Friday, 30 July 2021

મારા એકલાથી શું ફેર પડશે? અને આપણે,....

મારા એકલાથી શું ફેર પડશે? અને આપણે,...

attitude quotes inspirational quotes change your attitude toward life

  કોરોના મહામારી સામે લડવા બધાને માસ્ક પહેરવાનું, સોસીયલ-ડીસ્ટટન્સ રાખવાનું, અને ઘરની બહાર નહિ નીકળવાનું કહેલ. લોકોના ભલા માટે આ નિયંત્રણો હતા છતાં લોકો પાસેથી આ બાબતે દંડ વસુલ કરવો પડતો! ઘણા લોકો એવી દલીલ કરતા કે ‘ હું એકલો/એકલી આ નિયંત્રણોનું પાલન કરીશ તો શું ફેર પડી જવાનો?’

 ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે કે હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવે. ભારતમાં અકસ્માતોમાં સૌથી વધુ યુવા લોકો મૃત્યુ પામે છે, જાણવા છતાં! આ પ્રશ્ન રીપીટ થતો રહે છે.

 

આપણે બધા ખરીદી કરવા જઈએ ત્યારે કાપડની થેલી લઈને નથી જતા, પ્લાષ્ટિક પર્યાવરણ માટે ખુબ જ નુકસાનકારક છે, આપણે સૌ જાણીએ છીએ, છતાં આપણે તેના વપરાશ પર કાંપ મુકતાં નથી! દરેક વ્યક્તિ એવું વિચારે છે કે ‘હું એકલો/એકલી કાપડની થેલી લઈને જઈશ, તો શું ફેર પડી જવાનો?’ પ્લાષ્ટિકના ઉપયોગ બાબતે આપણને વારંવાર ચેતવણી આપવા છતાં આપણે ધ્યાને લેતા નથી. આપણે એક નાની એવી શરૂઆત પણ કરતા નથી.

    આપણે વિકાસની આંધળી દોડમાં વ્રુક્ષોનો, જંગલોનો સોથ વાળી નાખ્યો છે, વ્રુક્ષો વિના આપણું પર્યાવરણ અને વાતાવરણ એકદમ સુનું સુનું થઇ જશે, પક્ષીઓનો કલરવ અટકી જશે, પશુઓનો વિસામો ખોવાય જશે, જંગલમાં વસતા જીવોનો આશરો છીનવાય જશે, કેટલાયે જીવોનું અસ્તિતવ સમાપ્ત થઇ ગયું છે, અને કેટલાયનું થઇ જશે, પણ આપણે વળી પાછા એ જ વિચાર સાથે આગળ વધીએ છીએ! ક્યા? એમ,,,,,, ‘ હું એકલો/એકલી વ્રુક્ષ ઉછેરીશ તો શું થઇ જવાનું? કે પછી મારા એકલાથી જંગલોનાં રક્ષણ અને સંવર્ધનમાં શું ફેર પડી જવાનો?’

     સ્વચ્છતા બાબતે પણ આપણા સૌના વિચારો આવા જ છે! આપણે આપણું ઘર એકદમ સાફ-સુથરું રાખીએ છીએ, અને એ ઘર સ્વચ્છ રહે એવા દરેક પ્રયાસો કરીએ છીએ, પણ આપણે શેરી, મહોલ્લો, ગામ,કે શહેર બાબતે આવી ચોકસાઈ નથી રાખતા. કેવી ગંદકીમાં આપણે રહીએ છીએ? ક્યારેક આજુબાજુમાં નજર કરજો! જ્યાં-ત્યાં થૂંકવું, ગાડી કે બસમાંથી કચરો બહાર ફેંકવો, ઘરનો કચરો શેરીમાં ફેંકવો, આપણી શેરીઓ,ગામો કે શહેરો રેપર્સ અને પેપર્સથી સજાવેલી રહે છે, બહાર ફરવા જઈએ ત્યારે સારા વોશ-રૂમ કે ટોઇલેટ ગૂગલ પણ સર્ચ કરવાથી પણ મળતા નથી! અરે આપણે તો જે બસમાં પ્રવાસ કરીએ છીએ, એ બસોને પણ બેસીએ એટલી વારમાં ગંદી કરી દેતાં હોઈએ છીએ. વળી એજ પ્રશ્ન, ‘ હું એક કચરો નહિ ફેંકુ તો શું ફેર પડી જવાનો?’ જ્યાં ફરવા જઈએ છીએ, એ સ્થળની સુંદરતાને પણ આપણે કદરૂપી કરી દેતા હોઈએ છીએ. જ્યાં જ્યાં આપણે, ત્યાં ત્યાં કચરો! હજી આજે પણ આપણને ‘ઘરમાં સૌચાલય બનાવવા માટે સમજાવવા પડે છે!’ વળી એજ પ્રશ્ન, ‘ મારા એકના ઘરમાં સૌચાલય બનાવવાથી શું ફેર પડી જવાનો?’

