જિંદગીનું બજાર, સુખની માંગ અને આપણે!!!
જિંદગીનું બજાર માંગો ઊભી કરતું જ રહે છે, અને આપણે એ માંગના ચક્રવ્યૂહમાં એવા ફસાઈ જઈએ છીએ કે જિંદગી શાંતિથી જીવવાને બદલે આપણે દોડતા-ભાગતા જ રહીએ છીએ. આપણી આસપાસ રહેલી વસ્તુઓની આપણે યાદી બનાવીશું તો સમજાશે કે એ યાદીમાની મોટા ભાગની ચીજ-વસ્તુઓની જરૂરિયાતો બજારે ઊભી કરેલી છે!
આપણે બજાર કહે એમ જિંદગી જીવવા લાગ્યા છીએ. વસ્તુઓના ઢગલા નીચે આપણા સૌનું સુખ દટાઈ ગયું છે. અરે આપણે સૌ લીટરલી એ ઢગલા નીચે કચડાઈ ગયા છીએ. જ્યાં સુધી માંગ=પુરવઠો હતો, આપણે સુખી અને સંતોષી હતા, પણ મશીન્સ દ્વારા ઢગલાબંધ ઉત્પાદન થવા લાગ્યું અને પરિણામે પુરવઠાનો વધારો બજાર પર ઠાલવી દેવાની વૃત્તિને કારણે માર્કેટિંગ વધી ગયું.
અને એ માર્કેટિંગે આપણા સૌના જીવનમાં ‘બિનજરૂરી વસ્તુઓનો’ ઢગલો કરી દીધો. એમાં વળી અમુક મોજશોખની વસ્તુઓને આપણે જીવનજરૂરી વસ્તુઓના લીસ્ટમાં ફેરવી દીધી અને હવે લોકોને જરૂરિયાતોની કોઈ ફિનિશિંગ લાઇન જ દેખાઈ નથી રહી.
બજારે રચેલા આ ચક્રવ્યૂહમાં મોટા ભાગના લોકો ફસાઈ ગયા છે. હવે લોકોને માત્ર ગાડી નહી, બીજા કરતાં વધુ સારી અને વધુ સારા ફીચરવાળી ગાડી જોઈતી હોય છે. એવું જ બીજા વ્હીકલ્સની ખરીદી બાબતે જોવા મળે છે. અરે લોકો આઈ-ફોન ખરીદી લેવા પોતાની કિડની પણ વહેંચી રહ્યા છે! આઈ-ફોન ખરીદવાનું ગાંડપણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.
જેઓ પાસે અઢળક પૈસો છે, તેઓ મોટા ભાગે સાદાઈભર્યું જીવન જીવી રહ્યા છે, જ્યારે જેઓ પાસે નથી તેઓ આવી વસ્તુઓ પાછળ દોડી રહ્યા છે. એ પણ પોતાને જરૂરી છે, એટલે નહી, પણ બીજા પાસે છે, એટલે! બજાર થોડા અપડેશન સાથે વસ્તુઓ લાવી રહ્યું છે, અને લોકો વિચાર્યા વિના એ વસ્તુઓ ખરીદવા પાછળ દોડી રહ્યા છે.
લેટેસ્ટ આ છેતરામણો શબ્દ હવે બધાને છેતરી રહ્યો છે. અને લોકો આ લેટેસ્ટ ખરીદી લેવાની લ્હાયમાં ખરેખર જે ખરીદવાનું છે, તેને અવગણી રહ્યા છે. મોબાઈલ માટે ઘરે ઘરે ઝઘડા થઈ રહ્યા છે. આમ તો મોટાભાગની જરૂરિયાતોએ લોકોના ઘરોની શાંતિ છીનવી લીધી છે. અને આ જરૂરિયાતોએ જ લોકોને ગલત રસ્તે લઈ જવાનું કાર્ય કર્યું છે.
બજારે ઊભી કરેલી કલ્પનાઓની દુનિયામાં માણસો એટલી હદે ભટકી રહ્યા છે કે કોઈને જે સાચું છે, એ દેખાઈ જ નથી રહ્યું. સાબુ અને વોશિંગપાવડરની કંપનીઓએ રચેલી ચમકમાં સૌ ગુમ થઈ ગયા છે. બજાર સાથે મળીને માર્કેટિંગે જે કાઇપણ આભાસી વિશ્વ ઊભું કર્યું છે, તેની જાળમાં સૌ એવા ફસાઈ ગયા છે કે વાત ના પુંછો. હકીકત તો એ છે કે માર્કેટિંગ માંગ ઊભી કરવામાં બજાર સાથે એવું મળી ગયું છે કે બંનેને એકબીજાથી અલગ જ કરી શકાય એમ નથી!
માર્કેટિંગ ઈચ્છાઓ ઊભી કરે છે, અને બજાર એ ઈચ્છાઓને માંગમાં ફેરવવાનું કામ કરે છે. બજાર વસ્તુઓથી ઉભરાય રહ્યું છે અને લોકો એ વસ્તુઓને જોઈને જરૂર ના હોય છતાં ખરીદી કરવા લાગ્યા છે. મારે આ વસ્તુની જરૂરિયાત ખરેખર છે કે નહી, એ સમજવાની જ કોઈને જરૂર નથી લાગી રહી.
એમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને ‘બ્રાન્ડ’ નું ઘેલું લાગ્યું છે. વટ પાડવા માટે લોકો બ્રાન્ડની લહેરો સાથે ઉછળી રહ્યા છે. જુદા જુદા સામાજિક પ્રસંગોએ ભેગા થતાં લોકો બસ આ બ્રાન્ડની જ ચર્ચામાં મશગુલ હોય છે. પેલાએ કે પેલીએ આ બ્રાન્ડની વસ્તુઑ પહેરી છે, તેની ચર્ચાઓમાં કલાકો વિતાવતા લોકો પછી પોતે પણ એ બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા પડાપડી કરતાં હોય છે.
મોંઘીદાટ બ્રાંડેડ વસ્તુઓને પોતાનું સ્ટેટસ માનતા લોકો વધુ કમાય લેવાના ચક્કરમાં ગલત રસ્તે પણ વળી જતાં હોય છે. હવે લોકો માટે કાર અગત્યની નથી, અગત્યનું છે, સનરૂફ! બીજા કરતાં વધુ સારું જીવનધોરણ જીવવાના મોહમાં લોકો અંદરના જીવનને અવગણી રહ્યા છે.
સુખ શોધવા ફાંફા મારતા લોકોને સુખ ક્યાય નથી મળી રહ્યું. અને તેઓ જેને સુખ માની રહ્યા છે, એ એવું મૃગજળ છે, જે નજીક આવતા જ ગાયબ થઈ જતું હોય છે. નક્કી આપણે કરવાનું છે કેવું જીવવાનું છે? જીવન બ્રાંડેડ હોવું જોઈએ. બસ
બજારે ઊભી કરેલી આ બિનજરૂરી જરૂરિયાતોના પ્રવાહમાં આપણે તણાઇ ના જવા જોઈએ.
તો આવજો અને જીવજો.
Happy living!!!


