Thursday 9 June 2022

ઓનલાઈન ગેમ્સ, યંગ ગનરેશન અને બાળકો પોતાની જાત પર કાબૂ ગુમાવી રહ્યા છે!!!

 

 

 

 

ઓનલાઈન ગેમ્સ, યંગ ગનરેશન અને બાળકો પોતાની જાત પર કાબૂ ગુમાવી રહ્યા છે!!!

Negative Effects of Online Games to students | Stay Informed Group 

 આજે છાપામાં ઉતર-પ્રદેશનો કિસ્સો વાંચ્યો, લખનઉમાં એક પુત્રએ પોતાની માતાને ગોળી મારી મૃત્યુને શરણ કરી દીધી. કારણકે એ માતાએ તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની ના પાડી દીધી! એ લાશને તેણે ત્રણ દિવસ સુધી છુપાવી પણ રાખી! તેની નાની બહેનને કશું ના બોલવા ધમકાવ્યે રાખી! અને પછી એક ખોટી વાર્તા બનાવી પિતાજીને ફોન કર્યો કે એક ઇલેકિટ્રેશિયને અમને બંનેને અંદર પૂરી દઈ માતાને મારી નાખી! દરેક વાક્યે વાક્યે આશ્ચર્ય ચિહ્ન! ઓનલાઈન ગેમ હજી તો આવા ઘણા આશ્ચર્યો આપણી સામે લાવશે!

    સુરતની ગ્રીષ્માના કેસના ચુકાદા સમયે પણ કોર્ટે કહ્યું હતું કે યુવાનોને અને યુવતીઓને ઓનલાઇન ગેમ્સથી દૂર રાખો. આ ઝેર સમાજમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તો ઘણીવાર શાળાઓમાં ગેમ્સની ઘેલછાને લીધે વિદ્યાર્થી ભણવાનું પણ છોડી રહ્યા છે.  શેરીમાં, ગલીઓમાં, ઘરના ઓટલે બેઠા બેઠા, ઘરમાં ઓરડામાં પુરાઈને, નિશાળે ફ્રી તાસ કે રીસેસ દરમિયાન બાળકો ધૂળમાં રગદોળાવાને બદલે ઓનલાઈન ગેમ્સમાં ખૂંપીને પોતાનું જીવન રગદોળી રહ્યા છે.

     ઓનલાઈન ગેમ રમતા સમયે તેઓ એટલા મશગુલ હોય છે કે કોઈ બોલાવી રહ્યું છે, ઘરમાં કોઈ મળવા આવ્યું છે, સગા-સંબંધી ઘરે આવ્યા છે, એ પણ તેઓના ધ્યાનમાં રહેતું નથી. ઘરના સભ્યો સાથે પણ તેઓ બેસીને શાંતિથી વાત કરતાં હોતા નથી. ઘણી જગ્યાએ તો સામુહિક ગેમ-ઝોન ચાલતો હોય છે, જેમાં લાઇનમાં બધા એકસાથે બેસીને ગેમ્સ રમતા હોય છે. એક-બીજા સાથે કોમ્યુનિકેશન કરવાને બદલે તેઓ મોબાઇલની સ્ક્રીનમાં જ ચોંટેલા રહે છે. અને ઘણીવાર એમાં થતી હાર-જીત મારપીટનું અને ઝઘડાનું કારણ બની રહે છે.

    ઓનલાઈન ગેમ્સ તમામ ઉંમરના લોકોના સ્વાસ્થયને નુકસાન પહોંચાડી રહી છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને તે નબળા પાડી રહી છે. આંખને થતું નુકસાન આપણે સૌ જોઈ જ રહ્યા છીએ, એકધાર્યા બેસી રહેવાને લીધે તે કમર અને પગના દુખાવાનું કારણ બની રહી છે. અહી બાળકોને કે યુવાનોને શારીરિક કોઈ જ હલનચલન ના કરવાનું હોવાથી તેઓ એકદમ આળસુ બની રહ્યા છે. સતત સ્ક્રીન સામે રહેવાને લીધે ઘણાને નાની ઉંમરથી જ માઈગ્રેન અને માથાનો દૂ:ખાવો થઈ રહ્યો છે. તો ઘણાને સ્નાયુઓનો દુખાવો થઈ રહ્યો છે. તો વળી ઘણા યુવાનો અને યુવતીઓ આ ગેમ્સની ઘેલછામાં આખી આખી રાતના ઉજાગરા કરતાં રહે છે, જેને લીધે તેઓના શરીર અને મનને જે પોષણ મળવું જોઈએ તેની તરફ પણ જાગૃત નથી રહેતા.

