Wednesday, 11 October 2017

શિક્ષણ, પરિવર્તન અને આપણે



શિક્ષણને રાષ્ટ્રમાં પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.કોઈ પણ રાષ્ટ્ર એટલે આગળ છે, કારણકે તે શિક્ષિત છે.વિશ્વના જે રાષ્ટ્રો શિક્ષિત છે,વિકસિત છે.પણ શું આપણા દેશમાં શિક્ષણ પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું પરિબળ છે, ખરું? શિક્ષણ થકી લોકોમાં વૈચારિક પરિવર્તન આવે છે ખરું? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિએ અલગ-અલગ હોવાનો. પણ જો આ જ પ્રશ્ન આપણે આજે શિક્ષણ મેળવનાર લોકોને પૂછીએ તો શો જવાબ મળશે?કેટલા વિદ્યાર્થીઓ એવું કહેશે કે ‘શિક્ષણને લીધે અમે જ્ઞાતિપ્રથા,દહેજ,ભ્રૂણહત્યા,બળાત્કાર,જાતિવાદ,અસ્પૃશ્યતા અંધશ્રદ્ધા વગેરે દુષણોમાં માનતા નથી. કોણ એવું કહેશે શિક્ષણને લીધે અમારા આ દુષણો પ્રત્યેના વિચારો બદલાય ગયા છે.અમે સમજી ગયા છીએ કે આવા કુરીવાજોથી દુર રહેવું જોઈએ. બોલો કોણ સંપૂર્ણ નિર્ભયતાથી આ કુરિવાજો સામે લડશે? હકીકત તો એ છે કે આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ વૈચારિક પરિવર્તન વધવાને બદલે ઘટતું જાય છે! હવે આ શિક્ષણ-પ્રથાનો વાંક છે કે પછી શિક્ષણ પ્રાપ્ત કરનારનો? કે પછી આપણે અમુક પરિવર્તનોને હજી સુધી સમજી જ શક્યા નથી! અને એમાનું એક પરિવર્તન છે, ‘આધુનિકીકરણ’ આ શબ્દનો આપણે ઉપયોગ વારંવાર કરીએ છીએ પણ હજી સુધી આ પરિવર્તનને આપણે સમજી શકયા નથી. આ શબ્દની વ્યાખ્યા જ આપણે ખોટી કરી છે.
     આપણે એવું માનીએ છીએ કે કોઈ સંસ્કૃતિનું આંધળું અનુકરણ એટલે ‘આધુનિકીકરણ’. કોઈ યુવાન કે યુવતી લેટેસ્ટ ફેશનના કપડા પહેરે કે મેકઅપ કરે એટલે એ આધુનિક! કોઈ વ્યક્તિ હાઈ-ફાઈ સ્માર્ટફોન વાપરે કે ઉંચી કંપનીના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વાપરે એટલે એ આધુનિક! કે પછી કોઈ માતા-પિતા પોતાના સંતાનોને 'english-medium’ સ્કૂલમાં ભણાવે એટલે આધુનિક! કોઈ વ્યક્તિ પોપ-સોંગ્સ સાંભળે કે પાર્ટીઓમાં ડાન્સ કરે એટલે આધુનિક! કે પછી કોઈ લેટેસ્ટ હોટેલમાં ચાઇનીઝ, પંજાબી કે કોન્ટીનેન્ટલ જમેં એટલે એ આધુનિક! વગેરે વગેરે...... બોલો આમાંથી તમે કઈ વ્યાખ્યાને સાચી માની તેને અનુસરો છો? ને કઈ વ્યાખ્યા મુજબ ખૂદને “આધુનિક” માનો છો? કહેશો. આ આપણી બનાવેલી આધુનિકતાની વ્યાખ્યા, જેને આધારે આપણે સૌનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ. હવે તમે જ કહો જો વ્યાખ્યા જ ખોટી હોય તો મૂલ્યાંકન પણ ખોટું જ થવાનું ને? હકીકત તો એ છે કે આધુનિકતા આવે છે નવા વિચારો થકી. જે પ્રજા જુના અને ઝડ વિચારો છોડી નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહે છે, તે આધુનિકતાની સાચી પરિભાષા કરી શકે છે.ને એ મુજબ પોતાનું આધુનિકીકરણ કરી શકે છે.માત્ર કોઈ પાસેથી ઉછીના લીધેલા ‘days’ ઉજવવાથી કોઈ પ્રજા આધુનિક નથી બની જતી.એના માટે પ્રજાએ ગમે તેવા દુષણો સામે લડવા તત્પર રહેવું પડે છે.ગમે ત્યાં ભારતીય સંસ્કૃતિના ગાણા ગાયે કશું થવાનું નથી.પરિવર્તન લાવવા પેલા આપણે પરિવર્તિત થવું પડશે.
 સાચું તો એ છે કે જ્યાં વિચારોની સ્વતંત્રતા અને વિચારો રજુ કરવાની નિર્ભયતા હોય એ બાબતો જ આધુનિકતાના દાયરામાં આવે છે.દુષણો સામે લડનાર જ સાચો શિક્ષિત નાગરિક ગણાય છે.સતીપ્રથાનો વિરોધ કરનાર અને એ પ્રથા બંધ કરાવવાનો પ્રયાસ કરનાર ‘રાજા રામ મોહનરાય’ આધુનિક હતા. એકલે હાથે એ દુષણ સામે લડ્યા અને જીત્યાં પણ ખરા! તેઓ પેલા લાખો વ્યક્તિઓએ એ પ્રથાની સ્ત્રી પર થતી અસર જોઈ હતી પણ કોઈ બોલ્યું નહિ. જેવું છે તેવું સ્વીકારી લેવાની આપણી આદતોએ જ આપણને નવા વિચારો થી દુર કરી મુક્યા છે.જ્યાં સુધી કોઈ પ્રથા મને નડતી નથી, એનો કોઈ વિરોધ નથી.પણ જો એ મને નડશે તો હું લડી લઈશ આપણી આ આધુનીક્તાએ આપણને સાવ કુવામાંના દેડકા બનાવી દીધા છે.