Saturday 29 January 2022

ઑ.ટી.ટી.પ્લેટફોર્મ--- ફાઉલ લેન્ગવેજ, સેક્સ્યૂઅલ કન્ટેન્ટ,વાયોલન્સ,ડ્રગ-યુસેજ,આલ્કોહોલ-યુસેજ, સ્મોકીંગ.......છતાં

 

ઑ.ટી.ટી.પ્લેટફોર્મ--- ફાઉલ લેન્ગવેજ, સેક્સ્યૂઅલ કન્ટેન્ટ,વાયોલન્સ,ડ્રગ-યુસેજ,આલ્કોહોલ-યુસેજ, સ્મોકીંગ.......છતાં

The Rise of OTT Platform | Youth Ki Awaaz

          વાહ તમારો દીકરો તો બહુ સંસ્કારી છે!  કોઇની સામે તે ઊંચી નજર કરીને જોતો નથી. અરે એવું કઈ નથી એ તો એ મોબાઇલમાં વેબ-સીરિઝ જોઈ રહ્યો છે, એટલે તેની નજર ઊંચી નથી થઈ રહી. આજકાલના યુવાનો અને યુવતીઓને (ઈવન નાના બાળકો) કોઇની સામે ઊંચી નજર કરીને જોતાં જ નથી. આ આજના  દરેક ઘરની વાર્તા છે.

આપણે બાળકોને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દઈએ છીએ, પછી એમાં તે શું જુએ છે? એ ચેક કરતાં હોઈએ છીએ ખરા? અથવા તો આપણે ખુદ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાથી બહાર આવીને આપણાં બાળકો શું જોઈ રહ્યા છે? તે જાણવાની કોશિશ કરીએ છીએ ખરા? જો તમારો જવાબ ના છે, તો જલ્દીથી ચેતી જજો!

હમણાં સ્કૂલમાં નવમાં ધોરણમાં વિદ્યાર્થીઑ બેઠા બેઠા ભેગા થઈને મોબાઈલ જોતાં હતા, શિક્ષકે ક્લાસમાં જઇ જોયું, તો તેઓ વેબ-સીરિઝ જોઈ રહયા હતા. શિક્ષકે મોબાઈલ પકડીને સ્વીચ-ઓફ કર્યો એટલામાં તો બે-ત્રણ અપશબ્દો પાત્રો દ્વારા બોલાઈ ગયા. આ પ્લેટ-ફોર્મમાં બીપ બીપ નથી થતું!

શેરીમાં રમવા ભેગા થયેલા બાળકો પણ સાથે બેઠા બેઠા મોબાઇલમાં પોર્ન-ફિલ્મો જોઈ રહ્યા છે. તેઓ બીજાને પણ કહી રહ્યા છે કે આવી ફિલ્મો જોવાય. મમ્મી-પપ્પા પૂછે તો ખોટું કહી દેવાનું કે અમે તો ભણવાનું જોઈ રહ્યા હતા!

કોલેજમાં પણ આ જ હાલ છે. બધા વિદ્યાર્થીઓ ફ્રી-તાસમાં કે રીસેસમાં ભેગા થઈ વેબ-સીરિઝો જોતાં રહે છે. તેઓ તો આનો પ્રચાર અને પ્રસાર પણ કરતાં રહે છે. જેઓ નથી જોતાં તેઓ આઉટ ઓફ ડેટ ગણાય છે.

  આપણું બાળપણ અને યુવાની ઑ.ટી.ટી. પ્લેટફોર્મ પાછળ પોતાની જિંદગીના શ્રેસ્ઠ વર્ષો બરબાદ કરી રહ્યા છે. ઑ.ટી.ટી. પ્લેટફોર્મ એટલે ‘over the top platform’ જે હવે ખરેખર over જઇ રહ્યું છે. હકીકત તો એ છે કે આ પ્લેટફોર્મે બાળકો પાસેથી તેઓનું બાળપણ અને યુવાનો અને યુવતીઓ પાસેથી તેઓની યુવાની છીનવી લીધી છે!