      હવે વાત કરીએ મનની સ્વચ્છતાની, મનને સ્વચ્છ રાખવા મૂલ્યોનું પાલન કરવું પડે છે, સત્ય,પ્રામાણીકતા, માનવતા, અહિંસા, નૈતિકતા વગેરે મૂલ્યોનું આચરણ કરવું પડે છે. ભ્રષ્ટાચાર સામે લડવા આ મુલ્યો જ કામમાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ, કોઇપણ કામ કરાવવા કામની અગત્યતા અને જરૂરીયાત મુજબ જુદા જુદા ટેબલ પર સોરી નીચે, કોઇપણ સ્વરૂપે લાંચ કે રિશ્વત મુકવી પડે છે! અને આપણે મૂકી પણ દઈએ છીએ! બધાને બધા કામ ગમે તે રીતે કરાવી જ લેવા છે! આપણા દેશમાં વગ અને લાગવગ બે અમોઘ શસ્ત્રો છે, જેના થકી ગમે તેવા અઘરા કામો પાર પડી જતાં હોય છે! કોઈએક ઓફિસમાં કામ કરાવવા જઈએ એટલે નીચેથી લઈને ઉપર સુધી દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ આપણી પાસેથી ‘પૈસા-વસુલ’ કરે છે. આપણે જ્યાં જ્યાં કામ માટે જઈએ છીએ, ભ્રષ્ટાચારને સાથે લઈને જઈએ છીએ. ધર્મ,શિક્ષણ અને આરોગ્ય જેવા અગત્યના ક્ષેત્રો પણ ભ્રષ્ટાચારની અડફેટે ચડી ગયા છે! અમુક લોકો છે, પ્રામાણિક અને નૈતિક, પણ ત્યાં પણ એ જ પ્રશ્ન છે, ‘ હું એકલો/એકલી સાચું બોલીશ કે પ્રામાણિક રહીશ, તો શું ફેર પડી જવાનો?’

      હવે વાત કરીએ સામજિક દુષણોની, દહેજ, ભ્રૂણહત્યા, બાળ-લગ્નો, જ્ઞાતિવાદ, કોમવાદ,અશ્પૃશ્યતા,ગરીબી, નીરક્ષરતા વગેરે વગેરે........ આપણો સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ દુષણો સમાજને નડી રહ્યા છે! પણ આપણે તેનાથી દુર નથી થતા કે તેને આપણાથી દુર થવા દેતા નથી! આપણે સૌ નવા ભારતની વાતો કરી રહ્યા છીએ, પણ નવા ભારતની અંદર એક જુનવાણી ભારત હજી ત્યાં ને ત્યાં જ ઉભું રહી ગયું છે! આ દુષણો દુર કરીશું તો જ આપણે નવું ભારત રચી શકીશું, સૌને ખબર છે, પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’ દીકરીઓ પેટમાં જ મરતી રહે છે, દહેજ આજે પણ ચલણમાં છે, બાળ-લગ્નો તો આપણે ભૂલ્યા જ નથી, જ્ઞાતિવાદ આપણા લોહીમાં ભળી ગયો છે, અસ્પૃશ્યતા હજી આજે પણ ગામ કે શહેર બહાર થઇ નથી! ગરીબીનાં આંકડા વધતાં જ જાય છે, હજી લોકો પોતાના સંતાનોને શિક્ષણ આપવામાં સક્ષમ નથી બની શક્યા! આપણે મોટો મોટી ચર્ચાઓ કરીએ છીએ, સેમિનારોમાં સારું સારું સાંભળીએ છીએ, લાંબા લાંબા નિબંધો લખીએ છીએ, વકતૃત્વ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષયો પર સુંદર બોલે છે,સોસીયલ મીડિયા પર પોસ્ટ મુકીએ છીએ,  પણ વળી એ જ પ્રશ્ન, ‘ હું એકલો/એકલી આ દુષણો સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

