સત્ય,પરિશ્રમ, પ્રામાણિકતા અને આપણે,,,
સમજણા થઈએ ત્યારના આ ત્રણ શબ્દો ( જો કે આ શબ્દો નહિ, લાગણીઓ છે! ) આપણે સાંભળતા હોઈએ છીએ! આપણી જિંદગીના આદર્શો,સિદ્ધાંતો, મુલ્યો સઘળું આ ત્રણ શબ્દો પર નભે છે. આપણું ભવિષ્ય કેવું ઘડાશે? એ પણ આ ત્રણ શબ્દો પર આધારિત હોય છે. નાનાં હોઈએ ત્યારે આ મુલ્યો કેમ વ્યક્તિના જીવનમાં ઉતારવા એ વિષે આખો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. બધા ધર્મ-ગ્રંથો પણ આપણને આ જ ત્રણ આદર્શો સાથે ચાલવાનું કહે છે. આ ત્રણ સંવેદનાઓ આપણા આત્મા સાથે સંકળાયેલી છે. આપણે સૌ ભલે ધર્મને ધર્મ-સ્થાનોમાં શોધતા ફરીએ, પણ હકીકત તો એ છે કે આ લાગણીઓને જીવનમાં ઉતાર્યા વિના ધર્મનું પાલન ક્યારેય થઇ શકતું જ નથી. આ ત્રણ વિના આપણે ગમે તેટલા ધર્મ-સ્થાનોમાં ફરીએ કે ગમે તેટલા ધર્મ-ગુરુઓને અનુસરીએ જીવન ઉન્નત થઇ શકતું નથી. શરીરમાં આત્મા નાં હોય તો શરીર માત્ર એક યંત્ર છે, તેમ જ જીવનમાં આ ત્રણ અનુભૂતિઓ વિના જીવન એકદમ સુમશાન થઇ જવાનું. આપણા પૂર્વજો અને વડીલો આપણને હમેંશા એ રસ્તે ચાલવાનું કહે છે, પણ મજાની વાત એ છે કે એ રસ્તાઓ બહુ કાંટાળા અને લાંબા છે, એટલે કોઈ એ રસ્તે જવા નથી ઇચ્છતું. લોકોએ આ ત્રણેય મુલ્યોને સ્ટ્રોંગ-રૂમમાં મૂકી દીધા છે. અને જયારે પ્રવચન આપવાનું થાય ત્યારે આ મુલ્યો બહાર કાઢવામાં આવે છે.
બધા જ લોકો જાણે છે, કે આ મુલ્યો વિના જીવન મોજથી જીવી શકાતું નથી, છતાં લોકો જીવનમાં ઉતારવાની કોશિશ કર્યા બાદ તેને અધવચ્ચે જ છોડી દેતાં હોય છે. ભલે આપણે આ ત્રણનો સાથ છોડી આગળ વધવાની કોશિશ કરીએ છીએ, પણ આ ત્રણેય આપણને વારંવાર યાદ અપાવે છે કે અમારા વિના તમે ગમે તેટલા સફળ થશો પણ એ સફળતા લાંબો સમય ટકશે નહિ. હકીકત તો એ છે કે ત્રણેય મુલ્યો વિના માનવ-જીવન ધબકતું નથી, છતાં લોકો કૃત્રિમ શ્વાસો સાથે જીવવાના પ્રયાસોમાં અંદરનું જીવવાનું જ જાણે કે ભૂલી જતાં હોય છે. આ ત્રણેય આપણી જિંદગીના સિગ્નલો છે, જેના થકી આપણને સાચો માર્ગ મળી રહે છે અને આપણે સુંદર જીવન જીવી શકીએ છીએ. જેઓ આ મુલ્યો વિના જીવવાની કોશિશ કરતાં રહે છે, તેઓ માટે જીવનમાં જીવંતતા રહેતી નથી. જરૂરિયાતોનાં બોજ હેઠળ આવી જઈ ઘણા લોકો આ ત્રણેયને ભૂલી જતાં હોય છે, પણ આ વિસ્મૃતિ લાંબો સમય ટકતી નથી, તુરંત જ તેઓને અંદરનું સિગ્નલ ચેતવતું રહે છે, પણ ઘણા લોકો અંધ બની દોડ્યે જ જાય છે. તેઓને માટે જીવન માત્ર જરૂરિયાતોનું પોટલું જ બની રહે છે. તેઓ એ પોટલાનાં ભાર નીચે આ મુલ્યોને દાટી દેતાં હોય છે.
