Saturday, 27 July 2024

શિક્ષણ નામે.................. ધક્કાગાડી!!!

 

 શિક્ષણ નામે.................. ધક્કાગાડી!!!

 Education System in India(The Real Suffering of Students)


ગણિતના વર્ગમાં બાળકોને દાખલો શિખવ્યા બાદ જ્યારે શિક્ષક બીજો દાખલો ગણવા આપે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એ દાખલો જાતે સોલ્વ કરવાને બદલે આજુ બાજુ બેઠેલા મિત્રો કે કલાસમેટના ચોપડામાં નજર કરી લેતા હોય છે. જો તેને આવડી ગયો હોય તો તેમાથી જોઈને ગણી લઈએ. એટલે શિક્ષક પુંછે કે કોને કોને દાખલો ગણી લીધો, તો તરત જ હાથ ઊંચો કરી શકાય. અને કા તો વિદ્યાર્થી ગણિત વિષયની નવનીત કે બીજું કોઈ તૈયાર મટિરિયલ્સ લઈને તેમાથી જોઈ જોઈને લખી લેતા હોય છે.

  શું નથી કરતાં વિદ્યાર્થીઓ? તેઓ મથતા નથી, દાખલો જાતે ગણવાના પ્રયાસો નથી કરતાં. શા માટે દાખલો ના આવડ્યો તેના પર વિચાર નથી કરતાં. અને સૌથી અગત્યનું શિક્ષકને કહેતા નથી કે મને આ દાખલો નથી આવડતો, શીખવો.... અને પછી માની લેતા હોય છે કે ગણિત મને કદી નહી આવડે. દાખલો ગણવાની પણ કોશિશ નથી કરતાં અને પરિણામે તેઓને સમજાતું જ નથી કે દાખલો ક્યાં સ્ટેપથી ના આવડ્યો?

  જેવુ ગણિતમાં થાય છે, એવું જ બીજા વિષયોમાં થતું હોય છે. વિદ્યાર્થીઓ શીખવા માટે મથે જ નહી, તો દુનિયાનો સારામાં સારો શિક્ષક પણ તેને કઇ જ શીખવી નહી શકે. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રશ્નો પૂંછતા જ નથી એને કારણે તેઓને કોઈ જવાબ મળતા જ નથી. ભણવા માટે સૌથી અગત્યની ધગશ છે, એ બાબત આપણે સાવ ભૂલી જ ગયા છીએ. જેને ધગશ છે, તે એકલવ્યની જેમ જાતે વિદ્યા મેળવી જ લેતા હોય છે.

  ને પછી એ ના શિખેલો વિદ્યાર્થી નાપાસ તો થતો નથી, એટલે દસમા ધોરણ સુધી તે સડસડાટ પહોંચી જતો હોય છે. દસમું ધોરણ એટલે બોર્ડનું વર્ષ! હવે પેપરમાં પાસ થવાય એટલું નહી આવડે તો? એ બીકે વિદ્યાર્થીઑ અને વાલીઓ સારા સારા ટ્યુશન ક્લાસીસ તરફ દોટ મૂકે છે. જો કે ટ્યુશનમા જવું એ તો આજકાલ ફેશન બની ચૂકી છે. લોઅર કે.જી. હાયર કે.જી. માં ભણતા વિદ્યાર્થીઓ પણ ટ્યુશનમા જતાં હોય છે. જે શાળાઓમાં તે ભણે છે, તે જ શાળાઓના શિક્ષકો પાસે તેઓ ટ્યૂશનમાં જતાં હોય છે.

   મોસાળે માં પીરસનાર એમ ટ્યુશનમા ભણાવે એ જ શિક્ષકો પેપર કાઢે એટલે વિદ્યાર્થીઓને આઈ.એમ.પી. પણ મળી રહે અને ઢગલો માર્ક્સ મળી જાય. અને માતા-પિતાને એમ થાય કે મારુ સંતાન તો આટલા બધા માર્ક્સ લઈને આવ્યું! એ જ બાળકનું માતૃભાષાનું લખાણ વાંચીએ કે તેઓને કોઈ કોમન વિષય પર બોલવાનું કે લખવાનું કહીએ તો ખબર પડે કે જિંદગીના સૌથી વધુ વર્ષો જે શિક્ષણ પાછળ આપણે આપણા સંતાનોના ખર્ચતા હોઈએ છીએ, અને સાથે પૈસા પણ, એ શિક્ષણે સંતાનને શું શીખવ્યું?

