Wednesday 12 April 2023

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 Select one number life partner name dare | Puzzles World

    સ્કૂલમાં છોકરા છોકરીઓના ગ્રૂપમાં પરિણામ પછીની ચર્ચાઓ થતી હતી, એમાં એક છોકરીએ કહ્યું, મારે અર્થશાસ્ત્રમાં 100 માથી 100 આવે એમ હતા, પણ 99 જ આવ્યા, મારે પેપર ખોલવવું છે, એક માર્ક ક્યાં કપાયો? એટલે તેની સાથે ઉભેલા છોકરાએ કહ્યું, યાર બસ કર 99 માર્કસમાં તો અમારા જેવા ત્રણ છોકરાઓ પાસ થઈ જાય! અને બધા હસી પડ્યા. કેટલા માથી કેટલા? આ પ્રશ્ન આજે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે.

     આપણને દરેક ક્ષેત્રોમાં આંકડા સાથે જ પ્રેમ થઈ ગયો છે. વસ્તીગણતરીથી લઈને જુદા જુદા તમામ સર્વેમાં આપણે આંકડાઓ જ તો ભેગા કરતાં રહીએ છીએ. કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલી સાક્ષરતા, કેટલા બાળકો, કેટલા યુવાનો, કેટલા વૃદ્ધો, કેટલા ધર્મો, વગેરે વગેરે......

  એવી જ રીતે દરેક સ્પર્ધામાં પણ આંકડાનો ખેલ જોવા મળે છે, તો આપણું શિક્ષણ તો આંકડાઓની એવી માયાજાળ રચે છે, કે અમુક આંકડાઓ ના મળતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. 28/29 માર્ક્સ લાવનારને વધારાના માર્કસ લાવી પાસ કરવા પડે છે, અને 90-100ની વચ્ચે માર્ક્સ લાવનારના ક્યાથી કાપવા? એ માટે તેનું પેપર ત્રણ વાર ચેક થતું હોય છે!

 સરકારી દરેક પરિપત્ર અને કાર્યક્રમો આંકડાઓ માંગતા રહે છે. વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા? એના કરતાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું વધ્યું? એમાં જ બધાને રસ છે. ઘણીવાર તો ઘણા કાર્યક્રમોમાં માત્ર આંકડા જ માંગવામાં આવે છે. કાર્યક્રમની સફળતાનો માપદંડ જ આંકડાઓ બની રહે છે! તે કાર્યક્રમમાથી કોણ કેટલું શિખ્યું? કે કોણે વાવેલા વૃક્ષોને ઉછેર્યા? કે કોણે પ્લાષ્ટિકનો ઉપયોગ ઘટાડયો? એ બધી જ વાત અભેરાઈએ ધૂળ ખાતી હોય છે. મોટા મોટા નેતાઓની સભામાં કેટલા માણસો આવ્યા? કે લાવવામાં આવ્યા? એના આંકડામાં જ બધાને રસ હોય છે! કેટલા મત મળ્યા? કે કેટલી સીટ મળી? તે  આંકડાઓ પર તો આખા દેશનો શ્વાસ અટકી જતો હોય છે.

જી.ડી.પી. પણ એક આંકડો, અને ગરીબી પણ એક આંકડો, વળી બેકારી પણ એક આંકડો અને સતત વધી રહેલી વસ્તી પણ એક આંકડો! અને હવે તો માણસ કેટલો સુખી છે? એ પણ હેપ્પીનેસ ઇંડેક્સ નક્કી કરે છે! જન્મતું બાળક પોષિત છે કે નહી તેના આંકડાથી માંડીને મૃત્યુદર સુધી બધુ જ આંકડાઓમાં રજૂ થતું રહે છે. સરેરાશ માથાદીઠ આવક પણ એક આંકડો અને આપણું જીવન-ધોરણ પણ એક આંકડો! કહે છે કે આંકડાઓ વિશ્વસનિય માહિતી રજુ કરે છે, પણ સાથે સાથે આંકડાઓ જ ભ્રામક માયાજાળ પણ રચતાં હોય છે!

  ધંધોનો નફો એક આંકડો છે, સૌથી વધુ કમાણી કરતા માણસની આવક એક આંકડો છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની તો સ્થાપના જ આંકડા જાહેર કરવા માટે થઈ હોય એવું લાગ્યા કરે છે. દેશના લોકોની સરેરાશ ઉંમર એક આંકડો છે. નોકરી કરતાં માણસને મળતું પેકેજ કે પગાર પણ આંકડો જ છે. વિશ્વના પાંચ વિકસિત રાષ્ટ્રોનો ક્રમ એક આંકડો છે. જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં આપણે ક્યાં સ્થાન પર છીએ? એ પણ એક આંકડો!

અરે માનવતા પણ આંકડાઓમાં મપાય રહી છે. ક્યાં સંપ્રદાયમાં કેટલા ભક્તો? એ પણ આંકડામાં અને દિવસોની ઉજવણી વખતે કોણ કોણ હાજર હતું? એના પણ આંકડાઓ! દર વિદ્યાર્થીએ કેટલા શિક્ષક? દર દર્દીએ કેટલા ડોક્ટર્સ કે નર્સિસ? દર ચોરસ કિલોમીટરે કેટલી વસ્તી? વગેરે વગેરે આંકડાઓ ભેગા કરી આપણે શું કરી રહ્યા છીએ? કારણકે અત્યારે તો લગભગ દરેક ક્ષેત્રોમાં ગુણવત્તાની ક્રાઈસિસ જોવા મળી રહી છે.

 મોટા મોટા મેગેઝિનોમાં દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિઓના આંકડા અને નામો રીલીઝ થતાં રહે છે, તો દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓના લિસ્ટ પણ ક્રમ સહિત બહાર પડતાં રહે છે. ગણિત ભલે બધાને અઘરો વિષય લાગતો હોય, પણ આંકડાઓ સાથેનો આપણો સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો જાય છે. આપણે સૌ એક ગજબની નંબરગેમ માં ફસાઈને જિંદગીને અઘરી બનાવી રહ્યાં છીએ. માપતા રહીને ઘણું બધુ આપણે પામતા નથી.

 જિંદગીને રેસ સમજીને આપણે સૌ એક નંબર મેળવવા દોડી રહ્યા છીએ. પણ આ આંકડાઓની બહાર પણ એક દુનિયા છે....આપણી ખુશીઓ કોઈ અમુક નમ્બર્સ કે ઇંડેક્સ દ્વારા નકકી ના જ કરી શકાય કેમ ખરું ને?

 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...