એ જ રીતે અથાક પ્રયત્નો થકી ભારતમાં પ્રથમ મુવી બનાવનાર ‘દાદા સાહેબ ફાળકે’ પણ આધુનિક હતા. મારા દેશને મારે કશુક નવું આપવું છે, એ વિચાર જ આધુનીક્તાનો પર્યાય બની રહે છે.એવી જ રીતે ભારતમાં કોઈ નવી શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિ આધુનિક છે.પણ જો તમે ડોક્ટર છો અને હજી દહેજ માંગો છો તો તમારા જેવું ‘અભણ’ કોઈ નથી. તમારું શિક્ષણ તમારામાં ડિગ્રી સિવાય કોઈ પરિવર્તન લાવી શક્યું નથી.તેવી જ રીતે જો તમે શિક્ષિત છો અને ભ્રૂણહત્યા માં માનો છો તો તમારા જેવું રૂઢીવાદી કોઈ નથી.શિક્ષણ થકી નવા વિચારોનું પ્રસારણ થવું જોઈએ. જે શિક્ષણ તમને સામાજિક કુરિવાજો સામે લડતા ના શીખવે એ શિક્ષણ શું કામનું?
આઝાદીના ૭૨ વર્ષો પછી પણ આપણે દહેજ,અંધશ્રદ્ધા,વ્યક્તિપૂજા,ભ્રૂણહત્યા,અસ્પૃશ્યતા વગેરે જેવા દુષણો દુર નથી કરી શક્યા,એ સૂચવે છે કે આપણે માત્ર સાક્ષર બન્યા છીએ પણ શિક્ષિત બન્યા નથી.હજી આજની તારીખે મત કોને આપવો એ એક પુખ્ત નાગરિક તરીકે આપણે નક્કી નથી કરતા.પણ આપણી જ્ઞાતિ કે કુટુંબ આ બાબતો નક્કી કરે છે.હવે તમે જ કહો શિક્ષણ થકી ખરેખર આપણે મુક્ત બન્યા કે હજી જુના વિચારો સાથે જ જીવી રહ્યા છીએ.નવા વિચારો સામે આપણે આપણા મનની બારીઓ બંધ જ કરી દીધી છે.નવા વિચારો જુના વિચારો સામે લડી જ શકતા નથી એ બાબત જ સૂચવે છે કે આપણે હજી જૂનીપુરાણી સદીઓમાં જ બંધિયાર બની જીવી રહ્યા છીએ. આપણો બાહ્ય પહેરવેશ બદલાયો છે,પણ આંતરિક પરિવર્તન હજી ઘણે દુર છે.વૈચારિક પરિવર્તન હજી આપણે અપનાવ્યું નથી. એ જ જુના વિચારો અપનાવી આપણે સ્ત્રીઓને પડદા કે બુરખા પાછળ ધકેલતા રહીએ છીએ. સ્ત્રી પણ જીન્સ પહેરવાથી કે ટુકા કપડા પહેરવાથી આધુનિક નહિ બને પણ એણે પણ નવા વિચારો સ્વીકારવા પડશે. સ્ત્રી-શિક્ષિત બની નવા વિચારો અપનાવશે તો રાષ્ટ્ર ઝડપથી બદલાશે.સ્ત્રીઓ એ પણ કુરિવાજો સામે લડવું પડશે.
  આપણને વિચારોની ઝડતા ફાવી ગઈ છે.નવી શરૂઆત કરનાર આપણને ગમે છે,પણ શરૂઆત કરવી આપણને ગમતી નથી.નવા રસ્તાઓ આપણે અપનાવવા પડશે.એક એક યુવાન અને યુવતીઓએ નવા વિચારો અપનાવવા પડશે.પછી તે સોચાલય બનાવવાનો હોય કે સ્વચ્છતા નો કે પછી દહેજ નહિ લેવાનો. દરેક જગ્યાએ આપણે આગળ પડતા રહેવું પડશે.આપણે જ નવા વિચારોના ‘બ્રાન્ડ-એમ્બેસેડર’ બનવું પડશે.લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ અટકાવવા પડશે, ધર્મના નામે મંદિરો કે મસ્જિદોમાં પૈસા આપવા એના કરતા કોઈ ગરીબને એ પૈસા થકી મદદ કરવી પડશે,કોઈ પરિણીત યુગલે કહેવું પડશે કે અમે ભ્રૂણહત્યા નહિ કરીએ,માત્ર મારા માતા-પિતાના કહેવાથી કોઈ બાબા કે ધર્મગુરુમાં નહિ માનું,કોઈ વ્યસન નહિ કરું,આવા નવા વિચારો સાથે શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિ ‘આધુનીક’ ગણાશે.શિક્ષણ નો સાચો હેતુ તો જ સિદ્ધસિદ્ધ જો આપણે એમાં સુચવેલા પરિવર્તનો સ્વીકારી દેશને નવી દિશા તરફ લઇ જઈ શકીશું.શિક્ષણ એક એવું માધ્યમ છે,જેના થકી આપણે દેશમાં નવા વિચારોનો સંચાર કરી શકીશું.
 કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ લોકોની વિચારસરણીમાં આવતા પરિવર્તન થકી જ થાય છે.નવા વિચારો જયારે જુના વિચારોને દુર કરે છે,ત્યારે જ સૂર્યોદય થાય છે.વિચારોની નવીનતા જ રાષ્ટ્રને નવા સંશોધનો તરફ દોરી જાય છે.શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રમાં સર્જનાત્મકતાનો સંચાર થાય છે.અને જ્યાં સર્જનાત્મકતા હોય ત્યાં મૌલિકતા નિખરે છે.અને મૌલિકતા પ્રજાને વિચારોની સ્વતંત્રતા તરફ દોરી જાય છે. અને સાચું શિક્ષણ એ જ છે જે લોકોને સ્વતંત્રતા તરફ દોરી જાય. શિક્ષણનો મુખ્ય હેતુ જ લોકોને મુક્ત રીતે વિચારતા કરવાનો છે.યાદ કરો રવીન્દ્રનાથ ટાગોર ની એ કવિતા.સાચું શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહી પણ દેશની સમસ્યાઓ સામે લડવાની તાકાત પણ આપનાર બની રહેવું જોઈએ.
 
Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.


Sunday, 8 October 2017

ડિગ્રી આવડત અને આપણે,

 

  






ડિગ્રી આવડત અને આપણે,


હમણાં કે.બી.સી. માં એક એપિસોડ જોયો.એક ધો.૧૦ પાસ બહેને ૫૦લાખરૂ જીત્યા.આટલું ઓછું શિક્ષણ હોવા છતાં વિશ્વાસ પૂર્વક રમ્યા અને મોટી રકમ જીત્યાં પણ ખરા! સફળતાની પૂછપરછ માં તેમણે જવાબ આપ્યો, “મને વાંચવું બહુ ગમે છે અને હું પુષ્કળ વાચન કરું છું એટલે સફળ થઇ.” ડિગ્રી ને શિક્ષણ સાથે જોડી આપણે જ્ઞાન,સમજ,આવડત જેવા ગુણોને સાવ ગૌણ બનાવી દીધા છે. ને પરિણામે આજે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પણ યોગ્ય કૌશલ્ય ધરાવતા હોતા નથી.ને જેઓ ભળેલા નથી તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ક્યાય આગળ નીકળી ગયા છે. ને ઘણીવાર તો એવું બને છે કે અતિ ભણેલા અભણ ને ત્યાં પોતાની ડિગ્રી વટાવતા રહે છે.તેઓના વ્યવસ્થાપન હેઠળ કાર્ય કરતા રહે છે.કારણ ડિગ્રી વ્યક્તિને નવું સંશોધન કરવા કરતા વધુ સલામતી વાળી નોકરી કરવા પ્રેરતી રહે છે.એક નોકરી મેળવી આજનો વિદ્યાર્થી સલામત બની જાય છે,પણ પોતાની ડિગ્રીને કોઈ નવા રસ્તે લઇ જવાનું ટાળે છે. ‘વાઈટ કોલર’ નોકરીના વળગણે વિદ્યાર્થીને ગોખણીઓ બનાવી દીધો છે. ડિગ્રીની પરીક્ષામાં અવ્વલ આવનાર જિંદગીની પરીક્ષામાં ઘણીવાર સદંતર ફેલ થતો રહે છે. ડિગ્રી ના બઝારે સંશોધન નામની પ્રોડક્ટને સાવ ગૌણ બનાવી દીધી છે. વિદ્યાર્થી નોકરી મેળવવા ડિગ્રી પર ડિગ્રી મેળવતો રહે છે,પણ કૌશલ્ય વિકસતું નથી. અરે ક્લાસ-રૂમમાં બેઠેલા ૭૫% વિદ્યાર્થીઓને તો ખબર પણ નથી હોતી કે હું શા માટે આ અભ્યાસક્રમ ભણું છુ? અને આમાંથી કેટલુ મને આવડે છે અને કેટલું આવડતું નથી? અરે ઘણી વાર તો ૧૦ પાસ વિદ્યાર્થીને પોતાની ભાષા લખતા કે વાચતા પણ આવડતી હોતી નથી. ને ૧૨ પાસ વિદ્યાર્થી એક સાદી અરજી કે સાદું ફોર્મ પણ ભરી શકતો નથી. ધોરણ પાસ થઇ જાય પણ એ આવી નાની બાબતો પણ શીખતો નથી. અરે મેઈન વિષય રાખનાર ઘણા વિદ્યાર્થીઓ ને એ વિષય શા માટે રાખ્યો છે, એ પણ ખબર હોતી નથી! જે વિષય સાથે તે ગ્રેજ્યુએટ થાય છે ઘણીવાર એનું પાયાનું જ્ઞાન પણ એની પાસે હોતું નથી.( મેઈન english રાખનારને ઘણીવાર પોતાનું નામ અને સરનામું english માં લખતા આવડતું હોતું નથી!)
          ડિગ્રીના મહત્વ એ તેની મૌલિકતાને ગોખણીયા જ્ઞાનમાં તબદીલ કરી નાખી છે. આજે શાળા કે કોલેજ ના ક્લાસરૂમમાં ભણતા વિદ્યાર્થીઓમાં ૫૦% એવા છે, જેઓને ભણવું જ નથી પણ એક યા બીજા કારણોસર ભણતા રહે છે.તેઓનું પ્રેરક બળ શિક્ષણ નહિ પણ કોઈ બીજું હોય છે.તેઓને અભ્યાસક્રમમાં જરાયે રસ હોતો નથી.પરાણે ભણતા રહે છે,પણ નવું શીખતા કશું નથી, એવું લગભગ દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે.આવા વિદ્યાર્થીઓ ના કામનું વાસ્તવિક ક્ષેત્ર અને અભ્યાસક્રમ વચ્ચે જમીન-આસમાન નો તફાવત હોય છે.આપણે ત્યાં ખેતીને લગતા અભ્યાસક્રમો સાવ ઓછા જોવા મળે છે, જયારે દેશની મોટા ભાગની પ્રજા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવા છતા! વિશ્વના જે દેશોએ પોતાના સૌથી અગત્યના આર્થીક ક્ષેત્રો છે, તે ક્ષેત્રોને શિક્ષણ સાથે જોડી દઈ વિદ્યાર્થીઓને એનું જ શિક્ષણ લેતા કર્યા છે,જેમ કે ડેન્માર્ક ડેરી-ઉદ્યોગમાં આગળ છે તો ત્યાં શાળામાં બાળકોને એના વિશેના અભ્યાસક્રમો જ ભણાવવામાં આવે છે, જયારે આપણી શિક્ષણ-પ્રથામાં આવું ક્યાય જોવા મળતું નથી.ને પરિણામે વિદ્યાર્થીઓ ખેતી ની નજીક જવાના બદલે દુર જતા રહે છે.ખેતી તેઓને અનાકર્ષક લાગે છે.વિદ્યાર્થીઓ માર્ક-શીટમાં માર્કસના ઢગલા લાવે છે,પણ જરૂરી કૌશલ્ય કેળવી શકતા નથી. તેઓ બહારની દુનિયાના પ્રશ્નોના જવાબ આપવામાં તદન અશક્ષમ બની જાય છે.ને જેઓને ભણવામાં જરાયે રસ નથી છતાં ભણે છે તેઓ ક્લાસરૂમમાં શિસ્તના પ્રશ્નો ઉભા કરતા રહે છે.
