Sunday, 19 November 2017

વિવાદ,વિરોધ અને આપણે,


વિવાદ,વિરોધ અને આપણે,
વિવાદ,વિરોધ અને આપણે,


આજથી ચાર વર્ષ પહેલા અમે કોલેજમાંથી પ્રવાસ લઇ શિરડી ગયેલા.પ્રથમ રાત્રી અમો નાસિક એક ધર્મશાળામાં રોકાયેલા.રાત્રે અમો સુતા હતા તે રૂમનો દરવાજો છોકરીઓએ અને અન્ય એક શિક્ષકે ખખડાવ્યો.ખબર પડી અમારી કોલેજની કોઈ છોકરીનું કોઈ માણસે શરાબના નશાના ગળું પકડ્યું હતું.આપણે તો ગુજરાતી દે દનાદન બધા દોડ્યા અને પેલી છોકરીને છોડાવી પેલા છોકરાને સરસ મેથીપાક આપ્યો. કેટલીક છોકરીઓ અને એકાદ શિક્ષક મોડા આવ્યા, એ પણ મારવાના કામમાં લાગી ગયા. છેલ્લે માંડ માંડ અમારા બધાની પકડમાંથી પેલાને ત્યાના કોઈ સ્થાનિક ભાઈએ છોડાવ્યો.પાછા ફરતી વખતે છેલ્લે આવેલ વિદ્યાર્થીઓની એ પૂછ્યું. મેડમ કેમ ઓલા ને માર્યો? મેં નીંદરમાં એ પૂછી લીધું કારણની પુરેપુરી ખબર નહોતી તો કેમ માર્યો પેલાને? તો કહે મેડમ તમે બધા વિરોધ કરતા હતા એટલે અમે પણ લાગી પડ્યા. બોલો લ્યો.  સમજાયું આવી જ રીતે ઘણીવાર આપણે કોઈ બાબત કે ઘટના વિષે પૂરી જાણકારી મેળવ્યા વિના જ તેનો વિરોધ કરવા લગતા હોઈએ છીએ.ઘણીવાર તો લોકોને વિરોધ શા માટે? એની પણ ખબર નથી હોતી અને ટોળું ભેગું થયું નથી કે જોડાયા નથી! કોઈપણ બાબતને જાણ્યા કે સમજયા વિના તે સારી છે કે ખરાબ છે, કેમ નક્કી કરી શકાય? અરે કોઈની ટીકા કરવા માટે પણ એના વિષે પૂરેપૂરું જાણવું જરૂરી છે.ને આપણે તો માત્ર આગળ ચાલનારને અંધ બની અનુસરતા રહીએ છીએ. આજે આપણા દેશમાં ‘લોકશાહી’ ઓછી અને ‘ટોળાશાહી’ વધુ જોવા મળે છે. કોઈપણ બાબતનો વિરોધ કરવો હોય તો કા તો મીણબત્તી અગર તો મોટા મોટા ઝંડા લઇ સૌ નીકળી પડે છે. પણ જેનો આપણે વિરોધ કરીએ છીએ તે ખરેખર વિરોધ કરવા યોગ્ય છે કે નહિ એ તો વિચારો. તટસ્થ બહુ ઓછા લોકો જોવા મળશે. કા તો લોકો એ ઘટના કે બાબતની તરફેણમાં રહેશે ક તો વિરોધમાં! એમાં શું સાચું છે કે શું ખોટું એ જાણવામાં કોઈને રસ જ હોતો નથી. એમાયે હવે સૌના હાથમાં સોશિયલ મીડિયા આવી ગયું છે. અને આ સોશિયલ મીડિયા આજે એક એવું તળાવ બની ગયું છે,જેમાં ખરાબ વિચારોનો અને ખોટા સમાચારોનો પ્રવાહ સતત ભળતો જ રહે છે. આ whatsaap અને facebook પર તો રીતસરનું વિરોધનું વાવાઝોડું જ ફૂંકાઈ જાય છે, અને જેવો કોઈ બાબતનો વિરોધ શરુ થાય આ માધ્યમો સૌથી વધુ સક્રિય થઇ જાય છે.સાચું-ખોટું એટલું બધું રોજ share થતું રહે કે અંતે જયારે વિરોધનો જુવાળ ઉભો થાય સૌથી પેલા net જ બંધ કરી દેવું પડે છે.આ વિરોધ કરવાના ચક્કરમાં તો આપણે ‘બાપુના’ સત્યાગ્રહના શસ્ત્રને પણ બદનામ કરી નાખ્યું છે!
જેને જયારે મન પડે એક ટોળું ઉભું કરી વિરોધ પ્રદર્શન ચાલુ કરી દે છે. બસ બાકીના કેટલાક નવરા,કે દેવું થઇ ગયું હોય તેઓ આમાં ઉમેરાતા જાય અને બસ વિરોધ પ્રખ્યાત થઇ જાય. મીડિયાવાળા માઈક લઇ અને ચર્ચાઓ કરાવી એમાં મસાલો ઉમેરી દે અને વિરોધની વાનગી તૈયાર! ના ચગે તો પૈસા પાછા. ઘણીવાર તો એ વિરોધને કારણે જ એ બાબતો એટલી પ્રખ્યાત બની જાય છે,જેટલી વિરોધ થયા પેલા હોતી નથી. ગુજરાતમાં અનામત આંદોલન થયું પછી ઘણાને ખબર પડી કે અનામત એટલે શું? અને એની અસર જુઓ બારમાં ધોરણમાં એકાઉન્ટમાં ‘મુડીઅનામત ‘નો પ્રશ્ન પૂછાયો તો એક છોકરાએ આંખુ અનામત આંદોલન લખી નાખ્યું! બોલો નાના બાળકો અને વિદ્યાર્થીઓ પણ સમજ્યા વિના આ બધું જાણવા લાગ્યા! સમજણ વગરનું જ્ઞાન બહુ ગલત અસર ઉભી કરે છે.