Sunday, 5 June 2022

મજૂરોના મૃત્યુનું મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

 

મજૂરોના મૃત્યુનું  મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

At least 6,500 employees died on duty at factories, mines | Mint 

      હમણાં થોડા દિવસ પહેલા હળવદની મીઠાની ફેક્ટરીમા દીવાલ પડી જતાં 12 જેટલા મજૂરો મૃત્યુ પામ્યા. મૃત્યુ પામેલા મજૂરોના કુટુંબો માટે રાહત પેકેજની પણ જાહેરાત થઈ ગઈ. 15-20 દિવસ થઈ ગયા છે અને બોર્ડના પરિણામની ઋતુમાં આપણે સૌ એ દુર્ઘટનાને ભૂલી પણ ગયા છીએ. આમ પણ આપણી યાદશક્તિ કમજોર છે, એટલે ઘણી આવી સંવેદનશીલ ઘટનાઓ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. મૃત્યુ પામેલી વ્યક્તિની ખોટ કોઈ રાહત-પેકેજ પૂરી શકે ખરી?

     કોની બેદરકારીને લીધે આવું થયું? એની ચર્ચાઓ પણ થોડા દિવસ સુધી ચાલી, પણ હવે આપણે એ ઘટનાને સાવ જ ભૂલી ગયા છીએ. એ ઘટના કાયમ માટે યાદ રહેશે એ ઘરોને, એ કુટુંબોને જેમણે કોઇની બેદરકારીને લીધે એક જીવંત વ્યક્તિને ગુમાવી દીધી છે. એ વ્યક્તિ જે રોજ સાંજે ઘરે પાછી આવતી હતી, એ હવે કદી નહી આવી શકે. તેઓ પર નભતા કુટુંબો કોઇની બેદરકારીને લીધે કાયમ માટે અનાથ થઈ ગયા.

   મજૂરો એ વિકાસશીલ ભારતની આધારશિલાઓ છે. કોઈપણ ક્ષેત્રે કામ કરતી એવી વ્યક્તિઓ છે, જેના વગર એ ક્ષેત્ર મજબૂત થઈ જ ના શકે. રોજી-રોટી માટે પોતાના કુટુંબોને છોડીને આવતા મજૂરો કેટલા છે? તેનો આંકડો આપણને કોરોના કાળની હિજરતે આપી દીધો છે. કોઈપણ ક્ષેત્રમાં સૌથી વધુ કામ આ લોકો કરે છે અને સૌથી ઓછું વેતન તેઓ મેળવે છે. આ મજબૂત આધાર પોતે પાયાની સુવિધાઓને અભાવે નબળો પડતો જાય છે. સખત તાપ, ટાઢ અને વરસાદમાં તેઓ શેકાતા રહે છે. અને સાથે સાથે તેઓના કુટુંબો પણ!

   મશીનોમાં રહેલી ખામીઓની જાણ સુપરવાઈઝરોને અને બીજા સતાધારી લોકોને કરવામાં આવે છે, પણ તેઓ આ બાબતને બહુ ધ્યાનમાં નથી લેતા. તેઓ સમયસર મશીનો રીપેર નથી કરાવતા કે બાંધકામોને મજબૂત નથી કરતાં ને પરિણામે દર વર્ષે ઘણા મજૂરો અલગ અલગ દુર્ઘટનાઓમાં પોતાનો જીવા ગુમાવતાં રહે છે. ઘણા વિકલાંગ પણ થઈ જતાં હોય છે. હકીકત તો એ છે કે આપણાં દેશમાં મોટા ભાગના કારખાનાઓ અને ફેકરીઓમાં મજૂરો માટે કામ કરવા માટે સાનુકુળ વાતાવરણ નથી હોતું. અમુક ધંધાઓમાં તો મજૂરો જીવ હાથમાં લઈને જ કામ કરતાં હોય છે. તેઓ મજૂરોની સલામતી માટે કરવું જોઈએ એના પા ભાગનું પણ રોકાણ કરતાં હોતા નથી!

