Wednesday, 7 January 2026

જીંદગીની ડિક્શનરી કેવા કેવા શબ્દો થકી વાઇરલ થઈ રહી છે?

 

જીંદગીની ડિક્શનરી કેવા કેવા શબ્દો થકી વાઇરલ થઈ રહી છે?

6-7” Named 2025 Word of the Year by Dictionary.com - Wiregrass Daily News

 

 

 

 

 Impossible શબ્દ મેરી ડિક્શનરીમે નહી હે, તો ડિક્શનરી દેખ કે લેની ચાહીયે ના, આ ફન્ની ડાયલોગ છે, શાહરૂખખાન અને દિપીકા પાદુકોણની મૂવી ચેન્નાઈ એક્સપ્રેસનો... Rage bait, parasocial , slop, agentic, aura farming, vibe coding, biohack, henry,67  વગેરે વગેરે  જુદી જુદી ઇંગ્લિશ ડિક્શનરીઝ દ્વારા જાહેર થયેલા  ‘words of the year’ છે. જેનો ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન યુજર્સે ગયા વર્ષમાં સૌથી વધુ કરેલો હતો.

  જો કે આ શબ્દો આપણી આજની અને આસપાસની દુનિયા અને મનોવલણો વિષે ઘણું બધુ કહી જાય છે, પણ એમાં ના પડતાં આપણે તેઓના અર્થ અને ઉદભવ વિષે થોડું ઘણું જાણીએ. ઓક્સફર્ડ ડિક્શનરીએ જાહેર કરેલ શબ્દ છે, ‘રેજ બાઇટ જેનો ગુજરાતી અર્થ થાય છે, ‘ભડકાવવુંકોઈના મન અને મગજમાં અશાંતિ ઊભી થાય, એવા વાકયોનો અને શબ્દોનો ઉપયોગ કરવો... જેનો આજકાલ મોટાભાગના ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે. ત્રણ દિવસના વોટિંગ બાદ 30000 લોકોના અભિપ્રાયોના આધારે ઓક્સફર્ડ ડિક્શનરીએ આ શબ્દને ‘word of the year’ જાહેર કર્યો હતો.

    આ શબ્દનો પહેલીવાર ઉપયોગ 2002માં યુઝનેટ પર આવેલી એક પોસ્ટમાં થયેલો. ત્યારબાદ આ શબ્દ વાયરલ ટ્વીટ્સનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્ટરનેટ સ્લેંગમાં વિકસિત થયો, અને આ વર્ષે કોઈકને ભડકાવવા એ ફેશન બની ગઈ...

      જ્યારે કેમ્બ્રિઝ યુનિવર્સિટીએ parasocial શબ્દને  ‘word of the year’ જાહેર કર્યો. જેનો અર્થ થાય છે, કોઈ સેલિબ્રેટી, ઇન્ફ્લુઅન્સર, કે કાલ્પનિક કેરેકટરના એકતરફી પ્રેમમાં પડી જવું! જેમાં AI નો પણ સમાવેશ થાય છે. કેટલા ભ્રમમાં આપણે જીવી રહ્યા છીએ? અને કઈ આભાસી દુનિયામાં આપણે પ્રેમને શોધી રહ્યા છીએ? લોકો જેઓને એકપણ વાર મળ્યા નથી અને છતા સાયકોલોજિકલી તેઓના આકર્ષણમાં તણાઇ રહ્યા છે!  આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1956માં અમેરિકન સમાજશાસ્ત્રીઓ થકી થયેલો, જ્યારે લોકો ટી.વી.સ્ટાર્સ સાથે આવું આકર્ષણ ફીલ કરતાં હતા!