કોઈ ખોટી વાતનો વિરોધ થાય એ વાત સાચી પણ પછી આપણે દરેક નાની નાની બાબતોનો પણ વિરોધ કર્યે રાખીએ એ વળી કયા વિકાસ ની નિશાની છે. આપણે ત્યાં એક ચીલો પડી ગયો છે, ચૂંટણી આવે એટલે બધાને બધો વિરોધ યાદ આવે. અરે કોઈ સેલીબ્રેટી કોઈ બાબતે કશું બોલે તો આપણે એનો વિરોધ કરી એની મુવીને કઈ કાઢી લીધા જેવું ના હોય છતાં હીટ બનાવી દઈએ છીએ.( અને સેલીબ્રેટીઓનો પણ હવે ધંધો બની ગયો છે, જેમ પીચરમાં એક્શન ના સ્ટંટ હોય એમ બોલવામાં કોઈ પબ્લીસીટી સ્ટંટ કરી લેવાનો પ્રજા વિરોધ કરે આપણી મુવી હીટ થઇ જાય અને સમાચારોમાં રેવાનો મોકો પણ મળી જાય!) આવા વિરોધને કારણે જરૂરી બાબતો સાઈડમાં રહી જાય છે અને બિનજરૂરી બાબતો ચર્ચાતી રહે છે. ટી.વી.માં અને ખાસ કરીને news ચેનલોમાં તો આવી બાબતોનો અતિરેક જોવા મળે છે. તમે જ વિચારજો ‘પદ્માવતી” મુવીનો આટલો વિરોધ થઇ રહ્યો છે, એને લીધે એને કેટલું કવરેજ મળી રહ્યું છે, સરવાળે શું થશે? જે મુવી નહિ જોવાના હોય એ પણ એમાં વળી એવું શું છે કે લોકો આટલો વિરોધ કરી રહ્યા છે, એમ વિચારી જોવા જશે! વગર માર્કેટિંગ પીચરને ઓડીયન્સ મળી રહેશે, ને મુવી હીટ. રામ-લીલા વખતે પણ એવું જ થયું હતું ને? હતું મુવીમાં કઈ?
કેવો વિરોધ વળી, પુતળા બાળવા, પીચરના પોસ્ટર બાળવા,આ સાલું આપણી પ્રજાને લાગી બહુ આવે! એવી જ રીતે કોઈ આંદોલન સમયે પણ વિરોધ કરતી વખતે એસ.ટી. બસ બાળવી, જાહેર મિલકતોને નુકસાન પહોચાડવું,તોફાનો કરવા,તોડફોડકરવી,ઘણા તો પોતાની પર્સનલ દુશ્મની પણ એમાં કાઢી લેતા હશે! ધંધા રોજગાર બંધ રહે,દેશને કરોડો રૂ.નું નુકસાન જાય,બિચારા નિર્દોષ માણસો જીવ ગુમાવે. એ વિરોધમાં આપણને એ પણ ખબર પણ નથી રેતી કે આ નુકસાન ભરવાનું આપણે જ છે.આપણા ટેક્સ ની રકમમાંથી જ એ બધું ઉભું થયેલું હોય છે.પાછું આપણે જ એ ઉભું કરવાનું છે. કોઈપણ ઘટનાનો વિરોધ કરીએ એ પહેલા એની પાછળનો હેતુ જાણી લેવો જોઈએ. અને કદાચ વિરોધ કરવાની જરૂર પડે તો શાંતિ થી તેનો વિરોધ કરવો જોઈએ. કોઈને નુકસાન પહોચાડવાથી શું ફાયદો થવાનો. વિચારો તો ખરા! આ વિરોધના ઘોંઘાટમાં સાચી અને સારી ઘટનાઓ પણ ભૂલાય જાય છે. તમને એવું નથી લાગતું આપણે આ વિરોધ નો જ વિરોધ કરવાની જરૂર છે. એક શિક્ષિત અને સમજદાર નાગરિક તરીકે ચાલો સૌ સાથે મળી દેશને સાચા રસ્તે લઇ જવાની કોશિશ કરીએ. અને કરવો જ હોય તો જ્ઞાતિવાદ,કોમવાદ,ભ્રૂણહત્યા,બળાત્કાર,દહેજ,અસ્પૃશ્યતા,ગરીબી,બેકારી,વસ્તી-વધારો,બાળમજૂરી,આતંકવાદ જેવી ખરેખર ગલત બાબતોનો વિરોધ કરીએ અને એ પણ એને દુર કરવા નહિ કે માત્ર ચગાવવા.
આમ તો જેને ખરેખર “પદ્માવતી” નો વિરોધ કરવો જ છે, એને માટે એક ટીપ છે,
મુવી રિલીઝ થવા દો, હીટ નહિ થવા દેવાનું, કોઈએ જોવા જ નહિ જવાનું. સંપીને વિરોધ કરવાનો, યાર. યાદ છે “ અસહકાર નું આંદોલન” જયારે કઈ બદલવા વિરોધ થાય તો એ બદલાવું તો જોઇએ ને? માત્ર રાડો પાડવાથી શું થવાનું?

હિન્દી કવિ દુષ્યંતકુમારની એક બહુ સરસ કવિતા છે,
  


 हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।
આવો હોય વિરોધ!

  

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...