પપ્પા બન્યા હવે બાળકોના સાચા ‘કેર-ટેકર’ !!!
મારી એક પરિણીત ફ્રેન્ડ ક્લાસ-2 છે, 10:30 થી 6:00 વાગ્યા સુધીની નોકરી છે. કામ બહુ રહે છે. તેને દીકરી આવી. પેલા છ મહિના સુધી તો સરકાર રજા આપે છે, એટલે વાંધો નહી આવે, પણ પછી દીકરીનો ઉછેર કેવી રીતે કરવો? થોડા વર્ષો પહેલા આવો કોઈ પ્રશ્ન ઊભો થયો હોત તો પત્નીને નોકરી છોડી દેવી પડેત. પણ અત્યારે આ પ્રશ્ન ઉકેલાઈ જાય છે. પતિએ પોતાની પ્રાઈવેટ નોકરી છોડવાનો નિર્યણ લઈ લીધો. હવે ઘરે રહી તે દીકરીને ઉછેરશે અને પત્નીની નોકરી ચાલુ રહેશે.
આપણે કામના વર્ગીકરણ ને એટલી ઝડતાથી વળગી રહેતા હોઈએ છીએ, કે એક યાદી લઈને બેસી જતાં હોઈએ છીએ, પતિએ આટલું કરવાનું અને પત્નીએ આટલું. પણ હવે જ્યારે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોમાથી બહાર નીકળી નવા કાર્ય-ક્ષેત્રોમાં જઈ રહી છે. તેઓના શબ્દ-કોષમાં તેઓની ઈચ્છાઓ, સપનાઓ, કરિયર આ નવા શબ્દો ઉમેરાઈ રહ્યા છે. તેઓનું ‘આર્થિક અસ્તિત્વ’ હવે ઉગવા અને ઉછરવા લાગ્યું છે. જો સ્ત્રીઓને જીવવું હોય તો અત્યારનો સમય તેઓ માટે શ્રેસ્ઠ રીતે નવી તકો લાવી રહ્યો છે. સમાજ સ્ત્રીઓ માટે આટલો વિચારશીલ અને પ્રગતિશીલ ક્યારેય નહોતો. અને હજી પણ આપણે એ દિશામાં આગળ વધી જ રહ્યા છીએ.
હાઉસ-વાઈફ બદલાઈ, એટલે હાઉસ-હસબંડે પણ બદલાવું રહ્યું. અને તેઓ બદલાઈ પણ રહ્યા છે, ખાસ કરીને ઘરકામ અને બાળ-ઉછેરની બાબતમાં!
પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય, પત્ની માં બને તો પતિએ પણ પિતા બનવું જરૂરી છે. અત્યાર સુધી આપણે એવું માનતા રહ્યા કે ‘બાળઉછેર’ એ માત્ર માતાની જ જવાબદારી છે. બાળકોને કપડાં પહેરાવવા, તેઓને ખવડાવવું, નવડાવવા, તેઓના ડાયપર બદલવા, તેઓનું પોટી સાફ કરવું, તેઓને ભણાવવા, તેઓને સુવડાવવા વગેરે વગેરે કામો પપ્પાઓ કરી રહ્યા છે. અને મમ્મીઓ જેટલી જ કાળજીથી કરી રહ્યા છે. ઘણા તો એ ક્ષણોને ગર્વથી સોસિયલ મીડિયાઝ પર શેર પણ કરતાં રહે છે.
અત્યાર સુધી આપણાં ઘરોમાં પપ્પાને આવા કામો કરવા દેવામાં નહોતા આવતા, કારણ તો મને પણ ખબર નથી, પણ એક પરંપરા અંતર્ગત સૌએ એ સ્વીકારી લીધું હતું. પણ હવે જ્યારે આપણું સામાજિક માળખું બદલાઈ રહ્યું છે, ત્યારે આ બદલાવ આપણે સૌએ અપનાવવા જેવો છે. અત્યાર સુધી પપ્પા કુટુંબની નાણાકીય સપોર્ટ સિસ્ટમ ગણાતા, તેઓનું કામ ઘરમાં શિસ્ત જાળવવાનું, ઘરના લોકોની જરૂરિયાતો પૂરી કરવાની, ઘરને છત્ર પૂરું પાડવા પૂરતું રહેતું, પણ આધુનિક પેરેંટિંગ ‘જોઇન્ટ પેરેંટિંગ’ બની ગયું છે.