 Slop, શબ્દને મેરિયમ વેબસ્ટર દ્વારા ‘word of the year’ પસંદ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ થાય છે, હલકી ગુણવત્તાવાળી AI જનરેટેડ એવી ડિજિટલ સામગ્રી!  જે સમાજમાં માત્ર અરાજકતા અને અસામાજિકતા ફેલાવે છે. અને છતા લોકો તેને ડાઉનલોડ કરતાં રહે છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1700માં થયેલો, જેનો અર્થ હતો, નરમ કાદવ, ત્યારબાદ 18મી સદીમાં તેનો અર્થ હતો, ખોરાકનો કચરો, અને આજે આ કચરો ઘરે ઘરે ઠલવાઈ રહ્યો છે.

 vibe coding, એ કોલીન ડિક્શનરીએ જાહેર કરેલો ‘word of the year’ છે, જેનો અર્થ થાય છે, AI જનરેટેડ સૉફ્ટવેર ડેવલપમેન્ટ અભિગમ જેના થકી યુઝર્સ કુદરતી ભાષામાં એપ્લિકેશનના કાર્યનું વર્ણન કરે છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 2025 ની શરૂઆતમાં AI સંશોધક આન્દ્રેજ કાર્પથી દ્વારા થયેલો, જે એક પ્રકારના વર્કફ્લોનું વર્ણન કરે છે. જેના થકી નવા યુઝર્સ આ એપ્લીકેશનને સરળતાથી સમજી શકે છે. 

  

 67 પણ એક શબ્દ છે, તમને આંકડો લાગશે પણ ડિક્શનરી.કોમ દ્વારા આ આંકડાને  ‘word of the year’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જેનો અર્થ એકદમ રસપ્રદ છે. આમ તો, કદાચ આવા અર્થો ધરાવતા આ શબ્દોના ઉપયોગ મોટી ઉંમરના લોકોને હતાશ કરવા માટે થાય છે. આ શબ્દનો ઉદભવ સ્ક્રિલાના "ડૂટ ડૂટ (6 7)" નામના ગીતમાંથી થયો હોવાનું માનવામાં આવે છે.

 

 હજી બીજા કેટલાક શબ્દો પણ છે, જેમણે ઓનલાઈન ધૂમ મચાવેલી, જેમાનો એક શબ્દ છે, ‘Agentic’, જેનો અર્થ પણ AI સાથે જોડાયેલો છે, જે વ્યક્તિના પ્રતિનિધિ તરીકે સ્વ-સંચાલિત નિર્યણો લેવાની સિસ્ટમ શીખવે છે. Biohack પણ આવો જ એક શબ્દ છે, જેનો અર્થ થાય છે, વિજ્ઞાન અને ટેક્નોલૉજી અને પ્રયગોનો ઉપયોગ કરીને પોતાની લાઈફ-સ્ટાઈલ કે પરફોર્મન્સમાં સુધારો કરવો. અન્ય શબ્દ જોઈએ તો aura farming પણ એવો શબ્દ હતો, જે આ word of the year ની રેસ જિતતા જિતતા રહી ગયો..

   aura farming નો અર્થ થાય છે, ઓનલાઈન પ્રભાવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ઊભું કરવું આમ તો આ શબ્દ વર્ષોથી સ્લાંગ વર્ડ તરીકે ઓળખાય છે, પણ 2025માં 11 વર્ષના ઇન્ડોનેશિયન છોકરા,રેયાન અરકને પાકુ જાલુર ઉત્સવ દરમિયાન લોંગબોટ પર કરેલા અદભૂત ડાંસને લીધે આ શબ્દ ગયા વર્ષે જોરદાર વાઇરલ થઇ ગયો.

 

    હજી ઘણા શબ્દો છે, પણ થોડું તમે મથજો જેથી ઘણા નવા નવા શબ્દોના અર્થ અને ઓરિજિન મળી આવે. ભાષાને સમજવા ડિક્શનરી તો ફંફોળવી જ પડે ને!

 
 
 
 
 

 

 

 

 

Sunday, 4 January 2026

નવી આશાઓ, નવી ઉમંગો અને નવા નવા આપણે સૌ!!

 

નવી આશાઓ, નવી ઉમંગો અને નવા નવા આપણે સૌ!!

