Friday, 22 November 2024

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

Dont Complain Just Do Quotes Motivational Stock Vector (Royalty Free)  1835785756 | Shutterstock

 

જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સૌ જે કઈ વેઠવું પડયું, એનું જ લિસ્ટ લઈને બેઠા રહીએ છીએ. ઘણા તો એટલા બધા નકારાત્મક હોય છે કે જે નથી મળ્યું, એની લ્હાયમાં જે મળ્યું છે. તેની મોજને પણ માણી શકતા નથી. હજી થોડું હજી થોડું.... એમ જરૂરિયાતો અને ઇચ્છાઓનો પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે. અને એ વહેણમાં વ્યક્તિ એટલો ડૂબી જતો હોય છે કે કોઈ તરણું પણ તેને બચાવી શકતું નથી.

  કારણકે વ્યક્તિ એ તરણું જ પકડવા તૈયાર નથી હોતો! આવી વ્યક્તિઓને બધુ મોટું મોટું જ જોઈતું હોય છે. નાની નાની બાબતો તેને આનંદ આપી જ શકતી નથી. આ નકારાત્મક વ્યક્તિઓ ગમે તેવી સુખની પરિસ્થિતિમાં પણ દૂ:ખને શોધી જ લે છે. જિંદગી કાયમ સુખ જ આપતી રહે, એવી અપેક્ષાઓ સાથે તેઓ દૂ:ખી જ થતાં રહે છે.

 જિંદગીમાં સમય આવ્યે સૌને સૌની ક્ષમતા મુજબનું મળી જવાનું છે. બસ આપણે જે મેળવવું છે, એને વળગી રહેવાનું છે. પણ આપણે તો એટલા અધીરા થઈ જતાં હોઈએ છીએ કે એ અધીરાઇ જ આપણને ગલત રસ્તે લઈ જતી હોય છે. લોકો જે મેળવવું છે, એના માટે એટલા બધા ઉતાવળીયા થઈ જતાં હોય છે કે એ ઉતાવળ તેઓને સાચા ખોટાનો વિવેક ભુલાવી દેતી હોય છે.

 આપણે સાચે જ એવું માની લીધું છે કે જીવન એક એવી રેસ છે, જેની કોઈ ફિનિશિંગ લાઇન જ નથી! દોડી દોડીને થાકી જઈએ છીએ, અરે હાંફી જઈએ છીએ, પણ આપણે શાંતિથી જે મેળવવું છે, એના વિષે કશું વિચારતા નથી. તમે માર્ક કરજો આપણે જેટલા લોકોને મળીએ છીએ, એમાથી મોટા ભાગના લોકોને એવું જ લાગતું રહે છે કે મને મારી ક્ષમતા કરતાં ઓછું જ મળે છે. કારણકે આપણે આખી જિંદગી ખુદની બીજા સાથે સરખામણી જ કરતાં રહીએ છીએ. બીજાને મળ્યું એ મને કેમ ના મળ્યું? બસ આ બાબત જ આપણને સતત સતાવતી રહે છે.

 અને આ સરખામણી જ આપણને આપણી ક્ષમતાને સમજવા કે ઓળખાવા દેતી નથી. ધીરજ નામની લાગણી જ જાણે કે આપણે ગુમાવી દીધી છે. બધાને ફૂડની જેમ સફળતા પણ ઇંસ્ટંટ જ જોઈએ છીએ. અને એ બાબત જ સૌને ભગાવી રહી છે. શું કરીશું? અંધ બનીને દોડ્યા કરીશું તો સતત ભટકાતાં રહીશું. અને ભટકાતાં રહીશું તો આપણે આપણી મંઝિલ સુધી ક્યારેય નહી પહોંચી શકીએ.

 જે કઈ આપણે મેળવવું છે, તેના માટે રાહ જોવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. જો આપણે સતત મળશે કે નહી મળે એ સવાલોમાં ઘૂંચવાયેલા રહીશું તો જે કઈ મેળવવું છે તેના પર પૂરેપૂરા એકાગ્ર નહી થઈ શકીએ. હકીકત તો એ છે કે આપણને નાનપણથી ગણિત ગણતાં સમયે પેલાથી જવાબ જોઈ લેવાની આદત પડી ગઈ હોય છે. જવાબ જોઈને અધીરા થઈ ગયેલા આપણે એ જવાબ મેળવવા ગમે તેવા ખોટા સ્ટેપ મૂકીને દાખલો ગણવા લાગતાં હોઈએ છીએ.

