Sunday, 17 June 2018

સ્પર્ધા અને આપણે,


સ્પર્ધા અને આપણે,





  નાના હતા ત્યારે સ્કૂલમાં ટીચર એક સરસ વાર્તા કહેતા. વાર્તા કઈક આમ હતી, એક સ્કૂલમાં એકવાર એક શિક્ષકે બોર્ડ પર એક લાઈન દોરી અને પછી કહ્યું કે “ આને સ્પર્શ કર્યા વિના તમારે નાની બનાવી દેવાની છે, નહિ ભૂંસવાની કે નહિ સ્પર્શવાની! આખો વર્ગ વિચારમાં પડી ગયો, આવું કેમ શક્ય બને? આ તો કોઈ જાદુગર જ કરી સકે. સ્પર્શ કર્યા વિના કે ભૂંસ્યા વિના લાઈન નાની કેવી રીતે કરવી? શિક્ષકને દુ:ખ થયું શું કોઈ વિદ્યાર્થી આવું નહિ કરી સકે? એટલામાં એક વિદ્યાર્થી ઉભો થયો અને એને ચોક લઇ એ નાની લાઈન નીચે બીજી મોટી લાઈન કરી દીધી. ઉપરની લાઈન આપોઆપ નાની થઇ ગઈ. શિક્ષકે પેલા વિદ્યાર્થીને શાબાશી આપી. અને સમજાવ્યું કે જીંદગીમાં દરેકે પોતાની સફળતાની લાઈન જાતે જ દોરવી પડે છે. બીજાની લાઈન ભૂંસીને કદી સફળ થઇ શકાતું નથી. બીજાની લાઈન કરતા આપણી લાઈન મોટી કરીને જ આપણે દરેક સ્પર્ધાઓ જીતી શકીએ છીએ.સ્પર્ધામાં સૌથી અગત્યનો આપણો જ ટ્રેક હોય છે. એ ટ્રેક પર ચાલીને જ આપણે સફળતાનો માર્ગ બનાવી શકીએ છીએ. બીજાના ટ્રેક પર જવાથી તો અકસ્માત થઇ જાય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને ખાસ ક્ષમતા સાથે આ પૃથ્વી પર મોકલ્યો છે. ઇવન એણે આપણા સૌમાં ખાસિયતો અને મર્યાદાઓ પણ સરખી માત્રામાં આપી છે. જેઓ જે બાબતો પર એકાગ્ર થાય છે, તેઓ એ રીતે પોતાની જિંદગી વિકસાવી સકે છે. જો આપણે આપણી મર્યાદાઓ સમજી આપણામાં રહેલી ખાસિયતોને વિકસાવતા રહીશું, તો આપણે જરૂરથી સફળ થઇ શકીશું. ઈશ્વરે જે આપીને આપણને મોકલ્યા છે, એને ધ્યાનમાં રાખીશું તો આપણે ખીલી શકીશું અને બીજાને પણ મહેક આપી શકીશું. ખીલવા માટે ફૂલો જેટલી ખેલદિલી જોઈએ. કોઈ ફૂલ કદી પોતાના રંગ,દેખાવ,બાબતે બીજા સાથેસરખામણી કરતા હોતા નથી અને એટલે જ દરેક ફૂલનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. ઇવન કુદરતનું દરેક તત્વ ક્યારેય એકબીજા સાથે સરખામણી કરતુ નથી. એ સૌ પોત-પોતાની રીતે વિકસે છે અને મસ્તીમાં રહે છે. તમે કદી ક્યાય સાંભળ્યું કે વાંચ્યું કે કોઈ પશુ-પક્ષીએ એકબીજાની સરખામણીમાં આપઘાત કરેલ હોય! કુદરતના કોઈપણ તત્વને ક્યારેય પોતાના સ્ટેટસની પડી હોતી નથી. એટલે તેઓ મસ્ત જીવે છે. અને આપણું જીવન રેસનું મેદાન બની ગયું છે જ્યાં લોકો દરેક બાબતે એકબીજાની સરખામણી કરતા રહે છે, અને હતાશા,નિરાશામાં આવી સુસાઇડ કરતા રહે છે. માનસિક રોગોના શિકાર બનતા રહે  છે. આપણે સૌ સરખામણીના ચક્રવ્યુહમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણી જિંદગી આપણને હમેંશા બીજા કરતા અધુરી જ લાગ્યા કરે છે.
