ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, બાળકોએ માંગ્યા કે આપણે આપ્યા?
હમણાં હમણાં બાળકોના ઉછેરમાં એક બાબત આપણને વારંવાર સાંભળવા મળે છે , “ અમને ના મળ્યું તે બધુ જ અમારા સંતાનોને આપવું છે” બહુ સારી લાગણી છે, પણ આ લાગણી સાચી કેટલી? આ લાગણી હવે પૂર્વગ્રહમાં ફેરવાઇ ગઈ છે. અને એટલા માટે દરેક માતા-પિતા તનતોડ મહેનત કરતાં રહે છે. અને એના કારણે જ સમાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે! બધાને જરૂરિયાતોના ઢગલા જેવી જિંદગી જોઈએ છીએ, અભાવ શું છે? એ જાણે કે હવે સૌ ભૂલવા જ લાગ્યા છીએ. કે ભૂલવા મથી રહ્યા છીએ!
પેલા બાળકોને અભાવમાં ઉછેરવાની કળા માતા-પિતા પાસે હતી. સંતાનોને પણ ખબર પડવી જોઈએ કે અભાવમાં પણ શ્રેસ્ઠ જીવન જીવી શકાય છે. પણ હવે એ સારી ટેવો આપણા સમાજમાથી લુપ્ત થતી જાય છે. બજારે આપણી સમક્ષ જરૂરિયાતોનો જે ઢગલો ખડકી દીધો છે, તેની નીચે આપણે સૌ દબાઈ રહ્યા છીએ, ઢસડાઈ રહ્યા છીએ. મશીન્સ દ્વારા થઈ રહેલા ઢગલા-બંધ ઉત્પાદને આપણને માર્કેટિંગ આપ્યું અને એ માર્કેટિંગે આપણને પણ એક ‘પ્રોડક્ટ’ માં ફેરવી નાખ્યા છે. હમણાં એક જગ્યાએ સરસ વાક્ય વાંચેલું ‘ તમારા બાળકો પર ધ્યાન આપો, તેઓને સમય આપો, નહી તો બજાર તેના પર ટાંપીને બેઠું છે.” માતા-પિતા પાસે બાળકોને આપવા માટે બધુ જ છે, સંપતિ, નવા નવા ઉત્પાદનો, જરૂરી –બિનજરૂરી વસ્તુઓ બસ તેઓ પાસે બાળકોને આપવા માટે સમય નથી. બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે તેઓ બધુ જ કરે છે, પણ જે કરવાનું છે તે નથી કરી રહ્યા!
શું નથી કરી રહ્યા? ખબર છે, તેઓ પોતાના બાળકોને વસ્તુઓ વગર પણ જીવી શકાય છે, એ નથી શીખવી રહ્યા. અને એ ચક્કરમાં જ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે આપણા બાળકો પર કબજો જમાવી દીધો છે. ઘણી બધી એવી જરૂરિયાતો છે, જે આપણી જિંદગીના લીસ્ટમાં ના હોય તો પણ આપણે મોજથી જીવી શકતા હોઈએ છીએ. પણ આપણને લિસ્ટ લાંબુ કરવાની અને દોડતા રહેવાની આદત પડી ગઈ છે. અને આ આદતે જ આપણને આપણા જીવન-મૂલ્યોથી દૂર કરી દીધા છે! બીજી કોઈપણ જરૂરિયાતો કરતાં ‘ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે’ આપણા સૌના જીવન પર સૌથી વધુ અસર કરી છે, માટે આપણે એના તરફ વળીએ.
એવી કેટલી બધી માતાઓને મે ગર્વથી એવું કહેતા સાંભળેલી છે કે મારો દીકરો કે દીકરી મોબાઈલ વિના જમતા જ નથી! કે પછી મારા બાળકને તમે ટી.વી. સામે બેસાડો એટલે એ બધુ ફટાફટ જમી લે. વળી ઘણાના મોઢે તો એવું પણ સાંભળ્યુ છે કે બાળકો તોફાન ના કરે એટલે અમે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દઈએ છીએ! ઘોડિયામાં સૂતું બાળક રડે તો પેલા હાલરડાં ગવાતા અને હવે મોબાઈલ પર હાલરડાં ચાલુ થઈ જાય છે. હાલરડાં દ્વારા બાળક સાથે થતો સંવાદ પણ હવે લુપ્ત થતો જાય છે.