બસ આવું જિંદગીના દાખલાઓ સાથે નથી કરવાનું. જીંદગીની ગાડીને માત્ર એક્સિલેટર જ નહી પણ બ્રેકની પણ જરૂર હોય છે. સમયે સમયે બ્રેક નહીં મારીએ તો ગાડી ભટકાઈ જવાની! આપણા સૌનું જીવન નિરાંત અને નવરાશ ઇચ્છતું હોય છે. આપણે શ્વાસ લઈ શકીએ અને એ શ્વાસને ફીલ કરી શકીએ બસ એવું જીવવાનું છે. જિંદગીમાં હાશ! બહુ જરૂરી ફીલિંગ છે.

   જે કઈ મેળવ્યું છે, કે પછી નથી મેળવી શકાયું એનો આનંદ પામતા શીખી જઈએ. ઈશ્વરે આ પૃથ્વી પર આપણને સંઘર્ષ કરવા પણ મોકલ્યા છે. તેણે આપણને આપણું જીવન ઘડવાની છૂટ આપી છે. તો ઘડતા જઈએ અને ઈશ્વરને પ્રમથી કહીએ કે તું સુખ આપે કે દૂ:ખ અમે તો જીવવા તૈયાર જ છીએ.

    જીવંત રહેતા શિખનારને તે હમેંશા અદ્રશ્ય સ્વરૂપે મદદ કરતો રહે છે. માંગવાથી કશું મળે કે ના મળે પણ જો આપણે એ મેળવતા રહેવા પ્રયાસો કરતાં રહીશું તો એકવાર સ્વયં ઈશ્વર આપણને એ આપવા આવશે! ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે.

  તો આવજો અને જીવજો

Happy લિવિંગ !!!

Friday, 8 November 2024

નવું વર્ષ શું માંગી રહ્યું છે? આપણી સૌ પાસે.....

 

નવું વર્ષ શું માંગી રહ્યું છે?  આપણી સૌ પાસે.....

 Pin page


   વળી પાછી દિવાળી આવીને જતી પણ રહેશે. નવું વર્ષ અનેક નવી આશાઓ,ઉમંગો અને ઉત્સાહ લઈને આવશે. જે વિતેલા વર્ષમાં ના મેળવી શકાયું એ આ નવા વર્ષે મેળવી લઈશું એવા સંકલ્પો સાથે આપણે વર્ષની શરૂઆત કરતાં હોઈએ છીએ. આ પાંચ દિવસના તહેવાર દરમિયાન અનેક સારા વિચારો આપણા સૌની મોબાઈલ સ્ક્રીન પર ચમકતા રહેશે. એકબીજાને ભરપૂર શુભેચ્છાઓ આપણે આપતા રહીશું. લાભ-પાંચમ સુધી લોકો નવરાશનો આનંદ માણતા રહેશે અને ત્યારબાદ વહી રફતારે જિંદગી! પણ આ રૂટિન જિંદગી હવે ખરેખર કેટલીક બાબતોમાં આપણી પાસેથી સુધારાની અપેક્ષા રાખી રહી છે!

  આ દોડતા, હાંફતા નગરોમાં આપણે જે હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ, તે હવા એટલી હદે પ્રદુષિત થઈ ગઈ છે કે આ અસ્વચ્છ હવાને લીધે આ દેશમાં દર 24 કલાકે 92 લોકો મૃત્યુ પામે છે. બ્રિટિશ મેડિકલ જર્નલે 2008 અને 2019 વચ્ચે ભારતના 10 મોટા શહેરોના કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે તમામ 10 મોટા શહેરોમાં દર વર્ષે 33,627 લોકો મૃત્યુ પામે છે. ધ લેન્સેટ દ્વારા જુલાઈના એક અભ્યાસ મુજબ, PM2.5 તરીકે ઓળખાતા નાના અને જોખમી હવાના કણોના રોજિંદા સંપર્કને કારણે ભારતમાં થતા તમામ મૃત્યુમાંથી લગભગ 7.2% મૃત્યુ પ્રદુષિત હવાને લીધે થાય છે. આ હાંફતા જીવનને નવા શ્વાસ આપવા માટેના પ્રયાસોમાં આપણે સૌએ જોડાવું જ રહ્યું.

    જળ એ જ જીવન છે, આ વાક્ય નાના હતા ત્યારે લગભગ દરેક ધોરણમાં શિખવવામાં આવતું. છતાં પણ આપણા દેશની શેરીઓમાં રોજ જે રીતે પાણી વેડફાઇ રહ્યું છે, તે જોઈને લાગી રહ્યું છે કે એ જીવનને આપણે જીવંત રાખી શક્યા નથી.  આપણા દેશમાં લગભગ 70% પાણી દૂષિત છે. 163 મિલિયન ભારતીયોને પીવાનું સલામત પાણી મળતું નથી. 21% ચેપી રોગો અસુરક્ષિત પાણી સાથે સંકળાયેલા છે. ભારતમાં દરરોજ પાંચ વર્ષથી ઓછી ઉંમરના 500 બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. આપણા આંધળા ઔધોગિક વિકાસને લીધે જેના કિનારે મોટા ભાગની પ્રાચીન સંસ્કૃતિઓ પાંગરેલી હતી, એ નદીઓ એટલી પ્રદુષિત થઈ ચૂકી છે કે વર્ષોથી પ્રયાસો થવા છતાં એ સ્વચ્છ નથી થઈ રહી. પાણીને પ્રદુષિત કરનારી બીજી પ્રવૃતિઓ વિષે આપણે ઘણું બધુ શીખ્યા છીએ, પણ એ શિખને આપણે પ્રયાસોમાં કન્વર્ટ નથી કરી શક્યા.. આપણી અંધશ્રદ્ધાઑ પારદર્શક પાણીને વધુ ને વધુ ગંદુ કરી રહી છે.