105 New Year's Quotes to Ring in 2026 

 

    આજે  2026ના ચાર દિવસો વીતી ચૂક્યા છે, કોઈ બીજા ધર્મનું નવું વર્ષ ઉજવવું કે ના ઉજવવું એની મૂંઝવણમાથી આપણે સૌ બહાર આવી ગયા હોઈશું. સારું હોય એવું કશું પણ ઉજવી લેવું જોઈએ. ધર્મ ભલે ગમે તે હોય, સંદેશ તો એકસરખો જ છે ને! ઘણા લોકોએ નવા વર્ષના સંકલ્પ કરીને કા તો કનટીન્યુ રાખ્યા હશે અને કા તો દર વર્ષની જેમ એ બધા સંકલ્પો હવા થઈ ગયા હશે. જે હોય કશુંક નવું આવે, એની નોંધ જીવનમાં લેવી ઘટે. હવેથી 2025નું વર્ષ ઇતિહાસ બનીને રહી જશે. થોડા દિવસો સુધી તારીખો સાથે 2026 લખવાનું ભુલાઈ જશે ને 2025 જ લખાઈ જશે. છેલ્લા અઠવાડીયાથી ઘણા બધા ન્યૂઝપેપર્સમાં 2025નું સરવૈયું વિતેલા વર્ષની યાદો સાથે રજૂ થઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન આપણી આસપાસ જે કાઇપણ સારું-ખરાબ બન્યું તેની વિગતવાર નોંધો દરેક છાપામાં આવી ગઈ અને આપણે વાંચીને એમાથી થોડું ઘણું યાદ રાખીને બાકીનું બધુ જ ભૂલી જઈશું.

   આપણા સૌના અંગત જીવનના પ્રોફિટ-લોસને પણ આપણે વિતેલા વર્ષના સંદર્ભમાં મૂલવતાં રહીશું, એ સ્મૃતિઓને રીફ્રેશ કરીને હસી પણ લઈશું અને રડી પણ લઈશું. જિંદગીના કેલેંડરનું એક વર્ષ બદલાઈ જશે અને આપણે 2026 વિતેલા વર્ષ કરતાં બેટર બની રહે, તેવી પ્રાર્થનાઓ કરીશું. આમ તો સમય વહેતો રહે છે, આપણે એને ઘડિયાળ અને કેલેન્ડર વડે બાંધવાની કોશીશો કરતાં રહીએ છીએ, પણ એ બંધાતો નથી. કહે છે કે સમય ગમે તેટલો સારો હોય કે ખરાબ? ટકતો નથી,એ વીતી જ જાય છે.

 બસ વીતી ગયેલા દરેક વર્ષ માટે આપણે એ જ યાદ રાખવાનું છે. અંગત જીવનના અમુક લોસીસને આપણે ક્યારેય ભૂલી નથી શકવાના, પણ સાથે સાથે આપણે જે કઈ ગુમાવ્યું છે, તેના સ્થાને નવું કશુંક આપણને મળી જ રહેવાનુ છે, બસ કદાચ આ વર્ષે ના મળે, તો આવતા વર્ષે પણ મળી જશે... માટે ગમે તે થાય ધીરજ ના ગુમાવી દઈએ. આપણી અંદર રહેલી આશાની કિરણો જ આપણા જીવનને પ્રકાશીત કરતી રહે છે. અને એ પ્રકાશ થકી જ આપણી અંદર રહેલી નકારાત્મકતાનું અંધારું દૂર થઈ શકે છે.

  આપણે સૌ જીવનમાં આર્થિક સ્થિરતા અને આત્મનિર્ભરતા ઇચ્છતા હોઈએ છીએ, એવું પણ ઇચ્છતા હોઈએ છીએ કે જે વ્યક્તિઓ સાથે આપણે લાગણી થકી જોડાયેલા હોઈએ એ વ્યક્તિઓ આપણને કદી છોડીને ના જાય, પણ સંઘર્ષ તો દરેક વ્યક્તિના જીવનનું કોમન તત્વ છે, તેને આપણે ટાળી નહી શકીએ કે તેનાથી આપણે ભાગી નહી શકીએ. બસ આપણી પાસે એક જ ઓપશન છે, અને એ છે, લડતા રહીએ.....