    એ જ રીતે ધર્મને આપણે સંપ્રદાયોમાં વહેંચી લીધો છે, શિક્ષણને સગવડો સાથે જોડતા રહીએ છીએ, શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષાને બદલે અન્ય ભાષાને મહત્વ આપતા રહીએ છીએ, ડોકટર કે એન્જીનીયર સિવાય કોઈ અન્ય વિકલ્પો છે જે નહિ, તેવું માનતા રહીએ છીએ, ધર્મ માનવતા કરતા પણ મહાન છે એ પૂર્વગ્રહને છોડતાં નથી, વગેરે વગેરે..... કોઇપણ સમસ્યાના ઉકેલ વિચારવાને બદલે આપણે આ જ વિચારતા રહીએ છીએ કે, ‘ હું એકલો/એકલી આ બધા સામે લડીશ તો શું ફેર પડી જવાનો?’

  હવે થોડા ઉદાહરણો જોઈએ, અને પછી સમજીએ કે શું ફેર પડી જવાનો?

        ગાંધીજી, સરદારપટેલ, રાણી લક્ષ્મીબાઈ કે રાણાપ્રતાપે એવું વિચાર્યું હોત તો, કે ‘ હું એકલો/એકલી સ્વતંત્રતાની લડાઈમાં જોડાઇશ તો શું ફેર પડી જવાનો?’

  કોઈ વૈજ્ઞાનીકે એવું વિચાર્યું હોત કે ‘હું એકલો/એકલી સંશોધનમાં જોડાઇશ તો શું ફેર પડી જવાનો?’

    જેટલા લોકોએ ઉપર જણાવેલી બાબતોમાં પહેલ કરીને આપણા માટે કઈ ને કઈ સારું કર્યું છે, એ બધા જો આ પ્રશ્ન સાથે બંધાઈ ગયા હોત તો?  

         બીરુબાલારાધા એ એકલે હાથે જંગલમાં થતાં શિકાર સામે લડવાનું શરુ કર્યું,

         શાંતિદેવી એ આદિવાસી જાતિની સ્ત્રીઓ અને બાળકો માટે કામ કર્યું,

        કેટલાયે લોકો સમાજ, પર્યાવરણ અને દેશના વિકાસ માટે આ પ્રશ્ને એક બાજુ મૂકી કામ શરૂ કરી દેતા હોય છે. આ તો ખુબ જ થોડા ઉદાહરણો છે, જેને પ્રેરિત થવું છે, તેઓ એક નાની ઘટના થકી પણ પ્રેરિત થઇ જતા હોય છે! જે લોકોએ દુનિયાને બદલાવવી છે, તેઓ કદી ખુદને આ પ્રશ્ન પૂછતાં નથી હોતા!

 આપણે પણ નક્કી કરી લઈએ કે

હું પર્યાવરણને સ્વચ્છ રાખીશ, ભ્રષ્ટાચારને દુર કરવાનાં પ્રયાસો કરીશ, ભ્રુણ-હત્યા નહિ કરું, સ્વચ્છતા રાખીશ, સામાજિક દુષણો સામે લડાઈ ચાલુ રાખીશ, માનવતાને જ સૌથી મોટો ધર્મ માનીશ, મુલ્યો સાથે જીવીશ,....... વ્રુક્ષો ઉછેરીશ તો આપણે પણ આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકીશું.

 ફેર પડતો જ હોય છે, કોઈકે તો શરૂઆત કરવી જ પડતી હોય છે. શરૂઆત અઘરી હોય છે, પણ અશક્ય નથી હોતી!

 જેમણે જેમણે શરૂઆત કરી છે, એક નવો રસ્તો બનાવ્યો છે, જ્યાંથી થઇ માનવ જાત નવી ઉંચાઈ સુધી પહોંચી શકી છે.

 આપણી વિકાસ-ગાથા એ સંઘર્ષોની જ ગાથા છે!

 દુનિયા લડનારને જ યાદ રાખતી હોય છે. હવે કહો, “ શું ફેર પડી જવાનો” 

Top 60 Inspirational Quotes About Change In Life

     

 

     

Thursday, 22 July 2021

'ગુરુ 'ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ...................

 

ગુરુ, ફ્રેન્ડ,ફિલોસોફર,ગાઈડ...................

