કશું શીખવા માંગો છો? કશું નવું કરવા માંગો છો? તો ઉંમરના આંકડાને અવગણતાં રહો.....
ફાલ્ગુની નાયરે એપ્રિલ-2012માં કોટક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટરના પદેથી છુટ્ટા થઈ ‘નાયકા’ કંપનીની સ્થાપના કરી ,ત્યારે તેઓની ઉંમર 50 વર્ષની હતી. જેના આઈ.પી.ઑ. એ ઘણાને માલામાલ કરી દીધા હતા. આજે તેઓની સંપતિ 1.1 અબજ ડોલરની છે. તેઓ ભારતની બે અબજોપતિ(પત્નીઓ) માના એક છે. આમાં હાઇલાઇટ કરી શકાય એવી એક ખાસ બાબત છે, તેમણે 50માં વર્ષે કરેલી શરૂઆત. આ ઉંમરે ઘણા કામ છોડી દેવાનું વિચારતા હોય છે!
કેરળના વાયનાડમાં મોટાકકાર ગામમાં લોકોની વાંચનભૂખને સંતોષવા ‘65’વર્ષના રાધામણિ છેલ્લા એક દાયકાથી દરરોજ લોકોના ઘરો સુધી પુસ્તકો પહોંચાડી રહ્યા છે. દર મહિને તેઓ 500 થી 550 ઘરોમાં પુસ્તકો પહોંચાડે છે.
છેલ્લા વર્લ્ડ-કપ વખતે એક દાદીમાને સ્ટેડિયમમાં ક્રિકેટનો આનંદ માણતા જોઈને આપણને સૌને પણ મજા આવી ગયેલી. આપણી ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની સાથે ખાસ ફોટા પડાવેલા. દિવસો સુધી એ દાદીમા સોસિયલ મીડિયા પર ચમકતા રહેલા. આ બધુ વાંચીને અમારા વિસ્તારના એક બહેન 48 વર્ષની ઉંમરે ગાડી ચલાવતા શીખી ગયા.
અમુક ઉંમર બાદ કશું નવું નથી થઈ શકતું એવું જે લોકો માને છે, તેઓ માટે આવા કિસ્સાઓ નવી આશાઓ અને ઉમંગો લઈને આવે છે, બસ આપણને એ ઉત્સાહ ઝીલતા આવડવું જોઈએ. આપણે ઘણીવાર અમુક ઉંમર બાદ જીવવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. અમુક ઉંમર બાદ નવા વિચારોને આપણે આપણી અંદર આવવા જ દેતાં હોતા નથી. સજજડ રીતે મનની બારીઓને બંધ કરીને આપણે જાણે કે જીવવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. હકીકત તો એ છે કે અમુક ઉંમર બાદ જીવન અણગમતું જ એટલે લાગે છે કે આપણે ગમતું કરવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. જિંદગીને ઉંમરના દાયરામાં બાંધીને આપણે પણ બંધિયાર થઈ જતાં હોઈએ છીએ.
બંધિયાર પાણી જેમ પોતાની શુદ્ધતા ગુમાવી બેસે છે, એવી જ રીતે બંધિયાર જીવન પોતાનું સત્વ ગુમાવી દેતું હોય છે. આપણે ત્યાં તો અમુક ઉંમર બાદ એક લિસ્ટ પકડાવી દેવામાં આવે છે, જેમાં આમ કરાય અને આમ ના કરાયના લાંબા લચ્ચક નિયમો પકડાવી દેવામાં આવે છે. અને એ નિયમાવલી ખુલ્લા મને જીવવા માંગતા લોકોને જીવવા જ દેતી નથી. જિંદગીના જોશને ઉંમરના વધારા સાથે કોઈ લેવા દેવા નથી. માટે જેઓ કોઈપણ ઉંમરે કશું નવું શીખવા માંગે છે, તેમણે મનના દરવાજા કાયમ માટે ખુલ્લા રાખવા.
વધતી ઉંમરની અસ્મિતા હોય છે, જિંદગીના અનુભવોનું ભાથું સાથે હોય છે. અને એમાં કશું નવું શીખવા મળે, એનાથી વધુ સારું શું હોઇ શકે! હકીકત તો એ છે કે આપણે જિંદગીને જીવવાનું છોડી દઈએ છીએ એટલે એ કંટાળાજનક લાગતી રહે છે. જો આજીવન વિદ્યાર્થી બની સતત કઈક નવું શિખતા રહીશું તો જિંદગી અનહદ આનંદ આપનારી બની રહેશે.
ઘણા લોકો નાની ઉંમરે ઘરડા થઈ જતાં હોય છે, તેઓ કશું નવું શિખતા જ નથી. હકીકત તો એ છે કે જે લોકો એવું માને છે કે મને બધુ આવડે છે અને હવે મારે નવું કશું શીખવાની જરૂર નથી, તેઓ પણ આવા ઘરડા લોકોની યાદીમાં આવી જતાં હોય છે. આપણું મન જેટલું યુવાન એટલા આપણે જીવંત! લોકો શું કહેશે? હવે આ ઉંમરે, એ નકારાત્મક વિચારને આપણાથી એટલો દૂર કરી દઈએ કે એ આપણને ક્યારેય જીવતા ના અટકાવી શકે.
આપણે મોટી ઉંમરે અધૂરા શોખોને પૂરા કરતાં હોય એવા કેટલાયે ઉદાહરણો જોઈએ છીએ, પણ તેને અનુભવવાનું ભૂલી જતાં હોઈએ છીએ. આપણી આસપાસ ઉંમરનું એવું વર્તુળ રચાઇ જતું હોય છે કે આપણે નક્કી કરીએ છીએ પણ એ વર્તુળમાથી બહાર આવી શકતા નથી. અરે આપણે આપણાં શોખોને, આવડતોને એવી અભેરાઈએ ચડાવી દેતાં હોઈએ છીએ જેના પર સમયની રજ ચડી જતી હોય છે. આપણે એ રજને ખંખેરવાની કોશિશ પણ વધતી ઉંમરે છોડી દેતાં હોઈએ છીએ.
આપણી અંદરનું જીવન આપણને દરેક ઉંમરે બળ આપતું રહે છે, પણ આપણે તેનો અવાજ પણ સાંભળતા હોતા નથી. આપણે એવું જ માની લઈએ છીએ કે હવે આ ઉંમરે આ કામ મારાથી શરૂ નહી થઈ શકે. વધતી ઉંમર સાથે મન જ એવું ઓર્ગન છે, જે નબળું પડતું નથી, પણ આપણાં વિચારો જ નબળા પડી જતાં હોય છે. આપણે ખુદને જ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. ઉંમરના કોઈપણ પડાવને ક્યારેય અર્થ વગરનો ના સમજવો.
અમે તમારા જેવડા હતા, ત્યારે આ કરતાં ને તે કરતાં એવું આપણે મોટી ઉંમરના લોકો પાસે સાંભળતા હોઈએ છીએ, તો હવે શું થઈ ગયું? એવું બાળકો અને યુવાનો પુંછે ત્યારે એવો જવાબ આવે છે, હવે અમારી ઉંમર થઈ ગઈ. હવે આ બધુ ના થઈ શકે, પણ એક વાત યાદ રાખીએ, જેઓ ઉંમરને સાઈડ પર રાખી સતત કઈક નવું શિખતા રહે છે, તેઓ જ ઈશ્વરે આપેલા જીવનને શ્રદ્ધાપૂર્વર્ક જીવી શકે છે. કારણકે આપણે જીવવાનું તો છેક છેલ્લા શ્વાસ સુધી!