Sunday 28 August 2022

સંપતિ અને સંબંધો એ સમસ્યાઓનો ઉકેલ છે કે ખુદ એક સમસ્યા છે?

 

સંપતિ અને સંબંધો એ સમસ્યાઓનો ઉકેલ છે કે ખુદ એક સમસ્યા છે?

The emotional baggage is the relationship. Everybody has their issues, the point is to sort them out together. - Morgan Reznick (The Good Doctor Quotes)

 

       હમણાં એક સમાચાર વાંચ્યા, પતિએ પત્નીને ઢોર માર મારતો, માર મારતી વખતે એ વિડીયો ઊતારતો અને એ વિડીયો પોતાના મિત્રોને બતાવતો, એમાં એને મજા આવતી! તો વળી બીજા એક સમાચારમાં એક માતાએ પોતાના ખુદના બાળકને જ મારી નાખ્યું, કારણકે તેણે કોઈ બીજા પુરુષ સાથેના તેણીના પ્રેમની લીલા જોઈ લીધી હતી! નાની નાની વાતોમાં આપઘાતની ઘટનાઓ આપણે રોજ વાંચતાં કે સાંભળતા રહીએ છીએ. ખબર નહી પણ કેમ લોકોને જીવંત રહેવાને બદલે મરી જવાના કારણો વધુ મળી રહ્યા છે! તો વળી એક કિસ્સામાં એક જેઠાણીએ દેરાણીની છોકરીને અગાશી પર લઈ જઇ દસ્તાથી ક્રૂર રીતે મારી નાખી!

જગ્યાએ જગ્યાએ થી લાશો મળી રહી છે. બધા એકબીજા સાથે બંધાયેલા ખુદને મહેસુસ કરી રહ્યા છે. સંબંધોથી કંટાળેલા માણસોના જીવનમાં નવી નવી વ્યક્તિઓ આવી રહી છે, અને એ નવી વ્યક્તિઓને લીધે જૂના સંબંધો ઘણાને એટલા વાસી લાગી રહ્યા છે કે તેનાથી પીછો છોડાવવા લોકો નજીકની વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. સંપતિના નામે લોકો ઝઘડી રહયા છે. નાનપણમાં એક-બીજાનો હાથ પકડીને ચાલતા ભાઈઓ ઝઘડી રહ્યા છે. સંપતિના નામે સતત ઘરો તૂટી રહ્યા છે. એટલું જ નહી, સંપતિને લીધે રોજ કેટલાયે ખૂન થતાં રહે છે!

  વ્યક્તિઓ જિંદગીમાં જીવન ઉમેરવા સંબંધો સાથે જોડાતા રહે છે, પણ એ સંબંધો જ આજે લોકોના મૃત્યુનું કારણ બની રહ્યા છે. કેટલી બેરહેમીથી લોકો પોતાની નજીકની વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઇવન પોતાના લગ્ન બહારના સંબંધોને છુપાવવા ઘણા દંપતિઓ પોતાના સંતાનોને પણ નિર્દયતાથી મારી રહયા છે. સંબંધોને આપણે જીવનમાં ખુશીઓ ઉમેરવા માટે જોડતા હોઈએ છીએ, આ જીંદગીનું સફર એકદમ સરળ રીતે મોજથી પસાર થઈ શકે, પણ એવું નથી થઈ રહ્યું. એ બંધનો જ જીવનને ગૂંગળાવી રહ્યા છે. અને લોકો એનાથી થાકીને એ બંધનમાથી છૂટવા આસપાસની વ્યક્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.

  કેવા કેવા કિસ્સાઓ અને ઘટનાઓથી આપણાં સમાચાર પત્રો અને બીજા સોસિયલ મીડિયાઓ ખદબદતા રહે છે. કેવા કેવા વિકૃત કિસ્સાઓ આપણી આસપાસ થતાં રહે છે. આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય એટલી બધી ક્રૂરતા આપણી આસપાસ થતી રહે છે. આપણે પશુઓ કે પક્ષીઓ કે પછી કુદરત પ્રત્યે સંવેદનશીલ થવાની વાત તો દૂર રહી,આપણે માણસો એકબીજા પ્રત્યે પણ સંવેદનશીલ નથી થઈ રહ્યા! જેટલા સાધનો વધી રહ્યા છે, એટલા આપણે વધુ ને વધુ એકલા થઈ રહ્યા છે. હકીકત તો એ છે કે મોટા ભાગના લોકોને પોતાના વર્તમાન જીવનથી સંતોષ નથી!

