કમાલ કરે છે, એ ધમાલ કરે છે, ડોસો ડોસી આ ઉંમરે પણ જીવનસાથી શોધે છે!!!
આજથી છ વર્ષો પહેલા સૂર્યનારાયણે (74 વર્ષની ઉંમરે) તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં આવેલા એક મેરેજ બ્યુરોની મદદથી ભાનુમતી (ઉંમર વર્ષ 64) ને શોધ્યા અને બંનેએ એક મંદિરમાં જઇ લગ્ન કરી લીધા. સૂર્યનારાયણ ના પત્ની મૃત્યુ પામ્યા હતા અને ભાનુમતીએ લગ્ન કર્યા નહોતા. તેઓએ જ્યારે આવું કર્યું તો તેમના બાળકોએ આનો વિરોધ કરતાં કહ્યું કે ‘આ ઉંમરે પુનર્લગ્ન!’ કદાચ એ બાળકો પોતાના માતા-પિતાની એક્લતાને નહી સમજી શક્યા હોય. સંતાનોએ પુંછેલા પ્રશ્નનો જવાબ તેમણે આપ્યો કે આ ઉંમરે અમને સૌથી વધુ એક જ બાબતની જરૂર છે, અને એ છે “સાથીદાર’ શરૂઆતમાં તેઓની આ જરૂરિયાતને કોઈ ના સમજી શક્યું પણ સમય જતાં સમજવા લાગ્યા. આજુબાજુના લોકો અને તેઓના સંતાનો પણ તેઓને સાથ આપવા લાગ્યા. પછીથી જ્યારે ભાનુમતીને કેન્સર થયું તો તેની સર્જરી પણ સૂર્યનારાયણના પુત્રોએ કરાવી. ભાનુમતી એ કહ્યું કે “ છેલ્લા કેટલાક વર્ષોથી અમે બહુ ખુશ છીએ.”
વળી હમણાં એક સરસ પહેલ વાંચી, જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકો વિષે એક જાહેરાત હતી. જે વૃદ્ધોએ કોરોના દરમિયાન પોતાના જીવનસાથીને ગુમાવ્યા હોય તેઓ માટે જીવનસાથી પસંદગીમેળો યોજવા અમો જઇ રહ્યા છીએ. ઘણા બધા લોકોએ એમાં ભાગ પણ લીધો. બીજી એક-બે એવી વાતો સાંભળી કે 70 વર્ષના એક ભાઈએ પત્નીને ગુમાવ્યા બાદ ફરીથી લગ્ન કર્યા. અને એક સ્ત્રીએ 65 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. વળી 85 વર્ષના એક દાદાએ યુવાનીમાં ના મળી શકેલી પોતાની લવરને પ્રપોઝ કરી તેની સાથે લગ્ન કર્યા. આવા કિસ્સાઓ આપણાં સમાજમાં દિન-પ્રતિદિન વધતાં જ જાય છે અને સફળ પણ થઈ રહ્યા છે. લોકોને જ્યારે સહવાસનું મુલ્ય સમજાય તેઓ પોતાના માટે આવું પાત્ર શોધે છે અને મેળવે પણ છે. વૃદ્ધ લોકોનું શારીરિક અને માનસિક આરોગ્ય જાળવી રાખવા પણ આ પ્રકારના લગ્નોને આવકારીએ.
આપણાં સમાજમાં આ બદલાવ એક હકારાત્મક પહેલ છે. હજી થોડા વર્ષો પહેલા અને હજી અમુક સમાજોમાં જિંદગીને ઉંમર સાથે બાંધીને બે માથી એક પાત્ર મૃત્યુ પામે એટલે ( ખાસ કરીને સ્ત્રીઓને) બીજાને એકલવાયુ જીવન વિતાવવાની સજા આપી દેવામાં આવે છે. આ એક પ્રકારની ઉંમરકેદ જ છે! કોઈ કારણસર બેમાથી એક જતું રહે તો બીજા પાત્રને તે ઇચ્છતું હોય તો ગમે તે ઉંમરે જીવનસાથી પસંદ કરવાની છૂટ મળવી જ જોઈએ. આ ઉંમરે જ તો કોઈના સહવાસની જરૂરિયાત ઊભી થતી હોય છે.