વળી ઘણા માતા-પિતાને આપણે એવો ગર્વ લેતા પણ સાંભળીએ છીએ કે મારા આટલી ઉંમરના બાળકને મોબાઈલ કે ટેબલેટના દરેક ફંક્શન આવડે છે, હો એટલી તો અમને પણ ખબર નથી પડતી! તો વળી ઘણા માતા-પિતા એ વાતનો ગર્વ લેતા હોય છે કે મારુ બાળક તો એ.સી. સિવાય સૂતું જ નથી! મોંઘા મોંઘા બાઈક્સ, રમકડાંઑ, સાથે આપણે તેઓને એકલા એકલા ઉછરવા મૂકી દીધા છે. આપણે તે હદે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના હવાલે કરી દીધા છે કે તેઓને માતા-પિતા અને કુટુંબ સાથે સંવાદ કરવાનો સમય પણ રહેતો નથી. તેઓ પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહે છે. આપણે આજે એવા અઢળક કુટુંબો જોઈશું કે જ્યાં ડ્રોઈંગ-રૂમમાં ઘરના બધા સભ્યો હાથમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને સાથે બેઠા છે! સૌ પોત-પોતાની સ્ક્રીનમાં ખોવાયેલા છે. હવે ઘરોમાં ધમાલ નથી થતી, શાંતિ જ પથરાયેલી રહે છે. કારણકે બાળકોને ખબર જ નથી કે ગેજેટ્સ બહાર પણ એક દુનિયા છે!
તો શેરીઓ અને ગલીઓ પણ સુમશાન છે, શેરીની ધૂળમાં કે રેતીમાં હવે બાળપણ રગદોળાતું નથી. કેટલી બધી રમતો આજે પોતાના છેલ્લા શ્વાસો લઈ રહી છે. બહુ નાની ઉંમરે આપણે બાળકોને મશીન્સ તરફ ધકેલી રહ્યા છીએ. સગવડો અને સુવિધાઓના નામે આપણે તેઓને એવું ભવિષ્ય આપી રહ્યા છીએ જેમાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ તેઓની ખતમ થઈ ગયેલી હશે. બધુ ઓન-લાઇન કરવાના ક્રેઝમાં આપણે આપણા બાળકોનું જીવન જ ‘આઉટ-લાઈને’ ચડાવી દીધું છે.
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અવળી અસરો ઊભી કરે છે, એ જાણવા છતાં આપણે તેઓને એ જ આપી રહ્યા છીએ. આ ગેજેટ્સની શોધ માનવ-જીવનને સરળ બનાવવા થઈ હતી, પણ આજે એ ગેજેટ્સ જ આપણા સૌના જીવનને કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યું છે. પેલા આપણે આપણા સમયને સાચવવા તેઓને આ ગેજેટ્સ તરફ વાળીએ છીએ અને પછી જ્યારે તેઓને એડિક્શન થઈ જાય ત્યારે આપણે રાડો પાડતા ફરીએ છીએ કે અત્યારની પેઢી તો અમારી સાથે સંવાદ કરતી જ નથી! જ્યારે તેઓ સાથે સંવાદ કરવાની જરૂર હતી, આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દીધા અને હવે આપણે ક્યાં મોઢે તેઓ પાસે સમય માંગી રહ્યા છીએ.
આપણી સગવડતા સાચવવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપ્યા અને હવે એ સગવડ જ આપણા સૌ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ બાળકોને કે જેઓ માટે આ દુનિયા નવીનતાથી અને આશ્ચર્યોથી ભરપૂર હતી, તેઓની પાસેથી વિસ્મયો, મૌલિકતાં અને સર્જનાત્મકતા છીનવીને તેઓને આ તરફ વાળ્યા કોણે? બસ આટલું સૌ પોતાને પૂછજો.
હકીકત તો એ છે કે આપણે આપણા બાળકોને ‘બાળપણ’ સિવાય બધુ જ આપી રહ્યા છીએ.