Tuesday 1 March 2022

મનનુંવિજ્ઞાન....... કશુંક ખૂબ જ જરૂરી આપણે ભૂલી રહ્યા છીએ!!!

 

મનનુંવિજ્ઞાન....... કશુંક ખૂબ જ જરૂરી આપણે ભૂલી રહ્યા છીએ!!!

 7 Things to Do if You Feel Emotional

 

                 હમણાં એક સંબંધીની મળવાનું થયું. તેમની દીકરી આર્ટ્સમાં મુખ્ય વિષય સાથે મનોવિજ્ઞાન લેવાનું કહી રહી હતી. મે તેને પુછ્યું કેમ મનોવિજ્ઞાન જ! તેણે જવાબ આપ્યો, આજે જે રીતે સમાજ વિકસી રહ્યો છે, નજીકના ભવિષ્યમાં બધાને આ વિષયની જરૂર પડવાની જ છે. માટે આજે જે રીતે લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે, સૌથી વધુ તો સંબંધોને જોડી રાખવા માટે આ જ્ઞાનની જરૂર પડશે જ. હું એ બધાનું  કાઉન્સેલિંગ કરીશ, હસતાં હસતાં તેણે કહ્યું.

 છાપામાં, ટી.વી. માં, આજકાલ જે રીતે આપણે પ્રેમના નામે શક્તિ પ્રદર્શન જોઈ રહ્યા છીએ, આપણને સૌને મનની શાંતિ ની ખાસ્સી જરૂર હોય એવું લાગી રહ્યું છે. કોઈ યુવાન યુવતીનું ગળું કાપી રહ્યો છે, કોઈ પતિ પત્ની પર શક કરીને આત્મઘાતી હુમલો કરી રહ્યો છે. હું પણ મરુ અને તને પણ મારી નાખું! કોઈ ગમી ગયેલું પાત્ર ના મળવાથી પોતે આપઘાત કરી લેતા હોય છે, તો કોઈ પરીક્ષામાં નાપાસ થવાને લીધે જિંદગી છોડી રહ્યું છે. તો વળી કોઈ દેણું થઈ જવાને લીધે જિંદગી ગુમાવીને ભરપાઈ કરી રહ્યું છે. કોઈ વળી પરિક્ષાના ટેન્શનમાં આપઘાત કરી રહ્યું છે, તો કોઈને સંબંધો ગુમાવી દેવાના ડરને લીધે જિંદગી છોડવી પડી રહી છે. આ બધુ જોતાં, પેલી છોકરીની વાત ખોટી નથી લાગી રહી!!

  દિન-પ્રતિદિન વધુ ને વધુ લોકો માનસિક પીડા તરફ ધકેલાઇ રહ્યા છે. હતાશા, નિરાશા, જાણે કે આપણાં સૌના જીવનનો એક ભાગ બની રહ્યા છે. આપણી પાસે સુખના નામે અનેક સરનામા છે, પણ કોઈ એ સરનામે પહોંચી નથી રહ્યું. લાગે છે કે આપણું મુ.પોસ્ટ જ ગલત થઈ ગયું છે. પહેલા ક્યારેય નહોતી એટલે સુવિધાઓ અને સગવડો આપણી પાસે છે. છતાં આપણે સુખ અને શાંતિ શોધતા ફરીએ છીએ. ટેક્નોલોજીને લીધે આપણું સુખ પણ જાણે કે આભાસી બની ગયું છે. ટેકનૉલોજિ આપણને જરૂરિયાતોના એ બજારમાં લઈ આવી છે, જ્યાં આપણે રોજ સવારે આપણે સૌ  જવાબદારીઓના બોજ સાથે ઊઠીએ છીએ, અને જરૂરિયાતોના લિસ્ટને વળગી રહીએ છીએ!  હકીકત તો એ છે કે આપણે આપણાં સુખને વસ્તુઓની પ્રાપ્તિ અને પૂર્તિ સાથે એટલી સજ્જડ રીતે જોડી દીધું છે કે એ જોડાણ જ આપણને માનસિક રીતે અશાંત કરી રહ્યું છે.

આ પ્રકારનું જીવન આપણને સતત નકારાત્મક માર્ગે લઈ જઇ રહ્યું છે. સંબંધોને હત્યા કે આત્મહત્યા સુધી લઈ જનાર પરિબળોની આપણે ક્યારેય ચર્ચા જ નથી કરતાં! આપણી કઈ આદતો આપણને ક્ષણિક ક્રોધની અવસ્થામાં લઈ જાય છે? એના પર આપણે ક્યારેય વાતો જ કરતાં નથી! કોઈ વ્યક્તિને પોતાના હ્રદયની લાગણીઑ કે ગમા-અણગમા રજૂ કરવા જાણે કોઈ મળતું જ નથી. સંતાનો ખુલ્લા મને પોતાના જ માતા-પિતા સાથે કશું શેર કરી શકતા નથી! દાદા-દાદી તો ઓલરેડી કુટુંબ-વ્યવસ્થા માથી નીકળી જ ગયા છે! એટલી હદે આપણે બાળકોને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના હવાલે કરી દીધા છે કે પછી એમાંથી તેઓને બહાર લઈ આવવા તેઓનું કાઉન્સેલિંગ કરવું પડે છે. તેઓ માંગતા નથી, પણ આપણે આપીએ છીએ એટલે તેઓ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરતા થઈ ગયા છે.

