Sunday, 21 July 2024

બાળકો, હોર્મોન્સ, સેક્સ,અપરાધ અને આપણે………………

 

બાળકો, હોર્મોન્સ, સેક્સ,અપરાધ અને આપણે……………… 

 Juvenile crimes in India - iPleaders

 

 

            બાળકો હવે ખરેખર બાળકો નથી રહ્યા! કોઈ રીઢા ગુનેગારને પણ શરમાવે એવી રીતે આંધપ્રદેશના નાંદયાલ જિલ્લામાં ત્રણ બાળકોએ! હા બાળકોએ 8 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો અને મારી પણ નાખી! મારીને તેણીના શબને નાળામાં ફેંકી દીધું. એટલું જ નહી, ત્રણ દિવસ સુધી નોર્મલ રહી કોઈને ખબર પણ ના પડવા દીધી. જેના પર બળાત્કાર થયો, એ બાળકી ત્રીજા ધોરણમાં ભણતી હતી અને બળાત્કાર કરનાર બાળકો 6ઠ્ઠા અને 7માં ધોરણમાં!

  હવે દીકરીઓ શેરીમાં બાળકો સાથે રમતી હશે, તો પણ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જવાનો. મોટા હેવાનો સામે હજી તે લડી નથી શકી, ત્યાં આવા નાના હેવાનો સામે પણ લડતા રહેવું પડશે? વિજાતીય આકર્ષણ શું હવે વધુ ને વધુ વિકૃત બની રહ્યું છે? કે પછી આપણાં બાળકોને શું સારું કે શું ખરાબ? એ શિખવવાનો આપણી પાસે સમય જ રહ્યો નથી. બાહ્ય પર્યાવરણને બચાવવા આપણે જે રીતે ફાંફા મારી રહ્યા છીએ, એમ જ ઘરના આંતરિક પર્યાવરણને પણ આપણે શુદ્ધ કરવાના પ્રયાસો શું નહી કરવા પડે?

   બાળકો આવા અપરાધ તરફ શા માટે જઇ રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ બને તેટલી વહેલી તકે આપણે મેળવી લેવાની જરૂર છે. અને આપણી આસપાસ નજર કરીશું તો આ પ્રશ્નનો ઉકેલ મળતા વાર પણ નહી લાગે. જો કે આપણી સરકારના રીપોર્ટ મુજબ જે બાળકોને શિક્ષણ નથી મળી રહ્યું એવા બાળકો આવા કે બીજા ગુનાઓ તરફ ઝડપથી વળી જતાં હોય છે. પણ ઉપરનો કિસ્સો તો શિક્ષણ લઈ રહેલા બાળકો દ્વારા આચરવામાં આવેલ છે. ને છેલ્લા કેટલાક વર્ષોના અહેવાલો સમજીશું ( માત્ર જોવાથી કે આંકડા ભેગા કરવાથી કઈ નથી થવાનું) તો આપણને ખબર પડશે કે બાળકો અત્યાર સુધી જરૂરિયાતો પૂરી ના થવાથી ચોરી કરતાં કે ખોટું બોલતા કે પછી નાના મોટા બીજા કોઈ ગુના આચરતા.

  બસ આપણાં જુદા જુદા માહિતી ભેગી કરતાં મંત્રાલયો કે સંસ્થાઓ પાસે આવા જ આંકડાઓ હતા. પણ છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી બાળકો દ્વારા આચરવામાં આવતા સેક્સ અંગેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. બાળકોને સેક્સ અંગેનું શિક્ષણ મળવું જોઈએ, એવી માંગ છેલ્લા કેટલાયે વર્ષોથી થઈ રહી છે. પણ જે પ્રકારે મળવું જોઈએ તે રીતે નથી મળી રહ્યું. તેઓ નાની ઉંમરે એવું સાહિત્ય વાંચી રહ્યા છે કે જુદી જુદી ઓપન સાઇટ્સ પર એવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે, જે તેઓની સમજણની બહાર છે. તેઓ જોઈ રહ્યા છે, પણ તેઓને ખબર નથી કે આવું બધુ કરવાની પણ એક ઉંમર હોય છે!