  ડિગ્રી અને આવડત નો સહસંબંધ ‘શૂન્ય’ છે.આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી નથી.ને એવા હજારો ઉદાહરણો આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ પણ સમજતા નથી કે સ્વીકારતા નથી. તમે ટી.વી.પર મુંબઈના ડબ્બા વાલાનું વ્યવસ્થાપન જોયું હશે.એનો માલિક સાવ અભણ છે છતાં એનો કેસ-સ્ટડી એમ.બી.એ. નો વિદ્યાર્થી ભણે છે.વિચારજો. અરે ઘણીવાર તમેં તમારી આસપાસ એવા ઉદાહરણો પણ જોયા હશે કે એક ડોક્ટર અને દરજીકામ કરતા વ્યક્તિની આવક એકસરખી પણ હોય શકે! એક ની પાસે ડિગ્રી છે અને એકની પાસે આવડત પણ છતા બંનેનું આર્થિક સ્તર એકસરખું છે! એવું ક્યારેય નથી હોતું કે કોઈ ડોક્ટર કે એન્જીન્યર યુની.ફર્સ્ટ હોય એટલે એની આવડત ઉંચી હોય! હકીકત તો એ છે કે આવા વ્યવસાયોમાં ડિગ્રી કરતા આવડત જ અગત્યની હોય છે. ઘણી વાર ડોકટરો વચ્ચેની આવકમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે.આ સઘળી બાબતો એવું સૂચવે છે કે જો તમારામાં એક પણ આવડત હોય તો એને યોગ્ય રસ્તે વાળી એક સરસ કારકિર્દી બનાવી શકો છો. પણ આપણને અમુક ક્ષેત્રો સિવાય કશું સુઝતું જ નથી! કારણ આપણે ડિગ્રીના સર્ટીફીકેટ પાછળ આપણી આવડતના સર્ટીફીકેટને ગોઠવી ફાઈલમાં માત્ર સાચવી મુકીએ છીએ. તે સર્ટિને આગળ લઇ જવાનો પ્રયત્ન કરતા નથી.એવા કેટલાયે વિદ્યાર્થીઓ હોય છે જેઓ સારું ગાતા હોય કે સારા ચિત્રો દોરતા હોય કે પછી રમત-ગમતમાં હોશિયાર હોય,કે બીજી કોઈ કળામા હોશિયાર હોય છે. પણ તેઓ ખુદને ઓળખતા નથી ને આપણી શિક્ષણ-પ્રથામાં આવી કળાઓને કોઈ સ્થાન નથી ને પરિણામે યોગ્ય પ્લેટફોર્મના અભાવે આવી કળાઓ બહાર આવી શક્તી નથી. ને પરિણામે આવા વિદ્યાર્થીઓ કળાને છુપાવી કોઈ નાનકડી નોકરી પાછળ પોતાનું જીવન વિતાવી દેતા હોય છે.
           ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ વ્યવસ્થિત તક ના મળતા એ પ્રતિભાઓ ડિગ્રીના બોજ તળે દબાઈ જાય છે.ટ્રેન્ડમાં હોય તેવી ડિગ્રીઓ અને કોર્સીસ પાછળ દોડી તેઓ પોતાનું અસ્તિત્વ જે કળામાં હોય તે કળા ને જ ભૂલી જાય છે.ધીરુભાઈ અંબાણી,સચિન તેંદુલકર,લતા- મંગેશકર ,માર્કઝુકરબર્ગ વગેરે એવા કેટલાય નામો છે જેઓએ પોતાની આવડત ઓળખી એના પર જ બધું એકાર્ગ કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા અને એ ક્ષેત્રનો પર્યાય બની ગયા.પણ આપણે હજી આ ડિગ્રીના ચક્કરમાંથી બહાર આવતા નથી.વળી આપણે ત્યાં વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીનું વળગણ પણ બહુ જોવા મળે છે. એકવાર મળી જાઉં એટલે આખી જિંદગી સ્થિર! એવી માન્યતા સાથે ડિગ્રી પર ડિગ્રી મેળવતા જાય છે, પણ જ્ઞાન કે આવડત પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા નથી.સરકારી નોકરી એવી સ્થિરતા કે સલામતી આપે કે નવું કશું કરવાની ઇચ્છા જ ના થાય. ૧૦ થી ૫ ની નોકરી. બસ બીજું કશું નહિ.
      વિદેશોમાં aptitude ટેસ્ટ લઇ વિદ્યાર્થીનું ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. આપણી શાળાઓ એ પણ કરતી નથી. વિદેશોમાં આવી ટેસ્ટ લઇ માતા-પિતા,શાળાઓ વિદ્યાર્થીઓને એ જ ક્ષેત્રમાં આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે, જયારે આપણા દેશમાં માતા-પિતા અને શાળાઓ વિદ્યાર્થીઓને ડોક્ટર કે એન્જીનીર બનાવવા સિવાય ત્રીજું ક્ષેત્ર વિચારતી જ નથી.બોર્ડની પરિક્ષાઓ પૂરી થતા જ મોટા મોટા હોડીગ્ઝમાં ટોપ-ટેન વિદ્યાર્થીઓના નામ ગુંજતા રહે છે.ને બાકીના બિચારા હિજરાતા રહે છે.બાળકોના એડમીશન માટે માં-બાપ મહિનાઓ સુધી દોડ-દોડ કરતા રહે છે ને પોતાના જીવનની તમામ કમાણી આપીને પણ ડોક્ટર કે એન્જીનીયર બનાવતા રહે છે!આપણી શિક્ષણ પ્રથાએ વિદ્યાર્થીઓને નંબરની ગેમના એટલા વ્યસ્ત ખેલાડી બનાવી દીધા છે, જ્યાં ટોપ-ટેન સિવાય એકેય નંબર ધ્યાનમાં જ આવતા નથી.જ્યાં વિદ્યાર્થીઓના માત્ર માર્ક્સ કે ગ્રેડ જ અગત્યના છે તેના કૌશલ્ય કે આવડતનું મહત્વ જરાયે રેવા દીધું નથી.
 જે દિવસ થી આપણે ડિગ્રી કે નંબર કરતા વધુ અગત્યનું કૌશલ્ય ગણીશું. ઓલમ્પિક રમતોસ્વમાં મેડલ ટેલીમાં આપણે પણ ટોપ-ટેન દેશોમાં હોઈશું!