  સ્પર્ધા માનવજીવન માટે જરૂરી છે,પણ એ સ્પર્ધા ખેલદિલી વાળી હોવી જોઈએ. વળી આપણે સ્પર્ધામાં આગળ વધવું હોય તો આપણી ક્ષમતાઓને વધારવી જોઈએ, નહિ કે સામેવાળાની ક્ષમતાને ઉતારી પાડવાની કોશિશ કરવી જોઈએ. જીવનમાં દરેક ક્ષેત્રમા આ બાબત ધ્યાનમાં રાખવી. તમે કોઈ સ્કૂલ ચલાવો છો અને અન્ય સ્કૂલ સાથે તમારી સ્પર્ધા છે તો તમારે તમારી ગુણવત્તા સુધારી તમારી સ્કૂલને આગળ લઇ જવી જોઈએ, નહિ કે સામેની સ્કૂલનું ખરાબ કરી તમારી સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રેષ્ઠ ગુણવત્તા આપશો તો આપોઆપ વિદ્યાર્થીઓ ખેંચાઈ આવશે.એ જ રીતે તમે કોઈ સારા કલાકાર છો તો તમારી કલાને શ્રેષ્ઠ રીતે ખીલવો, નહિ કે બીજાની કલાનું અપમાન કરી કે એને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમા દરેક જગ્યાએ એ બાબત લાગુ પડે છે. તમારે સફળ થવું છે તો તમારું ધ્યેય નક્કી કરી એ રસ્તે ચાલતા રહો. તમારે બોલવાની જરુર નથી તમારા કામને બોલવા દયો. કોઈપણ જગ્યાએ આપણે હોઈએ આપણે જે કરવા માંગીએ છીએ, એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.બીજાઓ જે કરે તે. જો આપણે બીજાઓની બાબતોને મહત્વ આપતા રહીશું તો આપણું લક્ષ ભૂલાય જશે. અને આપણે ભટકતા થઇ જઈશું. જો લક્ષ આપણું છે, તો એની સુધી જવાના રસ્તાઓ પણ આપણા જ હોવા જોઈએ. માટે સ્પર્ધા કરવી, પણ સરખામણીથી હમેંશા દૂર રહેવું. બીજાને પાડવા મહેનત કરવી એના કરતા તો આપણી જાતને ઉન્નત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
ક્રિકેટની રમતમાં સચિન એક છે, ધોની એક છે, વિરાટ એક છે. દરેક ખેલાડીઓનું પોતાનું અલગ અસ્તિત્વ છે. ત્રણેય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. એમ જ આપણે પણ ભલે કોઈ એક જ ક્ષેત્રમા હોઈએ  બીજાથી આપણું અલગ અસ્તિત્વ વિકસાવવું જોઈએ. હકીકત તો એ છે કે આપણે જીતવા માટે કે સફળ થવા માટે લડવું જોઈએ નહિ કે બીજાને હરાવવા કે નિષ્ફળ બનાવવા. કર્ણ અર્જુન કરતા પણ ચડિયાતો યોધ્દ્ધા હતો પણ એણે પોતાની જાતને સાબિત કરવા કરતા પણ વધુ મહત્વ અર્જુન કરતા પોતે વધુ ચડિયાતો છે, એ સાબિત કરવામાં પોતાની કલાનો ઉપયોગ કર્યો અને એ જ સાબિત કરવામા અધર્મના રવાડે ચડી ગયો. તે શ્રેષ્ઠ હતો, પણ સરખામણીના ઝેરે એને ખરા સમયે પોતાની તમામ વિદ્યાઓ પણ ભુલાવી દીધી. આપણે પણ જયારે આવું કરીએ છીએ આપણી શ્રેષ્ઠતા ગુમાવી બેસીએ છીએ. તમે જ વિચારજો જેઓ જીંદગીમાં સફળ થયા છે, તેઓએ કદી કોઈની સાથે પોતાની જાતને સરખાવી નથી. તેઓ નિષ્ફળ ગયા પણ નીચે ના ઉતર્યા. તેઓ હારી પણ ગયા પણ પોતાની જાતને ના હારવા દીધી. આગળ વધવા માટે બીજાને ગુણવત્તા આપવી પડે છે. બ્રાન્ડનેમ બનવા માટે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડે છે. તમારી અંદર રહેલા જુનુન ને તમારી સફળતા માટે આગ આપવી પડે છે. જો આપણે બીજા માટે પથ્થર બનતા રહીશું તો કદી કોઈ આવી એ પથ્થરને દુર ફેંકી દેશે. માટે બીજાને નીચા દેખાડવાનો કદી પ્રયાસ ના કરો.