  બધા ભણે છે, પણ શું ભણવું છે? અને મારી પાત્રતા શેમાં છે? એ મોટા ભાગનાને ખબર જ નથી. ભણીશું એટલે આગળ વધીશું, પણ શું અને કેવું ભણીશું? તો આગળ વધીશું એ વિષે કોઈ સજાગ નથી. એક ગાડરિયો પ્રવાહ વહી રહ્યો છે, જેમાં સૌ તણાઇ રહ્યા છે. જેમ શિક્ષણ મોંઘું એમ ગુણવત્તા સારી, એવા ગલત વિચાર સાથે બધા જ એ પ્રવાહમાં ભળી ગયા છે. પણ સંતાનો ખરેખર શીખી રહ્યા છે કે કેમ? એની સંતાનો આપઘાત ના કરે, ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી.

   આજનું આપણું મેકોલે આપેલું શિક્ષણ વિદ્યાર્થીઓને સર્જનાત્મક રસ્તે નથી લઈ જઇ રહ્યું. વિદ્યાર્થીઓને મથતા નથી શીખવી રહ્યું. અઘરા લાગતાં સવાલોના જવાબો શોધતા નથી શીખવી રહ્યું. જીવનમાં આગળ જઈને કામમાં આવે એવી કશી સ્કીલ નથી વિકસિત કરી રહ્યું. જીવનમૂલ્યો નથી શીખવી રહ્યું. હકીકત તો એ છે કે આપણું શિક્ષણ ધનીકો માટે ફેશન બની ગયું છે, પણ ગરીબોની જરૂરિયાત નથી બની શક્યું!

   અને આના માટે માત્ર શિક્ષકો જ નહી, વાલીઓ પોતે પણ એટલા જ જવાબદાર છે. જેઓ પોતાના સંતાનોની પાત્રતા જાણ્યા સમજ્યા વિના, સંતાનોને શું આવડે છે? શું નથી આવડતું એની માહિતી મેળવ્યા વિના શિક્ષણ પાછળ દોડી રહ્યા છે.

  વર્ગખંડની અંદર ગયા બાદ મારુ સંતાન શું કરી રહ્યું છે? અને તેને શું કરવું જોઈએ? તેની માહિતી વાલીઓ પાસે હોવી જોઈએ. વિદ્યાર્થીઓએ પણ મથતા શિખવું પડશે. નહી તો શિક્ષણ નામની ધક્કાગાડીમાં ધક્કામુક્કી કરીને આપણે જેમ તેમ કરીને પાસ તો થઈ જઈશું, પણ જિંદગીમાં આવતી મુશ્કેલીઓ સામે લડતા નહી શીખી શકીએ.

   શિક્ષણમાં માસ-પ્રમોશન નામનો શબ્દ છે, જિંદગી પાસે નથી. બસ એટલું યાદ રહે.... માટે જીવવું હશે, તો મથતા કે નિષ્ફળ( નાપાસ) થતાં શીખવું પડશે. પાત્રતા વિના શિક્ષણ કે જિંદગી કોઈને કશું આપતા નથી.

Sunday, 21 July 2024

બાળકો, હોર્મોન્સ, સેક્સ,અપરાધ અને આપણે………………

 

બાળકો, હોર્મોન્સ, સેક્સ,અપરાધ અને આપણે……………… 

 Juvenile crimes in India - iPleaders

 

 

            બાળકો હવે ખરેખર બાળકો નથી રહ્યા! કોઈ રીઢા ગુનેગારને પણ શરમાવે એવી રીતે આંધપ્રદેશના નાંદયાલ જિલ્લામાં ત્રણ બાળકોએ! હા બાળકોએ 8 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને મારી પણ નાખી! મારીને તેણીના શબને નાળામાં ફેંકી દીધું. એટલું જ નહી, ત્રણ દિવસ સુધી નોર્મલ રહી કોઈને ખબર પણ ના પડવા દીધી. જેના પર બળાત્કાર થયો, એ બાળકી ત્રીજા ધોરણમાં ભણતી હતી અને બળાત્કાર કરનાર બાળકો 6ઠ્ઠા અને 7માં ધોરણમાં!

  હવે દીકરીઓ શેરીમાં બાળકો સાથે રમતી હશે, તો પણ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જવાનો. મોટા હેવાનો સામે હજી તે લડી નથી શકી, ત્યાં આવા નાના હેવાનો સામે પણ લડતા રહેવું પડશે? વિજાતીય આકર્ષણ શું હવે વધુ ને વધુ વિકૃત બની રહ્યું છે? કે પછી આપણાં બાળકોને શું સારું કે શું ખરાબ? એ શિખવવાનો આપણી પાસે સમય જ રહ્યો નથી. બાહ્ય પર્યાવરણને બચાવવા આપણે જે રીતે ફાંફા મારી રહ્યા છીએ, એમ જ ઘરના આંતરિક પર્યાવરણને પણ આપણે શુદ્ધ કરવાના પ્રયાસો શું નહી કરવા પડે?

   બાળકો આવા અપરાધ તરફ શા માટે જઇ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ બને તેટલી વહેલી તકે આપણે મેળવી લેવાની જરૂર છે. અને આપણી આસપાસ નજર કરીશું તો આ પ્રશ્નનો ઉકેલ મળતા વાર પણ નહી લાગે. જો કે આપણી સરકારના રીપોર્ટ મુજબ જે બાળકોને શિક્ષણ નથી મળી રહ્યું એવા બાળકો આવા કે બીજા ગુનાઓ તરફ ઝડપથી વળી જતાં હોય છે. પણ ઉપરનો કિસ્સો તો શિક્ષણ લઈ રહેલા બાળકો દ્વારા આચરવામાં આવેલ છે. ને છેલ્લા કેટલાક વર્ષોના અહેવાલો સમજીશું ( માત્ર જોવાથી કે આંકડા ભેગા કરવાથી કઈ નથી થવાનું) તો આપણને ખબર પડશે કે બાળકો અત્યાર સુધી જરૂરિયાતો પૂરી ના થવાથી ચોરી કરતાં કે ખોટું બોલતા કે પછી નાના મોટા બીજા કોઈ ગુના આચરતા.

  બસ આપણાં જુદા જુદા માહિતી ભેગી કરતાં મંત્રાલયો કે સંસ્થાઓ પાસે આવા જ આંકડાઓ હતા. પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી બાળકો દ્વારા આચરવામાં આવતા સેક્સ અંગેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બાળકોને સેક્સ અંગેનું શિક્ષણ મળવું જોઈએ, એવી માંગ છેલ્લા કેટલાયે વર્ષોથી થઈ રહી છે. પણ જે પ્રકારે મળવું જોઈએ તે રીતે નથી મળી રહ્યું. તેઓ નાની ઉંમરે એવું સાહિત્ય વાંચી રહ્યા છે કે જુદી જુદી ઓપન સાઇટ્સ પર એવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે, જે તેઓની સમજણની બહાર છે. તેઓ જોઈ રહ્યા છે, પણ તેઓને ખબર નથી કે આવું બધુ કરવાની પણ એક ઉંમર હોય છે!

  ઘણા લોકો આજે બોલતા હોય છે કે આપણે તો આજના બાળકો જેવડા હતા, ત્યારે આપણને કાઇ ખબર નહોતી પડતી. પણ એ સારું હતું, દરેક જ્ઞાન મેળવવાની એક ઉંમર હોય છે. મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એની સાચી સમજણ જો બાળકોમાં નહી રેડીએ તો આંધ્રમાં થયું તેવું બીજા રાજ્યોમાં પણ થશે. ટીન એજર્સમાં ઉછળતા કુદતા હોર્મોન્સને આવી સેક્સ્યુયલ કન્ટેન્ટ મળતી જ રહેશે, તો તેઓના આવેગોને સાચી દિશામાં ક્યારેય નહી વાળી શકાય. ભારત સરકારે આવા દ્રશ્યો દેખાડતી ચેનલો, ઓ.ટી.ટી. પ્લેટફોર્મ્સ કે એપ્લીકેશન્સ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

  વળી ભારતમાં બાળ અપરાધીઑ માટે કોઈ કડક કાયદાઓ નથી. નિર્ભયા કાંડ વખતે પણ આપણે જોયું હતું કે 18 વર્ષથી નીચેના આરોપીને ખૂબ ઓછી સજા આપી છોડી દેવામાં આવેલ. IPC મુજબ કોઈપણ બાળક 12 વર્ષ સુધી સજાને પાત્ર ગણાતું નથી.  7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલો ગુનો સજાપાત્ર નથી. ઉપરાંત, 7 વર્ષથી વધુ ઉંમરના પરંતુ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલો ગુનો જો એવું લાગે કે તે કરે છે તો તે સજાને પાત્ર નથી. 12વર્ષથી ઉપરના બાળકો માટે સજાનું પ્રવિધાન આપણાં કાયદાઓમાં છે, પણ એ પણ સાવ ઓછી સજા છે.

   આવા બાળકોની મેંટાલિટી સમજવી સૌથી જરૂરી હોય છે. પણ એના માટે કોઈ સારી સંસ્થા આપણાં દેશમાં નથી.  ભારતીય ન્યાયતંત્રે ઉપરના કાયદાઓને રીવાઇઝ કરવા જ પડશે. 12 વર્ષનું બાળક આવા ગુનાઓમાં સંડોવાશે એવી આજથી 10 વર્ષ પહેલા કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. પણ આ આજનું કડવું સત્ય છે. માત્ર મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવાથી કશું નહી વળે, એના પછીનું ફોલો-અપ પણ લેવાવું જરૂરી છે. જે લેવાય નથી રહ્યું. હકીકત તો એ છે કે આપણે બાળકોને તેઓના વિશ્વમાં એકલા છોડી દીધા છે.

  માતા-પિતા પાસે સમય નથી કે તેઓ પોતાના સંતાનો શું કરે છે, ઓનલાઈન શું જુએ છે? એના વિષે તપાસ કરે. બાળકોને બધુ જ આપી દેવાની લ્હાયમાં જે આપવાનું છે, તે રહી જતું હોય એવું લાગી રહ્યું છે. આપણે બાળકોને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સના હવાલે કરી દીધા છે. તેઓ કુટુંબ કરતાં વધુ સમય આ ગેઝેટ્સ સાથે વિતાવી રહ્યા છે. બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખી રહ્યા છે. ભલે આપણે તેઓને સેક્સ અંગેનું જ્ઞાન આપીએ પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં સમયે અને કઈ ઉંમરે કરવો જોઈએ? તે પણ શીખવવું જરૂરી છે.

  

Thursday, 4 July 2024

શું આપણે કોઈ વિરોધ કે વિવાદ બાબતે 'તટસ્થતા' ગુમાવી ચૂક્યા છીએ?

 

શું આપણે કોઈ વિરોધ કે વિવાદ બાબતે 'તટસ્થતા' ગુમાવી ચૂક્યા છીએ? 
Of Contestations and Contradictions: The Constitution, the Legislature, and  Civil Society in Contemporary India – Law School Policy Review & Kautilya  Society





 

         દેશમાં કોઈપણ ઘટના બને એટલે આપણે કા તો એ ઘટનાની તરફેણમાં જતાં રહીએ છીએ અને કા તો એ ઘટનાની વિરુદ્ધમાં! શું આપણે તટસ્થતાથી કોઈપણ ઘટના કે વિચારનું અવલોકન કરવાની તાકાત ગુમાવી ચૂક્યા છીએ? સરકારની રચનાથી માંડીને બીજી કોઈપણ ઘટના, વ્યક્તિ કે વિચાર પ્રત્યે આપણે વગર વિચાર્યે પ્રવાહમાં ભળી જઈને અભિપ્રાયો આપવા લાગીએ છીએ, સરઘસો કાઢવા લાગીએ છીએ, ચળવળ ચલાવવા માંડીએ છીએ, અને પછી મોટા ભાગના કિસ્સાઓમાં આપણે જેનો વિરોધ કરી રહ્યા હોઈએ છીએ, એવું કશું હોતું નથી!

   ગાંધીજીનો સૌથી મહત્વનો ગુણ હતો, કોઈપણ ઘટનાની નિષ્પક્ષતાથી તપાસ કરવી અને પછી જો યોગ્ય લાગે તો તેનો વિરોધ કરતાં. પણ આપણે તો એ સાચું છે કે ખોટું? તે જાણવાની તસ્દી જ નથી લેતા! યાદ કરો ઇ.સ. 1922નો ચોરા-ચોરી વાળો બનાવ, જેમાં ગાંધીજીએ શરૂ કરેલા અહિંસાના આંદોલનને ના સમજી શકેલા લોકોએ હિંસા આચરેલી અને તેને લીધે બાપુએ એ આખું આંદોલન જ બંધ કરી દીધેલું એમ કહીને કે લોકો હજી અહિંસાનો સાચો અર્થ સમજી શક્યા નથી.

   આ દેશમાં કેટલાક બુદ્ધિજીવીઓ છે, જેઓને લગભગ કોઈને કોઈ ઘટના વ્યક્તિ કે વિચારનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છે. તેઓ રાહ જ જોઈને બેઠા હોય છે. કોઈપણ આવી ઘટના બને કે વિચાર રજૂ થાય એટલે તેઓ લોકોને લઈને નીકળી જ પડતાં હોય છે. અને પ્રજા તરીકે આપણે પણ તેઓની પાછળ ખોટી રીતે દોરવાઈ જતાં હોઈએ છીએ. ઇવન ઘણા લોકોને  તો મેટર શું છે? એ પણ ખબર નથી હોતી અને પેલા બુદ્ધિજીવીઑ કહે એટલે તેઓ નીકળી પડતાં હોય છે.

