Sunday 21 May 2023

ઇતિહાસ એ મગજ પરનો ભાર નથી, પણ હ્રદયનો પ્રકાશ છે!!!

 

ઇતિહાસ એ મગજ પરનો ભાર નથી, પણ હ્રદયનો પ્રકાશ છે!!!

210 History Quotes That Will Surprise And Inspire You

 

 

  રામ કે કૃષ્ણનું અસ્તિત્વ હતું કે કેમ? ઈશુ ખ્રિસ્તના માતા-પિતા કોણ હતા? કઈ કઈ સંસ્કૃતિઓ ક્યારે વિકસી? ક્યાં ક્યાં ધર્મોનો વિકાસ અને વિસ્તાર કેવી રીતે થયો? ક્યાં રાજાના સમયમાં દેશ વધુ સમૃદ્ધ હતો? આર્યો કોણ હતા? આપણાં દેશનું નામ ભારત કેમ અને કેવી રીતે પડ્યું? રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન,વેદો, ઉપનિષદો, વગેરે ધાર્મિક ગ્રંથો કોણે અને ક્યારે લખ્યા? આપણાં પહેલાની પ્રજાઓ કેવું જીવન જીવતી હતી? અમુક સંસ્કૃતિઓનો વિકાસ અને વિનાશ કેવી રીતે થયો?

 આપણે સૌ ટેક્નોએજ સુધી કેવી રીતે પહોંચ્યા? રાજાશાહી સમયે લોકોનું જીવન કેવું હતું? અખંડ ભારત વિખંડિત કેવી રીતે થયું? ભારત એક સમૃદ્ધ દેશથી ગુલામ કેમ થયો? અને કેવી રીતે આપણે અંગ્રેજોના શાસનમાથી મુક્ત થયા? વિશ્વયુદ્ધો ક્યારે ક્યારે થયા? અને ત્યાર પછી શું થયું? બધુ જાણવા માટે આપણે ઇતિહાસનો અભ્યાસ કરતાં હોઈએ છીએ.ઇતિહાસ આમ તો સમય સાથે જોડાયેલો વિષય છે, એટલે ઘણાને જે તે વર્ષ યાદ ના રહે તો વિષય અઘરો અને કંટાળાજનક લાગતો રહે છે. પણ સાથે સાથે હકીકત પણ છે કે વ્યક્તિ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે કોઈપણ વિદ્યાશાખાનો હોય, તેની થોડી ઘણી અભિરુચિ તો દેશના કે દુનિયાના ઇતિહાસમાં રહે છે.  

 કોઈપણ દેશ પોતાના શિક્ષણમાં ઇતિહાસ એટલા માટે વિદ્યાર્થીઓને શીખવે છે, જેથી આપણે ઈતિહાસમાં એટલે  કે ભૂતકાળમાં કરેલી ભૂલોમાથી બોધપાઠ લઈ શકીએ શકીએ. જે ભૂલો એ સમયે થઈ હતી, તે ભૂલોનું પુનરાવર્તન ના થાય એટલા માટે આપણે ઇતિહાસ શિખતા હોઈએ છીએ. પણ ખરેખર શું આપણે ઇતિહાસમાથી કશું શિખતા હોઈએ છીએ, ખરા?

  બીજા વિશ્વયુદ્ધમાં પોતાના બે મહત્વના શહેરોના વિનાશને જોઈને જાપાન જેવા દેશે શીખી લીધું કે યુદ્ધને લીધે વિનાશકતા સિવાય બીજું  કઈ સર્જન થતું નથી. ને પરિણામે તે દેશે યુદ્ધને છોડીને પોતાના દેશને ટેકનૉલોજિ તરફ વાળ્યો. માત્ર દેશમાં જ બનતી વસ્તુઓનો વપરાશ કરવાનો નિયમ લઈ દેશને વિકસિત બનાવી દીધો. એવી જ રીતે ડેન્માર્ક, જર્મની, સ્વીડન વગેરે જેવા દેશોએ પણ પોતાના ઇતિહાસમાથી બોધપાઠ લઈ પોતાનો વિકાસ સાધ્યો છે.

 પણ આજકાલ આપણાં દેશમાં જે તે સમયના ઇતિહાસને” લઈને વારંવાર બિનજરૂરી વિવાદો થતાં રહે છે. ભૂતકાળમાં જે તે સમયે જે કઈ થયું તે, તે સમયની પરિસ્થિતી અને સંજોગોને ધ્યાનમાં લઈને થયું હોય છે. એ ઈતિહાસને વિકૃત રીતે છાપીને કે પછી ખોટી રીતે રજૂઆત કરીને તેના પર બિન-જરૂરી ચર્ચાઓ કરવાની આજકાલ આપણાં દેશમાં ફેશન ચાલી રહી છે.