“Your school may have done away with winners and losers, but life HAS NOT. In some schools they have abolished failing grades and they’ll give you as MANY TIMES as you want to get the right answer. This doesn’t bear the slightest resemblance to ANYTHING in real life.”  BILL GATES



Thursday, 17 August 2017

ધર્મ,મુલ્યો અને આપણે,

ધર્મ,મુલ્યો અને આપણે,


                      





   ધર્મ અને નૈતિકમુલ્યોને વ્યસ્ત સંબંધ હોય તેવું લાગે છે.જે જે દેશોમાં ધર્મનું મહત્વ વધુ છે, ત્યા અપ્રમાણિકતા,રિશ્વત,ભ્રષ્ટાચારના પ્રશ્નો વધુ જોવા મળે છે.ધર્મની સ્થાપના લોકોને સારા માર્ગે વાળવા થઈ હતી.પણ એ જ ધર્મે આજે લોકોને ગલત માર્ગે દોરવાનું કામ કર્યું છે.માનવસમાજ પર નિયંત્રણ રાખી શકાય તે માટે આપણે ધર્મને જીવનમાં ઊંચું સ્થાન આપ્યું પણ એ ધર્મ જ અનેક સંપ્રદાયોમાં વહેચાઈ ગયો અને ધર્મની પરિભાષાઓ સરળ બનવાને બદલે અઘરી બનતી ગઈ.જે ધર્મની સ્થાપના માનવતાના રક્ષણ માટે થઇ તી તે ધર્મ જ માનવતાનો દુશ્મન બની બેઠા.ને આજે ધર્મના નામે જેહાદ જેવી ભયંકર પ્રવૃતિઓ પણ થતી રહે છે.આતંકવાદ જેવી ભયાનક પ્રવૃતિને પણ ધર્મના નામે ફેલાવવામાં આવે છે.દરેક વાતને ધર્મના નામ સાથે જોડી માણસ પર એટલા નિયંત્રણો લાદવામાં આવેલ છે કે માણસ જાહેરમાં ધર્મનું પાલન થાય એવી પ્રવૃત્તિ કરે છે,પણ ખાનગીમાંઅધર્મ આચરતા રહે છે.અત્યારે તો એવો માહોલ થઇ ગયો છે કે “ચોરી કરવી કે ખોટું કરવું પાપ નથી ગણાતું પણ એવું કરતા પકડાઈ જવું એ જ પાપ છે.” ધર્મ જેમ જેમ વધતા જાય છે નૈતિક મૂલ્યોનું ચલણ એટલુ જ ઘટતું જાય છે.
        વિશ્વમાં અનેક ધર્મોનું સ્થાપન થયેલું છે.એ પણ નથી સમજાતું કે ભગવાન શા માટે અલગ અલગ સ્વરૂપે પૃથ્વી પર આવતા હશે કે પછી એ પણ માણસનો જ બનાવેલો છે. દુનિયામાં અનેક ધર્મો પાળતી પ્રજા વસે છે.દરેક ધર્મની સ્થાપના એની પેલાના ધર્મમાં પ્રવેશેલી ગંદકી દુર કરવા થઇ છે, એવું માનવામાં આવે છે.દરેક ધર્મ એકબીજાનો પુરક નહિ પણ પ્રતિસ્પર્ધી હોય એમ ધર્મના અનુયાયીઓ ઝઘડતા રહે છે, ને જે ધર્મને માનવસમાજ નો મિત્ર માનવામાં આવે છે, એ ધર્મ જ એનો દુશ્મન બની બેસે છે.પ્રત્યેક ધર્મની સ્થાપના એના આદ્યસ્થાપક દ્વારા થઇ. એ આદ્યસ્થાપકે એ ધર્મને સમજાવવા ગ્રંથો અને ઉપદેશો આપ્યા. રામાયણ,મહાભારત,ભગવદગીતા,બાઈબલ,કુરાન,વેદો,ઉપનીષદો,વગેરે જેવા પુસ્તકો એનું ઉદાહરણ છે.આ બધા પુસ્તકોએ આપણને આદર્શ જીવન જીવવાના માપદંડો આપેલા છે અને આપણે સ્વીકાર્યા પણ ખરા! પણ શું આજે ખરેખર એ આદર્શોનો અમલ થાય છે ખરો? એ આદર્શો તો પુસ્તકોની શોભા માત્ર બની રહી ગયા છે! જીવનની જરૂરીયાતો પૂરી કરવાની દોડમાં આપણે અશાંત બની ગયા છે.ને શાંતિ મેળવવા ગમે તેના શરણે જવા તૈયાર થઇ ગયા છીએ.આપણી ધર્મ વિશેની ગલત માન્યતાઓએ જ આશારામ અને રાધેમાં જેવી વ્યક્તિઓને આટલા ઊંચા સ્થાન પર બેસાડી દીધા છે.ઈશ્વર અને આપણી વચ્ચે રહેલા આવા ખોટા સંતો અને સાધુઓએ જ ધર્મ અંગેની આપણી માન્યતાઓને ‘અંધશ્રદ્ધા’ માં કન્વર્ટ કરી દીધી છે. અને આપણે અંધશ્રદ્ધા- શ્રદ્ધા વચ્ચેનો ભેદ ભૂલી ચુક્યા છીએ.
ભારત વિશ્વની પ્રાચિનતમ સંસ્કૃતિ ધરાવતો દેશ છે.આપણી સંસ્કૃતિમાં ‘ધર્મને’ સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે,ને આમ છતાં અપ્રમાણિકતાનું પ્રમાણ અહી વધુ જોવા મળે છે.પ્રાચીન ગ્રંથો માં ધર્મ અર્થ,કામ,અને મોક્ષ એમ માનવજીવનના ચાર ધ્યેયો વર્ણવ્યા છે. જેમાં આપણે મોક્ષ ને સૌથી ઊંચું સ્થાન આપીએ છીએ,જેમાં ધર્મ થકી જ મોક્ષ પ્રાપ્તિને અગત્યનું ગણ્યું છે ને છતાં આપણે અધર્મ આચરતા રહીએ છીએ.આવું માત્ર કોઈ એક ધર્મ માટે નહિ દરેક ધર્મોના પ્રતિનિધીઓએ પોતાના ધર્મનું ગલત અર્થઘટન કર્યું છે.ને પરિણામે દરેક ધર્મ પાળતી પ્રજા પોતાનો મૂળ ધર્મ ભૂલી માત્ર સંપ્રદાયો પાળતી પ્રજા બની ગઈ છે.એટલું જ નહિ ધર્મસ્થાનો પણ કમાણીના સ્થાનો માત્ર બની રહી ગયા છે.ને તેની આસપાસના સ્થળો માત્ર શ્રધ્ધાળુઓને લુટવાના માત્ર માધ્યમ બની ગયા છે.માણસના ડરને,ગ્રહોને,દુખોને,મુશ્કેલીઓને દરેક ધર્મોએ કમાવવાનું સાધન બનાવી લીધું છે.એટલે જ તો પી.કે. મૂવીમાં આમીરખાન કહે છે, “ जो डर गया वो मंदिर गया”
