આ તો ‘ધર્મ’ કે ‘બ્રેઇન-વોશિંગ?
અમારી સ્કૂલમાં અગિયારમાં ધોરણમાં એક હોશિયાર છોકરો પહેલા સત્ર બાદ ભણવામાં એકદમ નીરસ થઈ ગયો. એકદમ નિયમિત વિદ્યાર્થી અનિયમિત થઈ ગયો. બહુ સમજાવ્યો પણ તે ભણવામાં નિયમિત ના જ થયો. ઊલટું તેણે સ્કૂલે આવવાનું પણ બંધ કરી દીધું. ઘરે માતા-પિતાને જાણ કરી તો તેમણે કહ્યું કે અમારું પણ માનતો નથી. અરે તેણે વાર્ષિક પરીક્ષા પણ ના આપી! છેલ્લી વાર માતા-પિતાને ફોન કરી કહ્યું કે એને લઈ સ્કૂલે લઈ આવો, તેને ભણવાનું સમજાવીએ. આવો હોશિયાર છોકરો પોતાની કારકિર્દીના અગત્યના વર્ષો આમ બગાડે એના કરતાં તેને એક વખત સમજાવી જોઈએ. અમને એમ હતું કે મોબાઇલને લીધે તે આવી કરી રહ્યો હશે, પણ તેના પપ્પાએ જે જવાબ આપ્યો તે સાંભળીને અમે આશ્ચર્યમાં મુકાઇ ગયા!
એમણે લાચાર થઈને કહ્યું કે, “ અમુક ધર્મ-સ્થાનોના લોકોએ એને એવું સમજાવ્યું છે કે ભણવા કરતાં ધર્મ-સ્થાનમા જઈ સેવા-પૂજા કરવી વધુ જરૂરી છે.” ભણવા કરતાં તે સંપ્રદાયમાં પોતાનું સઘળું સમર્પિત કરી દેવું વધુ જરૂરી છે! અને એ છોકરો એટલો બધી એ લોકોની વાતોમાં આવી ગયો છે કે તે ત્યાં જતો રહ્યો છે, ઘરના બધાની મનાઈ છતાં! અમે બધા જ એને સમજાવી રહ્યા છીએ કે આવું ના કરાય પણ એ માનવા તૈયાર જ નથી! એ અમારી સાથે બોલતો પણ નથી. એના મનમાં એ લોકોની વાતો એટલી બધી ઠસાઈ ગઈ છે કે એ માતા-પિતાનું પણ માનવા તૈયાર નથી! અમારા ઘરમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું છે.
જે દિકરા કે દીકરીના ઉછેરમાં માતા-પિતાએ પૂરેપૂરી કાળજી લીધી હોય, જેઓના ઉછેર પાછળ પોતાનું સર્વસ્વ આપી દીધું હોય, એ સંતાન જ્યારે આવી રીતે છોડીને ચાલ્યા જાય એ પણ કોઇની વાતોમાં આવીને, ત્યારે કુટુંબની શું હાલત થાય? ખબર નહી આપણાં દેશમાં મોટા ભાગના ધર્મો સંસાર છોડવાનું શા માટે શીખવે છે? તેઓ પોતાના સંપ્રદાયની વાતો તેઓના મનમાં એવી રીતે ભરી દેતા હોય છે કે તેઓ કાંચી ઉંમરે બધુ છોડીને ચાલ્યા જાય છે અને પછી જ્યારે અમુક આવેગો ઉછળે ત્યારે મોટા મોટા કાંડો થતાં હોય છે.
સંસાર છોડીને બધુ મળી જતું હોત તો ઉપરવાળાએ આ સંસાર જ ના બનાવ્યો હોત. આવું બ્રેઇન-વોશિંગ આપણે ત્યારે લગભગ દરેક સંપ્રદાયોમાં થતું હોય છે. દરેક સંપ્રદાય પોતાનું મહત્વ વધારવા અને ભક્તોની સંખ્યા વધારવા આવું કરતાં હોય છે. ખબર નહી, આ લોકોને ‘ફોલોઅર્સ’ વધારવાની એવી તો શી ઘેલછા હોય છે? આપણે સોસિયલ મીડિયામાં વારંવાર એવા કિસ્સા વાંચતાં હોઈએ છીએ કે જોતાં હોઈએ છીએ કે બહુ નાની ઉંમરે છોકરાએ કે છોકરીએ સંસાર છોડી અમુક સંપ્રદાય અપનાવી લીધો! જેઓ અંદરથી આ બધુ અપનાવે છે, સમજીને અપનાવે છે, તેઓ ધર્મને સમજી શકે છે, પણ જેઓ કોઇની વાતોમાં આવીને આંધળું અનુકરણ કરતાં હોય છે, તેઓ નથી ધર્મને સમજી શકતા કે નથી સંપ્રદાયને ઇચ્છવા છતાં છોડી શકતા!