 દરેકના જીવનમાં એકાદ દસકો તો એવો આવે જ છે, જેમાં તેણે કાળી મજૂરી કરવી જ પડે છે, અગર તો અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે, ઘણા લોકોના જીવનમાં આ ગાળો વધુ લાંબો પણ હોય શકે છે. પણ દરેક કાળી રાત પછી નવી સવાર હોય જ છે, માટે આપણને પણ એક દિવસ તો એ નવીન સવારની તાજગીનો અનુભવ થશે જ!

  સાચું તો એ છે કે આપણી અંદરની તાજગી ક્યાય ખોવાય ના જવી જોઈએ. જીવન ગમે તેવી મુશ્કેલીઓ લઈને આવે, લડતા રહેવાની હિંમત આપણી અંદર જળવાઈ રહેવી જોઈએ, હું જાણું છુ કે હું જે કઈ રહી છુ, એ અઘરું છે, પણ અશક્ય તો નથી જ!  વિતેલા વર્ષને વળગી રહેવાથી કશું મળવાનું નથી, આગળ વધી જવામાં જ મોજ રહેલી છે. માટે વહેતા રહીએ, વહેતા રહીશું તો આપણી અંદરનો ઘણો ખરો કચરો સાથે સાથે વહી જશે.

 નહી કોઈ માનસિક કે નહી કોઈ શારીરિક બીમારી આપણને ટચ કરી શકે... અને આપણે મસ્તીથી ભરેલું જીવન જીવી શકીશું. ઘણીવાર આપણે વર્ષો અનુસાર જિંદગીને પ્લાન કરી લેતા હોઈએ છીએ, અને વિતેલા વર્ષોમાં જે કઈ પ્લાન મુજબ ના થઈ શક્યું કે ના મળી શક્યું, તેને આગલા વર્ષે કેરી-ફોરવર્ડ કરતાં રહીએ છીએ. પણ હકીકત તો એ છે કે પ્લાન બહારનું પણ ક્યારેક જીવી લઈશું તો જિંદગીમાં જે કઈ ખરેખર મિસિંગ છે, તેને ઉજવી શકીશું.

  અમુક બાબતો કરી લેવા માટે અત્યારનો સમય જ સૌથી બેસ્ટ હોય છે. આવતા વર્ષે આ કરી લઈશું, એ આવતું વર્ષ ક્યારેય આવતું જ નથી! માટે કેલેન્ડરની તારીખો બદલાય એની સાથે સાથે આપણે પણ બદલાતા રહીએ. જિંદગીને બહુ ડૂઝ અને ડોન્ટ ડૂઝ વચ્ચે વહેંચી ના નાખતા. બિન્ધાસ્ત બનીને, નફફટ થઈને, થોડા થોડા સેલ્ફ-સેનટર્ડ થઈને જીવજો.

 ગયા વર્ષે આ બધુ મિસિંગ હતું, આ વર્ષે ના રહેવું જોઈએ..... રોજ આવતી નવી સવારની તાજગીને જેટલી શ્વાસોમાં ભરી લઈશું, એટલા નવા વર્ષો જિંદગીમાં ઉમેરી શકીશું.....

Thursday, 25 December 2025

આ છે કઈક નવી જ 'આત્મનિર્ભરતા' !!!

 

 આ છે કઈક નવી જ 'આત્મનિર્ભરતા' !!!

 Self-Love Is the Key to Getting Anything and Everything You Want | HuffPost  Life

 

 

 

 

જિંદગીમાં કેટલાક જખમો સતત ડંખતા રહે છે. કેટલાક સંબંધો સતત ગૂંચવાતા રહે છે, કેટલીક બાબતો હ્રદયમાં હમેંશા સચવાતી જ રહે છે. કેટલાક ચહેરાઓ ક્યારેય ભૂલાતા જ નથી. અમુક લાગણીઓ આંખમાં ઇન્સ્ટન્ટ આંસુ લાવી જ દેતી હોય છે. આપણે જે કાઇપણ ફીલ કરી છીએ, એ ક્યારેય ભૂલાતું નથી. અતિસુખ આંખોમાં પાણી અને અતિ દૂ:ખ હોઠો પર સ્માઇલ લાવી જ દે છે. જે ક્ષણો આપણને જીવંત લાગે છે, તેની જીવંતતા આપણા જીવનને કાયમ ફ્રેશ રાખતી જ રહે છે.