આપણે ધર્મ-સ્થાનોમાં જઈએ છીએ, ધર્મ-ગુરુઓને અનુસરીએ છીએ, કર્મ-કાંડ કરીએ છીએ, લાઉડ-સ્પીકર દ્વારા ધર્મનો પ્રચાર કરીએ છીએ, બાધા-માનતા રાખીએ છીએ, વ્રત કરીએ છીએ, ઉપરવાળાને બધે જ શોધતા ફરીએ છીએ. પણ આ ત્રણ મૂલ્યોમાં જ એ સમાયેલો છે, એ આપણે જાણતાં હોવા છતાં માનતાં નથી! છે ને આશ્ચર્ય! પ્રત્યેક મહાન માણસોએ અને ધર્મ-ગુરુઓએ આપણને સમજાવવાની કોશિશ કરી છે કે સત્ય,પ્રામાણિકતા અને પરિશ્રમ વિના માણસના જીવનનું કશું મુલ્ય નથી, અને છતાં આપણે તેઓને અવગણતાં રહીએ છીએ. તમે માર્ક કરજો, બધા જ વાતો કરતાં હોય ત્યારે, અભિપ્રાયો આપતાં હોય ત્યારે ‘કરપ્શન ખુબ વધી ગયું છે’ ‘કોઈને કામ જ નથી કરવું’ વગેરે વગેરે...... જો આપણને સૌને આ બધી વાતોની ,આ દુષણોની ખબર છે, પણ એનાથી દુર કોણ રહી શકે છે? આપણે સૌ આ દુષણોને મૂંગે મોઢે સહન કરતા રહીએ છીએ અને તેનો એક હિસ્સો બનીને રહી જતા હોઈએ છીએ. આપણા દેશમાં કે જ્યાં ધર્મનો પ્રભાવ અને ધર્મ-સ્થાનો વધુ હોવા છતાં આપણે આ ત્રણેય મુલ્યોને આપણા સૌના જીવનમાં ઉતારી શક્યા નથી! ધર્મ અને મુલ્યો વચ્ચે કોઈ સંબંધ છે ખરો!
નાનપણથી વાર્તાઓ દ્વારા, ધર્મ-ગ્રંથો દ્વારા, નાટકો દ્વારા, કથાઓ દ્વારા, આપણને આ ત્રણેય મૂલ્યો ગળે ઉતારવાનું શીખવવામાં આવે છે, તો પછી, ભૂલ ક્યાં થઇ ગઈ! આપણા મોટાભાગના માતા-પિતા સંતાનોને સંસ્કારો આપવા કરતા જરૂરિયાતો તરફ વધુ વાળતાં રહે છે. તેઓ સંતાનો માટે અનુકરણ પૂરું પાડી શકતાં નથી. તેઓ ખુદ અસત્યનો સહારો લે છે, બાળકો તેઓને અનુસરે છે અને પાયો જ ખોટો નખાય જાય છે. તમે જ વિચારો બાળક જન્મે ત્યારે તો એક સ્વતંત્ર વિચારો ધરાવતી સ્લેટ હોય છે. તેઓને સાચું શું? ખોટું શું? એ ખબર પણ નથી હોતી, તેઓમાં જે કઈ પણ આવે છે, એ આપણા થકી જ પાંગરતું હોય છે. જેવો છોડ વાવીશું, એવું વટ-વ્રુક્ષ ઉગશે. ( બધા માતા-પિતા નહિ, પણ મોટા ભાગના આ જ કરતા હોય છે!) સંપતિ અને સંબધોમાં છળ-કપટ કરતાં સંતાનોને કોણ શીખવે છે? વધુ માહિતી માટે મહાભારત જોઈ લેવું. કુટુંબો બાળકોને પરિશ્રમનું મહત્વ પણ નથી સમજાવી શકતા! બધાને ટૂંકા રસ્તે સફળ થવું છે.
હવે બીજું પગથીયું બાળક શાળાનું ચડે છે. શાળા બાળકના જીવન અને વ્યક્તિત્વ ઘડતર માટે સૌથી અગત્યનું સ્થાન ગણાય છે. આ ત્રણેય મુલ્યોના વહન માટે શિક્ષણ શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. પણ આજે આ વાત સાવ પોકળ સાબિત થઇ છે. આજ-કાલ અસત્ય અને અપ્રામાણીકતાનાં માર્ગો આ માધ્યમ પાસેથી પસાર થઇ રહ્યા છે. આજની શાળાઓ અને શિક્ષણ એટલા બધા વ્યવસાયિક થઇ ગયા છે કે આ મુલ્યો સાથે જાણે કોઈને કઈ લેવા-દેવા જ નાં હોય એવું લાગે છે! વિધાર્થી પરિક્ષામાં ચોરીઓ કરતા શીખે છે, શિક્ષકો પાસેથી અગત્યના પ્રશ્નો મળી જાય છે, પેપરમાં કઈ લખ્યું નાં હોય છતાં વિદાર્થીઓ પાસ થઇ જાય છે, પેપર બદલાય જાય છે, શું નથી થતું? આજની શિક્ષણ-સંસ્થાઓમાં? ભાવિ નાગરીકો કોઈપણ ખરાબ સિસ્ટમનો ભાગ બનતાં અહીથી જ શીખી લે છે. અને પછી એ જ વિદ્યાર્થી જુદી જુદી પોસ્ટ પર નોકરીએ લાગે છે, વિચાર કરી લઈએ, એ લોકો આગળ જઈને શું કરશે? અહીથી ભણીને જ તેઓ દેશમાં કોઈને કોઈ નોકરી ધંધો કરે છે, હવે એ શું કરશે? એક ડોકટર કે એન્જીનીયર બનવા માતા-પિતા કેટલો તોતિંગ ખર્ચો કરતાં હોય છે, પછી એ ડોક્ટર ફી લે કે ફ્રી સેવા કરે? અરે શૈક્ષણિક સંસ્થાઓ આજ-કાલ આ મૂલ્યોથી લોકોને કોસો દુર લઇ જવાનું કામ કરી રહી છે. જેઓનું નાનપણ,કિશોરાવસ્થા અને યુવાની આ પ્રમાણે ઘડાય એ દેશ પછી કેવી રીતે આ મુલ્યો સાથે ધબકી શકે? શાળાઓ શારીરિક શ્રમનું મહત્વ સમજાવવામાં પણ પાછળ રહી ગઈ છે!
તમને થશે આ દેશમાં આ મુલ્યો સાથે જનારું કોઈ નથી? એવું નથી પણ જો કોઈ હોય તો એની હાલત કેવી હોય છે? એ આપણે સૌ ક્યા નથી જાણતા! એ એકલપંથી પ્રવાસી જાણે આ ગ્રહ પર એલિયન હોય એવી તેની દશા થઇ જતી હોય છે. જો કે એકલો વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે. પણ......... અસત્ય.અપ્રામાણિકતા ,કામચોરી સૌને નડે છે, પણ એ ગંદી ગટરને સાફ કરવા એમાં કોઈ ઉતરવા તૈયાર નથી. આ ગટરને આપણે સૌએ સ્વીકારી લીધી છે. એને લીધે દેશનું ચારિત્ર્ય બગડી રહ્યું છે, પણ એને સ્વચ્છ કરવા કોણ આગળ આવશે? ગાંધીજીના સત્યના પ્રયોગો આજે લુપ્ત થઇ રહ્યા છે, સરદારની પ્રામાણીકતા ક્યાંક ખોવાય ગઈ છે, અને ભગતસિંહનો પરિશ્રમ જાણે એળે જવામાં છે. હવે એવા સેનાનીઓની જરૂર છે, જેઓ આ ત્રણ મુલ્યો સાથે રહીને દેશને આગળ વધવામાં મદદ કરે.
કુટુંબ, શાળા, કોણ કરશે આ પહેલ? છે કોઈને ઈચ્છા !
સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે.
(ઉપનિષદ)
No comments:
Post a Comment