ભારતમાં ઑ.ટી.ટી. પ્લેટફોર્મનો પાયો આમ તો 2008માં રીલાયન્સે નાખ્યો હતો. અને 2010માં Digivive એ સૌપ્રથમ મોબાઇલમાં તેનો પાયો નાખ્યો હતો. પણ ભારતમાં એ વધુ પ્રખ્યાત થયું છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં. ખાસ કરીને કોરોનાને કારણે ઘરે રહીને લોકો વધુ ને વધુ આ પ્લેટ-ફોર્મ તરફ વળ્યા. એમાં વળી ઓનલાઈન શિક્ષણ આવ્યું અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જે બાળકો,યુવાનો અને યુવતીઓના હાથમાં નહોતા, તેઓના હાથમાં પણ આવી ગયા. શિક્ષણને બહાને તેઓ શું જુએ છે? તે ચેક કરવાનો સમય માતા-પિતા કે કુટુંબના બીજા સભ્યો પાસે નથી. એટલે તેઓ શિક્ષણના બહાને ગમે તે જોયા કરે છે. અને ગેમ્સ રમ્યા કરે છે.

   વેબ-સીરિઝોમાં સેક્સુઅલ કન્ટેન્ટ પર કોઈ જ કે કોઈનો કંટ્રોલ નથી, ને પરિણામે મોટાભાગની સીરિઝોમાં પોર્ન દ્રશ્યો બેફામ રીતે રજૂ થતાં રહે છે. અને આપણા ભાવી નાગરિકો જેનામાં હજી સારું-ખરાબ સમજવાની વિવેક-બુદ્ધિ નથી તેઓ એ પ્રકારનું કન્ટેન્ટ જોયા કરે છે અને પછી શું થાય છે? એ આપણે સમાચારોમાં સાંભળતા અને વાંચતાં જ હોઈએ છીએ. એટલું જ નહી, આ કન્ટેન્ટ તેઓ પોતાના મિત્રો સુધી પણ પહોંચાડતા રહે છે.

    “smoking is injurious to health” એવું લખાઈને વારંવાર આવે છે, પણ સ્મોકિંગના દ્રશ્યો અને સ્ટાઈલ આ પ્લેટફોર્મ પરથી નીચે નથી ઉતરી રહી, ઊલટાનું તે વધુ ને વધુ યંગ-જનરેશનને એ તરફ લઈ જઇ રહી છે. આગળ આ સ્લોગન આવી જાય, બસ પછી સીરિઝોમાં લગભગ બધા જ પાત્રો સ્મોકીંગ કરતાં આપણે જોઈ શકીએ છીએ. ઈવન સ્ત્રીઓને પણ સ્મોકીંગ કરતી બતાવાય છે. કદાચ બોલ્ડ હોવાની પરિભાષાને આપણે ગલત અર્થ તરફ વાળી દીધી છે! આવા દ્રશ્યો જોઈને યંગ-જનરેશન ફેશન સમજી તેની તરફ વળી જાય છે અને એ ફેશન પછી વ્યસન બની જતું હોય છે. આજકાલ તો આ પ્લેટફોર્મ પર ઊભા રહી આ સીરિઝોના નાયકો અને નાયિકાઓ પણ સ્મોકીંગ કરતાં હોય છે. કોને અનુસરવું?

   આલ્કોહોલ જેને આપણે દારૂ કે શરાબ કહીએ છીએ, એના વિના તો એકપણ વેબ-સીરિઝ બની જ ના શકે, એવું લાગે. આ ઑ.ટી.ટી. પ્લેટફોર્મ પર આવીને! મિત્રો મળે એટલે તેની છોળો ઊડવી જ જોઈએ, એવું આ સીરિઝો શીખવી રહી છે. આલ્કોહોલ વિના મોજ જ ના માણી શકાય એવા દ્રશ્યો આવતા જ રહે છે.બાર જાણે કે આ લોકોનું પ્રિય સ્થળ બની ગયું છે. દરેક પાત્રના હાથમાં ગ્લાસ હોય જ!  આ બધુ જોઈને શું શિખશે બાળકો અને યુવાનો? જીવનમાં થોડું દૂ:ખ આવે એટલે દારૂનો સહારો લઈ લેવાનો, એવું તેઓ શીખવી રહ્યા છે. અને આપણે શીખી પણ રહ્યા છીએ..... ઑ.ટી.ટી. પ્લેટફોર્મ પર સવાર થઈને આજનો મહત્તમ યુવા-વર્ગ એ તરફ વળી રહ્યો છે. શરાબ પીવો એ આજે જાણે એકસાઈટમેંટ બની રહી ગયું છે. અને એ પેગમાં નહી, પણ બોટલોમાં!

