વેક્સિન,અંધ-શ્રદ્ધા,અફવાઓ અને આપણે,
ગામમાં ચોરે બધા બેઠા છે, કોરોનાની વાતો થઇ રહી હતી. બધા પોત-પોતાની રીતે કોરોના વિષે જ્ઞાન પીરસી રહ્યા હતા. એવામાં કોઈએ કહ્યું, હવે તો કોરોનાની વેક્સિન આવી ગઈ છે. આપણે બધાએ લઇ લેવી જોઈએ. ત્યાંતો એક ભાઈ બોલ્યાં નાં હો, વેક્સિન લેવાથી તો કોરોના થાય છે, તો બીજાએ કહ્યું વેક્સિન લેવાથી મરી જવાય, વળી કોઈ બોલ્યું એ તો વડા-પ્રધાનની ચાલ છે, વેક્સિન આપી એ બધાને મારી નાખવા માંગે છે. એ જ્ઞાન-સભાના અંતે નક્કી થયું કે કોઈ વેક્સિન નહી લે!
શાળાનાં સ્ટાફ-રૂમમાં સૌ બેઠા છે. સ્ટાફ બેઠા બેઠા વાતો કરી રહ્યો છે, કોરોનાની જ વાતો આજ-કાલ તો હોટ-ટોપિક છે. એમાં પણ એક વ્યક્તિએ કહ્યું, વેક્સિન નાં લેવાય હો, એની બહુ આડ-અસર થાય છે. મેં કાલે જ છાપામાં વાંચ્યું હતું કે એક જગ્યાએ વેક્સિન લીધા બાદ એક મહિલાનું મૃત્યુ થઇ ગયું. તો બીજાએ કહ્યું હા હો, અમારા ગામમાં પણ કાલે વેક્સિન લીધા બાદ એક ભાઈને તાવ આવી ગયો. અને દવાખાને લઇ જવા પડ્યા. ત્યાં તો કોઈકે કહ્યું એ તો વેક્સિન લીધા બાદ તો તાવ આવે જ ને! નાનાં બાળકોને નથી આવતો? વારાફરતી બધાએ પોતાના વેક્સિન વિશેના અભિપ્રાયો રજુ કરી દિધા. અને એમાંથી પણ ઘણા બધાએ વેક્સિન નહી લેવાનાં સમ ખાઈ લીધા.
અત્યારે લોકોમાં કોરોનાની વેક્સિન વિશે, ચર્ચાઓ થતી જ રહે છે. લેવાય કે નાં લેવાય? એ રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે. સરકાર ઈચ્છે છે કે લોકો વેક્સિન લઇ લે, પણ લોકોનો એક બહુ મોટો ભાગ આ બાબત સમજવા માંગતો જ નથી! કોણ જાણે? કોણ? આવી અફવાઓ ફેલાવી રહ્યું છે. ૧૦૦૦ લોકો વેક્સિન લે ત્યારે ૩/૪ લોકોને કદાચ આડ-અસર થાય છે. એ સાજા પણ થઇ જાય છે. છતાં લોકો વેક્સિન લેવા તૈયાર નથી. અભણ, ભણેલાઓ બધા જ અત્યારે અફવાઓ અને અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં મશગુલ થઇ ગયા છે. કોરોનાની બીજી લહેર આવ્યાં પહેલાં તો લોકોને સમજાવી સમજાવી થાક્યા,મોટા ભાગનાં વેક્સિન લેવા તૈયાર નાં થયા. અને બીજી લહેર પછી...... એમ હતું કે હવે લોકો હોંશે હોંશે વેક્સિન લઇ લેશે. પણ એવું નાં થયું! ખરેખર ભારત આશ્ચર્યોનો દેશ છે!
આજે છાપું વાંચ્યું, હેડીંગમાં જ લખેલું હતું કે ગામડાઓમાં લોકો અંધ-શ્રદ્ધા અને અફવાઓને લીધે વેક્સિન નથી લઇ રહ્યા. હવે વિચારો આપણો મોટો લોક-સમુદાય ગામડાઓમાં વસે છે, અને જો તેઓ જ વેક્સિન નહી, લે તો આપણે કોરોના સામે કેમ લડી શકીશું? ખબર નહી પણ કેમ? આપણા દેશમાં કોઈપણ કુદરતી કે કૃત્રિમ આફત વખતે આવી અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ ક્યાંથી આવી જાય છે? ક્યારેય તો એવું લાગે કે આપણો દેશ અફવાઓ અને અંધ-શ્રદ્ધાનો દેશ બની રહી ગયો છે! કોઈ કશું સમજવા જ તૈયાર નથી. આજના છાપાનાં આંકડાઓ એવું કહે છે કે જિલ્લાનાં ૬૫૦ ગામોમાંથી ૯૮ ગામોમાં ૨૦% થી ઓછુ વેક્સીનેશન થયું છે. કોરોના રોકવા લોકો નાળીયેરના તોરણ બાંધે છે, પણ વેક્સિન મુકાવતાં નથી! માતાજી એ નાં પાડી છે, એટલે વેક્સિન નહી લઈએ. રોજા છે, એટલે વેક્સિન નહી લઈએ. વગેરે વગેરે...