 ઘણીવાર તો આ ઇતિહાસને રાજકીય રીતે એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જે તે પક્ષની હાર-જીતનું કારણ એ ઇતિહાસ પર આધારિત થઇ જતું હોય છે. હવે સદીઓ પહેલા જે કઈ થયું? એની સામાજિક કે રાજકીય અસરો અત્યારે આ દેશ પર શા માટે થવી જોઈએ? અરે ઘણીવાર તો ઈતિહાસને પકડીને આપણે ત્યાં બે કોમો કે ધર્મો વચ્ચે રમખાણો પણ ચાલુ થઈ જતા હોય છે.

  આપણાં ભવ્ય અને વિવિધતાસભર ઈતિહાસને હિન્દુ,મુસ્લિમ, ખ્રિસ્તી, પંજાબી, પારસી, વગેરે કોમોમાં વહેંચી દેવો એ બાબત દેશની શાંતિ માટે ખરેખર ભયંકર કામ છે. જે કઈ આજે આપણે આપણાં બાળકો અને યુવાનોને ઇતિહાસ ના નામે શીખવી રહ્યા છીએ, એમાં ક્યાય ધર્મના નામે ઝઘડા કે રાગ, દ્વેષ ના હોવા જોઈએ. જે તે સમયે જે થયું એના માટે અત્યારે લડી-ઝઘડીને આપણે ઈતિહાસને બદલી શકવાના નથી, પણ આવી રીતે લડી ઝઘડીને આપણે આપણાં ભવિષ્યને જરૂર અંધારામાં ધકેલી રહ્યા છીએ. કોઈ હિન્દુ જે મુસ્લિમ રાજાએ ભૂતકાળમાં જે કાઇપણ કર્યું, તેનો બદલો આજની પ્રજા સાથે લેવાની આ જીદ કેવી?

 ઇતિહાસ ભૂતકાળને બદલી નથી શકતો, પણ તે ભવિષ્યને બદલી શકે છે. ઈતિહાસની ઘટનાઓનો ઉપયોગ સમાજમાં નફરત કે રાગ દ્વેષ ફેલાવવા માટે ના થવો જોઈએ. અને સાથે સાથે ઇતિહાસ સાચી રીતે પણ રજૂ થવો જોઈએ. જેઓ ઇતિહાસ પાસેથી કશું શિખતા નથી, તેમણે એ ઇતિહાસ ફરીથી જીવવો પડે છે. માટે આપણે આપણાં જ્ઞાનમાં વધારો કરવા ઈતિહાસ ભણીએ, પણ ઇતિહાસમાં જે કઈ અંધકાર હતો, તેના અંધારા હેઠળ આપણો વર્તમાન કચડાઈ ના જવો જોઈએ.

 

 

Friday 5 May 2023

ઓર્ગેનિક અને ઇકો-ફ્રેંડલી સસ્તું કે મોંઘું?

 

ઓર્ગેનિક અને ઇકો-ફ્રેંડલી સસ્તું કે મોંઘું? 

Organic Logo Vector Art, Icons, and Graphics for Free Download

   હમણાં અમે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા બાબતે લોકોને સમજાવવા એક અભિયાન શરૂ કરેલું. જેમાં લોકોને અમે ઝબલાની જગ્યાએ કાપડની થેલી વાપરવા કહ્યું. અને સાથે સાથે દુકાનદારોને પણ સમજાવ્યા કે પ્લાસ્ટિકના ઝબલા ના રાખો. એક દુકાનદારે કહ્યું, તમારી વાત તો સાચી છે, પણ કાપડની એક થેલી 10/15રૂ. માં પડે છે, જ્યારે આ ઝ્બલા 50પૈસે/ નંગ આવે છે. અને વળી જે ગ્રાહકોને અમે ઝ્બલા આપવાની ના પાડીએ છીએ તેઓ વસ્તુઓ લીધા વગર જતાં રહે છે. અમે બધાએ ભેગા મળીને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી લોકો સુધી પહોંચાડવા પ્રયાસો કરી જોયા પણ આકર્ષક કાપડની થેલી તો પર નંગ 35રૂ. કરતાં પણ મોંઘી પડે છે. વળી કાપડ પર સરખું પ્રિંટિંગ નથી થઈ શકતું એટલે કોઈ સ્પોન્સર પણ ના મળે.

  ઓર્ગેનિક વસ્તુઓના પ્રદર્શનમાં જતાં લોકો કશું જ લીધા વિના પાછા ફરી જતાં હોય છે, કારણકે વસ્તુઓ એકદમ મોંઘી હોય છે. ઓર્ગેનિક ખેતી કરતાં લોકોને પૂંછયું તો તેમણે કહ્યું કે આ વસ્તુઓની ખેતીમાં બહુ મહેનત થાય છે અને ખર્ચા પણ ખૂબ વધી જતાં હોય છે. જેમકે ઓર્ગેનિક ખેતરમાં નકામા ઘાસને દૂર કરવા 1500 થી 2500 સુધીનો ખર્ચ થાય છે, જ્યારે એ ઘાસને એક ખાસ પ્રકારની દવાથી દૂર કરવાનો ખર્ચ માત્ર 70રૂ થાય છે!

