Monday 31 May 2021

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

 

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

165 Best strong women quotes (2021) - Minequotes

   સ્ત્રી, એક એવી ફીલિંગ છે, જેને પુરુષો પણ ફીલ કરવા માંગતા હોય છે. ઈશ્વરે સ્ત્રીઓને જે કેટલીક ખાસિયતો આપી છે, તેના થકી તે દુનિયામાં આધ્ય-શક્તિ તરીકે પૂજાય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને વિકસવાની પૂરતી તકો પણ મળી રહેતી. આપણી આર્ય-સંસ્કૃતિ માતૃ-પ્રધાન હતી, આપણા ઉપનિષદોએ પણ સ્ત્રીઓને સુખી રાખવાની વાત કહી છે, જો કે કેટલાક સંપ્રદાયોએ સ્ત્રીઓને મોક્ષ-પ્રાપ્તિ માટે પોતાનાથી દૂર રાખેલ છે. તેઓના માટે સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે. સ્ત્રીઓ સાથે હોય તો ધર્મના રસ્તે જઇ શકાતું નથી. જો કે આપણા ઋષિમુનિઓએ ક્યારેય એવું નથી વિચાર્યું કે સ્ત્રીઓને સાથે રાખીશું તો ઈશ્વર સાથે સંવાદ નહીં થઈ શકે!  પણ કેટલાક ધર્મગુરુઓએ સ્ત્રીઓને પોતાના સંપ્રદાયથી દૂર રાખી છતાં આજે જુઓ ધર્મ તરફ આજે પણ સ્ત્રીઓ જ વધુ વળેલી છે!  સ્ત્રીઓને સાથે રાખવાથી ઈશ્વર મળે કે ના મળે? આ પ્રશ્ન પણ ચર્ચા કરીએ તો ઘણા ધર્મોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા છતી થઈ જાય. પણ આપણે વિવાદ નહીં સંવાદ જોઈ છીએ, અને એટલે જ બહુ સરળ શબ્દોમાં આપણે આજે સ્ત્રીઓના ચારિત્ર્ય બાબતે વાતો કરીશું. આમપણ ઘણા લોકો માટે આ સ્ત્રી-ચારિત્ર્ય બહુ જ ગમતો અને ચર્ચાસ્પદ વિષય છે! હકીકત તો એ છે કે સ્ત્રીઓના ચારિત્ર્યને સર્ટિફિકેટ આપવાનું કે તેને લેબલ મારવાનું કામ દરેક સમાજે પોતાની હસ્તક લઈ લીધેલું છે.

સ્ત્રી માટે ચારિત્ર્ય સૌથી અમૂલ્ય ફીલિંગ છે, એવું આપણો સમાજ માને છે, તમે ભણેલા છો, અભણ છો, તેની બહુ અસર સ્ત્રીઓ પ્રત્યેના અભિગમમાં પડતી નથી. શિક્ષિત લોકો વધુ ભ્રૂણ-હત્યાઓ કરે છે એ આ વાતની સાબિતી છે. વેલ આપણે વળી ચારિત્ર્ય તરફ વળીએ. જ્યારે પુરુષ-પ્રધાન સમાજમાં કોઈ પુરુષને એવું લાગે કે આ સ્ત્રી પોતાના કરતાં આગળ વધી જાય તેમ છે તો તેઓ માટે આ ચારિત્ર્ય વાળું લેબલ વાપરવું ખૂબ જરૂરી બની જાય છે. સ્ત્રીની શક્તિઓને રોકવા આ સર્ટિફિકેટનો ઉપયોગ થતો જ રહે છે. કોઈ સ્ત્રી બિન્ધાસ્ત છે, કે કોઈ સાથે ફ્રીલી બોલે છે તો પણ આ લેબલ વપરાતું રહે છે.