    કોઈ એવું નકકી કરે કે આ દિવસે આ સોસિયલ મીડિયામાં નકારાત્મક સમાચારો નહી આવવા જોઈએ, છતાં પણ આવા સમાચારો છાપવા કે દેખાડવા પડે, એટલી હદે આપણાં સમાજમાં ખરાબ ઘટનાઓ બની રહી છે! આપણાં સૌના જીવનમાં વિસ્મયતાનું સ્થાન આશ્ચર્યોએ લઈ લીધું છે! આપણી કલ્પના બહારની વાસ્તવિકતાઓ આપણે જોવા ટેવાઇ રહ્યા છીએ. આવું બધુ હવે રૂટિન બની ગયું છે. સવારના પહોરમાં છાપામાં આવા સમાચારો વાંચીએ, પછી થોડીવારમાં તો ચાની વરાળ સાથે એ બધુ પણ ઊડી જતું હોય છે અને આપણે નોર્મલ થઈ જતાં હોઈએ છીએ.

  સંપતિ અને સંબંધો કોઈપણ વ્યક્તિના જીવનમાં નવા નવા સપનાઓ લઈને આવે છે, સપનાઓ પૂરા કરવા આવે છે, પણ ક્યારેક સપનાઓ પણ ડરામણા હોય છે, એમ જ આજે જાણે આપણે સૌ એવા ડરામણા વિશ્વમાં જીવી રહ્યા છીએ કે મૃત અવસ્થામાં અશ્મિઓ બનીને દટાઈ રહ્યા છીએ, એ જ સમજાતું નથી! સંપતિનો વધારો સુખનું સર્જન કરી નથી રહ્યો, ઉલટાનું લોકોને દૂ:ખી કરી રહ્યો છે. સંપતિ લાગણીઓ પર ભારે થઈ રહી છે. રોજ કેટલાયે ભાગોમાં આપણે વિભાજિત થઈ રહ્યા છીએ.

 આજે આપણી પાસે જિંદગીને સરળ બનાવી શકે, એટલા માટે ઘણી બધી સગવડો અને સુવિધાઓ છે, પણ આપણે સૌ એવા બંધનોમાં ખુદને બાંધીને બેસી ગયા છીએ, કે એમાથી બહાર આવવાનો રસ્તો જ નથી મળી રહ્યો. બહુ નાની નાની બાબતોમાં સંબંધો તૂટી રહ્યા છે, વધારે પડતાં કનેકશનોએ આપણને સંવેદના વિહીન બનાવી દીધા છે. એકબીજાને નજીક લાવવા જે સાધનોની આપણે શોધ કરી હતી, એ જ સાધનો આજે લોકોને એકબીજાથી દૂર કરી રહયા છે.

  લોકો સંબંધો અને સંપતિને લીધે ટુકડાઓમાં વહેંચાઈને રહી ગયા છે. ગમે તે ભોગે અમુક સંબંધો મળવા જ જોઈએ, અને સંપતિ માટે ગમે તેવા નજીકના સંબંધો તોડી નાખવા પડે, એ જાણે આપણામાથી મોટાભાગના લોકોનો જીવનમંત્ર બની ગયો છે. હજી સમય છે, આપણી અંદર જે કઈ ધબકતું જીવંત તત્વ છે, એને સહારે જીવન જીવીશું, તો સંપતિ ભલે ઓછી ભેગી થશે, પણ નજીકના સંબંધોથી આપણાં જીવનનો બાગ મહેંકી ઉઠશે.

    

  

 

 

 

  

 

 

 

 

   ;

 

 

 

 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...