જિંદગી રમતનું મેદાન છે, એ મેદાનમાં ખેલદિલી સાથે જે રમે છે, એ જ જીતે છે. જેઓ ચીટીંગ કરી જીતે છે, તેઓ જિંદગીના મેદાનમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે છે. દોડની રમતમાં દોડનાર હમેંશા પોતાના ટ્રેક પર જ દોડે છે, અને એટલે જ પોતાના ટ્રેક પર સૌથી ઝડપથી દોડનાર જ જીતે છે.શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. તમે નક્કી કરેલી સફળતાનો માપદંડ તમારી પાસે જ રાખજો. એને જયારે તમે બીજાના માપદંડથી માપશો. તમારી સફળતાનું અવમુલ્યન થવા લાગશે. આપણી સફળતાં કદી કોઈ અવોર્ડ કે સર્ટીફીકેટને આધીન નથી હોતી. માટે કોઈ બિરદાવે નહિ તો ગભરાશો નહિ. બસ આગળ વધ્યે જ જાવ. અને હા લીટી તમારી મોટી કરજો બીજાની ભૂંસવાનો પ્રયાસ ના કરતા ok. ઈશ્વરે આપણને બાય ડીફોલ્ટ ‘યુનિક’ જ બનાવ્યા છે તો બીજાની સાપેક્ષે શા માટે જીવવાનો પ્રયાસ કરવો! આપણે જિંદગીની રેસના ઘોડાઓ નથી જેને કોઈ આપણા વતી રેસમાં દોડાવે અને આપણે દોડતા રહીએ, પણ આપણે તો એ વ્યક્તિઓ છીએ, જે પતંગની કલ્પનાના આધારે પ્લેન પણ બનાવી શકે. જેઓ અપંગ હોવા છતાં હિમાલય પણ ચડી સકે અને જેઓ કેન્સર હોવા છતાં તેમાંથી બહાર આવી રમી પણ શકીએ. આપણે એ છીએ જે આંધળા બેહરા મૂંગા હોવા છતાં બીજાને રસ્તા બતાવી સકે એવું પ્રેરણાદાયી જીવી શકીએ. આપણા માં રહેલી અખૂટ શક્તિઓને ઓળખીએ અને સફળ થઈએ. આપણામાં રહેલી ઉર્જાનો ઉપયોગ આપણા જીવનને ઉજ્જવળ બનાવવામાં કરીએ. બીજાની જીંદગીને અન્જાવવામાં શામાટે એનો વ્યય કરવો? કેમ ખરું ને?



