સાસુ,વહુ,ધર્મ અને નિયમાવલી!!!
બેટા, આપણે ત્યાં રિવાજ છે કે નાહીને પછી જ રસોડામાં આવવું. પછી જ બધે અડવું. આ ખાવું અને આ નહી, ટોઇલેટ જઈએ એટલી વાર નહાવાનું અને વોશરૂમ જઈએ એટલી વાર હાથ-પગ ધોવાના! (ગમે તેટલી ઠંડી હોય છતાં!) ભવિષ્યમાં તારા બાળકોને પણ આ નિયમ લાગુ પડશે હો.. રોજ આટલો સમય ફરજિયાત પૂજા-બંદગી કરવાની જ! પિરિયડસમાં હોય એટલે દૂર દૂર રહેવાનુ( પાળવાનું!) આ લગભગ મોટા ભાગના ઘરોની સાસુઓ દ્વારા અપાતી સામૂહિક સૂચનાઓ છે. લગ્ન બાદ સ્ત્રીઓનો ધર્મ પણ બદલાય જાય છે! આને અડવાનું અને આને નહી.... આવો ચાંદલો કરવાનો અને આવો નહી, આ ધર્મગુરુને પગે પડવાનું, સંતાન ના થાય તો તેઓના શરણે જ જવાનું! બહારનું ખાવું નહી, અમૂક પ્રકારની વિધી કરાવેલી હોય તેના હાથનું જ જમવું વગેરે વગેરે, આ બધામાં સંબંધોની ગરિમા જળવાતી નથી.
તમને થશે હવે ક્યાં ઘરોમાં આવું થાય છે? બધુ બદલાઈ ગયું છે, પણ ના આપણે વિચારોથી બદલાતા જ નથી, તો તો દીકરી-દીકરા વચ્ચેનો ભેદ ભૂંસાઈ ના ગયો હોત! અમુક બાબતોમાં આપણે હજી સોળમી સદીમાં જ જીવી રહ્યા છીએ. આપણે ત્યાં હજી ‘અમારા સમયે તો આમ જ થતું હતું’ એવું પરાણે મનાવવાવાળા જીવે છે, પણ બીજાને જીવવા દેતા નથી. જે સંબંધો એક-બીજા સાથે સૌથી વધુ રહે છે, તે બંનેની વચ્ચે ધર્મોની નિયમાવલી હિન્દુ-મુસ્લિમની જેમ રમખાણો કરાવતી રહે છે.
આમ તો સાસુ વહુના સંબંધો વિષે ઘણું બધુ લખાતું રહે છે અને હજી પણ ચાલુ જ છે. ઘર-સંસારના આ બે પાટા સમાંતર ચાલતા રહે છે, પણ ભેગા ક્યારેક જ થાય છે. આમ તો રોજ ભેગા હોય છે, પણ સાથે ક્યારેક જ હોય છે, અથવા તો હોતા જ નથી. દરેક વહુ કોઇની દીકરી હોય છે અને દરેક સાસુ કોઇની માં હોવા છતાં! જો આ સંબંધો ના હોત તો ટી.વી. ની ઘણી બધી સિરિયલો શરૂ જ ના થઈ શકી હોત! વહુઓ ભણેલી જોઈએ છીએ, પણ આધુનિક નથી જોઈતી એવું વલણ હવે ઘરમાં વધૂ ને વધુ પ્રશ્નો ઊભા કરશે. વળી હવે એ વર્કિંગ વુમન છે! ત્યારે આવી બાબતોમાં માથાકૂટ શા માટે કરવી?
એકને નવા ઘરને સમજવામાં મુશ્કેલી પડે છે અને એકને જૂનું ઘર છોડી દેવાની! (અલબત જૂના ઘરનું સંચાલન!) અને પછી એવી ખેંચતાણ થાય છે કે વાત ના પુંછો! ઘર સ્વર્ગ બનશે કે નર્ક એ એનાથી જ નક્કી થઈ જતું હોય છે. આ સંબંધોને નડનાર ઘણા પરિબળો છે, એમાનું એક છે, ધર્મની નિયમાવલી! સાસુ અને વહુ વચ્ચે વિચારોનો ગેપ ઊભો કરવામાં આ નિયમાવલી સૌથી ટોપ પર છે. કેમ જીવવું? એ પ્રશ્નનો ઉકેલ ધર્મ આપે છે, પણ આમ રહેવું અને આમ ના રહેવું એવા સલાહ-સુચનો તો માત્ર આ નિયમાવલી જ આપતી રહે છે!