ને એટલે જ તો આપણે ધર્મને તેના સાચા અર્થમાં સમજી જ શકતા નથી ને ખોટા રસ્તે જલ્દી વળી જઈએ છીએ.ઋષિમુનીઓ ના આ દેશમાં આજે ભ્રષ્ટાચાર તો સાવ સામાન્ય બની ગયો છે.અરે એ તો આપણો સ્વભાવ બની રહી ગયો છે.અત્યારે આપણા દેશમાં અપ્રમાણિકતાનું મહત્વ એટલું વધી ગયું છે કે ‘પ્રમાણિક’ માણસ જાણે અન્ય ગ્રહનો વ્યક્તિ હોય એવું લાગે છે. આ દેશમાં પ્રમાણિક વ્યક્તિ સાવ એકલો બની જાય છે. એટલું જ નહિ વેદિયો માની તેનું અપમાન કરવામાં આવે છે.અને હકીકત તો એ છે કે એ પ્રામાણિક માણસ બધાને નડતો થઇ જાય છે ને લોકો તેને અનુસરવાને બદલે જલ્દીથી તેને દુર કરવાના પ્રયત્નો કરતા રહે છે.સાચું કહેજો ક્યાં વિદ્યાર્થીને પરીક્ષામ ચોરી ના કરવા દે એવા શિક્ષક ગમતા હશે! શાળા,કોલેજો,બેંકો,તમામ વેપારી સંસ્થાઓ,સરકારી સંસ્થાઓ,રાજકારણીઓ,સામાન્ય માણસો,ધનિકો,બધાજ ભ્રષ્ટાચારના મોટા કેન્દ્રો બની ગયા છે.જે દેશે સમ્રગ વિશ્વને જીવન જીવવાના શ્રેષ્ઠ મુલ્યો આપ્યા છે એ જ આજે માંનવ-મુલ્યો બાબતે તળિયે આવી ગયું છે.ચોરી ના કરવી, ખોટું ના બોલવું, લાંચ ના લેવી વગેરે અભ્યાસક્રમના માત્ર મુદ્દા બની ગયા છે.પણ વાસ્તવિક કેળવણીમાં કોઈ એને સ્થાન આપતું નથી.પાપ કરી ગંગામાં ડૂબકી મારી પાપ ધોવાની આપણી માન્યતાએ તો ગંગા જેવી પવિત્ર નદીને પણ ગંદી બનાવી દીધી છે.પણ અધર્મ જ ના થાય તો અપવિત્રતાનો સવાલ જ ના ઉદભવે ને?
‘સત્ય મેવ જયતે’ માત્ર એક વિધાન બની રહી ગયું છે, જે માત્ર એક સ્લોગન બની વિવિધ કચેરીઓની શોભા વધારે છે પણ માણસો ખુદની શોભા વધારવા એનો જરાયે ઉપયોગ કરતા નથી.”આત્મા એ માણસની સૌથી મોટી અદાલત છે” પણ એ અદાલત કોઈને યાદ જ નથી. એ અદાલત વારંવાર સાચો અવાજ કરતી રહે છે,પણ એને પૈસા,સંપતિ,કે અન્ય જરૂરિયાતોના ઘોંઘાટમાં સાંભળનાર કોઈ રહ્યું નથી.સત્ય,ધર્મ,જેવા શબ્દો પુસ્તકો કે પ્રવચનોની શોભા વધારનારા બની રહી ગયા છે.જીવનમાં કે વ્યવહારમાં કોઈ એનો અમલ કરતા નથી. સત્ય પર પ્રવચનો આપનાર બહુ મળી રહે છે,પણ સત્યના માર્ગે જનાર બહુ ઓછા મળે છે.જયારે વિદેશમા ધાર્મિકતા ઓછી હોવા છતાં લોકો પ્રમાણિક જોવા મળે છે.તેઓ કોઈ કામ ચોઘડિયા જોઈ કરતા નથી છતાં આપણા કરતા દરક બાબતોમાં આગળ છે.,વધુ  વિકસિત છે.જયારે આપણે દરેક બાબતોમાં ધર્મને વચ્ચે લાવતા રહીએ છીએ ને એક કુવામાંના દેડકાની જેમ સંકુચિત બનતા રહીએ છીએ.નવી બાબતો સ્વીકારવામાં પણ અચકાતા રહીએ છીએ.આપણે એવા દરેક કામ કે જે ધાર્મિક દ્રષ્ટીએ અયોગ્ય લાગે છે,તેને જાહેરમાં બધાની દેખતા નથી કરતા તો ખાનગીમાં કરતા હોઈએ છીએ.ને એટલે જ તો આપણે આપણી આજુબાજુ દંભનું કવચ રચી બેઠા છીએ, જેને કોઈ વીંધી શકતું નથી.આ એવો દેશ છે, જ્યાં પાણીની પરબ પર રહેલા ગ્લાસ કોઈ લઇ ના જાય એટલે સાંકળથી બાંધીને રાખવા પડે છે.બોલો આમાં પ્રમાણીકતા,સત્ય,જેવા નૈતિક મુલ્યોને કઈ સાંકળથી બાંધીને રાખવા.
આપણા દેશમાં જેટલા ધાર્મિક્સ્થાનો છે,એટલા બીજા કોઈ દેશમાં નહિ હોય.એક ગામમાં સરેરાશ ૪-૫ ધર્મસ્થળો હોય જ છે, ને છતાં આપણે ધર્મને સાચા અર્થમાં સમજી શકતા નથી.આ દેશમાં ધર્મના નામે ઝઘડા સતત થતા રહે છે.કોમી રમખાણો થતા જ રહે છે.ધર્મ જો એક રાખવાનું કાર્ય કરતો હોત તો આવા ઝઘડા શા માટે? હકીકત તો એ છે કે ધર્મ જ લોકોને લડાવવાનું મોટું માધ્યમ બની ગયા છે.જે ધર્મની સ્થાપના લોકોને એક કરવા માટે થઇ હતી તે જ ધર્મે લોકોને જુદા કરી નાખ્યા છે.અહી ધર્મના નામે કરોડો રૂપિયા ભેગા થતા રહે છે,ને પછી એ ધન માટે ગાદીપતિઓ લડતા રહે છે.ને ઈશ્વર એક સાઈડ રહી જાય છે.અહી લોકો ગરીબ છે,પણ ધર્મસ્થાનો ધનિક છે. લોકો ભૂખ્યા સુવે છે,પણ પથ્થરના કે માનેલા ભગવાન જાતજાતના પકવાન આરોગતા રહે છે.પથ્થરની મુર્તીઓને હઝારો લીટર દૂધ ચડાવાતું રહે છે, ને દુધના અભાવે લાખો બાળકો કુપોષિત રહી જાય છે.અહી ધર્મના નામે લોકો દિવસમાં ૩-૪ વાર તન સાફ કરતા રહે છે પણ મન સાફ કરવાનું કોઈને સુઝતું નથી. સ્ત્રીઓને માતાજી બનાવી પૂજતા રહે છે પણ ભ્રુણ-હત્યા રોકવાનું કે બળાત્કાર રોકવાનું કોઈને સુઝતું નથી.દહેજ જેવા રાક્ષસને અટકાવવાનું કોઈને સુઝતું નથી.આ એવો દેશ છે જ્યાં લોકો અદાલતમાં પોતાના ધર્મના ગ્રંથ પર હાથ મૂકી ખોટું બોલે છે ને નાર્કોટેસ્ટ વખતે સાચું બોલે છે! કેમ ખરું ને? અહી ધર્મના નામે પ્રેમીઓને લવ જેહાદ નો ભોગ બનવું પડે છે. હવે તમે જ કહો ધર્મ અને નૈતિકતા વચ્ચે.......સંબંધ.
 