    એ જ રીતે જે કઈ ઇકો-ફ્રેંડલી છે, તેવી વસ્તુઓના ભાવ ખૂબ વધારે હોય છે. અને મધ્યમ વર્ગના લોકોની ખરીદીની પહોંચથી બહાર હોય છે. એવું જ શુદ્ધ દૂધ, ઘી કે બીજી દૂધની બનાવટો ખરીદતી વખતે થાય છે. ઓર્ગેનિક કે ઇકો-ફ્રેંડલી વસ્તુઓ ખરીદવા પાછળ ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. આવા કેટલાયે સવાલો લઈને અમે એક પર્યાવરણપ્રેમી અને આરોગ્ય પ્રત્યે ઊંડી કાળજી ધરાવનાર વ્યક્તિ પાસે ગયા. અને તેમણે અમને જે કઈ સમજાવ્યું તે આપણે સૌએ સમજવા જેવુ છે.

  આપણે બધા એવું વિચારીએ છીએ કે ઓર્ગેનિક કે ઇકો-ફ્રેંડલી મોંઘું છે, પણ જો આપણે તેને આરોગ્યની દ્રષ્ટિએ વિચારીશું તો સમજાશે કે આ મોંઘી વસ્તુઑ આરોગ્ય ખરાબ થાય અને જે કઈ ખર્ચો થાય એના કરતાં તો ઘણી સસ્તી પડતી હોય છે. આજે આપણી પાસે સમય નથી એટલે આપણે સૌ જે સસ્તું મળે તે ખરીદી લેતા હોઈએ છીએ. પણ એ જ વસ્તુઓ જ્યારે આપણાં આરોગ્યને નુકસાન પહોંચાડે ત્યારે આપણે પાછા આ જ વસ્તુઓ તરફ પાછા ફરતા હોઈએ છીએ.

 પ્લાસ્ટિકના વપરાશને લીધે આજકાલ કેન્સર અને બીજા અનેક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.  કેન્સરની સારવાર કેટલી મોંઘી અને પીડાદાયક હોય છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. તેનું રીસાયકલિંગ કરવાનો ખર્ચો ખૂબ જ થાય છે. દુનિયાભરના જળ-પ્રવાહો પ્લાસ્ટિકને લીધે પ્રદુષિત થઈ ગયા છે. વિશ્વના 90% દરિયાઈ પક્ષીઓના પેટમાં પ્લાસ્ટિકના ટુકડાઓ હાજર છે. ને પ્રાણીઓ પણ પ્લાસ્ટિકને લીધે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હવે વિચારો 50પૈસાની જગ્યાએ 30/35 રૂ.કે 200 રૂ. સુધીનો  ખર્ચ કરી લેવો સારો કે પછી પર્યાવરણને અને ખુદ આપણને થઈ રહેલું આટલું મોટું નુકસાન સહન કરવું સારું?

 ઇકો-ફ્રેંડલી અને ઓર્ગેનિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જે કુદરતના તત્વોનો ઉપયોગ કરીને કુદરતી રીતે બનાવવામાં આવે છે,જેનાથી માણસ અને કુદરત વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. મને લાગે છે કે લોકો આ વસ્તુઓનું મહત્વ ત્યારે જ સમજશે જ્યારે આ પૃથ્વી પરથી માનવ-જીવન સમાપ્ત થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી હશે.  આપણે આપણી જિંદગી બચાવવા પૈસા ખર્ચીએ છીએ, તો પછી જે વસ્તુઓને લીધે આપણી જિંદગી ખરેખર બચી શકે એમ છે, તેવી વસ્તુઓ મોંઘી હોય તો પણ શા માટે ના ખરીદવી? જે દિવસે આપણી જિંદગી અંત તરફ જઇ રહી હશે તો આપણે ગમે તેટલો ખર્ચો કરીશું, પણ તે દિવસે પૈસા વડે જિંદગી નહી ખરીદી શકીએ પણ અત્યારે પૈસા દઈને ઇકો-ફ્રેંડલી વસ્તૂઓ જરૂર ખરીદી શકીશું!

  આવી વસ્તુઓના ઉત્પાદન થકી જમીનમાં રહેલા પોષક-તત્વો પણ જળવાઈ રહેતા હોય છે. જમીન અને પાણીનું પ્રદૂષણ આવા તત્વો દ્વારા દૂર કરી શકાય છે. તો પછી ઇકો-ફ્રેંડલી બ્રશ કે ચશ્માનો ઉપયોગ કરીને સ્ટાઇલિશ દેખાઈએ અને પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો પણ આપીએ.

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...