પોતે જે ધર્મ પાળે છે, એ ધર્મને કોઈ બીજા પર થોપવાની આપણને આદત પડી ગઈ છે. દીકરાને કે વહુને પણ આપણે એ તરફ વાળી દેવા માંગતા હોઈએ છીએ. કેટલી બધી એવી બાબતો છે જેમાં ધર્મના ફરજિયાત પાલનને લીધે સાસુ અને વહુ વચ્ચે ખટરાગ થતો રહે છે અને ખાઈ મોટી ને મોટી થતી રહે છે. ધર્મના ચુસ્ત પાલને આપણને સૌને ઝડ બનાવી દીધા છે. શું નહી કરવાનું? એના પર આપણે વધુ પડતાં ફોકસ થઈ જતાં હોઈએ છીએ.
અરે અમુક પ્રકારના કપડાં પહેરવાથી કે આભૂષણો પહેરવાથી કે પછી અમુક પ્રકારના રીતિ-રિવાજો પાળી લેવાથી ધર્મનું પાલન નથી થઈ જતું પણ હા તેને લીધે સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમા તિરાડો જરૂરથી પડી જતી હોય છે. સૌના ધર્મો સમાંતર ચાલવા જોઈએ. વહુએ જેમ જીવવું હોય એમ એ જીવે, સાસુએ જીવવું હોય તેમ તે જીવે, બંનેએ એકબીજા સાથે જ જીવવાનું છે, તો પછી આ નિયમાવલીને શા માટે વચ્ચે લાવવી?
કેટલી બધી એવી વહુઓને હું જોતી હોવ છુ, જે ધર્મસ્થાનોમાં કામ કરવા દોડે છે, પણ વડીલોની સેવા કરવાનું આવે તો ભાગે છે, અથવા તો વડીલોને સાથે જ રાખવાનું પસંદ કરતી નથી. જીવતા તીર્થને છોડીને નિર્જીવ તીર્થ પાછળ દોડવું એવું વળી ક્યો ધર્મ શીખવે છે. કે પછી ક્યો સંપ્રદાય આવું શીખવે છે? ઘરે બાળકો રડતાં હોય અને ધર્મસ્થાનોમાં જઇ બેસી રહેવું, ત્યાં કામ કરવા માટે એકબીજા સાથે ઝઘડવું, કલાકોના કલાકો સુધી તેની પૂજા-બંદગી કર્યા કરવી, આપણે ધર્મમાં નથી ઉતરવાનું હોતું, ધર્મને આપણી અંદર ઉતારવાનો હોય છે! ઘરના વડીલોની સેવા કરવી એનાથી મોટો કોઈ ધર્મ છે જ નહી. ઘર સૌથી મોટું ધર્મસ્થાન છે. પેલા એ ઘરને મહત્વ આપીએ.
ઘણા ઘરોની ખુશીઓ આવી બાબતોને લીધે ખોવાઈ જતી હોય છે. આવા નિયમોનું પાલન ઘરના સુખ અને શાંતી છીનવી લેતી હોય છે. ઘણીવાર તો એવું લાગે કે આવા કહેવાતા ‘ધર્મ’ કે ‘સંપ્રદાયો’ ના હોત તો માણસ ખરેખર સુખી હોત! સાસુ વહુ ખુશ તો ઘર ખુશહાલ, માટે આ સંબંધોને જાળવીએ, અને આવી નાની નાની વાતોમાં એકબીજાથી દૂર ના થઈ જઈએ.
લાઈક, કમેંટ, શેર....
એકબીજાને અનુકૂળ થઈને રહેવું એ સૌથી મહાન ધર્મ છે.