Saturday 31 August 2019

પર્યાવરણ અને આપણે,


પર્યાવરણ અને આપણે,




આપણે આર્યો એવુ માનીએ છીએ કે કુદરત થી મોટું કોઈ નથી. આપણે સ્વભાવથી પ્રકૃતિ-પ્રેમી પ્રજા છીએ. પ્રાચીન સમયથી આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. આપણાં સૌ માટે નદી,સાગર,વૃક્ષ,પશુ,પક્ષી પર્વત આકાશ,સૂર્ય, ચંદ્ર આદી બહુ અગત્યની બાબતો છે. આપણે પ્રકૃતિના આ દરેક તત્વને પૂજીએ છીએ. એને માન,સન્માન આપતા હતા. તમને થશે કે આપતા હતા કેમ લખ્યું? હવે આપણે કુદરતના આ તમામ તત્વોને માન-સનમાન આપવાનું ભૂલી ગયા છીએ. અરે આપણે કુદરતથી જેટલા નજીક હતા એટલા જ દૂર થઈ ગયા છીએ.સ્વામી દયાનંદ સરસ્વતીએ જેમ લોકોને વેદો તરફ પાછા વળો એવુ સૂત્ર આપ્યું હતું એમ આપણે કુદરત તરફ પાછા વળો એ સૂત્ર જીવનમાં ઉતારવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજિના આ યુગમાં આપણે આપણા આ પ્યારા મિત્રોને સાવ ભૂલી ગયા છીએ. વિકાસની આંધળી દોટમાં આપણે આ ઉપયોગી મિત્રો તરફ જાણે જોવાનું જ ભૂલી ગયા છીએ. પ્રકૃતિના આ તમામ તત્વો આપણને સાદ પાડી પાડી બોલાવી રહ્યા છે,પણ આપણે ઘોંઘાટ વચ્ચે કશું જ સાંભળી રહ્યા નથી. આપણે આપણી અવિચારી પ્રવૃતિઓ થકી આ કુદરતથી એટલા બધા દૂર ચાલ્યા ગયા છીએ કે છેલ્લે આપણે પક્ષીઓનો કલરવ ક્યારે સાંભળ્યો હતો એ પણ યાદ નથી! ક્યારે કોઈ વૃક્ષની છાયા નીચે બેસી આપણે વૃક્ષ સાથે સંવાદ કર્યો હતો એ પણ આપણને યાદ નથી!  અરે આ ભાગ-દોડમાં આપણે ક્યારે છેલ્લે આકાશ તરફ જોયું હતું એ પણ યાદ નથી. કુદરત સાથેનો આપણો સંબંધ ધીમે- ધીમે સાવ છૂટતો જાય છે.
 હવે આ બાબતની બીજી સાઈડ જોઈએ. આપણે મૂળ છીએ તો પ્રકૃતિના જ સંતાનો, એટલે એના વિના રહી તો શકીએ જ નહીં! તો આપણે શું કરી રહ્યા છીએ, ઓરિજિનલ પ્રકૃતિને ભૂલતા રહીએ છીએ અને પછી ડુપ્લિકેટ પ્રકૃતિ પાછળ દોડતા રહીએ છીએ. ના સમજાયું, ચાલો સમજીએ. આપણે વૃક્ષો કાપી જંગલોનું પ્રમાણ ઘટાડી નાખ્યું, જંગલો અત્યારે આપણી પાસે હોવા જોઈએ એના કરતાં સાવ ઓછા છે, અને હવે આપણે ઓરિજિનલ જંગલો છોડી, સફારી પાર્ક અને જુદા જુદા રીસોર્ટમાં ફરતા રહીએ છીએ, હકીકત તો એ છે કે આવી જગ્યાએ ફરવાના આપણે ખૂબ ઉચ્ચા ચાર્જ ચૂકવતા હોઈએ છીએ. છીએ ને આપણે પણ કમાલ! ઈશ્વરે બનાવેલું બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ! નદી, તળાવ, નાળા, ઝરણા દરિયાઓ આ બધુ જ આપણને ઈશ્વરે આપ્યું છે, છતા આપણે આ બધુ છોડી સ્વિમિંગ કરવા વોટર પાર્કમાં દોડીએ છીએ. એ પણ પૈસા આપીને. વરસાદ આવે છે, ત્યારે ઘરમાં કે ઓફિસમાં બેસી રહીએ છીએ અને પછી રેન-ડાંસના પૈસા ચૂકવીએ છીએ. લોકો વૃક્ષોને કાપતા રહે છે, પણ પછી વૃક્ષોનો આનંદ માણવા રીસોર્ટનો સહારો લે છે. એ પણ હજારો રૂપિયા ખર્ચીને. છે ને કમાલ! કુદરતે આપણને સઘળું ઓરિજિનલ આપ્યું છે, પણ આપણે એને સમજી શકતા નથી. હકીકતમાં તો આપણે સૌ કુદરતને છોડી કુદરત તરફ દોડતા રહીએ છીએ.