આ વ્યવસ્થામાં સૌથી વધુ ખલેલ ‘સાસુઓ’ પહોંચાડી રહી છે! ઘણી સાસુઓને તેઓના સુપુત્ર આવા કામ કરે એ ગમતું નથી હોતું. તેઓ હજી ‘વર્કિંગ-વીમેન’ ને સ્વીકારી નથી શકી. સ્ત્રીઓએ જ ઘરનું અને બાળ-ઉછેરનું કામ કરવું જોઈએ એ પૂર્વગ્રહોમાથી તેઓ બહાર નથી આવી શકી. હકીકત તો એ છે કે ‘સાસુઓ’ વર્કિંગ-વીમેનને સૌથી વધુ મદદરૂપ થઈ શકે એમ હોય છે. પણ હવે એ કામ પતિઓ કરી રહ્યા છે, તો એને નોકર બીબીકા ન કહીએ, પણ તેઓમાં આવેલા આ બદલાવને પ્રોત્સાહન આપીએ.
બાળકોને આયાઓના ભરોસે મૂકવા એના કરતાં આ વિકલ્પ સારો છે. આવા નિર્યણથી પતિ-પત્ની વચ્ચે સમજણ પણ વધતી જાય છે. બાળકોનો ઉછેર માત્ર મમ્મીની જ જવાબદારી છે, એવું માનવાવાળા પુરુષોની સંખ્યા હવે ઘટી રહી છે. વર્કિંગ વીમેનને મદદ કરવી જોઈએ એ સારો વિચાર હવે ઘણા ઘરોમાં એન્ટર થઈ રહ્યો છે. આ જે કશુંક સારું થઈ રહ્યું છે, એને આપણે સૌએ વધુ ને વધુ સ્વીકારી લેવાની જરૂર છે.
બાળકોનો ઉછેર હું કરું કે તું કર એ વિવાદ હવે સંવાદમાં બદલાઈ રહ્યો છે. જેઓ આ બદલાવ સાથે બદલાઈ રહ્યા છે, તેઓના બાળકો વધુ સારો ઉછેર મેળવી રહ્યા છે. અને પપ્પાની આ નવી કામગીરી જોઈને દીકરાઓ પણ નાનપણથી આ કામો શીખી રહ્યા છે. બાળ-ઉછેરમાં કોનું મહત્વ વધુ છે? મમ્મી કે પપ્પાનું? આ કોઈ ચર્ચાનો વિષય જ નથી. ઉછેર માટે બંને મહત્વના છે. પણ બે માથી કોઈનો રોલ અગાઉથી નક્કી ના હોવો જોઈએ. જો મમ્મી બાળકોને રસી મૂકાવવા લઈ જઇ શકે તો પપ્પા પણ એ કામ કરી જ શકે.
પ્રાચીન સમયથી આપણે કામના આ વર્ગીકરણને વળગી રહ્યા હતા. એક વ્યવસ્થા હતી કે પુરુષ ઘરની આર્થિક પરિસ્થિતી સંભાળે અને સ્ત્રીઓ ઘર અને બાળ-ઉછેરના કામ કરે, પણ પછી આપણે પુરુષોના કામને વધુ પડતું મહત્વ આપી દીધું અને સ્ત્રીઓનું કામ સરખામણીમાં નાનું ગણાવા લાગ્યું. પણ હવે આ વિચાર પણ બદલાઈ રહ્યો છે.
હકીકત તો એ છે કે બાળકોના ઉછેર બાબતે સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ સ્પર્ધા ના હોવી જોઈએ. સંતાન ઉછેરમાં બંનેનો સાથ જરૂરી છે, જો સ્ત્રીઓ પુરૂષોને નાણાકીય મદદ કરી રહી છે, તો પુરૂષોએ પણ તેઓને આ પ્રકારની મદદ કરવી જરૂરી છે. ઘણા કુટુંબો આ નવીન વિચારોને અપનાવી રહ્યા છે, અને હજી જેટલી વધુ ઝડપે આપણે આ પરીવર્તન સ્વીકારીશું આપણે મકાનને ઘર બનાવી શકીશું.
No comments:
Post a Comment