 મોબાઇલની જેમ આ બધી આપણા સૌના જીવનની બાય ડીફોલ્ટ સંવેદનાઓ અને વેદનાઓ છે. જે ક્ષણે આપણે કશુંક વિશિષ્ટ ફીલ કરીએ છીએ, તે ક્ષણો જીવનને છેક તળિયે જમા થતી રહે છે. તેની સ્મૃતિઓને જીંદગીની કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ડિલીટ કરી શકતી નથી. ખુદ આપણે પણ મોસ્ટલી આવી બાબતોથી ડિસ્ટર્બ થતાં રહીએ છીએ. પણ એ બાબતોને આપણે અનઇન્સ્ટોલ નથી કરી શકતા.

 કારણકે આપણને ફીલ કરવું ગમે છે, આપણને ધબકવું ગમે છે. જ્યારે પણ જિંદગીમાં બ્રેકઅપની ફીલિંગ આવે, આપણે બ્રેક થઈ જ જતાં હોઈએ છીએ. અને માઇન્ડ વેલ આપણે ભલે પ્રેક્ટિકલ હોવાનો ઢોંગ કરતાં હોઈએ, પણ આપણે છીએ, ઈમોશનલ જ! જ્યારે જ્યારે આપણે એવું બોલીએ છીએ, કે તેને જે કરવું હોય તે કરે, હવે મને એનાથી કઇ જ ફર્ક પડતો નથી, ત્યારે ત્યારે આપણને ફર્ક પડતો હોય છે. એ ફર્ક પડે છે, એટલે જ આપણે અંદરથી ખાલી થઇ જતાં હોઈએ છીએ.

 આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્વીકારતા નથી કે મને હર્ટ થયું છે, એ કહેવામા પણ આપણને આપણો જ ઇગો નડે છે. આ ઇગો એ ફીલિંગ છે, જેની આગળ આપણી ઈમોશનલ ફીલિંગ્સ પણ નબળી પડી જતી હોય છે. આપણે ઇમોશનલ થવામાં પણ ત્રાજવું લઈને બેસી જતાં હોઈએ છીએ. એને મારુ કઈ નથી, તો મને પણ નથી! આ કોઇ ત્રાજવે તોલવાની બાબત છે. હા કોઈ પાછળ પાગલ થઈને જીવી શકાતું નથી, કોઈ આપણને તોડીને ચાલ્યું જાય તો ફરીથી જોડાઈ જ જવાનું હોય છે. પણ નાની નાની વાતોથી જિંદગીના મસ્ત સંબંધો છૂટી ના જવા જોઈએ.

 બ્રેકઅપ જિંદગીમાં એટલા માટે આવે છે કે આપણે બ્રેક થઈને અપ જઇ શકીએ. આપણે ખુદને સાંભળતા અને સંભાળતા શીખી જઈએ. એક જગ્યાએ અટકી નથી જવાનું, પણ એ જગ્યાએ થોડીવાર ઊભા રહીને વિચારી લઈએ કે, જે તૂટે છે, એ કોઈ નજીવા કારણસર તો નથી તૂટતું ને? સંબંધોમાં ઇનસ્ટંટ જેવુ કશું નથી હોતું... એમાં પણ અખૂટ ધીરજ જોઈએ છીએ. સંબંધ તૂટે, ત્યારે આપણે તૂટી જતાં હોઈએ છીએ, ને વળી ફરીથી જે સંધાય છે, એ બરડ થઈ જતું હોય છે. માટે આપણો પ્રથમ પ્રયાસ સંબંધોની જાળવણી હોવો જોઈએ.