  જ્ઞાતી ને આગળ કરીને કે પછી ધર્મને આગળ કરીને તેઓ ભલી-ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરતાં જ રહે છે. અને મહત્વનુ  એ છે કે આપણે શિક્ષિત થઈ રહ્યા છીએ, પણ આવી બાબતો પ્રત્યે જાગૃત નથી થઈ રહ્યા. તમે વિચારો 2014થી મોદી સરકાર આવી, ત્યારથી આપણો દેશ મોદીજીની તરફેણમાં કે મોદીજીની વિરુદ્ધમાં વહેંચાઈ ગયો છે. તેમણે કરેલા સારા કામોની નોંધ નહી, તેમણે કરેલી ભૂલો બાબતે કોઈ તટસ્થ ચર્ચા નહી. ને બસ દેકારે દેકારા કરીને આપણે વ્યવસ્થિત ચર્ચાઓને સ્થાન જ નથી આપી રહ્યા.

 આવી બિનજરૂરી બાબતોમાં પડીને આપણે આપણાં દેશના વિકાસ માટે મહત્વની બાબતોની અવગણના કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, ત્યારે જ આપણને અમુક બાબતો યાદ આવે છે. દેશના દરેક રાજ્યમાં આજે કોઈને કોઈ જ્ઞાતી કે ધર્મને લઈને કે પછી સાવ બિનજરૂરી બાબતોને લઈને સરઘસો નીકળી રહ્યા છે, મારામારી થઈ રહી છે, ઘરો સળગી રહ્યા છે અને તટસ્થતા બિચારી ખૂણે બેઠી બેઠી રડી રહી છે. મણિપુર હોય કે કાશ્મીર, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કોઈને કોઈ મુદ્દે નિષ્પક્ષ બનીને વિચારવું જ નથી.

   નીટની કે નેટના પેપર્સ લીક થવા મુદ્દે પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેઓને વિદ્યાર્થીઓના ભવિષ્યને બદલે પોતાની વોટબેંક ભવિષ્યની વધુ ચિંતા છે. ઘણીવાર તો ઘણા વિરોધો જે તે સમાજના નેતાઓને પૈસા આપીને ઉભા કરાવવામાં આવે છે! તમે મુદ્દો ચગાવો અમે તમારી પાછળ બેકઅપ માટે ઊભા જ છીએ. સોસિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ બાબત વાઇરલ થતાં સમય તો લાગતો નથી. પણ આપણે આપણી વિવેકબુદ્ધિને અભેરાઈએ ચડાવી દીધી છે, એ હકીકત છે.

  ખરેખર આપણે પ્રજા તરીકે વીરોધ જ કરવો હોય તો ભ્રષ્ટાચાર, જ્ઞાતી-વાદ, કોમવાદ, ભ્રૂણ-હત્યા, પ્રાદેશિકવાદ, ભાષાવાદ,પ્રદૂષણ સામે લડાઈ, વૃક્ષો ઉગાડવા,પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગથી બચાવવું, ગરીબી દૂર કરવામાં સરકારને મદદ કરવી  વગેરે વગેરે જેવા ઘણા મુદ્દાઓ છે. પણ એ પ્રત્યે આપણે જરાપણ સંવેદનશીલ નથી થઈ રહ્યા! અને સાવ મામૂલી મુદ્દાઓને લઈને આપણી લાગણીઓ ઘવાઈ જતી હોય છે.

  જાદુગરનો હોય એ સરકસનો કે પછી સીનેમાનો આપણને તમાશા જોવામાં જ મજા આવે છે. સરઘસો કે રેલીઓને જોવા ઘરની બહાર નીકળવાની આપણી જૂની આદત છે. પણ કોઈ દેશ માટે મહત્વના કામો માટે ઘરની બહાર નીકળવાની આપણને ટેવ નથી પડી રહી. અરે આપણને તો ચૂંટણી સમયે પંદર મિનિટનો સમય કાઢીને મત દેવા જવા પણ ઘરની બહાર નીકળવું નથી ગમતું!

  ખોટે-ખોટી ચર્ચાઓના દેકારામાં સાચી બાબતોના સંવાદો દમ તોડી રહ્યા છે. તટસ્થ બનીએ, વિચારીએ શું કરવા જેવુ છે? અને પછી દેશહિતમાં નિર્ણય લઈએ. કોઈ કહે એટલે ઝંડા નીકળી ના પડીએ.

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...