Wednesday, 13 June 2018

આપણે અને આપણે,


આપણે અને આપણે,


   







શીર્ષક વાચી નવાઈ ના લગાડતા! આપણે શબ્દમાં આપણે સૌ આવી જઈએ છીએ. અને આપણે હમેશા કોઈપણ બાબતે બીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ આપણી જાતને અમુક પ્રશ્નો કદી પૂછતાં નથી ને એટલે જ આપણી અને આપણા રાષ્ટ્રની સમસ્યાઓ નો કદી કોઈ ઉકેલ નથી. ના સમજાયું તો ચાલો એક સર્વે કરીએ. આમપણ જુદી-જુદી ન્યુઝ ચેનલો અને સમાચાર-પત્રો દ્વારા જુદી જુદી સરકારોની કામગીરી બાબતે સર્વે થતા રહે છે.આપણે ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈએ છીએ અને સર્વેના આધારે સરકારોની કામગીરી મૂલવતા રહીએ છીએ. સર્વેમાં શું હોય આપણે હા કે ના લખી દઈએ અગર તો અમુક પ્રશ્નોના જવાબમાં જે ઓપશન આપેલા હોય તેની સામે ટીક કરી દઈએ. જાણે એવું લાગે આપણે આપણી કેવડી મોટી જવાબદારી નિભાવી દીધી અને સરકારને પણ કહી દીધું કે તમે કેટલું કામ કર્યું અને કેટલું બાકી છે. આમ પણ આપણે ત્યાં ભારતમા બે બાબતો હમેંશા મફતમાં જ મળી રહે છે, ૧) સલાહ અને ૨) અભિપ્રાય. કેમ ખરું ને? આમ કરો અને આમ ના કરો એ સલાહ અને સરકાર આમ કરે છે અને આમ કરતી નથી એવા અભિપ્રાયો! આપણે આખો દિવસ ચર્ચા કરીએ છીએ અને ટી.વી. પર સાંભળતાં રહીએ છીએ, જોતા રહીએ છીએ. એ ચર્ચાઓ ટાઇમ પાસ કે ટી.આર.પી. વધારવાના પ્રયત્નોથી વિશેષ કશું હોતી નથી. ઘણીવાર તો સાવ બિનજરૂરી બાબતોની ચર્ચાઓ થતી રહે છે અને આપણ હોંશે હોંશે જોતા રહીએ છીએ. સરવાળે શું થાય? ચૂંટણી આવે ત્યારે જરૂરી મુદ્દાઓ ભૂલાય જાય અને બિનજરૂરી ચર્ચાતા રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઇ વોટ પણ આપી આવીએ છીએ અને પછી પાંચ વર્ષ સુધી ગલત સરકારને સહન કરતા રહીએ છીએ. શું કરવું જોઈએ એ બધા કહે છે, પણ કરતુ કોઈ નથી. અને હદ તો ત્યારે થાય જયારે કોઈ એ દિશામાં કઈ કામ કરે તો આપણે એની મજાક ઉડાવતા રહીએ છીએ અને પછી એ વ્યક્તિ મસ્ત કામ કરે ત્યારે એના જ ગુણગાન ગાતા રહીએ છીએ.
ચાલો આજે આપણે આપણો ખુદનો જ સર્વે કરીએ એક પ્રજા તરીકે આપણે સરકારના સારા કાર્યોને કેટલો સપોર્ટ કર્યો? અને પછી નક્કી કરીએ આપણે હજી સુધી કેમ ‘વિકાસશીલ’ છીએ? હકીકત તો એ છે કે દરેક રાષ્ટ્રનું એક કેરેક્ટર હોય છે. જે સર્વ વિશ્વમાં ઓળખાતું હોય છે. આપણે પણ થોડું ચેક કરી લઈએ એક નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરીએ છીએ. અને પછી સરકાર પર આરોપ લગાવીએ. ok તો ચાલો સર્વે ચાલુ કરીએ.
૧) સરકારના સ્વચ્છતા-અભિયાન પ્રોજેક્ટ માટે આપણે શું કર્યું?
૨) સરકારના નદીઓના પાણીને સ્વચ્છ કરવાના પ્રયાસોમાં આપણે કેટલી મદદ કરી?
૩) સરકારે ખાનગી શિક્ષણ સંસ્થાઓ સામે ફી ઘટાડાનો જે કાયદો ઘડ્યો એના પાલનમાં કેટલા વાલીઓએ મદદ કરી?
૪) સરકાર માર્ગ સલામતી માટે જે કાયદાઓ બનાવે એમાથી કેટલા આપણે પાળીએ છીએ?