  ઘણા લોકો આજે બોલતા હોય છે કે આપણે તો આજના બાળકો જેવડા હતા, ત્યારે આપણને કાઇ ખબર નહોતી પડતી. પણ એ સારું હતું, દરેક જ્ઞાન મેળવવાની એક ઉંમર હોય છે. મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એની સાચી સમજણ જો બાળકોમાં નહી રેડીએ તો આંધ્રમાં થયું તેવું બીજા રાજ્યોમાં પણ થશે. ટીન એજર્સમાં ઉછળતા કુદતા હોર્મોન્સને આવી સેક્સ્યુયલ કન્ટેન્ટ મળતી જ રહેશે, તો તેઓના આવેગોને સાચી દિશામાં ક્યારેય નહી વાળી શકાય. ભારત સરકારે આવા દ્રશ્યો દેખાડતી ચેનલો, ઓ.ટી.ટી. પ્લેટફોર્મ્સ કે એપ્લીકેશન્સ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

  વળી ભારતમાં બાળ અપરાધીઑ માટે કોઈ કડક કાયદાઓ નથી. નિર્ભયા કાંડ વખતે પણ આપણે જોયું હતું કે 18 વર્ષથી નીચેના આરોપીને ખૂબ ઓછી સજા આપી છોડી દેવામાં આવેલ. IPC મુજબ કોઈપણ બાળક 12 વર્ષ સુધી સજાને પાત્ર ગણાતું નથી.  7 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલો ગુનો સજાપાત્ર નથી. ઉપરાંત, 7 વર્ષથી વધુ ઉંમરના પરંતુ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળક દ્વારા કરવામાં આવેલો ગુનો જો એવું લાગે કે તે કરે છે તો તે સજાને પાત્ર નથી. 12વર્ષથી ઉપરના બાળકો માટે સજાનું પ્રવિધાન આપણાં કાયદાઓમાં છે, પણ એ પણ સાવ ઓછી સજા છે.

   આવા બાળકોની મેંટાલિટી સમજવી સૌથી જરૂરી હોય છે. પણ એના માટે કોઈ સારી સંસ્થા આપણાં દેશમાં નથી.  ભારતીય ન્યાયતંત્રે ઉપરના કાયદાઓને રીવાઇઝ કરવા જ પડશે. 12 વર્ષનું બાળક આવા ગુનાઓમાં સંડોવાશે એવી આજથી 10 વર્ષ પહેલા કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું. પણ આ આજનું કડવું સત્ય છે. માત્ર મનોવૈજ્ઞાનિક સંશોધનો કરવાથી કશું નહી વળે, એના પછીનું ફોલો-અપ પણ લેવાવું જરૂરી છે. જે લેવાય નથી રહ્યું. હકીકત તો એ છે કે આપણે બાળકોને તેઓના વિશ્વમાં એકલા છોડી દીધા છે.

  માતા-પિતા પાસે સમય નથી કે તેઓ પોતાના સંતાનો શું કરે છે, ઓનલાઈન શું જુએ છે? એના વિષે તપાસ કરે. બાળકોને બધુ જ આપી દેવાની લ્હાયમાં જે આપવાનું છે, તે રહી જતું હોય એવું લાગી રહ્યું છે. આપણે બાળકોને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સના હવાલે કરી દીધા છે. તેઓ કુટુંબ કરતાં વધુ સમય આ ગેઝેટ્સ સાથે વિતાવી રહ્યા છે. બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખી રહ્યા છે. ભલે આપણે તેઓને સેક્સ અંગેનું જ્ઞાન આપીએ પણ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં સમયે અને કઈ ઉંમરે કરવો જોઈએ? તે પણ શીખવવું જરૂરી છે.

  

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...