   સેક્સુઅલ કન્ટેન્ટ તો જાણે આ પ્લેટફોર્મનું મુખ્ય સ્ટેશન બની ગયું છે સેક્સની જાણકારી જરૂરી છે, નહી કે ઉત્તેજના! વળી આ પ્લેટફોર્મ પર જે પ્રકારના આવા દ્રશ્યો દર્શાવાય છે, તે વાર્તાને આગળ વધારવા માટે જરાપણ જરૂરી નથી હોતા! આવા દ્રશ્યો વિના પણ ઘણી વેબ-સીરિઝો લોકપ્રિય થઈ, હીટ ગઈ છે. પણ અમુક લોકોને આવી કન્ટેન્ટ પીરસવામાં જ જાણે મજા આવતી હોય છે. જે બાળકો અને કિશોરો પાસે આ વિષય વિષે પૂરતું શિક્ષણ કે જ્ઞાન નથી, તેઓ જ્યારે આવા દ્રશ્યો જુએ છે, એના ભયંકર પરિણામો આવે છે. તેઓ સમજણ વિના આ કન્ટેન્ટ જુએ છે, અને ના કરવા જેવી ભૂલો કરી બેસતા હોય છે. અમુક વાર આ જ ભૂલો તેઓને આત્મ-હત્યા સુધી પણ લઈ જતી હોય છે.

 આ બધુ ઓછું હોય તેમ આ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ની ગાડી પણ ઊતરતી રહે છે. આ સીરિઝોમાં એવા દ્રશ્યો હોય છે કે યુવા-વર્ગ થોડો પણ ફસ્ટ્રેટ થઈ જાય કે ડીપ્રેશનમાં આવી જાય એટલે તેને ડ્રગ્સ એડિકટ બની જતાં વાર નથી લાગતી. ડ્રગ્સ લેતા જે દ્રશ્યો બતાવવામાં આવે છે, તેને જોઈને સરેરાશ યુવા-વર્ગ એવું જ માનવા લાગે છે કે હતાશા કે નિરાશા આવે ત્યારે શરાબની જેમ ડ્રગ્સ પણ એક વિકલ્પ છે! નશો કરવાથી વાસ્તવિક પરિસ્થિતી ક્યારેય બદલાતી નથી કે મુશ્કેલ સંજોગોથી ભાગી શકાતું નથી. જો કે ઘણા બધા યુવાનો અને યુવતીઓ સીરિઝોમાં આવા દ્રશ્યો જોઇને ડ્રગ્સને ફેશન સમજીને તેનું સેવન કરવા લાગતાં હોય છે અને પછી એ આદત તેઓના અસ્તિત્વને ખતમ કરી દેતી હોય છે.

 હવે બાકી રહ્યા અપશબ્દો. અરે યાર આ પ્લેટફોર્મ પર બધા વાતો કરતી વખતે શબ્દો ઓછા બોલે છે, અપશબ્દો વધારે! ગાળોની રમઝટ બોલતી હોય છે. સીરીઝના બધા પાત્રો વચ્ચે અપશબ્દો બોલવાની સ્પર્ધા હોય એવું લાગે છે. સંવાદો કરતાં પણ ગાળો વધુ બોલાતી હોય છે! અમુક અપશબ્દો તો સતત બોલાતા જ રહે છે. જાણે રેપિટેશન દ્વારા એ શબ્દો લોકજીભે ચડાવવા જ હોય તેમ! યંગ-જનરેશન અને ખાસ કરીને બાળકો આ બધુ સાંભળે છે અને વિચાર્યા વિના કે સમજણ વિના બોલે પણ છે.

  આ બધુ લખ્યા પછી, under 13+ કે under 18+ લખી દેવાથી કોઈ ફર્ક નથી પડવાનો. કારણકે આ પ્લેટફોર્મ ઓપન છે, અને હવેના બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર રહે એ શકય નથી. વળી કોરોનાએ શિક્ષણ પણ ઑન-લાઇન કરી દીધું છે. જે બાળકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર હતા તેઓ પણ આ પ્લેટફોર્મ પર ઉતરી રહ્યા છે.

 હવે આપણે જ વિચારવાનું છે કે આ પ્લેટફોર્મ પર જઈને આપણા સંતાનોની જીવનની ગાડી પાટા પરથી ઉતરી ના જાય. હા સરકાર થોડા-ઘણા પ્રતિબંધો જરૂર લાગુ પાડી શકે એમ છે. પણ સાચા રસ્તાઓ તો આપણે જ પસંદ કરવાના હોય છે. સંતાનોને સમય આપીએ અને સાચી સમજણ આપીએ. સૌથી અગત્યનું તેઓ તોફાન કરે તો કરવા દઈએ ફટ કરીને હાથમાં ગેજેટ્સ ના પકડાવી દઈએ.

લાઈક, કમેંટ, શેર....

  

 

 

 

 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...