Thursday, 30 November 2017

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે

સરદાર,ગાંધી,સ્વાતંત્રસેનાનીઓ અને આપણે























જો અત્યારે સરદાર,ગાંધી અને અન્ય નેતાઓ જેણે દેશને આઝાદીની લડતમાં ભાગ લીધો હશે,તેઓની જો સ્વર્ગમાં મિટિંગ ભરાતી હશે, તો તેઓને દેશની હાલત જોઈ એમ થતું હશે કે “ આ દેશને આઝાદ કરાવી અમે બહુ મોટી ભૂલ કરી નાખી.” આ એ જ દેશ છે,જેના કાજે અમે અમારા બધા સુખ-દુ:ખ છોડ્યા હતા., જેલમાં ગયા હતા,અને વર્ષો સુધી લડ્યા હતા.લાઠીચાર્જ પણ વેઠ્યા અને અનેક અત્યાચારો પણ સહન કર્યા. અમે જે કઈ પણ આ દેશ માટે કર્યું એના પર આ દેશના લોકો પાણી ફેરવી રહ્યા છે. સાચું બોલજો થતું હશે ને? ચૂંટણીઓ લોકશાહીનો સૌથી મોટો માપદંડ છે,પરીક્ષા છે, ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે,જ્યાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ લડાય છે,જેથી આપણે સક્ષમ ઉમેદવારો ચૂંટી શકીએ. એવી સરકાર લાવી શકીએ જે જ્ઞાતિવાદ,કોમવાદ,અનામત કે ધર્મ જેવા ઇસ્યુ સાથે નહિ પણ દેશની સાચી સમસ્યાઓ સમજી શકે અને એનો ઉકેલ લાવી શકે.હવે તમે જ કહેજો શું આપણી ચૂંટણીઓ વખતે સાચા ઇસ્યુ ચર્ચાય છે ખરા? ઉધોગોનો વિકાસ કેમ કરવો? કૃષિ ક્ષેત્રે વિકાસ કેમ કરવો? બળાત્કાર કેમ રોકવા? ક્રાઈમ કેમ અટકાવવો? ધર્મના નામે થતા ઝઘડા કેમ રોકવા? શિક્ષણ-વ્યવસ્થામાં શું ફેરફાર જરૂરી છે? ભ્રષ્ટાચાર કેમ અટકાવવો? હમણાં જ ટી.વી.માં જોયું, ભારતમાં દર પંદર મીનીટે એક બળાત્કાર થાય છે, અને દર ત્રણ મીનીટે એક ખૂન થાય છે. હવે તમે જ વિચારો ક્યાં મુદ્દાઓ પર ચૂંટણીઓ લડાવી જોઈએ? લોકશાહીમાં પસંદગી જનતાની જ હોય છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા સિવાયના દરેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઇ રહી છે.ખરેખર જે મુદ્દાઓ પર ચૂંટણી થવી જોઈએ એ મુદ્દાઓ તો કોસો દુર રહી ગયા છે.ક્યાય પણ ચર્ચાઓ થાય દેકારામાં અને બુમરાળમાં સાચી વાતો અને મુદ્દાઓ તો બિચારા થઇ એકબાજુ ધકેલાઈ ગયા છે.
એટલું જ નહિ આ વખતની ચૂંટણીમાં એક મુદ્દો બહુ ચાલી રહ્યો છે અને એ છે જ્ઞાતિ વાઈસ નેતાઓને વેચી લેવાનો. શું સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર કોઈ એક જ્ઞાતિના હતા? શું આંબેડકર કોઈ એક જ્ઞાતિના હતા? શું ગાંધીજી કોઈ એક જ્ઞાતિના હતા? તો પછી આજે શા માટે આ નેતાઓને કોઈ એક જ્ઞાતિ સાથે જોડવામાં આવી રહ્યા છે? શું આ બધા નેતાઓ હવે માત્ર ચૂંટણી લડવાનું અને જીતવાનું કોઈ સાધન માત્ર બની ગયા છે? તમેજ વિચારજો જે લોકો આજે આ નામોનો ઉપયોગ કરી આંદોલનો ચલાવી રહ્યા છે,શું તેઓ ખરેખર સત્ય,અહિંસા,કે એકતાના રસ્તે ચાલી રહ્યા છે ખરા? આ બધા નેતાઓ જેટલા ત્યારે નહોતા ચર્ચાયા એટલા અત્યારે ચર્ચાય રહ્યા છે. શું આ નેતાઓ “વોટબેંક” મજબુત કરનાર ડીપોઝીટ માત્ર છે આપણી માટે! મને સૌથી મોટો વાંધો એ વાતનો છે કે આ નેતાઓ કોઈ એક જ્ઞાતિના નહી પણ ગ્લોબલ છે.તેઓ સૌના છે. તેમણે આ દેશને મજબુત કરવાના સૌથી વધુ પ્રયાસો કર્યા છે. માટે તેઓ આ સમ્રગ દેશના છે.આજે આપણો દેશ અને ચૂંટણીઓ જે રસ્તે જઈ રહી છે,એ શું સાચો રસ્તો છે? જો આમાંથી કોઈપણ નેતા કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રતિનિધત્વ કરતા હોત તો તેઓ ગ્લોબલ ના હોત.પણ આપણે જઈ જ રહ્યા છીએ ગલત રસ્તે, જ્યાં કોઈપણ રસ્તેથી જેને જે મુદ્દો મળે ઉઠાવી તેના વિશે ચર્ચાઓ કરવામાં લાગી જાય છે.દેશના તમામ સ્વતંત્રસેનાનીઓ જેમણે દેશને આઝાદ કરાવવા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા એ બધા જ સમ્રગ દેશના છે.