Guru Purnima Images With Quotes in Hindi - SmileWorld

 

                      એક વ્યક્તિના જીવનમાં ગુરુ નું સ્થાન શું હોય શકે એ તો એ જ સમજી શકે જે વ્યક્તિને જીવનમાં ગુરુ મળ્યા હોય! ગુરુ મેળવવા શિષ્ય બનવું પડે છે. જેની પાસેથી જે શીખવા મળે, શીખવા તૈયાર રહેવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા શ્રેષ્ઠ પરંપરાઓમાની એક છે.  "જેમ ઈશ્વર બધે સંભાળ ના રાખી શકે માટે એને માં નું સર્જન કર્યું તેમજ ઈશ્વર બધાને સાચો રસ્તો ના દેખાડી શકે તેટલા માટે એણે ગુરુનું સર્જન કર્યું."

             ગુરુ એ શિષ્ય માટે સર્વાંગી વિકાસનો એ પથદર્શક છે જે શિષ્યને દુર્ગુણોરૂપી અંધકારમાંથી સદગુણોરૂપી પ્રકાશ તરફ લઇ જાય છે.ગુરુ ચાણક્ય બની રાષ્ટ્રનીર્માણ માટે ચંદ્રગુપ્ત જેવો શિષ્ય ઉભો કરી શકે તો કૃષ્ણ બની થાકેલા, હારેલા,નિરાશ થયેલા અર્જુનને પાનો ચડાવી અધર્મ, અન્યાય સામે લડવા તૈયાર પણ કરી શકે તો ક્યાંક ગુરુ એનીસુલીવાન બની બહેરી, મૂંગી અને આંધળી હેલનકેલરનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી તેના જીવનને અન્ય દિવ્યાંગ માટે કે સંપૂર્ણ સ્વસ્થ માનવ માટે ઉદાહરણરૂપ પણ બનાવી શકે,તો વળી આચરેકર જેવા ગુરુ સચિન તેંદુલકર ને ક્રિકેટ ની દુનિયાનો ભગવાન બનાવી શકે ને રામકૃષ્ણ જેવા ગુરુ નરેન્દ્ર જેવા યુવાનને સ્વામી વિવેકાનંદમાં પરિવર્તિત કરી ભારત દેશને થનગનતા યુવાધનથી સભર પણ કરી શકે, ને કોઈ ગોપાલકૃષ્ણ ગોખલે જેવા ગુરુ મોહનદાસ ગાંધીને રાજકારણમાં લાવી રાષ્ટ્રપિતા પણ બનાવી શકે. આ તો જુજ ઉદાહરણો છે, બાકી ગુરુ શું કરી શકે એની યાદી બનાવીએ તો વિશ્વભરનાં પુસ્તકાલયો તેના જ ગ્રંથોથી ભરાય જાય તેવું બને!

                                  ગુરુના સ્વરૂપ બાબતે મૂંઝવણ ના ઉભી કરતા મિત્રો ગુરુ તો ગમે તે સ્વરૂપે આપની સમક્ષ, આપણા જીવનમાં આવી આપણા પથને ઉજાગર કરી શકે છે. ગુરુ માંસ્વરૂપે પણ હોય, થોમસ આલ્વા એડીસનની ગુરુ તેની માતા હતી જ્યારે શાળાના તમામ શિક્ષકોએ ભણાવવાની નાં પાડી તેઓની માં એ ઘરે ભણાવી તેઓને વૈજ્ઞાનિક બનાવ્યા તો વિષ્ણુગુપ્તને ચાણક્ય બનાવનાર ગુરુ તેઓના જ પિતા ચાણકજ હતા. પિતા એ જ તેઓને જિંદગીની મુશ્કેલીઓ સામે લડતા ને અન્યાયી રાજાનો વિરોધ કરતા શિખવેલ.તો વળી દત્તાત્રેય ભગવાને કુતરા જેવા પ્રાણીને ગુરુપદ આપેલું, તો એકલવ્ય જેવા શિષ્યે ગુરુની મૂર્તિને ગુરુ બનાવી બાણવિધામાં પારંગતતા હાંસિલ કરેલી. તો એ પણ ના ભૂલીએ કે ઘણાના જીવનમાં રામાયણ, મહાભારત,ભગવદ્-ગીતા જેવા ધાર્મિક ગ્રંથોએ પણ ગુરુની જેમ સાચી દિશા દેખાડવાનું કામ કર્યું છે.કલાના ક્ષેત્રમાં મહાન વ્યક્તિઓના જીવનચરિત્રો પણ વ્યક્તિઓના ગુરુપદે આવી શકે કે પછી કુદરતના તત્વો જેમ કે દરિયો વિશાળતાનો, નદી વહેવાનો, ફૂલ કાંટા વચ્ચે રહીને પણ ખીલવાનું કે પછી પક્ષીઓ કલરવ કરી સુમધુર જીવન બનાવવાનું શીખવે જ છે ને? ને વૃક્ષો તો આપણામહાગુરુછે જેઓ આપણને પરોપકારના પાઠો શીખવતા રહે છે. એટલે જ તો ગુણવંત શાહ વૃક્ષને સંતોજેવા કહે છે. તેથી જ તો કહ્યું છે ને કે જેની પાસેથી જે કંઈપણ શીખવા મળે તેઓ સૌ આપણા ગુરુ જ છે ને? અરે ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટ જેવા માધ્યમો પણ જો સારું ને સાચું શીખવે તો તેઓ પણ આપણા ગુરુ જ છે ને?