ઘણા કુટુંબોમા દીકરા કે દીકરી એવું વિચારે છે કે અમારા માતા-પિતા આ ઉંમરે લગ્ન કરશે તો અમારા કુટુંબની આબરૂનું શું થશે? અરે લોકો તો અમુક સમય બોલીને ચૂપ થઈ જશે, ભૂલી જશે. પણ તેઓને ધ્યાનમાં રાખીને જો આપણે આપણાં માતા-પિતાને નવેસરથી જીવવાની તક નહી આપીએ તો તેઓ એક્લવાયુ ઉદાસ જીવન જીવીને કંટાળી જશે. ગમે તે ઉંમરે પોતાનો જીવનસાથી પસંદગી કરવાની છૂટ મળવી જોઈએ. સમાજની રચના જ એટલા માટે થઈ છે કે વ્યક્તિઓ નવા નવા વિચારો સાથે આગળ વધી શકે, મનગમતું જીવી શકે.
આપણે અમુક ઉંમર બાદ વ્યક્તિઓને આમ જીવાય અને આમ ના જીવાય એનું લિસ્ટ થમાવી દેતાં હોઈએ છીએ. માણસો જેમ વૃદ્ધ થતાં જાય છે, એકબીજાના પ્રેમ અને હુંફની વધુ ને વધુ જરૂર હોય છે, આવા સમયે જો બેમાથી કોઈ પાત્ર જતું રહે તો જીવિત વ્યક્તિને જીવંત રહેવા માટે કોઈ સહારાની જરૂર પડતી હોય છે, જેમાં આપણે તેઓને સપોર્ટ આપી આધુનિક બની શકતા હોઈએ છીએ? પણ આપણે તો લોકો શું કહેશે? એ બીકે તેઓને એ સપોર્ટ આપી શકતા નથી. પણ હવે જ્યારે સમાજમાં નવા નવા વિચારોનો પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આપણે પણ એ નવીનતાને અપનાવવી રહી.
ધ્રૂજતા હાથોને, લથડાતા કદમોને, ખાલી ખાલી ઓરડાઓને, એકલી એકલી વાતોને સાંભળવા, ધૂંધળી આંખોને, સુમશાન જિંદગીને કોઈ સહારો આપવા વાળું મળી રહે તો તેઓ કદાચ ના જીવી શકાયેલું પણ જીવી શકે! આપણે સૌ તો આપણાં વિશ્વમાં ખોવાય જઈશું, તેઓ એકલાં એકલાં મૂંઝાતા રહે એના કરતાં તો એના વિશ્વને સમજનારું કોઈ મળી રહે એમાં આપણને લેશમાત્ર પણ વાંધો ના હોવો જોઈએ. દરેકને કોઈપણ ઉંમરે પોતાની જિંદગીમાં વસંતના પગરવનો હક મળવો જ જોઈએ.
વ્યક્તિઓ તો દરેક ઉંમરે ધબકતી જ રહેવી જોઈએ. શા માટે આપણે તેઓની આ પહેલને ટેકો આપવાને બદલે ટીકા કરતાં રહેતા હોઈએ છીએ? હવે આ ઉંમરે એવું બોલીને તેઓની અંદરની ઇચ્છાઓને શા માટે મારતા રહીએ છીએ? શું કોઈ આવા નવા કપલને કોઈ બગીચામાં બેસીને હસતાં હસતાં જિંદગીને વેલકમ કરવાનો કોઈ અધિકાર નથી? શું તેઓ પોતાની બચેલી જિંદગીને કોઈ નવા સહારા સાથે ના જીવી શકે? તેઓની લાગણીઓને સમજી શકે, તેઓની ક્ષણોને સભર કરી શકે, એવી વ્યક્તિના આગમનને ના રોકીએ.
ઘણીવાર સંપતિના પ્રશ્નોને લઈને પણ આવા લગ્નોનો વિરોધ થતો હોય છે. આ ઉંમરે તેઓને સંપતિની નહી એકબીજાના ખોવાયેલા સાથની જરૂર હોય છે. તેઓ ફરીથી એ નવા પાત્રમાં લાગણીઓને અનુભવવા માંગતા હોય છે. અહી કોઈ લેવડ-દેવડનો હિસાબ નથી હોતો પણ જીવનની ઢળતી સાંજે આકાશમાં નવા સંબંધોની સંધ્યા ખીલવવાનો પ્રયાસ હોય છે. જીંદગીનો એક હિસ્સો જે કોઈના જવાથી ખાલી થઈ ચૂક્યો છે, તેને સમજણ અને સમાધાનથી હર્યોભર્યો કરવાનો પ્રયાસ છે.
શું આપણે તેમાં તેઓને મદદ ના કરી શકીએ? જે માતા-પિતાએ પોતાની જીંદગીની શ્રેસ્ઠ ક્ષણો આપણને આપી દીધી, તેઓને ખુશીની ક્ષણો આપણે આપી ના શકીએ? જો તેઓ માંગે તો......
લાઈક,કમેંટ,શેર....
લાગણીઓ કદી વૃદ્ધ થતી નથી.