૫) ચૂંટણી સમયે સાચા ઉમેદવારને વોટ આપવાના બદલે આપણે હમેંશા આપણી ‘જ્ઞાતિના’ જ ઉમેદવારને પસંદ કરી છીએ?ભણેલા હોવા છતાં! હા કે ના
૬) સરકાર જે કોઈ યોજનાઓ બહાર પાડે એ ગરીબ વર્ગ માટે હોવા છતાં આપણે ધનિક થઈને પણ તેનો લાભ લઇ લઈએ છીએ? હા કે ના
૭) ભ્રૂણહત્યા,દહેજ,બળાત્કાર,ઘરેલુંમારપીટ,વગેરે સામાજિક સમસ્યાઓ સામે લડવા સરકારે જે કઈ કાયદાઓ ઘડ્યા છે, એમાં આપણે કેટલો સપોર્ટ આપીએ છીએ?
૮) પર્યાવરણ બચાવવા સરકાર જે કઈ પ્રયત્નો કરે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાનો, વૃક્ષારોપણ, જળબચાવો,પૃથ્વી બચાવો,વગેરે બાબતોમાં આપણે કેટલો સહયોગ કરીએ છીએ?
૯) જંગલી પ્રાણીઓને બચાવવા અને ઘર આંગણાના પશુ-પક્ષીઓને બચાવવા આપણે શું કરી છીએ?
૧૦) ભ્રષ્ટાચાર રોકવા આપણે શું કર્યું?
૧૧) સગાવાદ,કોમવાદ,જ્ઞાતિવાદ,લાગવગશાહી રોકવા આપણે શું કર્યું?
૧૨) વસ્તી આપણા દરેક પ્રશ્નનું મૂળ હોવા છતાં એને ઘટાડવા સરકારે જે કઈ પણ પ્રયાસો કર્યા એમાં આપણે ક્ર્ટલો સહયોગ આપ્યો?
૧૩) સરકારે  ખરાબ ખોરાકથી બચાવવા આપણા માટે જે કોઈપણ કાયદાઓ ઘડ્યા એના પાલન માટે આપણે શું કર્યું? અરે આપણી પાસે તો બોટલ કે પેકિંગ પર લખેલી એક્સપાયરી ડેટ વાંચવાનો પણ સમય હોતો નથી. હા કે ના
૧૪) અમુક જ્ઞાતિઓ આજે પણ સામાજિક કે આર્થીક રીતે પછાત છે, કારણકે તેઓ દારૂ અને જુગાર જેવા દુષણોમાંથી બહાર આવતા નથી, હા કે ના
૧૫) આપણી પ્રાચીન સારામાં સારી શિક્ષણ-પ્રથા છોડી આપણે મેકોલ ની જ શિક્ષણ પદ્ધતિને અનુસરી રહ્યા છીએ,હા કે ના જે માત્ર કારકુનો જ પેદા કરે છે. કે સંશોધકો નહિ.
૧૬) આજે પણ આપણે અંધશ્રદ્ધા ને મહત્વ આપીએ છીએ અને એટલે જ આશારામ કે બાબા રામરહીમ જેવા લોકો આપણને છેતરતા રહે છે? હા કે ના
૧૭) હજી આજે પણ આપણે રાહ જોઈ બેઠા છીએ કે કોઈ આવશે અને આપણો ઉદ્ધાર કરશે? હા કે ના ( જ્યારે આપણને પણ હવે સમજાય ગયું છે કે આપણે જ આપણે ઉદ્ધારક છીએ છતાં!)
૧૮) સરકારના સોચાલય અભિયાન માટે આપણે શું કર્યું? ( આઝાદીના ૭૧ વર્ષો પછી પણ આપણને શીખવાડવું પડે છે કે લેટ્રિન કરવા ક્યાં જવાય?)