                       સમય જતા ગુરુનું સ્થાન બદલાયું છે કે નીચું ગયું છે, કે આપણી ગુરુ-શિષ્યપરંપરા લુપ્ત થતી જાય છે વગેરે, વગેરે, વાતો આપણે સાંભળતા રહીયે છીએ પણ આ વાતો સાવ ખોટી છે . હકીકત તો એ છે કે મિત્રો જ્યાં સુધી આ વિશ્વમાં સત્ય, ધર્મ અને સારાઈનું અસ્તિત્વ રહેશે ગુરુ નાં સ્થાનને કદી આંચ આવવાની નથી. માત્ર માધ્યમો બદલાવાથી કે અભિવ્યક્તિની રીતો બદલવાથી ગુરુ-શિષ્યની પરંપરાને કદી ઠેસ લાગવાની નથી.

આજે આપણે જે સ્થાન પર છીએ કોઈ ગુરુની ગુરુતાને લીધે જ છીએ. ગુરુ-શિષ્ય એ કોઈ પરંપરા કરતા પણ વિશેષ એક સંબંધ છે ને એ કદી તૂટવાનો નથી. આ સંબંધો તો આજની તારીખે પણ એટલાજ વંદનીય ને પૂજનીય છે જેટલા પેલાના સમયમાં હતા. ગુરુનું સ્થાન કદી બદલવાનું નથી ભલે તે આસન છોડી ખુરશી પર બેસી ભણાવે કે પછી આશ્રમ છોડી સ્કૂલના બિલ્ડીંગમાં ભણાવે તેની મહત્તા તો જળવાય જ રેવાની. ગુરુ કાલેય પથદર્શક હતા ને આજે પણ છે જ. આપણા ગુરુ-શિષ્ય સંબંધો એટલા નાજુક નથી કે બે-ચાર માધ્યમોના પ્રભાવથી એ તૂટી જાય કે ખંડિત થઇ જાય! વિશ્વ ગમે તેટલું બદલાય, ટેકનોલોજી ગમે તેટલી વિકસે કે પછી માણસ ગમે તેટલો આધુનિક બને પણ ગુરુનું સ્થાન જ્યાં હતું ત્યાં જ રહેવાનું છે. તે કદી વિખંડિત થવાનું નથી. ગુરુની અતુટ પ્રતિમાને કાળનો કોઈ પ્રવાહ ક્યારેય વહાવી શકવાનો નથી. જ્યાં સુધી આ વિશ્વને સાચી રાહ દેખાડનારની જરૂર છે ,ગુરુધ્રુવના તારાની જેમ અવિચળ ચમકી સર્વને સાચો માર્ગ બતાવતા રહેશે. અમથું થોડું શિક્ષણ પરિવર્તનનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે !

 અત્યારે તો જિંદગી ખુદ ‘ગુરુ’ બની ઘણું બધું શીખવી અને સમજાવી રહી છે. અત્યારે જો આ ગુરુજી પાસેથી જીવતા શીખી લઈશું તો જીવન પ્રત્યે કોઈ ફરિયાદો નહિ રહે. સાચો ગુરુ એ જે આપણને પ્રયાસો તરફ લઇ જાય!

    આજના આ પાવન પ્રસંગે બધાને જીવનમાં ગુરુમળી રહે તેવી શુભેચ્છા. તમે તમારામાં રહેલા ગુરુત્વને ઓળખો તેવી શુભેચ્છા સહ સૌને ગુરુપૂર્ણિમાનિમિતે પ્રણામ.

Be Your Own Guru: Thoughts on Timeless Topics - Indian books and Periodicals

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...