પ્રેમની પ્રથમવાર અભિવ્યક્તિ પુરુષોનો ઇજારો હોય એવું લાગી રહ્યું છે. કોઈ સ્ત્રી કોઈ પુરુષ પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી જ કેમ શકે? જો તે એવું કરી રહી છે, તો એના ચારિત્ર્યમાં પ્રોબ્લેમ છે, એવું સૌને લાગે છે. મજાની વાત તો એ છે કે ખુદ સ્ત્રીઓ પણ સ્ત્રીઓ માટે આ લેબલ વાપરવાનું ચૂકતી નથી. કોઈ પુરુષ પોતાને ગમતી સ્ત્રીને મેળવી નથી શકતો ત્યારે તો આ સર્ટિફિકેટ ફરજિયાત બની રહે છે. પુરુષ જે સ્ત્રીને મેળવી શકતો નથી, તેના ચારિત્ર્યનો તો તે ચોકીદાર બની જાય છે. આવી સ્ત્રીઓને કેમ કરીને ચારિત્ર્યના નામે ઉતારી પાડવી એ મોકો તેઓ શોધતા જ રહે છે.

સ્ત્રીનું ચારિત્ર્ય, સ્ત્રીઓના વિકાસ આડે આવતો એટલો મોટો અવરોધ બની ચૂક્યું છે કે સ્ત્રીઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાય પણ એ અવરોધ તેને મૂકતો નથી. જે સમાજને સ્ત્રીના ચારિત્ર્યની આટલી બધી ચિંતા છે, તે જ સમાજ સ્ત્રીઓને ચારિત્ર્યના નામે બદનામ કરવાનો એકપણ મોકો મૂકતો નથી. મને ઘણીવાર એવું લાગે છે કે સ્ત્રીઓને જ ચારિત્ર્ય હશે! પુરુષોમાં ઈશ્વરે એ ફીલિંગ નહીં મૂકેલી હોય! પુરૂષોને ચારિત્ર્ય જેવુ કશું નહીં હોય! કેમ પુરુષોના ચારિત્ર્યને લઈને આપણે એટલા બધા સેન્સિટિવ નથી હોતા. જે સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે લોકો બોલતા હોય છે, તેઑ પાસે જતાં સારામાં સારા ઘરના પુરુષો પણ અચકાતાં હોતા નથી. ભદ્ર સમાજના પુરુષો આવી સ્ત્રીઓથી પોતાના સમાજની સ્ત્રીઓ દૂર રહે તેવું ઇચ્છતા હોય છે, પણ પોતે દૂર રહી શકતા નથી. જે સમાજ ગણિકાઓને સ્વીકારે છે, તેઓને સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે બોલવાનો કોઈ અધિકાર હોય છે ખરો! કેટલીયે સ્ત્રીઓના લગ્ન-જીવન આ સેક્સ-વર્કર્સને લીધે ટકી રહેતા હોય છે.

  રામ ભગવાને આદર્શ રાજા તરીકે સ્થાપિત થવા સીતાની લીધેલી અગ્નિપરીક્ષા એ હું માનું છુ ત્યાં સુધી સ્ત્રીઓના ચારિત્ર્યની પ્રથમ પરીક્ષા હતી, જેને આજ સુધી આપણો સમાજ અનુસરી રહ્યો છે. પોતાની પ્રજાના સુખ માટે સીતાને ત્યાગી દેનાર રામ એ પુરુષનું પ્રતિક બની ગયા જેઓ આજના સમયમાં લોકોની વાત સાંભળી સ્ત્રીઓને બદનામ કરવાનો એકપણ મોકો મૂકતાં નથી. આપણે કદી કોઈ ગ્રંથોમાં વાચ્યું કે ચારિત્ર્ય ને લીધે કોઈ સ્ત્રીએ કોઈ પુરુષનો ત્યાગ કર્યો હોય કે તેની અગ્નિપરીક્ષા લીધેલી હોય. રામરાજ્યનું ક્રેડિટ રામને મળ્યું, પણ તેના પાયામાં સિતાનો ત્યાગ હતો. દરેક સ્ત્રીઓને સીતાની જેમ ધરતીમાં સમાય જવાનું સદભાગ્ય નથી મળતું. સ્ત્રીઓએ તો પોતાના ચારિત્ર્યને સફેદ વસ્ત્રોની જેમ સાચવતા સાચવતા જ જીવવું રહ્યું. સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી પેલા સંઘર્ષની શરૂઆત છે!

ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે થતી છેતર-પિંડી એ જ સમાજમાં કુંવારી-માનું સર્જન કર્યું છે. એક સ્ત્રી માટે આ લેબલ કેટલું ઘાતક હોય છે, આપણે સૌ જાણીએ જ છીએ. ચારિત્ર્યને સ્ત્રીઓના પોશાક સાથે પણ જોડી દેવામાં આવે છે. અને એટલે જ સ્ત્રીઓને શું પહેરવું જોઈએ? અને શું નહીં? એ પણ આપણો સમાજ જ નક્કી કરી આપે છે. પુરુષો સ્ત્રીઓમાં શું જુએ છે? એની ચર્ચા કોઈ કરતું નથી, પણ સ્ત્રીનું ક્યૂ અંગ ક્યાં પોશાકમાં કેવું લાગે છે? એ ચર્ચાઓ થતી જ રહે છે. નોકરી કરતી સ્ત્રીઓ માટે કે કોઈ ક્ષેત્રમાં આગળ આવવા મથતી સ્ત્રીઓએ તે ડગલે ને પગલે ચારિત્ર્યની અગ્નિ-પરીક્ષા આપતી જ રહેવી પડે છે!  ઘરમાં પુરુષ કામ કરી પૈસા ના લાવતો હોય અને સ્ત્રીઓને કમાવવા નીકળવું પડે એવા સંજોગોમાં પણ આ ચારિત્ર્ય પીછો છોડતું નથી!

પોતાના કરતાં સ્ત્રીઓને આગળ જતી રોકવા માટે પુરુષો પાસે આ હથિયાર હમેંશા હાથવગું હોય છે. ઘણીવાર તો છુટ્ટા-છેડા લેવા માટે પણ આ હથિયારનો ભરપૂર ઉપયોગ થાય છે. આપણે સૌ સ્ત્રીઓને ચારિત્ર્ય અંગેનું લેબલ આપી દેવા તત્પર હોઈએ છીએ, પણ આ લેબલ કેટલીયે સ્ત્રીઓના જીવનની પ્રગતિને અટકાવી દેતા હોય છે, તે આપણે સમજતા નથી કે પછી સમજવા માંગતા નથી. દર્દ તો એ વાતનું છે કે સ્ત્રીઓ પોતે પણ બીજી સ્ત્રીઓ વિષે આવા સર્ટિફિકેટ લઈ ફરતી હોય છે. અને આ દર્દની દવા આપણે ચંદ્ર અને મંગળ પર જઈ આવ્યા તોપણ હજી મળી નથી.

આપણે વૈચારિક રીતે બહુ બદલાતા નથી ઘણીવાર એવું લાગ્યા વિના રહેતું નથી. એટલિસ્ટ સ્ત્રીના ચારિત્ર્ય વિશેના આપણા વિચારો હજી બદલાયા નથી. પ્રત્યાયન માટે આપણે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણા વિચારો હજી લેટેસ્ટ નથી થયા! સોસિયલ મીડિયા પર થોડા સારા વાક્યો કે વિચારો મૂકી દેવાથી કશું થતું નથી. જ્યાં સુધી એ વિચારો કે વાક્યો અમલમાં મૂકાતા નથી, આપણે સ્ત્રીઓના ચારિત્ર્ય સાથે કદી સમાધાન સાધી શકવાના નથી.

બાકી સ્ત્રી તરીકે આપણે સૌ યાદ રાખીએ શું? સ્ત્રીઓ ના ચારિત્ર્ય વિષે મોટી મોટી વાતો લખી સમાજે તમામ જવાબદારીઓ સ્ત્રી પર મૂકી દીધી છે, લગ્ન-જીવન જાળવી રાખવાની, વિધવા તરીકે જીવન જીવવાની,  કુંવારી માના લેબલ સાથે જીવવાની, etc. etc. આપણે જવાબદારીઓ નિભાવીએ પણ આપણા ચારિત્ર્ય વિષે ચર્ચા કરવાની કે એ ચર્ચાને મહત્વ આપવાની છૂટ કોઈને ના આપીએ.

સ્ત્રીઓનું ચારિત્ર્ય સ્ત્રીઓની અંગત મિલકત છે, અને એના પર ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. ખુદ ઈશ્વરને પણ નહીં, કે કોઈ ધર્મ અને સંપ્રદાયને પણ નહીં! 

100 Strong Women Quotes to Encourage you with Powerful Images


 

No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...