                      

Saturday, 15 July 2017

સલાહ સાથે સહકાર તો આપો!





આજે એસ.વાય.બી.એ.માં ડેન્માર્કની શ્વેત-ક્રાંતિ ભણાવી અને ઉપરનું શીર્ષક યાદ આવી ગયું.ડેન્માર્ક આજે યુરોપનું ડેરીનું ખેતર ગણાય છે.વિશ્વનું પ્રથમ નંબરનું “ડેરી ઉદ્યોગ” નું કેન્દ્ર એટલે ડેન્માર્ક.એમ કહેવાય છે કે ડેન્માર્કમાં દુધની નદીઓ વહે છે.આ ક્રાંતિ પાછળ સૌથી અગત્યની વાત હોય તો એ દેશમાં ડેરી-ઉદ્યોગ કેમ અને કેવી રીતે વિકાસ પામ્યો તે છે! ઈ.સ.૧૮૬૧ માં ડેન્માર્કના જટલેન્ડ નામના ગામમાં એક પાદરી ખ્રિસ્તી સદગુણો વિશે પ્રવચન આપી રહ્યા હતા, સભામાંથી એક વૃદ્ધે ઉભા થઇ કહ્યું કે, “સદગુણો બહુ સરસ છે,પણ એ આપણને રોટલો આપી શકતા નથી.રોટલાનો ટુકડો જીવવા માટે વધુ અગત્યનો છે!” પાદરીને બહુ દુ:ખ થયું. તે ઇંગ્લેન્ડ ગયા અને સહકારી સ્ટોર્સ વિશે જાણી લાવ્યા.તેણે ફરી એ જ સ્થળે પ્રથમ સહકારી સ્ટોર્સની રચના કરી. ને આજે ડેન્માર્ક સહકારી પ્રવૃતિઓનું હાર્દ બની ગયું છે.હવે એ વિચારજો આપણા દેશમાં પ્રવચન આપનારાઓ અને પ્રેરણાદાયી સ્પીચ આપનારોમાંથી કોણ આવું કાર્ય કરે છે કે કોણ આવી પહેલ કરે છે?
   આપણા દેશમાં સલાહ આપનારા ઘણા મળી રહે છે, પણ સહકાર આપનાર મળતા નથી.હકીકત તો એ છે કે સહકાર આપનાર દુર દુર સુધી મળતા નથી.સરકાર ની કોઈ પણ યોજના કે જાહેરાત આપણા સુધી પહોચે, આપણે સાંભળીએ ને તાત્કાલિક સૂચનો આપવા માંડીએ છીએ. સલાહ આપનારા ની ફોજ થઇ જાય છે,પણ મદદ કરનાર એક મળતો નથી.જયારે જરૂર પડે ત્યારે સલાહ આપનારા પણ આઘા-પાછા થવા માંડે છે.આ વાત જેટલી વ્યક્તિગત સંબંધોમાં સાચી છે,એટલી જ દેશના પ્રશ્નોના ઉકેલમાં પણ સાચી પડે છે.દેશના પ્રશ્નો ના જવાબમાં પણ બધા સલાહ,મંતવ્યો,ને comment જ આપ્યા કરે છે.પ્રશ્નોના ઉકેલમાં સહકાર આપવાને બદલે આમ કરવું જોઈએ અને આમ ના કરવું જોઈએ એ જ ચર્ચા કરતા રહીએ ‘ છીએ પણ સાથે મળીને એ સમસ્યાઓ સામે લડવાનું કોઈને સૂઝતું નથી. કેટલું બધું સાહિત્ય રોજ આ સંદર્ભે કેટ-કેટલુય બહાર પડતું રહે છે.કેટલાયે સેમિનારો,સભાઓ,ચર્ચાઓ થતી રહે છે,પણ કશું નક્કર થતું નાથે. ગરીબી દુર કરવાના સેમિનારો ફાઈવસ્ટાર હોટેલોમાં થતા રહે છે. બોલો ફાઈવસ્ટારમાં રહીને કોઈ ગરીબીને કેવી રીતે સમજી શકે કે પછી દુર કરવામાં મદદરૂપ કેવી રીતે થઇ સકે? હકીકત તો એ છે કે ગરીબી દુર કરવાના ભાષણો આપનાર પોતે ‘ધનિક’ બની ગયા! ગરીબી દુર કરવાના પ્રયત્નો નહિ માત્ર વાતો થાય. ચર્ચામાં બધા ભાગ લે ને,ભાગ લેનાર ની ગરીબી દુર થઇ જાય ને ગરીબો હતા ત્યાં ને ત્યાજ. એટલેજ આપણા દેશમાં ગરીબી આજે પણ ઘટી નથી. ગમે તે સમસ્યા હોય જેમ કે પ્રદુષણ, બેકારી, બળાત્કાર, શિક્ષણનું નીચું સ્તર વગેરેમાં લોકો માત્ર દુર કરવાની કે સુધારવાની વાતો કરે છે સલાહો આપતા રહે છે જે તે દિવસો ઉજવાતા રહે છે પણ તેને દુર કરવાના પ્રયાસો થતા નથી.
 ડેન્માર્ક ના પાદરીને લાગી આવ્યું એવું કોઈને થતું નથી.ઘણી સંસ્થાઓ કામ કરે છે, પણ એને પણ લોકોનો પૂરો સહકાર મળી રહેતો નથી.તમે જ કહો આપણે કેટલી મદદ કરીએ છીએ સરકારની કોઈ પણ સારી યોજનાને સફળ બનાવવાની કે પછી કોઈ નવા કાયદાને અપનાવવાની? મોદી સરકારે સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી આપણે કેટલા સ્વચ્છતાના પાઠો શીખ્યા? કેટલી સારી યોજનાઓ જેવી કે ગેસનું ઓનલાઈન બુકિંગ,બાળકોને ભણાવવા સારી સરકારી નિશાળો,સ્ત્રી કેળવણી બાબતે મદદ,શિષ્ય-વૃતિના નાણા સીધા જે તે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવા,મેક ઇન ઇન્ડિયા,વગેરે.આમાંથી આપણે કેટલામાં સરકારને સપોર્ટ આપ્યો? અગર તો કેટલાને આનો યોગ્ય ઉપયોગ કરતા શીખવ્યો?આપણે માત્ર કોઈ નવી યોજના કે કાયદાની સમિક્ષા કરતા રહીએ છીએ પણ એને સફળ બનાવવામાં સરકારને સહકાર આપતા નથી.કોઈ પણ બાબતે સમજ્યા વગરના મંતવ્યો આપતા રહેવા એ આપણી આદત બની ગઈ છે.બોલે છે બધા પણ કામ કરવાનું આવે ત્યારે બધા ભાગતા રહે છે.બસ કાર્યક્રમો કાર્ય, સેલ્ફી લીધી, થોડા ફોટા પડાવ્યા whatsapp કે facebook પર અપલોડ કર્યા, થોડા likes કે comment મળી એટલે આપણું કામ કે પછી દેખાડો પુરા! આવું દરેક બાબતે અને દરેક સારી યોજના બાબતે થઇ જાય છે. જેમ અમુક સંબંધો માત્ર વ્યવહાર બની જાય એમ આવા સારા કાર્યકમો વ્યવહાર બની રહી જાય છે.
કોઈ પણ સારું કામ માત્ર ઉજવણી બની રહી જાય છે.એ બાબત પ્રત્યેની જાગૃતિ ગૌણ બની જાય છે.દરેક પ્રશ્નો સંદર્ભે લોકોને જાગૃત કરવા આપણે દિવસ કે સપ્તાહ ઉજવીએ છીએ પણ એ દિવસ પૂરતા લોકો જાગે છે ને પાછા સુઈ જાય છે! આપણે ત્યાં એટલે જ કોઈ બાબતે નક્કર પરિણામો મળતા નથી.ડેન્માર્ક,,ઇઝરાયેલ,સ્વીડન, જાપાન જેવા દેશો આજે આપણા કરતા આગળ છે તે માટે એક જ બાબત જવાબદાર છે અને તે છે “ત્યાના લોકો સલાહ સાથે સહકાર પણ આપે છે” બધા કામો માત્ર સરકાર જ કરે એવું વિચારતા નથી.ને વળી સરકારની દરેક યોજનાઓ અપનાવે છે અને કાયદાઓનું પાલન પણ કરે છે. હમણાં તમે વાચ્યું હશે ઈઝરાયેલના વડાપ્રધાનનો દીકરો લશ્કરમાં જોડાયો.ને માં-બાપ બંને હસતા મુખે તેને જવાની રજા આપી રહ્યા હતા.હવે વિચારો કયો દુશ્મન દેશ આવા દેશનો વાળ પણ વાંકો કરી શકે.કોઈ પણ દેશ ક્યારેય માત્ર વાતો કરતા રહેવાથીભાષણો,પ્રવચનોઆપતા કે સંભાળતા રેવાથી વિકસતો નથી પણ એના માટે ભરપુર પ્રયત્નો કરતા રેવાથી વિકસે છે. આદર્શો, સિદ્ધાંતોની મોટી મોટી વાતો કરનારે એને અમલમાં પણ મુકવી જોઈએ, તો જ બીજાઓ સ્વીકારે છે એમ જ આપણે પણ સલાહો આપવાને બદલે સહકાર આપવો પડશે.સરકારની સાથે કદમ થી કદમ મિલાવતા રહેવા પડશે.એટલું જ 
નહિશાળાઓ,મહાશાળાઓ,વિદ્યાપીઠો,મંદિરો,મસ્જીદો,ચર્ચો,ધનિકો,ગરીબો,દરેકે મદદ કરવા આગળ આવવું પડશે.એકલા નેતાઓ નહિ પણ
 ખેડૂતો,ઉદ્યોગપતિઓ,નોકરિયાતો,ધંધાદારીઓ,વ્યવસાયિકો વગેરે એ મહેનત કરવી પડશે. તો જ આપણે વિકસી શકીશું.



ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...