Tuesday, 12 April 2022

કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 

 કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 Buy Go Back to Nature & Heal your 'Self' Book Online at Low Prices in India  | Go Back to Nature & Heal your 'Self' Reviews & Ratings - Amazon.in

1)     આપણને સૌને બજારમાં ખરીદી કરવા જતી વખતે, કાપડની થેલી લઈને જતાં શરમ આવે છે, એટલે આપણે પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.

2)   પ્લાસ્ટિક બહુ જ ખરાબ રીતે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે, છતાં આપણે તેનો ઉપયોગ કરવાનું બંધ નથી કરી રહ્યા.

3)   જ્યાં ત્યાં કચરો ફેંકવાનું ભૂલતા નથી. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે.

4)   પાણીનો બગાડ કરતાં રહીએ છીએ. તેને ગંદુ કરતાં રહીએ છીએ.

5)   વૃક્ષો વાવીએ છીએ, પણ ઉછેરતા નથી.

6)   પશુ-પક્ષીઓ આપણાં સાથીદારો છે, એ તો આપણે સાવ ભૂલી જ ગયા છીએ.

7)   જંગલો સાથે આપણો ગાઢ સંબંધ છે, છતાં આપણે તેઓને બેરહેમીથી કાપી રહ્યા છીએ.

8)   દરિયાઓના પાણીમાં પણ આપણે કચરો પધરાવતા રહીએ છીએ.

9)   એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને ટાળી નથી રહ્યા.

10) લાઉડ-સ્પીકરોના ઘોંઘાટના વોલ્યુમને ઘટાડી નથી રહ્યા.

      આ લિસ્ટ હજી લાંબુ થાય એમ છે, પણ આપણે અત્યારે પર્યાવરણ ને અસર કરી રહેલી કુટેવો વિષે જ વાતો કરીએ. પર્યાવરણની સુરક્ષા એ અત્યારનો સૌથી જરૂરી મુદ્દો છે. જેને આપણે જેટલી ગંભીરતાથી લેવો જોઈએ એટલી ગંભીરતાથી લઈ નથી રહ્યા! ઉપરની તમામ કુટેવો આપણને અને આવનારી પેઢીને જીવવાલાયક પૃથ્વી નહી આપી શકે. એ વાત તો નકકી જ છે. આપણે સૌ પેલા કાલિદાસજીની જેમ જે ડાળીએ બેઠા છીએ એ જ ડાળીને કાપી રહ્યા છીએ! ફર્ક એટલો છે, કે તેમના હાથમાં કુહાડી હતી અને આપણાં હાથમાં આ કુટેવો છે. ખરીદી કરવા જતી વખતે પણ આપણે સ્ટેટસ જાળવી રાખવા માંગીએ છીએ અને એટલે જ આપણી પૃથ્વીનું સ્ટેટસ બગડી રહ્યું છે.

.    કોઈ જાહેર કાર્યક્રમ પૂરો થાય પછી એ સ્થળે રહેલા કચરાનું અવલોકન કરવામાં આવે તો એ સ્થળ ઉકરડો બની ગયુ હોય છે!  આપણી જાહેર આદતો એટલી બધી ગંદી છે, કે આપણે એ સ્થળોને કચરા નાખવાનું સ્થળ જ સમજી લેતા હોઈએ છીએ. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે. પ્લાસ્ટિક આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે, છતાં આપણે અંધ બનીને તેનો ઉપયોગ કરતાં જ રહીએ છીએ. આપણે આપણી જ જિંદગીમાં ઝેર ઘોળી રહ્યા છીએ. પ્લાસ્ટિક સાથે રહીને આપણે પણ પ્લાસ્ટિક જેવા થઈ ગયા છીએ. જેમ પ્લાસ્ટિકનો કોઈ રીતે નિકાલ નથી થઈ શકતો એ જ રીતે આપણી કુટેવોનો પણ કોઈ નિકાલ નથી!

    કેટલીક એવી નાની નાની કુટેવો છે, જે આપણે છોડી જ શકતા નથી. અને તેને લીધે આજે પૃથ્વી એટલી બધી ગરમ થઈ ગઈ છે, કે આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું છે. આપણને આપણાં ભલા માટે વૃક્ષો વાવવાનું અને ઉછેરવાનું કહે છે, પણ આપણે એ પણ કરી શકતા નથી. આપણે આપણાં વિકાસની દોડમાં એટલા અટવાઈ  ગયા છીએ કે પૃથ્વીને રોજ આપણે થોડા થોડા વિનાશ તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે આપણાં વાહનો માટે પણ વૃક્ષોનો છાંયડો શોધતા ફરીએ છીએ, પણ વૃક્ષો ઉગાડવાની તસ્દી લેવા તૈયાર નથી. એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને લીધે વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું પડ પાતળું થઈ રહ્યું છે, જેને લીધે સૂર્યના કિરણો આટલા જલદ લાગી રહ્યા છે. આપણે ઠંડા થઈ રહ્યા છીએ પણ પૃથ્વી ગરમ થઈ રહી છે.

  વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યા છે, પણ આપણે વાતાવરણને શુદ્ધ કરવા તરફ નથી વળી રહયા એ પણ એક રેકોર્ડ છે!  ભારતના અનેક શહેરો પ્રદૂષણની હદ વટાવી ગયા છે. અમુક શહેરોનું વાતાવરણ એટલી હદે પ્રદુષિત થઈ ચૂક્યું છે કે એ શહેરોમાં રહેનાર લોકોની આંખોમાં અને ચામડીમાં બળતરા થઈ રહી છે. વાતાવરણ એટલું બધુ ધૂંધળું થઈ ગયું છે કે આપણે એમાં આવનાર સમયની ભયાનકતા પણ જોઈ શકતા નથી. બસ દોડયે જ જઈએ છીએ, વિકાસની આ આંધળી દોડ આપણને કચરાના ઢગલા તરફ લઈ જઇ રહી છે. એવો ઢગલો જેમાં માનવજીવન દટાઈ રહ્યું છે.

       બીચનું સૌંદર્ય જોઈને આપણે ત્યાં ફરવા તો જઈએ છીએ, પણ બીચનાં સૌંદર્યને માણવાને બદલે આપણે તેને નુકસાન પહોંચાડતા રહીએ છીએ. વળી કારખાનામાથી નીકળતા કેમિકલો તેમાં ભળવાથી દરિયાની અંદર જીવતા જીવો પણ મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા છે. આપણે આપણાં સ્વાર્થને લીધે સૃષ્ટિના તમામ જીવોને હેરાન કરી રહ્યા છીએ. આવી જ રીતે સુંદર નદીકિનારાઓને પણ આપણે પ્રદુષિત કરી દીધા છે. આખા વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો માત્ર 1.2% જેટલો જ રહ્યો છે. પાણી આપણાં જીવન સાથે જોડાયેલુ અનિવાર્ય તત્વ છે, છતાં આપણે તેની અહેમિયત સમજી નથી રહ્યા.

    કુદરત આપણને વારંવાર સિગ્નલ આપી રહ્યું  છે, પણ આપણે સ્ટોપ નથી થઈ રહ્યા. ટૂંકો લાભ મેળવવા આપણે લાંબાગાળાની આફતો નોતરી રહ્યા છીએ. દુનિયા ભરના પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો આપણને ચેતવી રહ્યા છે કે બસ હવે કુદરત તરફ પાછા વળી જઈએ પણ આપણે આપણાં સ્વાર્થ માટે ચેતવણીને ઇગ્નોર કરી રહ્યા છીએ! તેના ખરાબ પરિણામો પણ આપણને મળવાના શરૂ થઈ ગયા છે. પણ આપણે અટકી નથી રહ્યા. જે જે વસ્તુઓના વપરાશથી પર્યાવરણ પ્રદુષીત થઈ રહ્યું છે, તે વસ્તુઓના વપરાશને આપણે અટકાવી નથી રહ્યા.

     આપણે જાણવા છતાં આપણાં ખુદના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો કરી રહયા છીએ. ભાવિ પેઢીએ તો હવે આપણી પાસેથી અમુક અપેક્ષાઓ રાખવાનું જ છોડી દીધું છે. આપણે આવતી પેઢીને સંપતિ આપવા પાછળ ભાગી રહ્યા છીએ, પણ પ્રાકૃતિક સંપતિ તેઓ પાસેથી છીનવી રહ્યા છીએ. આપણે તેઓને એવું પ્રદુષિત વાતાવરણ આપી રહ્યા છીએ કે તેઓ પાસે ચોખ્ખી હવા પણ નહી રહે કે નહી રહે ચોખ્ખું પાણી કે નહી રહે વૃક્ષો, પક્ષીઓ કે પશુઓ.

  લાઉડસ્પીકરોના ઘોંઘાટમાં આપણે કુદરતના કલરવને અને તેનાં સાદને નથી સાંભળી રહ્યા. તો ઈશ્વર તો આપણને શું સાંભળશે? જ્યાં જ્યાં માણસ ત્યાં ત્યાં પ્રદૂષણ.

          ખરેખર આપણે આ કુટેવોને આપણાં અસ્તિત્વ માટે છોડી દેવાની જરૂર છે.

      

        

  

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...