    એલ.જી. પોલીમર્સ વિશાખાપટનમમાં 7 મજૂરો મૃત્યુ પામેલા, એન.ટી.પી.સી. માં 40 મજૂરો 2017માં મૃત્યુ પામેલા, શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં 43 મજૂરો મૃત્યુ પામેલા, આઈ.ઓ.સી. જયપુરમાં 12 મજૂરો મૃત્યુ પામેલા..... યાદી હજી ઘણી લાંબી છે. કામના સ્થળે મજૂરો માટે સલામતીના કાયદાઓનું ખુલ્લેઆમ કતલેઆમ થાય છે. આવા અકસ્માતો થાય ત્યારે થોડા દિવસો બધા રાડારાડ કરે છે, પણ કશું નક્કર થતું નથી. આવા નાના ધડાકાઓ તો આપણાં કાન સુધી સંભળાતા પણ નથી. જો કે આપણે તો ભોપાલ ગેસ દુર્ઘટના જેવા મોટા ધડાકાઓને પણ સાંભળી શક્યા નથી!

  આપણાં દેશમાં દર વર્ષે 48000 મજૂરો જુદી જુદી આવી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે. આવા ઘાતક અકસ્માતો થાય ત્યારે તેઓને મામૂલી વળતર આપી દેવામાં આવે છે. તેઓ વધુ વળતર માટે અવાજ ના ઉઠાવે તે માટે પોલીસ અને મજૂર ઈન્સ્પેકટર્સ દ્વારા તે લોકોના અવાજને દાબી દેવામાં આવે છે. અહી પણ સૌનો હિસ્સો નક્કી છે! કાયદાઓ છે, પણ તેનું પાલન કરવામાં છટકબારી આવી કંપનીઓ અને ફેક્ટરીઓ શોધી જ લેતી હોય છે. વળી મજૂરોના હક માટે લડવા કોઈ આગળ પણ આવતું નથી.

   2020 ના આંકડા મુજબ ભારતમાં 501 મિલિયન મજૂરો કામ કરે છે, આ બાબતે આપણે ચીન બાદ બીજા સ્થાને છીએ. શ્રમિકો વિના કોઈપણ કાર્યક્ષેત્ર ચાલુ રહી શકે એમ છે જ નહી. તેઓના વેતન બાબતે પણ ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. તેઓનું આર્થિક શોષણ પણ સૌથી વધુ થતું રહે છે. આથી તેઓના કુટુંબોને પૂરતું પોષણ અને બીજી સગવડો મળી શકતી નથી. તેઓના બાળકો વ્યવસ્થિત શિક્ષણ પણ મેળવી શકતા નથી. આર્થિક સંકટને લીધે તેઓ પણ બહુ નાની ઉંમરે કામ પર લાગી જતાં હોય છે. અકસ્માતને લીધે તો મજૂર જે તે સમયે મૃત્યુ પામે છે, પણ આર્થિક શોષણને લીધે તે રોજ રોજ મૃત્યુ પામતો રહે છે!

       આપણને મીણબત્તીઓ પ્રગટાવતા આવડે છે, પણ આવા અકસ્માતોમાં મૃત્યુ પામેલા મજૂરો માટે લડતા આવડતું નથી. ઉપર આપેલા કિસ્સાઓમાથી ક્યાં કિસ્સામાં કોઈને સજા થઈ? જેની બેદરકારીને લીધે આવું થયું તેઓને પકડવામાં આવ્યા કે નહી? અમુક સમય બાદ આપણે એ જાણવાની પણ કોશિશ કરતાં હોતા નથી. રોજ સવારે કુટુંબ માટે કાળી મજૂરી કરવા નીકળી પડતાં આ મજૂરોના હકો માટે લડી શકે એવા વ્યક્તિઓની ખાસ જરૂર છે. મજૂરો પ્રત્યેની આપણી સંવેદનાઓ જગાડવાની ખાસ જરૂર છે.

  લાઈક,કમેંટ,શેર.....

   આપણે જેટલી વસ્તુઓ વાપરીએ છીએ, જે ઘરોમાં રહીએ છીએ, તેની સજાવટમાં પસીનો મજૂરોનો જ લાગેલો છે.

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...