 પણ એ જાળવણી કરવામાં જો વધુ પડતી આપણી જિંદગી ખર્ચાઈ જતી હોય, તો એ ઈમોશનલ અત્યાચાર ને સહન કરવાની જરાપણ જરૂર નથી.  જે નજીકનો સંબંધ આપણી જિંદગીમાં નવીનતા કે વિવિધતા નથી ઉમેરી શકતો, તેનાથી દૂર થઈ જવું જોઈએ. સંબંધો ઈમોશનલ બ્લેકમેલિંગ જેવા ના હોવા જોઈએ. આ બ્લેકમેલિંગ આપણને આપણાથી જ દૂર કરી દેતું હોય છે. આપણને સ્ટ્રેસ તરફ ધકેલી દેતું હોય છે, અને ક્યારેક આપઘાત તરફ!

 બહુ ઝડપથી આવા સંબંધો તરફથી યુ-ટર્ન લઈ લેવો... જિંદગી આમપણ દરેક નવા વળાંકે, નવું કશુંક આપતી જ હોય છે. માટે આવા જુનવાણી વિચારના સંબંધો સાથે ઝકડાય રહેવાની કોઈ જ જરૂર નથી. સુખી થવા માટે કે મનને આનંદ સભર રાખવા માટે આપણે કોઈના સહારાની જરૂર નથી. સૌથી વધુ આપણે આ બાબતે આત્મનિર્ભર થવાની ખાસ જરૂર છે.

 મને તારી સાથે મજા આવે, એ હેલ્ધી રીલેશન છે, પણ મને તારી જ સાથે મજા આવેએ અનહેલ્ધી રીલેશન છે! આમપણ કોઈ સાથે એટલા બધા એટેચ ના થઈ જઈએ કે આપણી ખુશીઓ પણ તેના આધારિત થઈ જાય! જે કઈ અંદર સળવળતું રહે છે, તે જીવનને ડિસ્ટર્બ કરતું રહે છે. માટે અંદરના કનેક્શન થોડા ઢીલા રાખીએ. આ જે કઈ અંદર સળવળતું રહે છે, ને એ જ એકદિવસ જિંદગીમાં શોર્ટસર્કિટ લાવીને જિંદગીને ખાખ કરી દેતું હોય છે.

 માટે કોઈપણ રીલેશનમાં એટલા ઊંડા ના ઊતરવું કે વમળમાં ફસાઈ જઇ, ડૂબી જઈએ. જેમ વરસાદમાં ખાબોચિયામાં નહાવાનો આનંદ કઈક અલગ હોય છે, એમ જ જિંદગીમાં પણ નાના ખાબોચિયામાં જ ઠેકડા મારી લેવા. સંબંધોના દરિયામાં ડૂબકી મારવી એના કરતાં તો આવતા જતાં મોજાઓ સાથે આનંદ માણી લેવો વધારે જરૂરી છે.

  સંબંધોમાં સ્થિરતા જરૂરી છે, ઝડતા નહી.... જે ગાંઠો ઉકેલી ના શકાય તેને તોડી નાખવી એ જ સારું છે, એને ઉકેલવામાં આપણે એટલા ના ગૂંચવાઇ જવા જોઈએ કે જિંદગી એકદમ ઉલઝી જાય! અને હા એ તૂટે ત્યારે છેતરાઈ જવાની ગિલ્ટી ના ફીલ કરવી, આપણે છેતરાતા નથી, બસ એ વ્યક્તિ સાથેનું આપણું ઋણાનુબંધનપૂરું થઈ જતું હોય છે.....

 આવા સંબંધોને બને ત્યાં સુધી ડિલીટ કરી દેવા, અને હા ક્યારેક યાદ આવી જાય તો, એને હળવાશથી લઈએ, બસ એને રીસ્ટોરનથી થવા દેવાના!

જિંદગી થોડા ઇફ અને બટ સિવાય બહુ મજાની છે, બસ આપણે એને વ્યતીત નહી, ફીલ કરતાં હોવા જોઈએ. એક વ્યક્તિએ જે આપણી સાથે કર્યું, એના પરિણામો બીજી વ્યક્તિઓ પર એપ્લાય ના કરવા.... જિંદગીમાં આપણે જે બધાને મળીએ છીએ, બધા એકસરખા નથી હોતા.... અને આપણે પણ કાલે જેવા હતા, એવા આજે ક્યાં છીએ?

 

   જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે?                જિંદગીમાં સૌથી સરળ હોય છે , બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ...