વ્યસન, કુટુંબોના આધારો છીનવી રહ્યા છે!!!
એક ગામમાં ચૂંટણી ફરજ પર ગયેલા. મત દેવા આવતા 95% પુરુષો તમાકુ કે ગુટકા ખાતા ખાતા આવતા હતા. તેમની સાથે આવતા બાળકો કે જે છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતા હતા, તેઓને પણ આ લત લાગવા માંડી હતી. ઘરના વડીલોને વ્યસન કરતાં જોઈને તેઓ પણ એ રસ્તે વળી ગયા હતા. દેશના લગભગ તમામ ગામો અને શહેરોની આ પરિસ્થિતી છે. લોકો વ્યસન સાથે એવી રીતે બંધાઈ જતાં હોય છે કે તેઓ પોતાની સાથે જોડાયેલી જિંદગીઓ વિષે પણ વિચારતા હોતા નથી. વ્યસનોના હવાલે થવા હવે યુવા વર્ગને પાનના ગલ્લા સુધી પણ નથી જવું પડતું, તેઓને ઘરોમાં જ આ ટ્રેનીંગ મળી રહે છે. ભારતમાં 267 મિલિયન પુખ્તવયના નાગરિકો તમાકુ ના વ્યસન સાથે બંધાયેલા છે. (according to the Global Adult Tobacco Survey India, 2016-17.) આ તો માત્ર તમાકુના વ્યસન સાથે બંધાયેલા યુવાનોના આંકડાઑ છે. હજી શરાબ અને ડ્રગ્સના રવાડે ચડેલા લોકોનું લિસ્ટ લાંબુ છે.
દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, એના પરથી લાગી રહ્યું છે કે ડ્રગ્સનું વ્યસન પણ યુવા પેઢીને અંધકારમાં ધકેલી રહ્યું છે. એવું તો શું થઈ રહ્યું છે કે યુવાનો અને યુવતીઓ વ્યસનને ફેશન માની પોતાનું અને પોતાના કુટુંબોનું ભાવિ અંધકારમય બનાવી રહ્યા છે? તેઓ પાસે બધુ જ છે, છતાં તેઓ આવા ગલત વ્યસનો પાછળ પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે! ડ્રગ્સના વ્યસનને લીધે તેઓમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડ્રગ્સ તેઓની યુવાનીના સુવર્ણ વર્ષોને કથીરમાં ફેરવી રહ્યું છે. અને નવાઈની વાત તો એ છે કે ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન-સુગર વગેરે પાછળ પાગલ થનારા યુવાનો અને યુવતીઓની સંખ્યા વધી જ રહી છે.
હજી આજની તારીખે અમુક કુટુંબોમા વ્યસનના કારણે માર-પીટ થતી રહે છે. તેમના સંતાનોને વારસામાં માંના આંસુઓ અને પિતાના અપશબ્દો મળતા રહે છે. આપણે આપણી આસપાસ કેટલા કુટુંબોને વ્યસનોને કારણે બરબાદ થતાં જોઈએ છીએ. વ્યસન સાથે સંકળાયેલા લોકો એવી ઉંમરે મૃત્યુના હવાલે થઈ જતાં હોય છે કે તેઓના કુટુંબો અચાનક જ નોધારા થઈ જતાં હોય છે. તેઓના બાળકો પરથી પિતાની છત્ર-છાયા બહુ નાની ઉંમરે ઉઠી જતી હોય છે. જે બાળપણ પિતાના ખોળામાં ઉછરવું જોઈએ તે બાળપણ જવાબદારીઓના બોજ તળે દબાઈ જતું હોય છે. અમુક જ્ઞાતિઓ વ્યસનને લીધે જ પોતાની જ્ઞાતિને અને પોતાને પ્રગતીના રસ્તે લઈ જઇ શકતા હોતા નથી!
તમાકુ, ડ્રગ્સ, શરાબ, ગાંજો, ચરસ વગેરેનું વ્યસન ધરાવતી વ્યક્તિઓ પોતાનું શારીરિક અને માનસિક પતન નોતરતી હોય છે. સારી ટેવો પાડવી પડતી હોય છે, જ્યારે ખરાબ આદતો લોકો જાતે શીખી લેતા હોય છે. હાથમાં સીગરેટ લઈ સિગરેટના કસ મારતા યુવાનો અને યુવતીઓ એ ધુમાડા સાથે પોતાનું જીવન પણ ઉચ્છવાસમાં કાઢી નાખતા હોય છે. ખબર નહી પણ કેમ લોકોના મનમાં એ પૂર્વગ્રહ ઘર કરી ગયો છે કે વ્યસન આપણને માનસિક ટેન્શનમાં સહારો આપે છે. વ્યસનને કારણે આર્થિક નુકસાન પણ મોટું થાય છે. લોકો પોતાની જિંદગી છોડવા તૈયાર થઈ જતાં હોય છે, પણ વ્યસન છોડવા તૈયાર નથી હોતા!
વ્યસનોને કારણે વ્યક્તિઓને શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન થતું હોય છે. એવું આપણે નાના હોઈએ છીએ ત્યારથી શીખવવામાં આવતું હોય છે, પણ આપણે એને જિંદગીના અભ્યાસક્રમમાં સ્થાન આપતા નથી. અને વ્યસનોને ફેશન સમજી ધીમા ધીમા આપઘાત તરફ વળી જતાં હોઈએ છીએ. ટી.વી. માં અને બીજા સોસિયલ મીડિયામાં સેલેબ્રેટીને સિગરેટના કસ મારતા જોઈને કે શરાબની બોટલો ઉછળતા જોઈને યુવાનો અને યુવતીઓ પણ એ લત તરફ વળી જતાં હોય છે. હવે સોસિયલ મીડિયાનો વ્યાપ વધી ગયો એટલે બાળકો પણ એ રસ્તે જઇ રહ્યા છે. આવા વ્યસનો માટે જે ખર્ચાઓ થાય છે, એટલા ખર્ચાઓમાં તો એક બાળકને સરસ રીતે શિક્ષણ આપી શકાતું હોય છે! પણ વ્યસન પાછળ દોડનાર વ્યક્તિઓને આવા સારા વિચારો આવતા જ નથી.
કદી કોઈ કેન્સર હોસ્પીટલમાં જઈને જોઈશું તો આવા વ્યસનોને કારણે લોકોની જે હાલત થઈ જતી હોય છે, તે જોઈને કંપારી છૂટી જશે. વ્યસનોને લીધે કેન્સર થાય છે, એ વાત હવે બધાને ખબર છે, તમાકુ અને ગુટકા અને સિગરેટના પેકેટ પર આવી ચેતવણીઑ પણ લખેલી હોય છે, છતાં લોકો ટેસથી આવી ચેતવણીઓને અવગણી મૃત્યુના રસ્તે જતાં રહેતા હોય છે. વ્યસનોને લીધે આપણાં શરીરના અગત્યના અંગો જેવા કે હ્રદય, ફેફસાં, કિડની, લીવરને નુકસાન થતું હોવા છતાં લોકો તેને છોડવા તૈયાર નથી હોતા! સામેથી મૃત્યુ ખરીદવાની આદત લોકોને થઈ ગઇ છે, જે હવે કોઈ રીતે છૂટી નથી રહી. ભારતમાં વ્યસનને લીધે થતાં કેન્સરનું પ્રમાણ દુનિયાના બીજા કોઈપણ દેશ કરતાં વધુ છે. અને હજી પણ વધી રહ્યું છે!
વ્યસનોની સૌથી ખરાબ અસરો કુટુંબ-જીવન પર થઈ રહી છે. વ્યસનોને લીધે હસતી રમતી જિંદગીઓ નિરાશા અને હતાશાની ઊંડી ખીણમાં ધકેલાઇ રહી છે. જે જિંદગીઓ કુટુંબના મુખ્ય માણસ પર નભતી હોય છે, એ જિંદગીઓ આંસુઓના પ્રવાહમાં વહી જતી હોય છે. શું આપણાં બાળકો પરથી પિતાનું છત્ર આપણે કોઈને વ્યસનને છીનવી લેવા દઇશું! બસ આ એક સવાલ ખુદને કરીએ અને વ્યસનોથી દૂર રહીએ. યુવા-વર્ગને વ્યસન ના રવાડે ચડતા રોકવા માટે થતાં પ્રયાસો કરીએ. વ્યસન એ ફેશન નથી, કે એની પાછળ દોડતા રહેવાથી કોઈ આધુનિક પણ થઈ જતું નથી. અને વ્યસન પાસે આપણી કોઈ સમસ્યાઓનો ઉકેલ પણ નથી, એ યુવા-વર્ગે ખાસ સમજી લેવાની જરૂર છે.
No comments:
Post a Comment