લોકો પર્યાવરણ ને નુકસાન ના પહોચાડે એટલે આપણે તેને ધર્મ સાથે જોડી દીધું તો લોકો એ ભૂલી ગયા કે ધર્મ એટલે પર્યાવરણ ની જાળવણી! એને બદલે આપણે ધર્મ જાળવવા માંડ્યા અને પર્યાવરણ ને ભૂલી ગયા! વૃક્ષને આપણે પૂજીએ છીએ પણ એને કપાતા અટકાવી શકતા નથી. ક્રોકિંટ ના જંગલોમાં વૃક્ષોના જંગલો તો જાણે સાવ ખોવાય જ ગયા છે. નદીઓને આપણે માતા માનીએ છીએ પણ માતા જેવુ સન્માન આપી શકતા નથી. નદીઓના ઘાટ આપણે એટલા બધા ગંદા કરી મૂક્યા છે કે એને પવિત્ર કેમ માનવા એ જ પ્રશ્ન છે. જેને આપણે પવિત્ર માનીએ છીએ એને જ આપણે જાળવી શકતા નથી. દરિયાઓની પણ એ જ હાલત છે.  પર્વતો પણ પ્રદુષિત થવામાથી બાકાત નથી. પર્વતારોહકો સાથે જે કચરો લઈ જાય છે,એ ત્યાં જ છોડ્તા આવે છે, અને પરિણામે એ પણ આપણી બેદરકારીનો ભોગ બની ચૂક્યા છે. આપણી બેદરકારીએ પશુ-પક્ષીઓનો પણ એટલો જ ભોગ લીધેલ છે. એના રહેઠાણ એવા જંગલોને આપણે આડેધડ કાપી રહ્યા છીએ. કોઈ આપણું ઘર તોડી નાખે તો આપણી શું હાલત થાય? જો કે એવી સંવેદનાઓ અનુભવવાનો સમય આજે આપણી પાસે રહ્યો નથી. હકીકત તો એ છે મિત્રો કે મશીન સાથે રહી આપણે પણ મશીન જેવા બની ગયા છીએ. કુદરત વિષે વિચારી શકીએ એવી સંવેદના જ આપણામાં રહી નથી. કુદરત સાથે પણ આપણો કોઈ સંબધ છે, એ આપણે સાવ ભૂલી ગયા છીએ. જંગલો કપાવાને લીધે પશુ-પક્ષીઓના કુદરતી રહેઠાણો તૂટી રહ્યા છે. પણ આપણે શું? આપણે તો આપણા ઘરોમાં સુરક્ષિત છીએ ને?
પર્યાવરણનું એકે એક તત્વ આપણાથી ત્રસ્ત છે. જમીન, હવા,અવકાશ,પાણી પ્રત્યેક જગ્યાએ આપણે પ્રદૂષણ ફેલાવી દીધું છે. આપણે જ્યાં જયા પહોચ્યા છીએ પ્રદૂષણ ફેલાવી દીધું છે. આપણી પૃથ્વી ને આપણે રહેવાલયક રહેવા દીધી નથી. આપણે સૌ અંદરથી જાણીએ છીએ કે કુદરત વિના આપણે ચાલવાનું નથી પણ વિકાસની દોટે આપણને બધૂ જ વિસરાવી દીધું છે. પર્યાવરણની સુરક્ષા માટે આપણે કેટલાયે દિવસો ઉજવીએ છીએ, પણ આપણે એ નથી સમજતા જે પર્યાવરણ આપણી આસપાસ કાયમ રહે છે, એને જાળવવાની આપણી જવાબદારી પણ કાયમની હોય છે. જેટલા આપણે પર્યાવરણ ની નજીક રહી એને જાળવીશું એ પૂરા વળતર સાથે આપણને મળવાનું છે. વૃક્ષ વિનાના જીવન અને માનવની કલ્પના થઈ શકે એમ નથી. છતા આપણે સમજતા નથી. પર્યાવરણની ચિંતા કરનારાઓ, સરકાર, છાપાવાળા,સોસિયલ મીડિયા વાળા બધા જ આપણને વારંવાર યાદ અપાવતા રહે છે, પણ આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી એકપણ જવાબદારી નિભાવતા નથી. કોઈનું નહીં માનવાનું એ આપણે સૌએ નક્કી કરી લીધું છે. કેમ ખરું ને? આપણે સૌ કાલિદાસની જેમ એ જ ડાળ કાપી રહ્યા છીએ, જેના પર આપણે સૌ બેઠા છીએ. હજી મોડુ નથી થયું. જો આપણે બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરી પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજો નિભાવીશું તો આપણે આપણા આ મિત્રને પાછો મેળવી શકીશું.
પ્લાષ્ટિક જેવા ખતરનાક પદાર્થોનો આપણે ત્યાગ કરવો પડશે, વૃક્ષો ઉગાડી ઉછેરવા પડશે, પાણીને ગંદુ થતું અટકાવવું પડશે, હવા શુધ્ધ રાખવાના પ્રયાસો કરવા પડશે, પશુ-પક્ષીઓ સાથેની આપણી જૂની મિત્રતા પાછી કેળવવી પડશે, ધરતીમાતાનું ધોવાણ અટકાવવું પડશે, જ્યાં ત્યાં કચરો ફેકવાનું બંધ કરવું પડશે, સાઇકલ ચલાવવાનું ફરીથી શરૂ કરવું પડશે,આપણી પર્યાવરણ પ્રત્યેની તમામ ફરજો આપણે નિભાવવાનો સમય આવી ગયો છે. હવે નહીં જાગીએ તો આ આપણો મિત્ર આપણાથી કાયમ રિસાય જવાનો છે. ચાલો સૌ સાથે મળી પ્રકૃતિનો નાદ સાંભળીએ અને પ્રકૃતિ સાથે જીવવાની ટેવ પાડીએ. પ્રકૃતિ આપણને બધુ ફ્રીમાં આપે છે, છતાં એનું મુલ્ય સમજીએ અને તેના પ્રત્યેનું ઋણ ચૂકવીએ. ઈશ્વરે આપેલી બુધ્ધિનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.
ચાલો આપણો બેસ્ટ ફ્રેન્ડ આપણને બોલાવી રહ્યો છે. આપણે સૌ એના વિના અધૂરા છીએ.



1 comment:

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...