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા પણ આપણે તેમને ખંડોમાં વહેચી નાખ્યા છે. એમના ફોટાઓ એવી જગ્યાએ લગાવવામાં આવે છે,જાણે તેઓ માર્કેટીંગ નું કોઈ પોસ્ટર હોય! મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ મારા જેવા કરોડો નાગરિકોના ફેવરીટ નેતા છે.ગુજરાતના લગભગ તમામ લેખકો અને કલાકારો તેમના વિશે વાતો કરતા રહે છે,તેઓ એટલા પ્રસ્તુત છે,જેટલા ગાંધીજી કે આંબેડકર છે. તેમની હાજરી તેમના કર્યો થકી આજે પણ આપણી સાથે છે. આ દેશમાં વસતા પ્રત્યેક દેશભક્તના તેઓ હૃદયસ્થ છે., તો પછી શા માટે “ જય સરદાર પાટીદાર” માત્ર એવું લખવાનું! એવું ના લખી શકાય “જય સરદાર સૌના સાથીદાર” સાચું કેજો આમાંથી તમને કયું વાક્ય વધુ સાચું લાગે છે. હકીકત તો એ છે કે આવા મહાન નેતાઓ કદી કોઈ કોમ કે જ્ઞાતિના નથી હોતા તેઓ સમ્રગ દેશના હોય છે.તેઓ એટલા વિશાળ હોય છે કે તેમને કોઈ એક દાયરામાં કલ્પી જ શકાતા નથી. આવું વિરાટ વ્યક્તિત્વ પૂજનીય હોય નહિ કે ચર્ચનીય! આપણે જેને અખંડ ભારતના ઘડવૈયા કહીએ છીએ એ ગર્વ એક ભારતીય નો છે.નહિ કે કોઈ એક જ્ઞાતિનો.
અત્યાર સુધી આપણે ધર્મના નામે માત્ર ભગવાનના ભાગ પાડતા, પણ હવે તો નેતાઓના પણ ભાગ પાડવા માંડ્યા છીએ. કોણ પહોચશે? આપણને.આપણા ભગવાનો મંદિર,મસ્જીદ,ચર્ચ,ગુરુદ્વારામાં ,વગેરેમાં સમાય ગયા અને આપણે ઝઘડતા થઇ ગયા. કોઈપણ ધર્મ પાળતી પ્રજા તે ધર્મનો મૂળ ઉદેશ અને ઉપદેશ જેમ ભુલાતી જાય છે,એમ આપણે પણ આઝાદી સમયે આ નેતાઓએ જે સપનાઓ જોયેલા તે ભૂલી રહ્યા છીએ.પછી એ રામરાજ્યનું હોય કે અખંડ ભારતનું કે પછી અસ્પૃશ્યતા મુક્ત ભારતનું હોય! આ સઘળું ભૂલી આપણે એવા રસ્તે જઈ રહ્યા છીએ જે પ્રગતિનો નહિ પણ અધોગતિનો છે.ઘણા અત્યારે એવું કહે છે કે આના કરતા આપણે ગુલામ હોત તો વધુ પ્રગતી કરી હોત! અરે ભાઈ લોકશાહી છે,સૌને અભિવ્યક્તિની છૂટ હોય છે.પણ ખરેખર ઘણીવાર એવું લાગે છે આપણને આ લોકશાહી સમજ્યા વગરની મળી ગઈ છે.વધુ દુખ તો એ વાતનું છે કે ભણેલા લોકો પણ એ સમજતા નથી.જો આ બધું આમને આમ ચાલતું રહ્યું તો આપણે વિકાસના પંથે કદી નહિ જઈ શકીએ.દેશને આગળ વધારવા માટે પણઓ આ રસ્તાઓ બ્લોક કરવા જરૂરી છે.કોઈપણ દેશના વિકાસનો પાયો આવા પરિબળો કદી ના બની શકે.હમણાં એ.સ.વાય. ની બુકમાં ઇઝરાયલ દેશ વિષે એક વાક્ય વાચ્યું “ કોઈપણ દેશે વિકાસ કરવા માતૃભૂમિમાં ‘પરસેવાનું’ મૂડીરોકાણ કરવું પડે છે.” આપણે આ બાબત ક્યારે સમજીશું?
જો હવે આપણે નહિ જાગીએ તો દરેક ચૂટણીમાં આવા જ બિનજરૂરી મુદ્દાઓ ચર્ચાતા રહેશે અને ઉપર બેઠેલા આપણા નેતાઓના આત્મા દુભાતા રહેશે.અને હા એક મજાક જો આ બધા નેતાઓ કોઈ એક કોમના હોય તો પછી ગાંધીજી માત્ર વાણિયાના હો! અને તો પછી એના દરેક ફોટા માત્ર વાણિયાના. જેને સમજાય હસી લેવાની છૂટ છે!


No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...