   જે ધરતી પર આપણું ઘર બને છે, જેના પર આપણા વાડી ખેતરો અનાજ, શાકભાજી અને વૃક્ષોને ઉછેરે છે, એ ધરતીને પણ આપણે નથી છોડી! તેમાં રહેલા પોષક તત્વોને આપણે એટલી હદે નુકસાન પહોંચાડયું છે કે એ ધરતી પોતાની ફળદ્રુપતા ગુમાવીને આજે બંજર થઈ ગઈ છે. જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, વૃક્ષોનું બેફામ નિકંદન, આ બધુ પણ આપણા થકી જ જમીન સુધી પહોંચ્યું છે. જે જમીન પર કશું પણ ઊભું કરતાં પહેલાં આપણે તેની પૂજા કરીએ છીએ, તેમાં રહેલી પોષકતાને આપણે નામશેષ કરી નાખી છે.

   છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે આપણી આસપાસનું પર્યાવરણ તેની તાજગી ગુમાવી રહ્યું છે, રાત્રે ગરમીને લીધે આપણે મીઠી નીંદર નથી માણી રહ્યા, ગરમી આપણા સૌના જીવનને પરસેવે રેબઝેબ કરી રહી છે, જેને લીધે માટલાઓમા રહેલું પાણી પેલા જેવુ ઠડું નથી થઈ રહ્યું, એ ગરમી આપણી પાસેથી કુદરતી ઠંડક છીનવી રહી છે. જેને કૃત્રિમ રીતે મેળવવા આપણે એ.સી. અને ફ્રિજનો સહારો લઈ રહ્યા છીએ, અને એ કૃત્રિમ ઠંડક પૃથ્વી પરના વાતાવરણને વધુ ને વધુ ગરમ કરી રહી છે. અરે ઓઝોનનું પડ પણ તેને લીધે ડેમેજ થઈ રહ્યું છે. પૃથ્વી પરનું વાતાવરણ 3.1 ડિગ્રી જેટલું વધવા જઇ રહ્યું છે. ઈશ્વરે આપણી માટે સર્જેલા દરેક નિયમિત ચક્રને આપણે અનિયમિત કરી નાખ્યા છે.

  આ દેશમાં ભૂખમરાને લીધે દર વર્ષે 25 લાખ લોકો મૃત્યુ પામે છે, રોજ 20 કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. અને એ દેશમાં લોકો જુદા જુદા પ્રસંગોએ થાળીઓ ભરીને ભોજન પડતું મૂકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ જળ,જમીન અને હવા ત્રણેયના પ્રદૂષણ માટે જવાબદાર છે, છતાં લોકોને કાપડની થેલી લઈને ખરીદી કરવા જવામાં શરમ આવે છે. જ્યાં ઘોંઘાટ કર્યા વિના કોઈ પર્વ ઉજવી જ ના શકાય એવી માન્યતા સાથે લોકો ડેસીબલની માત્રા વધારીને પછી ખુદ શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે.

 દૂ:ખ તો એ વાતનું છે કે જે ભારતીય સંસ્કૃતિએ વિશ્વને પ્રકૃતિ સાથે રહીને કેવી રીતે વિકસી શકાય? એના પાઠ શિખવ્યા છે, એ જ ભારતીયો આજે પ્રકૃતિને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ, થકી હજારો વર્ષો સુધી સ્વસ્થ જીવન જીવવાની કેડીઓ કંડારનાર ભારતીયો જ આજે સારા આરોગ્યના પાઠો ભૂલી ગયા છે. બહુ નાના નાના પ્રયાસો થકી આપણે આપણી આસપાસના પર્યાવરણને ખુશ રાખી શકીએ એમ છીએ, બસ આ નવા વર્ષે એ તરફ પહેલું ડગલું ઉઠાવીએ. અંદર અને બહાર બંને તરફ રહેલા કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય? એનું લિસ્ટ છે જ આપણી પાસે. બસ આપણે એ ઇંડેક્સને હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ફેરવવાનો છે. અને એ પણ આપણા અને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...