૧૯) દર ચૂંટણીઓમાં રાજકારણીઓ આપણને ‘ઉલ્લુ’ બનાવી ધર્મના નામે ઝઘડાવી મુકે છે, છતાં આપણે હજી પણ ‘ઉલ્લુ’ બનતા જ રહીએ છીએ? હા કે ના
૨૦)  આપણે આપણા દેશના બધા જ પ્રશ્નો જાણીએ છીએ, છતાં આંખ આડા કાન કરી છીએ, અને વિચારીએ છીએ મારા એકલાથી શું થવાનું? હા કે ના
 હજી તો ઘણા પ્રશ્નો છે, પણ આદર્શ પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ એટલે હવે પ્રશ્નો અહી અટકાવી દઉં છું. પણ આ સર્વેમાં ભાગ જરૂર લેજો. આપણે દેશ માટે શું કરીએ છીએ? એનું પરિણામ મળી રહેવાનું છે. મિત્રો કોઈપણ દેશ વિકસિત છે, કારણકે ત્યાની પ્રજા પણ સરકારની લગોલગ કામ કરે છે. દેશના વિકાસ માટે સરકારને પૂરેપૂરો સહકાર આપે છે. આપણે તો સહકાર આપવાને બદલે સરકારે ઘડેલા કાયદાઓ કેમ તોડવા એ જ વિચારતા રહીએ છીએ! ઉપર પૂછેલા દરેક પ્રશ્નોના જવાબ તમારી જાતને પણ પૂછજો. આપણે એક સ્ટેટમેન્ટ હમેંશા આપતા રહીએ છીએ, કે “ સરકાર કઈ કરતી નથી” પણ કદી એ પણ વિચારો કે “ આપણે દેશ માટે શું કર્યું?” આપણે સૌ દેશના ઓછા વિકાસ માટે એકબીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ એ નથી વિચારતા કે એક આંગળી જયારે આપણે અન્ય તરફ ચીન્ધીએ છીએ તો બાકીની આપણી તરફ જ જાય છે. પ્રજા સહકાર ના આપે તો કોઈ દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. વિશ્વના જે દેશોએ પ્રગતિ કરી છે, એ પ્રગતિમાં ત્યાની પ્રજાનો પુરેપુરો સપોર્ટ છે. જાપાન વિકસિત છે કારણ કે ત્યાની પ્રજાએ નિર્ણય લીધો કે આપણે માત્ર દેશમાં બનેલી વસ્તુ જ વાપરીશું અને આજે પરિણામ આપણી સમક્ષ છે.આપણો સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે એક પ્રજા તરીકે આપણે ક્યારેય આપણી ભૂલોમાંથી શીખતા નથી. અને એટલે જ આપણે વિકસતા નથી. એટલીસ્ટ સારા કામો કરી બતાવે એવી સરકાર તો આપણે ચૂંટી જ શકીએ ને? દેશના દરેક પ્રશ્નો આપણા છે, એવું આપણે સમજવું પડશે.
  કચરો કચરાપેટીમાં નાખવો પડશે, દીકરા દીકરી વચ્ચેનો ભેદ દુર કરવો પડશે, દારૂ અને જુગાર જેવા દુષણોથી દુર રહેવું પડશે,પર્યાવરણ ચોખ્ખું રાખવું પડશે. ઉપર જણાવેલા દરેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે મહેનત કરવી પડશે. કાયદાઓનું પાલન આપણા સહકાર વિના નહિ થાય. દેશનું ઘડતર આપણા થકી જ થઇ શકશે. આપણે જેટલુ દેશ માટે કામ કરીશું દેશ એટલો જ આગળ વધશે. અને હા સર્વેમાં જોડાજો અને પ્રજા તરીકેના આપણા કેરેક્ટરને સમજજો. શું ખબર આપણે સમજી શકીએ, “જાગ્યા ત્યારથી સવાર”
બસ એટલું યાદ રાખવું આપણું કેરેક્ટર એ જ દેશનું કેરેક્ટર બની રહેશે?
સરકારનો કેસ-સ્ટડી આપણે વારંવાર કરીએ છીએ, ચાલો આજે આપણે આપણો પણ કરીએ!
જે વિદેશના રસ્તા,ગાડીઓ, ટેક્નોલોજી વગેરે વગેરે આપણને બહુ ગમે છે, એ બધું એટલે આટલું સરસ છે કે ત્યાં લોકો દરેક નિયમોનું અને કાયદાઓનું પાલન કરે છે. કાયદાઓ તોડવા એને કોઈ બહાદુરી ગણતું નથી.


દેશ તો આઝાદ થતા થઇ  ગયો 
પણ તે શું કર્યું? 
  ઉમાશંકર જોષી.  
                                                 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...