સ્પર્ધા અને આપણે,
નાના હતા ત્યારે સ્કૂલમાં ટીચર એક
સરસ વાર્તા કહેતા. વાર્તા કઈક આમ હતી, એક સ્કૂલમાં એકવાર એક શિક્ષકે બોર્ડ પર એક
લાઈન દોરી અને પછી કહ્યું કે “ આને સ્પર્શ કર્યા વિના તમારે નાની બનાવી દેવાની છે,
નહિ ભૂંસવાની કે નહિ સ્પર્શવાની! આખો વર્ગ વિચારમાં પડી ગયો, આવું કેમ શક્ય બને? આ
તો કોઈ જાદુગર જ કરી સકે. સ્પર્શ કર્યા વિના કે ભૂંસ્યા વિના લાઈન નાની કેવી રીતે
કરવી? શિક્ષકને દુ:ખ થયું શું કોઈ વિદ્યાર્થી આવું નહિ કરી સકે? એટલામાં એક
વિદ્યાર્થી ઉભો થયો અને એને ચોક લઇ એ નાની લાઈન નીચે બીજી મોટી લાઈન કરી દીધી.
ઉપરની લાઈન આપોઆપ નાની થઇ ગઈ. શિક્ષકે પેલા વિદ્યાર્થીને શાબાશી આપી. અને
સમજાવ્યું કે જીંદગીમાં દરેકે પોતાની સફળતાની લાઈન જાતે જ દોરવી પડે છે. બીજાની
લાઈન ભૂંસીને કદી સફળ થઇ શકાતું નથી. બીજાની લાઈન કરતા આપણી લાઈન મોટી કરીને જ
આપણે દરેક સ્પર્ધાઓ જીતી શકીએ છીએ.સ્પર્ધામાં સૌથી અગત્યનો આપણો જ ટ્રેક હોય છે. એ
ટ્રેક પર ચાલીને જ આપણે સફળતાનો માર્ગ બનાવી શકીએ છીએ. બીજાના ટ્રેક પર જવાથી તો
અકસ્માત થઇ જાય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને ખાસ ક્ષમતા સાથે આ પૃથ્વી પર મોકલ્યો
છે. ઇવન એણે આપણા સૌમાં ખાસિયતો અને મર્યાદાઓ પણ સરખી માત્રામાં આપી છે. જેઓ જે
બાબતો પર એકાગ્ર થાય છે, તેઓ એ રીતે પોતાની જિંદગી વિકસાવી સકે છે. જો આપણે આપણી
મર્યાદાઓ સમજી આપણામાં રહેલી ખાસિયતોને વિકસાવતા રહીશું, તો આપણે જરૂરથી સફળ થઇ
શકીશું. ઈશ્વરે જે આપીને આપણને મોકલ્યા છે, એને ધ્યાનમાં રાખીશું તો આપણે ખીલી
શકીશું અને બીજાને પણ મહેક આપી શકીશું. ખીલવા માટે ફૂલો જેટલી ખેલદિલી જોઈએ. કોઈ
ફૂલ કદી પોતાના રંગ,દેખાવ,બાબતે બીજા સાથેસરખામણી કરતા હોતા નથી અને એટલે જ દરેક
ફૂલનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. ઇવન કુદરતનું દરેક તત્વ ક્યારેય એકબીજા સાથે
સરખામણી કરતુ નથી. એ સૌ પોત-પોતાની રીતે વિકસે છે અને મસ્તીમાં રહે છે. તમે કદી
ક્યાય સાંભળ્યું કે વાંચ્યું કે કોઈ પશુ-પક્ષીએ એકબીજાની સરખામણીમાં આપઘાત કરેલ
હોય! કુદરતના કોઈપણ તત્વને ક્યારેય પોતાના સ્ટેટસની પડી હોતી નથી. એટલે તેઓ મસ્ત
જીવે છે. અને આપણું જીવન રેસનું મેદાન બની ગયું છે જ્યાં લોકો દરેક બાબતે એકબીજાની
સરખામણી કરતા રહે છે, અને હતાશા,નિરાશામાં આવી સુસાઇડ કરતા રહે છે. માનસિક રોગોના
શિકાર બનતા રહે છે. આપણે સૌ સરખામણીના
ચક્રવ્યુહમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણી જિંદગી આપણને હમેંશા બીજા કરતા અધુરી જ
લાગ્યા કરે છે.