   આ ગેમ્સને લીધે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થય પણ બગડી રહ્યું છે. અને એ તો શારીરિક નુકસાન કરતાં પણ વધુ ખતરનાક કક્ષાએ પહોંચી રહ્યું છે! ગુસ્સો,ચીડિયાપણું, હિંસકતા,એકલતા, હતાશા, નિરાશા આ આદતની દેન છે. આ આદતને લીધે યુવાનો પોતાની જાત પરનો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે. ઉપરના બંને કિસ્સા તેના જ ઉદાહરણો છે! તેઓને આ ગેમ્સથી દૂર રાખનાર લોકો પોતાના દુશ્મન લાગે છે!

       વળી આ આદતને લીધે તેઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. ગેમ્સની ઘેલછાને લીધે તેઓનું ધ્યાન શિક્ષણ તરફ રહેતુ જ નથી. શિક્ષણમાં એકાગ્રતાના પ્રશ્નો ઊભા થતાં રહે છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઑ આ આદતને લીધે પોતાનું કરિયાર બગાડી રહ્યા છે. તો ઘણી ગેમ્સનું કન્ટેન્ટ પણ સારું નથી હોતું. જે યુવાનોમાં થતાં સાંવેગિક ફેરફારોને ગલત દિશામાં લઈ જઇ રહ્યા છે. આ એક એવું વ્યસન છે, જે આપણી ભાવિ પેઢીને ઊધઈની જેમ અંદરથી કોરી રહ્યું છે. ખોખલું કરી રહ્યું છે.

   એક આંકડા મુજબ આપણાં દેશમાં 360 મિલિયન્સ ઓનલાઈન ગેમ યુઝર્સ છે. આ સંખ્યામાં દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ ઝડપે વધારો થઈ રહ્યો છે!  2021 ના રીપોર્ટ મુજબ આપણાં દેશમાં ઓનલાઈન ગેમ્સનું 101 બિલિયનનું બજાર છે. આ બજારમાં આપણાં યુવાનો ખર્ચાઈ રહ્યા છે. માતા-પિતા પાસે બાળઉછેરનો સમય નથી. અને તેઓ જાણ્યે-અજાણ્યે પોતાના સંતાનોને આ ગલત આદત તરફ વાળી રહ્યા છે. જે સંતાનો માટે તેઓ આટલી બધી મહેનત કરે છે,એ સંતાનો આવી ગંદી આદતના ગુલામ બનીને ગુમરાહ થઈ રહ્યા છે. તેઓને સાચા માર્ગે વાળવા આપણે સૌએ કઈક ઠોસ કદમ લેવું રહ્યું.

    આપણી ભાવિ પેઢીની શારીરિક અને માનસિક શક્તિઓને આ ઓનલાઈન ગેમ્સ ગ્રહણ લગાડી રહી છે. હવે એ લોકોને એ અંધકારમાથી પ્રકાશ તરફ આપણે જ વાળવા રહ્યા. પાસે બેસીને તેઓને સમજાવીએ કે આ સ્ક્રીનની બહાર પણ એક દુનિયા છે. તેઓને સમજાવીએ કે કેવી રીતે આ આદત તેઓને શારીરિક,માનસિક અને સાંવેગિક નુકસાન પહોંચાડી રહી છે. તેઓની લાગણીઓને સમજવાનો સમય કાઢીએ અને તેઓ માટે સમય કાઢીએ. ભટકી ગયેલા સંતાનોને સાચા માર્ગે માતા-પિતા જ વાળી શકે છે.


No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...