વળી ઘણા તો એવું કહે છે કે ‘કોરોના છે જ નહિ!’ હવે આને કોણ સમજાવે? આખું વિશ્વ આજે આ મહામારીનો સામનો કરી રહ્યું છે ને આ લોકોને કોરોનાનું અસ્તિત્વ જ દેખાતું નથી. અરે યાર અમુક ગામનાં લોકોએ તો એવું કહ્યું કે હિંદુ અને મુસ્લિમ માટેની રસી અલગ-અલગ છે, એટલે રસી નહી લઈએ. હા આપણે એકવીસમી સદીમાં જ જીવી રહ્યા છીએ, જ્યાં રસી-વિજ્ઞાન કરતા પણ વધારે અસર હજી અંધ-શ્રદ્ધાની છે! ઓશો એવું કહેતા કે “ ડર સૌથી મોટો વાયરસ છે” અને મિત્રો ખાસ યાદ રાખજો ડરમાંથી જ અંધ-શ્રદ્ધા જન્મે છે. હકીકત તો એ છે કે આપણા ડરે જ આપણને ધર્મની સાચી પરિભાષા સમજવા નથી દીધી. લોકોને તેઓના હિત માટે સમજાવવા પડે એવી વિચિત્રતા તો આ દેશમાં જ શક્ય બને!
આપણા ગામડાઓ શા માટે અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓના વિષ-ચક્રમાંથી બહાર નથી આવતાં? આ સંશોધનનો વિષય છે. હજી આજે પણ લોકો રોગોની સારવાર કરાવવા ભૂવાઓ અને બાવાઓ પાસે જતાં હોય છે. દોરા-ધાગાઓ વડે હજી આજે પણ આપણો ગ્રામ્ય-સમાજ અને અમુક માત્રામાં શહેરી સમાજ બંધાયેલો છે. વિજ્ઞાન ભલે વિશિષ્ટ જ્ઞાન આપે, પણ આપણે હજી એ વિશિષ્ટ જ્ઞાનનું મહત્વ સમજી શક્યા નથી. આપણે ટેકનોલોજીકલ રીતે ભલે ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ પણ અંધ-શ્રદ્ધાઓ અને અફવાઓ બાબતે હજી એટલાં જ..... પછાત છીએ. હવે લોકો સોસીયલ-મીડિયા દ્વારા પણ આ કચરો ફેલાવી રહ્યાં છે. અને આપણે સૌ પાસ પણ કરી રહ્યાં છીએ! વિવેક-બુદ્ધિ બહુ અગત્યની બાબત છે. પણ અફસોસ આપણે એનો ઉપયોગ કરતાં હોતાં નથી.
અંધ-શ્રદ્ધા માન્યતાઓની જેમ આપણા મનમાં ઘર કરી ગઈ છે. બિલાડીને અને આપણા જવાને કોઈ સંબંધ નથી હોતો, પણ છતાં હજી બિલાડી આડી ઉતરે તો બહાર જવાનું કે એ રસ્તેથી જવાનું ટાળતાં રહે છે. સૂર્ય-ગ્રહણ, ચંદ્ર-ગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓને પણ આપણે અંધ-શ્રદ્ધાના દાયરામાં કેદ કરી દીધી છે. પેડમેન મુવીમાં પેડમેન તેની પત્નીને પેડ લાવી આપે છે, પણ પેલી ખર્ચો વધી જવાથી એ પેડનો ઉપયોગ નથી કરતી, પણ ભગવાનના મંદિરમાં મુકવા પૈસા વાપરી શકે છે. આપણે સૌ આવા જ છીએ, આપણે સ્વાસ્થ્યને પણ અંધ-શ્રદ્ધા સાથે જોડી દેતાં હોઈએ છીએ. ધર્મ-સ્થાનોમાં જતું દાન જો જરૂરી જગ્યાએ વપરાય તો.... આપણા ઘણા આર્થિક પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે. આવી ઘટનાઓ શ્રદ્ધાના દાયરામાં આવે કે અંધ-શ્રદ્ધાના! એ તમારે નક્કી કરવાનું?
અફવાઓ અને અંધ-શ્રદ્ધાઓ પાછળ આપણે ‘માનવતા’ પણ ભૂલી જતાં હોઈએ છીએ. વેક્સિન એ બીજું કઈ નથી, પણ જે તે રોગના મૃત જીવાણુંઓ જ છે, જે આપણા શરીરમાં એન્ટી-બોડી બનાવવા આપણને આપવામાં આવે છે. વેક્સિન ને લીધે જ આજે આપણે શીતળા,મલેરિયા,પ્લેગ, પોલીયો, ફ્લુ, કોલેરા, ડીપ્થેરીયા,ક્ષય, વગેરે જેવા રોગોથી માનવ-જાતને બચાવી શક્યા છીએ. કોઈ વેક્સિન લેવા તૈયાર થતું હોય, તેને રોકતાં નહી. અને તમે પણ લઇ લેજો. કોઈને નડીએ નહી, એ પણ મોટી સમાજ-સેવા જ છે. અને હા કોઈપણ રોગની સારવાર માટે ભૂવા કે બાવા પાસે નહી, પણ ડોક્ટર પાસે જજો.
તમે ભલે ખોટું નથી કર્યું,પણ તમારા જીવન સાથે ખોટું નાં થાય એટલા માટે પણ વેક્સિન લઇ લેજો....
No comments:
Post a Comment