સ્પર્ધા માનવજીવન માટે જરૂરી છે,પણ એ
સ્પર્ધા ખેલદિલી વાળી હોવી જોઈએ. વળી આપણે સ્પર્ધામાં આગળ વધવું હોય તો આપણી
ક્ષમતાઓને વધારવી જોઈએ, નહિ કે સામેવાળાની ક્ષમતાને ઉતારી પાડવાની કોશિશ કરવી જોઈએ.
જીવનમાં દરેક ક્ષેત્રમા આ બાબત ધ્યાનમાં રાખવી. તમે કોઈ સ્કૂલ ચલાવો છો અને અન્ય
સ્કૂલ સાથે તમારી સ્પર્ધા છે તો તમારે તમારી ગુણવત્તા સુધારી તમારી સ્કૂલને આગળ લઇ
જવી જોઈએ, નહિ કે સામેની સ્કૂલનું ખરાબ કરી તમારી સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો
જોઈએ. શ્રેષ્ઠ ગુણવત્તા આપશો તો આપોઆપ વિદ્યાર્થીઓ ખેંચાઈ આવશે.એ જ રીતે તમે કોઈ
સારા કલાકાર છો તો તમારી કલાને શ્રેષ્ઠ રીતે ખીલવો, નહિ કે બીજાની કલાનું અપમાન
કરી કે એને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમા દરેક જગ્યાએ
એ બાબત લાગુ પડે છે. તમારે સફળ થવું છે તો તમારું ધ્યેય નક્કી કરી એ રસ્તે ચાલતા
રહો. તમારે બોલવાની જરુર નથી તમારા કામને બોલવા દયો. કોઈપણ જગ્યાએ આપણે હોઈએ આપણે
જે કરવા માંગીએ છીએ, એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.બીજાઓ જે કરે તે. જો
આપણે બીજાઓની બાબતોને મહત્વ આપતા રહીશું તો આપણું લક્ષ ભૂલાય જશે. અને આપણે ભટકતા
થઇ જઈશું. જો લક્ષ આપણું છે, તો એની સુધી જવાના રસ્તાઓ પણ આપણા જ હોવા જોઈએ. માટે
સ્પર્ધા કરવી, પણ સરખામણીથી હમેંશા દૂર રહેવું. બીજાને પાડવા મહેનત કરવી એના કરતા
તો આપણી જાતને ઉન્નત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
ક્રિકેટની રમતમાં સચિન એક છે, ધોની એક છે, વિરાટ એક છે. દરેક ખેલાડીઓનું
પોતાનું અલગ અસ્તિત્વ છે. ત્રણેય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. એમ જ આપણે પણ ભલે
કોઈ એક જ ક્ષેત્રમા હોઈએ બીજાથી આપણું અલગ
અસ્તિત્વ વિકસાવવું જોઈએ. હકીકત તો એ છે કે આપણે જીતવા માટે કે સફળ થવા માટે લડવું
જોઈએ નહિ કે બીજાને હરાવવા કે નિષ્ફળ બનાવવા. કર્ણ અર્જુન કરતા પણ ચડિયાતો
યોધ્દ્ધા હતો પણ એણે પોતાની જાતને સાબિત કરવા કરતા પણ વધુ મહત્વ અર્જુન કરતા પોતે
વધુ ચડિયાતો છે, એ સાબિત કરવામાં પોતાની કલાનો ઉપયોગ કર્યો અને એ જ સાબિત કરવામા અધર્મના
રવાડે ચડી ગયો. તે શ્રેષ્ઠ હતો, પણ સરખામણીના ઝેરે એને ખરા સમયે પોતાની તમામ
