તેમના જીવનમાં પાછા આવકારવા માંગતા નથી,કારણ કે તેમની નજરમાં તેઓ "ઉપયોગી માલ" બની રહે છે! 
 

  15મી અને 16મી સદી દરમિયાન કેથલિક ચર્ચો દ્વારા યુદ્ધ વખતે સ્ત્રીઓ પર થતાં બળાત્કારો રોકવા માટે પ્રયાસો શરૂ થયા. પણ એ પ્રયાસોને સારા પરિણામો મળ્યા નહી. ડચ કાયદાશાસ્ત્રી હ્યુગો ગ્રોટિસે સૌપ્રથમ યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કારો માટે કાયદો ઘડવાનું સૂચન કર્યું. ત્યારબાદ બીજા ઘણા મહાનુભાવોએ પણ પ્રયાસો કરી જોયા. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પણ ઘણા પ્રયત્નો છતાં, યુદ્ધ દરમિયાનની આ ક્રૂરતાને રોકી શકાઈ નહી. ઘણા યુદ્ધો સમયે તો ગર્ભવતી સ્ત્રીઓ પર પણ બળાત્કારો થયેલા છે!

  બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિશામાં ખાસ વિચારણાઓ થઈ, પણ તેઓ પણ આ બાબતે કશું નક્કર કરી શક્યા નથી. ઇ.સ. 1996માં યુનાઈટેડ નેશન્સ દ્વ્રારા યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કાર માટે મૃત્યુદંડ કે જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ત્રીઓની હાલતમાં આ બાબતે કોઈ જ સુધારો થયેલ નથી. હજી આજે પણ સ્ત્રીઓ આવા સમયે સોફ્ટ-ટાર્ગેટ બની રહી છે.

  ચંદ્ર કે બીજા કોઈ ગ્રહો કે ઉપગ્રહો પર જીવન શોધનાર માણસ હજી આ પૃથ્વીને સ્ત્રીઓ માટે સલામત સ્થળ બનાવી શક્યો નથી.

 

  

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...