   આવું શા માટે થાય છે? એની ચર્ચાઓ તો આપણે બહુ કરીએ છીએ, પણ આવું ના થાય એ માટે શું કરવું જોઈએ? એના વિષે બહુ ઓછી ચર્ચાઓ થાય છે. કોઈપણ વ્યક્તિના મનને જાણવું આના માટે ખૂબ જ જરૂરી છે, વ્યક્તિના મનમાં રહેલી જાગૃત અને અજાગૃત અવસ્થા જાણવા માટે મનોવિજ્ઞાન સૌથી જરૂરી વિષય છે અને આપણે એ વિષયને શિક્ષણમાં આપવું જોઈએ તેવું સ્થાન નથી આપી રહ્યા. વિદેશોમાં બાળકોની અભિયોગ્યતા, રસ વગેરે જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ થાય છે, પણ આપણે ત્યાં તો માત્ર ઇન્ટરવ્યુ જ લેવાય છે!  મનોવિજ્ઞાન થકી કોઈપણ વ્યક્તિમાં રહેલી માનસિક સમસ્યાઓ વિષે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. આપણી શિક્ષણ-પદ્ધતિ જોઈશું તો સમજાશે કે આ વિષય મોટાભાગની નિશાળોમાં શીખવવામાં જ આવતો નથી. તેના માટે પ્રયોગશાળા જોઈએ એટલે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ એ વિષયને ટાળતી રહે છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓ ક્યાં પ્રવાહમાં જશે? આગળ જઇ શું કરશે? એ બાજુવાળાના સંતાનો નક્કી કરે છે, પણ વિદેશોમાં તે માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાધનોનો ઉપયોગ થાય છે. ક્રિયાત્મક કસોટીઓનો ઉપયોગ થાય છે.

 આપણે ત્યાં યુવાનો અને યુવતીઓ જે રીતે ગલત રસ્તાઓ તરફ ફંટાઇ રહયા છે. તેની પાછળ તેઓનું માનસિક રીતે નબળું મન જવાબદાર છે. તેઓને શાળા કે કોલેજોમાં કોઈ જ પ્રકારનું એવું શિક્ષણ નથી મળતું જેનાથી તેઓનો માનસિક વિકાસ થાય. તેઓને નાનામાં નાની બાબતોનો ઉકેલ મેળવતા પણ નથી આવડતું હોતું. અત્યારે જે પ્રકારની સમસ્યાઓમાથી આપણો સમાજ પસાર થઈ રહ્યો છે, તેના માટે બાળકોને, કિશોરોને અને યુવા-વર્ગને માનસિક રીતે સ્ટ્રોગ બનાવવાની ખાસ જરૂર છે. અને તેના માટે તેઓને નડતાં પ્રશ્નોની ખાસ ચર્ચાઓ કુટુંબો અને શાળાઓમાં થવી જોઈએ. તેઓને મનોવિજ્ઞાન વિષયનું શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. તેઓ માનસિક વિકૃતિ તરફ વળી ના જાય તે માટે આ વિષયના શિક્ષણની ખાસ જરૂર છે.

   હકીકત તો એ છે કે આપણી આ દોડ-ધામ વાળી જિંદગીમાં આપણે આપણાં સંતાનોની શારીરિક જરૂરિયાતો તરફ જ ધ્યાન આપી રહ્યા છીએ, તેઓની માનસિક જરૂરિયાતોને સાંભળવાનો કે સમજવાનો આપણી પાસે સમય જ નથી રહ્યો. તેઓ આપણી પાસે ખૂલીને વાતો કરે એવું વાતાવરણ જ આપણે ઊભું કરી શકતા નથી. મારુ સંતાન શું કરી રહ્યું છે? ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર શું જોઈ રહ્યું છે? તેના મિત્રો કોણ છે? તે કઈ તરફ વળી રહ્યું છે? તેને ખરેખર શું જોઈએ છે? અમે તેને જે ભણવાનું કહી રહ્યા છીએ એ ભણતર તરફ એને જવું છે કે કેમ? આ પ્રશ્નોનાં જવાબો માતા-પિતાએ વહેલીતકે શોધી લેવાની જરૂર છે. તેને એવું વાતાવરણ આપીએ કે તેઓ ખૂલીને કોઈપણ બાબતે ચર્ચા કરી શકે કે પોતાનાથી થયેલી ભૂલો સ્વીકારી શકે. એ ભૂલો સ્વીકારે ત્યારે એ ભૂલોને ભૂલી જઈને તેઓને નવેસરથી જીવવાનું પણ માતા-પિતાએ જ શિખવવાનું છે.

 કોઈપણ આવો કિસ્સો સોસિયલ મીડિયા પર વાઇરલ કરવાથી નહી, પણ તેનો સોસિયલી ઉકેલ મેળવવાથી આવે છે!! યુવાનો અને યુવતીઓના મનને સમજવાની ખાસ જરૂર છે. કોરોના સમયે લોકોને મેંટલી સ્ટ્રોંગ બનાવવા આપણે મનોવિજ્ઞાન સેંટરનો આશરો લેતા હતા. માતા-પિતાનું પણ  વર્ષે એકવાર કાઉન્સેલિંગ થવું જોઈએ. નવી શિક્ષણનીતિઓ કરતાં નવા વિચારોથી સમાજ જલ્દીથી વિકસિત થતો હોય છે.

લાઈક, કમેંટ,શેર....

  આપણે ત્યાં લોકો માનસિક રોગોની સારવાર માટે મનોવૈજ્ઞાનિક પાસે જતાં એવી રીતે ડરે છે, જે રીતે કોઈ ડરી ગયેલું સંતાન પોતાના માતા-પિતા પાસે જતાં ડરે છે!

 

 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...