વિદ્યાઓ પણ ભુલાવી દીધી. આપણે પણ જયારે આવું કરીએ છીએ આપણી શ્રેષ્ઠતા ગુમાવી બેસીએ
છીએ. તમે જ વિચારજો જેઓ જીંદગીમાં સફળ થયા છે, તેઓએ કદી કોઈની સાથે પોતાની જાતને
સરખાવી નથી. તેઓ નિષ્ફળ ગયા પણ નીચે ના ઉતર્યા. તેઓ હારી પણ ગયા પણ પોતાની જાતને
ના હારવા દીધી. આગળ વધવા માટે બીજાને ગુણવત્તા આપવી પડે છે. બ્રાન્ડનેમ બનવા માટે
ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડે છે. તમારી અંદર રહેલા જુનુન ને તમારી સફળતા માટે આગ
આપવી પડે છે. જો આપણે બીજા માટે પથ્થર બનતા રહીશું તો કદી કોઈ આવી એ પથ્થરને દુર
ફેંકી દેશે. માટે બીજાને નીચા દેખાડવાનો કદી પ્રયાસ ના કરો.
જિંદગી રમતનું મેદાન છે, એ મેદાનમાં ખેલદિલી સાથે જે રમે છે, એ જ જીતે છે. જેઓ
ચીટીંગ કરી જીતે છે, તેઓ જિંદગીના મેદાનમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે છે. દોડની રમતમાં
દોડનાર હમેંશા પોતાના ટ્રેક પર જ દોડે છે, અને એટલે જ પોતાના ટ્રેક પર સૌથી ઝડપથી
દોડનાર જ જીતે છે.શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. તમે નક્કી કરેલી
સફળતાનો માપદંડ તમારી પાસે જ રાખજો. એને જયારે તમે બીજાના માપદંડથી માપશો. તમારી
સફળતાનું અવમુલ્યન થવા લાગશે. આપણી સફળતાં કદી કોઈ અવોર્ડ કે સર્ટીફીકેટને આધીન
નથી હોતી. માટે કોઈ બિરદાવે નહિ તો ગભરાશો નહિ. બસ આગળ વધ્યે જ જાવ. અને હા લીટી
તમારી મોટી કરજો બીજાની ભૂંસવાનો પ્રયાસ ના કરતા ok. ઈશ્વરે આપણને બાય ડીફોલ્ટ ‘યુનિક’
જ બનાવ્યા છે તો બીજાની સાપેક્ષે શા માટે જીવવાનો પ્રયાસ કરવો! આપણે જિંદગીની
રેસના ઘોડાઓ નથી જેને કોઈ આપણા વતી રેસમાં દોડાવે અને આપણે દોડતા રહીએ, પણ આપણે તો
એ વ્યક્તિઓ છીએ, જે પતંગની કલ્પનાના આધારે પ્લેન પણ બનાવી શકે. જેઓ અપંગ હોવા છતાં
હિમાલય પણ ચડી સકે અને જેઓ કેન્સર હોવા છતાં તેમાંથી બહાર આવી રમી પણ શકીએ. આપણે એ
છીએ જે આંધળા બેહરા મૂંગા હોવા છતાં બીજાને રસ્તા બતાવી સકે એવું પ્રેરણાદાયી જીવી
શકીએ. આપણા માં રહેલી અખૂટ શક્તિઓને ઓળખીએ અને સફળ થઈએ. આપણામાં રહેલી ઉર્જાનો
ઉપયોગ આપણા જીવનને ઉજ્જવળ બનાવવામાં કરીએ. બીજાની જીંદગીને અન્જાવવામાં શામાટે એનો
વ્યય કરવો? કેમ ખરું ને?
No comments:
Post a Comment