Tuesday, 28 December 2021

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પેપર ફોડવાનું કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું? -  BBC News ગુજરાતી


             આજના યુવાનો અને યુવતીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા, બોર્ડની પરીક્ષા કે યુનિવર્સિટીની પરીક્ષા આપીને આવે, એટલે એ પેપર સોલ્વ કરવાને બદલે પેલો પ્રશ્ન એ પૂછે છે કે “પેપર ફૂંટયુ તો નથી ને?’’

   પેપર દઈને ઘરે પહોંચી વિદ્યાર્થીઓ માર્ક્સ ગણે, તેને એવું લાગે કે આ વખતે મારૂ સીલેકશન થઈ જશે, એ ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોવા લાગે, ત્યાં તો સોસિયલ-મીડિયામાં પેપર ફૂંટયાના સમાચાર વાંચીને કે સાંભળીને કે જોઈને તે ઊંડા અંધારામાં જતાં રહે છે. ઘણા વિદ્યાર્થીઓ તો હતાશ કે નિરાશ થઈને આત્મ-હત્યા સુધી પણ પહોંચી જતાં હોય છે. જે પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરતાં હોય છે, સખત પરિશ્રમ કરતાં હોય છે, એ પરીક્ષાનું પેપર ફૂંટી જતાં તેઓ કેટલું કેટલું ગુમાવી દેતાં હોય છે, એ તો તેઓ જ જાણી શકે છે!

  વહેલી સવારે ઊઠીને કડકડતી ઠંડીમાં દોડવાથી લઈને આખી આખી રાતના ઉજાગરા કરીને યુવાનો અને યુવતીઓ એ પરીક્ષાની તૈયારી માટે પોતાના બધા મોજ-શોખને થોડા સમય માટે બ્રેક મારી દેતાં હોય છે. તેઓના અથાક પરિશ્રમ બદલ જ્યારે તેઓને આવું પરિણામ મળે છે, એ પણ કેટલાક અસામાજિક કે વગ ધરાવતા લોકોને લીધે, ત્યારે તેઓનું મોરલ એકદમ તળિયે આવી જતું હોય છે. તેઓનો ઉત્સાહ તૂટીને રાખ થઈ જતો હોય છે. એમાં પણ વિચારો જેઓનું પેપર સારું ગયું હોય છે અને જેઓને મેરિટમાં આવી ગયાનો પૂરેપૂરો વિશ્વાસ છે, એ લોકોનું શું?

નીટ, ટેટ,એલ.આર.ડી. હેડ-ક્લાર્ક, યુનિવર્સિટીની પરિક્ષાના પેપર્સ, બોર્ડની પરિક્ષાના પેપર્સ, લિસ્ટ હજી લાંબુ છે. કેટલાક લોકો જે ટૂંકા રસ્તા દ્વારા સફળ થઈ જવા માંગે છે, તેઓ પૈસા અને લાગવગના જોરે આવી મહત્વની પરિક્ષાના પેપર્સ લીક કરીને લાખો વિદ્યાર્થીઓના ભાવીને અંધકારમાં ધકેલી દેતાં હોય છે. એક એક પ્રશ્ન માટે મથતા વિદ્યાર્થીઓ અને એક જ ઝાટકે આખું પેપર મેળવી લેતા વિદ્યાર્થીઓ.... ઘણીવાર જ્યારે પેપર ફૂંટયાની કોઈને ખબર ના પડે, અને પેલા વગ અને પૈસાદાર પિતાજીઓના સંતાનો એ પદ માટે પસંદ થઈ જાય તો પછી આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકીશું એ જ ભૂલી જવાનું! એ લોકો આવા અગત્યના સ્થાન પર પસંદ થઈ પછી શું કરવાના? મને નથી લાગતું કે આ પ્રશ્નનો જવાબ મારે અહી લખવો પડે. આપણને બધાને ઘણીવાર કોઈ વ્યક્તિને અમુક ઊંચા સ્થાને જોઈને સવાલ થતો જ હોય છે કે “ આની પસંદગી કોણે કરી?”

છાપામાં પેપર ફૂંટયા બાદ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ વાંચીએ કે ટી.વી. પર જોઈએ ત્યારે ખ્યાલ આવે તેઓ કેવા હતાશ થઈ જતાં હોય છે. જે શિક્ષણ પાછળ તેઓ પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો રોકે છે, એ શિક્ષણ જ તેઓ માટે હતાશા અને નિરાશાનું કારણ બની રહે છે! એક પરીક્ષા પાસ કરવા હોશિયાર અને પ્રમાણિક વિદ્યાર્થી રોજના સરેરાશ 10થી12 કલાક વાંચન અને લેખન કરતો હોય છે, એ બધુ જ પેપર ફૂંટી જવાથી વ્યર્થ થઈ જતું હોય છે. પોતાના ખિસ્સા ભરવા જે લોકો આવું કામ કરે છે. તેઓને સજા કરવાની કોઈ ઠોસ જોગવાઇઓ આપણા કાયદાઓમાં છે ખરી? હકીકત તો એ છે કે આમાં એવા મોટા મોટા માથા ફસાયેલા હોય છે, કે આવી રીતે પેપર ફૂંટયાની જાણ થતાં જ તેઓ તો જાણે ક્યાંક ખોવાઈ જ જતાં હોય છે.

 આ બધુ કરવામાં ઘણા લોકો ફસાયેલા હોય છે, પણ સજા માત્ર થોડા લોકોને અને એ પણ નજીવી જ થતી હોય છે. આથી જ તો એક પછી એક એમ જુદી જુદી પરીક્ષાઓના પેપર્સ ફૂટયે જ જાય છે. થોડા દિવસો સોસિયલ મીડિયામાં હોબાળો થાય છે અને પછી પરીક્ષાની નવી તારીખો આવતા બધુ જ થાળે પડી જાય છે. જેમણે પેપર ફોડયા તેઓને શું સજા થઈ? એમાથી કેટલાને આકરી સજા થઈ? એ બાબત જ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. કોઈપણ ક્ષેત્રમાં નવી દાખલ થયેલી પરીક્ષા તેઓ માટે કમાવાનું જાણે કે માધ્યમ બની ગઈ છે! એક એક પેપર કેટલામાં વેચાયું? તેના આંકડા જાણીએ ત્યારે આશ્ચર્ય થાય કે આવી પરીક્ષાઓ પણ કેટલી લક્ઝરીયસ બની ગઈ છે!

છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં તો જાણે પેપર ફૂંટવું એ રૂટિન ઘટના બની ગઈ છે. પરીક્ષાખંડમાથી સારું પેપર ગયું છે, એવી આશાએ બહાર આવનાર વિદ્યાર્થીને જ્યારે આ સમાચાર મળે છે, તે સાવ તૂટી જતાં હોય છે. ઘણા તો હવે પરીક્ષા આપવી જ નથી, એવું પણ નક્કી કરી લેતા હોય છે. તેઓનો આપણી સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉઠી જાય છે. તેઓ માનસિક મજબૂતાઈ ગુમાવી દેતા હોય છે. ફરીથી તૈયારી કરવી એ બાબત તેઓ માટે અત્યંત અઘરી બની જતી હોય છે.

જે લોકો આ કામ કરે છે, તેઓ માટે કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. એમાં ગમે તેટલા મોટા માથા સંડોવાયા હોય આવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આપણે પણ આવા લોકોને સજા થાય એ માટે અવાજ ઉઠાવતા રહીએ. એકબીજા પર દોષારોપણ કરવાને બદલે આનો કોઈ સચોટ ઉપાય મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પેપર ફોડનારને અને જેણે પેપર ફોડનારને લાલચ આપી એ બંનેને સજા થવી જોઈએ. જે યુવાનો અને યુવતીઑ થકી આપણા દેશનું ભાવી ઘડાવાનું છે, તેઓનું જ ભાવી જો આવી રીતે અંધકારમય બની રહેશે, તો દેશનું ભાવી કેવું ઘડાશે? પેપર ફોડનાર વ્યક્તિઓ ધન કમાઈ લેવાની લાલચે, આપણા યુવાધનને અંધકારમાં ધકેલી રહી છે. આ અપરાધ બીજા કોઈ પણ અપરાધ કરતાં નાનો ના ગણાવો જોઈએ.

આવા લોકો પર ચાલતા કેસો પણ એટલા લાંબા ચાલે છે, કે વર્ષો નીકળી જતાં હોય છે. અને અંતે બધા પુરાવાઓની વ્યવસ્થા થઈ જાય એટલે તેઓને ક્લીનચીટ મળી જતી હોય છે. અને લોકોની યાદશક્તિ તો હોય જ છે, નબળી તેઓ બધુ ભૂલી જાય એટલે આવા લોકોને સજા થઈ કે નહી? એ સવાલ પણ ભુલાઈ જતો હોય છે!

આપણે જ્યારે આપણાં સંતાનોને સ્કૂલમાં ભણવા મૂકીએ છીએ, ત્યારે એ સ્કૂલે જવા તૈયાર ના થાય તો આપણે તેને કહીએ છીએ કે નહી ભણે તો નોકરી નહી મળે, તું આગળ નહી વધી શકે. સંતાનો ચાલવાનું શીખે ત્યારથી આપણે તેઓને ભણાવવા પાછળ પડી જતાં હોઈએ છીએ. તેઓ સ્કૂલે જાય અને ભણે એ માટે આપણે અથાક પ્રયત્નો કરતાં હોઈએ છીએ. જે વિસ્તારમાં શિક્ષણ ઓછું છે, ત્યાં આપણે માતા-પિતાને વારંવાર સમજાવીએ છીએ કે તમારા બાળકોને ભણાવો. 

કહે છે “શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રમાં પરીવર્તન લાવવામાં સૌથી ઉપયોગી સેવા છે.” આજના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા પાછળ ખર્ચાય જતાં હોય છે. તેઓ પેટે પાટા બાંધીને સંતાનોને સારું શિક્ષણ અપાવવા મથતા હોય છે. આજે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, પણ શિક્ષણ એવા લોકોના હાથમાં જતું રહ્યું છે, જ્યાં એ જરાપણ પવિત્ર રહ્યું નથી. 

વર્ષો નોકરી માટે ભણ્યા પછી નોકરી મેળવવાની પરીક્ષા આપવા જાય ત્યારે એ પરીક્ષાના પેપર ફૂટી જાય છે! ' it happens only in India!'

   લાઈક કમેંટ,શેર.....

pepr-nhiin-maannso-phuutte-che

    

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...