આવા બ્રેઇન-વોશિંગને લીધે જ આંતકવાદીઓ ઊભા થયા છે. કોરા મનમાં આ લોકો એવું ઝેર ભરી દે છે યુવાનો કે યુવતીઓ પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જતાં હોય છે. ધર્મ જીવતા શીખવે કે મરતાં કે મારતાં? આ પ્રશ્ન આપણે સૌએ ખુદને પૂંછવાની જરૂર છે. આ બ્રેઇન-વોશિંગ એટલું ખતરનાક હોય છે કે લોકો ‘માનવતા’ ભૂલી જતાં હોય છે. આવું થવાને લીધે ઘણા ક્ષમતાવાળા યુવાનો અને યુવતીઓની ક્ષમતાનો લાભ દેશને મળતો નથી. પ્રાચીન ભારતમાં સંસારમાં રહીને પણ લોકો અગાઢ શક્તિઓ પ્રાપ્ત કરી શકતા હતા, અને આજે એના માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ બ્રેઇન-વોશિંગે જ તેઓના હાથોમાં હથિયારો પકડાવી દીધા છે! જે આંખોમાં ઉજ્જવળ ભાવિના સપના હોવા જોઈએ એ આંખોમાં અંગારા આ લોકોએ જ ભરી દીધા છે.
ઘણા સંપ્રદાયો પોતાની સંસ્થાઓ ઊભી કરીને આ કામ કરી રહી છે. તેઓ નાનપણથી બાળકોના મનમાં અમુક બાબતો એવી ઠસાવી દેતાં હોય છે કે બાળકો એ સંપ્રદાય તરફ એવા વળી જતાં હોય છે કે તેઓ ધર્મને સાચી રીતે સમજી જ શકતા નથી. આવી રીતે જ આપણો સમાજ આજે જુદા જુદા સંપ્રદાયોમાં વહેંચાઈ રહ્યો છે. અને પછી એ સંપ્રદાયોમાં શું થાય છે? એ આપણે હમણાં હમણાં છાપામાં વાંચી રહ્યા છીએ, ટી.વી. માં જોઈ રહ્યા છીએ.
ધર્મ દ્વારા બાળકોમાં સંસ્કારોનું ઘડતર કરવાનું હોય છે, શું સારું છે? શું ખરાબ છે? એ નક્કી કરતાં તેઓને શિખવવાનું હોય છે. પણ જો આવી જ રીતે તેઓનું બ્રેઇન-વોશિંગ થતું રહેશે તો ધર્મના આ હેતુઓ ક્યારેય પણ મેળવી શકાશે નહી. શું આપણે આવા બ્રેઇન-વોશિંગ થકી ભાવિ પેઢીઓનું નિર્માણ કરવા માંગીએ છીએ? એક સર્વે મુજબ આવું ધાર્મિક બ્રેઇન-વોશ લોકોમાં રહેલી સર્જનાત્મકતા, જિજ્ઞાસાવૃતિ અને સ્વ-તંત્ર રીતે વિચારવાની બાળકોની અને યુવાનોની શક્તિને ઓછી કરી દે છે. આવી ધાર્મિક માન્યતાઓ તેઓના મનમાં સવાલો જ ઉઠવા દેતી નથી. તેઓનું મગજ એટલું બ્લેન્ક થઇ જાય છે કે તેઓ મુક્ત જ થઈ શકતા નથી.
જિંદગી એ ઈશ્વરે આપણાં પર મૂકેલી શ્રદ્ધા છે, તેનું બ્રેઇન-વોશિંગ નહી, પણ બ્રેઇન-સ્ટ્રોમિંગ થવું જોઈએ.
લાઈક,કમેંટ,શેર.......
The biggest damage religion does is brainwashing children'
Read more at:
http://timesofindia.indiatimes.com/articleshow/11618814.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst